પ્રેરિતોનાં કાર્યો
૧૧ હવે યહૂદિયામાંના પ્રેરિતો અને ભાઈઓએ સાંભળ્યું કે બીજી પ્રજાના લોકોએ પણ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો છે. ૨ તેથી પિતર યરૂશાલેમ આવ્યો ત્યારે, સુન્નતમાં માનનારા લોકો+ પિતરની ટીકા* કરવા લાગ્યા. ૩ તેઓએ કહ્યું: “તું એવા માણસોના ઘરે ગયો, જેઓની સુન્નત થયેલી ન હતી અને તું તેઓની સાથે જમ્યો.” ૪ ત્યારે પિતરે જે બન્યું હતું એ વિશે તેઓને બધું જણાવ્યું. તેણે કહ્યું:
૫ “હું યાફા શહેરમાં પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે, મને દર્શન થયું. એક મોટી ચાદર જેવું કંઈક* આકાશમાંથી નીચે મારી પાસે ઊતરી આવ્યું. એને ચારે ખૂણેથી પકડીને નીચે લાવવામાં આવી રહ્યું હતું.+ ૬ મેં ધ્યાનથી જોયું તો, એમાં પૃથ્વીનાં ચોપગાં પ્રાણીઓ, જંગલી જાનવરો, પેટે ચાલનારાં પ્રાણીઓ અને આકાશનાં પક્ષીઓ દેખાયાં. ૭ મેં એક અવાજ પણ સાંભળ્યો: ‘પિતર, ઊભો થા અને તેઓને મારીને ખા!’ ૮ પણ મેં કહ્યું: ‘ના મારા માલિક, બિલકુલ નહિ! મેં કદી અપવિત્ર કે અશુદ્ધ વસ્તુ ખાધી નથી.’ ૯ પછી બીજી વાર આકાશમાંથી અવાજ સંભળાયો: ‘ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે એને તું અપવિત્ર કહીશ નહિ.’ ૧૦ ત્રીજી વાર એવું જ થયું અને પછી એ બધું ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યું. ૧૧ એ જ સમયે, અમે જ્યાં રહેતા હતા એ ઘર આગળ ત્રણ માણસો આવીને ઊભા રહ્યા. તેઓને કાઈસારીઆથી મારી પાસે મોકલવામાં આવ્યા હતા.+ ૧૨ પછી પવિત્ર શક્તિએ મને કહ્યું કોઈ શંકા કર્યા વગર તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા અને અમે એ માણસના ઘરે ગયા.
૧૩ “તેણે અમને જણાવ્યું કે તેણે પોતાના ઘરમાં દૂતને ઊભેલો જોયો. એ દૂતે તેને કહ્યું: ‘યાફામાં માણસો મોકલ અને સિમોન જે પિતર કહેવાય છે તેને બોલાવ.+ ૧૪ તે તને એ વાતો જણાવશે, જેનાથી તું અને તારા ઘરના બધા લોકો તારણ મેળવી શકશો.’ ૧૫ પણ મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે, જેમ આપણા પર શરૂઆતમાં પવિત્ર શક્તિ આવી હતી, તેમ તેઓ પર પણ આવી.+ ૧૬ ત્યારે મને એ વાત યાદ આવી, જે આપણા માલિક ઘણી વાર કહેતા હતા: ‘યોહાને પાણીથી બાપ્તિસ્મા આપ્યું,+ પણ તમે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા લેશો.’+ ૧૭ તેથી આપણે માલિક ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકી હોવાથી ઈશ્વરે આપણને જે દાન આપ્યું છે, એ જ દાન તેમણે તેઓને પણ આપ્યું છે. તો પછી ઈશ્વરને અટકાવનાર હું કોણ?”*+
૧૮ આ વાત સાંભળી ત્યારે, તેઓ ચૂપ થઈ ગયા* અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “સાચે જ, ઈશ્વરે બીજી પ્રજાના લોકોને પણ પસ્તાવો કરવાની તક આપી છે, જેથી તેઓને જીવન મળે.”+
૧૯ હવે સ્તેફન સાથે જે બન્યું હતું, એનાથી ઊભી થયેલી સતાવણીને કારણે શિષ્યો વિખેરાઈ ગયા હતા.+ તેઓ છેક ફિનીકિયા, સૈપ્રસ અને અંત્યોખ સુધી ફેલાઈ ગયા હતા. પણ તેઓએ ફક્ત યહૂદીઓને જ સંદેશો જણાવ્યો હતો.+ ૨૦ જોકે, તેઓમાંથી સૈપ્રસ અને કુરેનીના અમુક શિષ્યો અંત્યોખ ગયા અને ગ્રીક બોલતા લોકોને માલિક ઈસુ વિશેની ખુશખબર જાહેર કરવા લાગ્યા. ૨૧ વધુમાં, યહોવાનો* હાથ તેઓ પર હતો અને ઘણી મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધા બતાવીને માલિક ઈસુ તરફ ફર્યા.+
૨૨ તેઓ વિશેના સમાચાર યરૂશાલેમના મંડળે સાંભળ્યા અને તેઓએ બાર્નાબાસને+ છેક અંત્યોખ સુધી મોકલ્યો. ૨૩ તેણે ત્યાં જઈને ઈશ્વરની અપાર કૃપા નજરે જોઈ ત્યારે, તે ઘણો ખુશ થયો. તેણે બધાને ઉત્તેજન આપ્યું કે તેઓ પૂરા દિલથી માલિકને વફાદાર રહે,+ ૨૪ કેમ કે તે સારો માણસ હતો અને પવિત્ર શક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હતો. ઘણા લોકોએ માલિકમાં શ્રદ્ધા મૂકી.+ ૨૫ એટલે તે તાર્સસ ગયો, જેથી દરેક જગ્યાએ શાઉલને શોધી શકે.+ ૨૬ શાઉલને શોધી કાઢ્યા પછી, બાર્નાબાસ તેને અંત્યોખ લઈ આવ્યો. તેઓ આખું વર્ષ મંડળ સાથે ભેગા મળતા રહ્યા અને ઘણા લોકોને શીખવતા રહ્યા. ઈશ્વરના માર્ગદર્શનથી સૌથી પહેલી વાર શિષ્યો અંત્યોખમાં ખ્રિસ્તીઓ* કહેવાયા.+
૨૭ એ દિવસોમાં, પ્રબોધકો+ યરૂશાલેમથી અંત્યોખ આવ્યા. ૨૮ તેઓમાંનો એક આગાબાસ+ હતો. તેણે પવિત્ર શક્તિની મદદથી ભવિષ્યવાણી કરી કે આખી પૃથ્વી પર ભયંકર દુકાળ પડવાનો છે.+ હકીકતમાં, ક્લોદિયસના સમયમાં એવું થયું પણ ખરું. ૨૯ તેથી શિષ્યોએ યહૂદિયામાં રહેતા ભાઈઓને પોતાનાથી બની શકે એટલી રાહત* મોકલી આપવાનું નક્કી કર્યું.+ ૩૦ તેઓએ એ રાહત બાર્નાબાસ અને શાઉલના હાથે ત્યાંના વડીલોને મોકલી આપી.+