પહેલો કાળવૃત્તાંત
૨૯ દાઉદ રાજાએ આખી પ્રજાને* કહ્યું: “ઈશ્વરે મારા દીકરા સુલેમાનને પસંદ કર્યો છે.+ પણ તે હજુ યુવાન છે અને તેને કોઈ અનુભવ નથી.+ મંદિર* બાંધવાનું કામ ઘણું મોટું છે. એ કોઈ માણસ માટે નહિ, યહોવા ઈશ્વર માટે બાંધવાનું છે.+ ૨ ઈશ્વરનું મંદિર બાંધવાની તૈયારી કરવામાં મેં કોઈ કચાશ રાખી નથી. સોનાની વસ્તુઓ માટે સોનું, ચાંદીની વસ્તુઓ માટે ચાંદી, તાંબાની વસ્તુઓ માટે તાંબું, લોઢાની વસ્તુઓ માટે લોઢું,+ લાકડાની વસ્તુઓ માટે લાકડું,+ ગોમેદ* પથ્થરો, જડાવકામ માટે પથ્થરો, રંગબેરંગી પથ્થરો, કીમતી રત્નો અને સંગેમરમરના ઘણા પથ્થરો પૂરા પાડ્યા છે. ૩ પવિત્ર મંદિર માટે આ બધું તો હું આપું જ છું. પણ મારા ઈશ્વરના મંદિર માટેના પ્રેમને લીધે+ હું મારો સોના-ચાંદીનો ખજાનો+ પણ ખુલ્લો મૂકું છું. ૪ એટલે કે મંદિરની દીવાલો મઢવા માટે ૩,૦૦૦ તાલંત* ઓફીરનું* સોનું+ અને ૭,૦૦૦ તાલંત ચોખ્ખી ચાંદી, ૫ સોનાની વસ્તુઓ માટે સોનું અને ચાંદીની વસ્તુઓ માટે ચાંદી. કારીગરો દ્વારા કરવામાં આવતાં બધાં કામો માટે હું એ આપું છું. આજે યહોવા માટે રાજીખુશીથી ભેટ લઈને તમારામાંથી કોણ આગળ આવે છે?”+
૬ એટલે પિતાનાં કુટુંબોના આગેવાનો, ઇઝરાયેલનાં કુળોના આગેવાનો, હજાર હજારની અને સો સોની ટુકડીના મુખીઓ+ અને રાજાનો વેપાર-ધંધો સંભાળતા મુખીઓ+ રાજીખુશીથી આગળ આવ્યા. ૭ તેઓએ સાચા ઈશ્વરના મંદિરના બાંધકામ માટે આ આપ્યું: ૫,૦૦૦ તાલંત સોનું, ૧૦,૦૦૦ દારીક,* ૧૦,૦૦૦ તાલંત ચાંદી, ૧૮,૦૦૦ તાલંત તાંબું અને ૧,૦૦,૦૦૦ તાલંત લોઢું. ૮ જેઓ પાસે કીમતી રત્નો હતાં, તેઓએ એ યહોવાના મંદિરના ખજાનામાં આપ્યાં. એની સંભાળ ગેર્શોનનો+ યહીએલ+ રાખતો હતો. ૯ લોકોએ રાજીખુશીથી ભેટો આપી હોવાથી તેઓમાં આનંદ આનંદ છવાઈ ગયો. તેઓએ પૂરા દિલથી યહોવાને અર્પણો આપ્યાં હતાં.+ દાઉદની ખુશીનો પણ કોઈ પાર ન હતો.
૧૦ પછી દાઉદે બધા લોકો આગળ યહોવાનો જયજયકાર કર્યો. દાઉદે કહ્યું: “હે યહોવા અમારા પિતા, હે ઇઝરાયેલના ઈશ્વર, યુગોના યુગો સુધી તમારા ગુણગાન ગાવામાં આવે. ૧૧ હે યહોવા, તમે જ મહાન,+ ભવ્ય, શક્તિશાળી+ અને ગૌરવવાન છો. તમે જ માન-મહિમાને યોગ્ય છો.+ આકાશ અને પૃથ્વીમાં જે કંઈ છે એ તમારું જ છે.+ હે યહોવા, રાજ્ય તમારું છે.+ બધા પર તમારો જ અધિકાર છે. ૧૨ ધનદોલત અને ગૌરવ તમારી પાસેથી મળે છે.+ બધા પર તમારું રાજ છે.+ તમારા હાથમાં સત્તા+ અને તાકાત+ છે. તમારો હાથ લોકોને મોટા+ અને બળવાન બનાવે છે.+ ૧૩ હે અમારા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ગૌરવશાળી નામની સ્તુતિ કરીએ છીએ.
૧૪ “હું કોણ અને મારા લોકો કોણ કે અમે રાજીખુશીથી આવાં અર્પણો કરીએ? તમે જ બધું આપ્યું છે. તમે ઉદાર હાથે જે આપ્યું છે એમાંથી જ અમે પાછું આપીએ છીએ. ૧૫ અમારા બધા બાપદાદાઓની જેમ અમે તમારી આગળ પરદેશીઓ અને પ્રવાસીઓ છીએ.+ પડછાયાની જેમ અમારા દિવસો ઘડી બે ઘડીમાં ચાલ્યા જાય છે.+ ૧૬ હે યહોવા અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામ માટે મંદિર બાંધવા જે ધનદોલત અમે ભેગી કરી છે, એ તમે જ આપી છે અને તમારી જ છે. ૧૭ હે મારા ઈશ્વર, હું સારી રીતે જાણું છું કે તમે દિલની પરખ કરો છો.+ તમે ઈમાનદારી* જોઈને ખુશ થાઓ છો.+ મેં ખરા દિલથી* આ બધું અર્પણ કર્યું છે. અહીં હાજર તમારા લોકો રાજીખુશીથી તમને જે ભેટો આપે છે, એ જોઈને મારી ખુશી સમાતી નથી. ૧૮ હે યહોવા, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયેલના ઈશ્વર, અમારા બાપદાદાઓના ઈશ્વર, તમારા લોકોનાં દિલમાં આવી ભાવના અને આવા વિચારો સદાને માટે રહે. તેઓનાં દિલ હંમેશાં તમારી તરફ ઢળેલાં રહે.+ ૧૯ મારા દીકરા સુલેમાનને એવું દિલ આપજો કે તે પૂરા દિલથી+ તમારી ભક્તિ કરે. તે તમારી આજ્ઞાઓ, તમારાં સૂચનો અને તમારા કાયદા-કાનૂન પાળે.+ તે આ બધું કરે અને મંદિર* બાંધે, જેના માટે મેં તૈયારીઓ કરી છે.”+
૨૦ પછી દાઉદે બધા લોકોને કહ્યું: “યહોવા તમારા ઈશ્વરનો જયજયકાર કરો.” બધા લોકોએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો જયજયકાર કર્યો. યહોવા અને રાજા આગળ તેઓએ ભૂમિ સુધી નીચા વળીને નમન કર્યું. ૨૧ બીજા દિવસે પણ તેઓએ યહોવાને બલિદાનો ચઢાવ્યાં. તેઓએ યહોવાને અગ્નિ-અર્પણો પણ ચઢાવ્યાં.+ તેઓએ ૧,૦૦૦ આખલા, ૧,૦૦૦ નર ઘેટા, ઘેટાના ૧,૦૦૦ નર બચ્ચા અને તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણો* ચઢાવ્યાં.+ તેઓએ આખા ઇઝરાયેલ માટે મોટી સંખ્યામાં બલિદાનો ચઢાવ્યાં.+ ૨૨ એ દિવસે તેઓએ યહોવા આગળ ખાધું-પીધું અને ઘણી ખુશી મનાવી.+ તેઓએ દાઉદના દીકરા સુલેમાનને બીજી વાર રાજા બનાવ્યો. તેઓએ યહોવા આગળ તેનો અભિષેક કરીને આગેવાન બનાવ્યો+ અને સાદોકનો અભિષેક કરીને યાજક બનાવ્યો.+ ૨૩ સુલેમાન યહોવાની રાજગાદી પર બેઠો+ અને પોતાના પિતા દાઉદની જગ્યાએ રાજા બન્યો. તે સફળ થયો અને બધા ઇઝરાયેલીઓ તેનું કહેવું માનતા. ૨૪ બધા આગેવાનો,+ શૂરવીર યોદ્ધાઓ+ અને રાજા દાઉદના બધા દીકરાઓ+ સુલેમાન રાજાને આધીન થયા. ૨૫ યહોવાએ આખા ઇઝરાયેલની નજરમાં સુલેમાનને ઘણો મહાન બનાવ્યો. તેના રાજમાં એટલી જાહોજલાલી હતી કે જેટલી ઇઝરાયેલના બીજા કોઈ રાજાને મળી ન હતી.+
૨૬ આમ યિશાઈના દીકરા દાઉદે આખા ઇઝરાયેલ પર રાજ કર્યું. ૨૭ દાઉદે ઇઝરાયેલ પર ૪૦ વર્ષ રાજ કર્યું, હેબ્રોનમાંથી ૭ વર્ષ+ અને યરૂશાલેમમાંથી ૩૩ વર્ષ.+ ૨૮ તેણે જીવનમાં ઘણી ખુશીઓ મેળવી, ધનદોલત અને માન-સન્માન મેળવ્યાં. મોટી ઉંમરે તેનું મરણ થયું.+ તેનો દીકરો સુલેમાન તેની જગ્યાએ રાજા બન્યો.+ ૨૯ દર્શન સમજાવનાર શમુએલ, નાથાન+ પ્રબોધક અને દર્શન જોનાર ગાદનાં+ લખાણોમાં રાજા દાઉદનો શરૂઆતથી અંત સુધીનો ઇતિહાસ નોંધેલો છે. ૩૦ એ લખાણોમાં તેના રાજપાટ વિશે અને તેનાં મહાન કામો વિશે લખેલું છે. તેના સમયમાં, ઇઝરાયેલમાં અને આસપાસનાં રાજ્યોમાં બનેલા બનાવો વિશે પણ એમાં જણાવેલું છે.