કોરીંથીઓને પહેલો પત્ર
૧૨ હવે ભાઈઓ, હું નથી ચાહતો કે ઈશ્વર પાસેથી મળતાં દાનો*+ વિશે તમે અજાણ રહો. ૨ તમે જાણો છો કે તમે શ્રદ્ધા મૂકી એ પહેલાં તમને ભમાવવામાં આવ્યા હતા, તમે મૂંગી મૂર્તિઓને ભજતા હતા અને એની પાછળ પાછળ ચાલતા હતા.+ ૩ હવે હું તમને સમજાવવા ચાહું છું કે ઈશ્વરની શક્તિથી બોલનાર માણસ આમ કહેતો નથી: “ઈસુ શ્રાપિત છે!” અને પવિત્ર શક્તિ વગર કોઈ માણસ કહી શકતો નથી: “ઈસુ માલિક છે!”+
૪ ખરું કે દાનો અલગ અલગ પ્રકારનાં હોય છે, પણ પવિત્ર શક્તિ તો એક જ છે.+ ૫ સેવાઓ જુદા જુદા પ્રકારની હોય છે,+ પણ માલિક તો એક જ છે. ૬ કામો* અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર તો એક જ છે, જે બધાને એ કામો કરવા મદદ કરે છે.+ ૭ ઈશ્વરની શક્તિ દરેક પર જે રીતે કામ કરે છે, એનાથી સાફ દેખાઈ આવે છે કે એનો હેતુ બધાને મદદ કરવાનો છે.+ ૮ કેમ કે પવિત્ર શક્તિ દ્વારા કોઈને બુદ્ધિથી ભરેલી વાતો* કહેવાનું દાન, તો કોઈને જ્ઞાનની વાતો કહેવાનું દાન મળ્યું છે. ૯ એ જ શક્તિથી કોઈને શ્રદ્ધા બતાવવાનું દાન,+ તો કોઈને સાજા કરવાનું દાન+ મળ્યું છે. ૧૦ કોઈને ચમત્કાર કરવાનું દાન,+ કોઈને ભવિષ્યવાણી કરવાનું દાન, કોઈને પ્રેરિત વચનો પારખવાનું દાન,+ કોઈને જુદી જુદી ભાષાઓ* બોલવાનું દાન+ અને કોઈને ભાષાંતર કરવાનું દાન+ મળ્યું છે. ૧૧ આમ, એક જ પવિત્ર શક્તિ દ્વારા આ બધાં કામો કરવામાં આવે છે અને એ શક્તિ ચાહે એને દાન વહેંચી આપે છે.
૧૨ શરીર એક છે પણ અંગો ઘણાં છે. શરીરનાં અંગો અનેક હોવા છતાં શરીર એક જ છે.+ એવું જ ખ્રિસ્તનું શરીર પણ છે. ૧૩ ભલે આપણે યહૂદી હોઈએ કે ગ્રીક, ગુલામ હોઈએ કે આઝાદ, પવિત્ર શક્તિથી આપણે બધાએ એક જ શરીરમાં બાપ્તિસ્મા લીધું છે અને બધાને એક જ શક્તિ મળી છે.
૧૪ શરીર ફક્ત એક અંગથી નહિ, પણ ઘણાં અંગોથી બનેલું છે.+ ૧૫ જો પગ કહે, “હું હાથ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,” તો શું એનો અર્થ એવો થાય કે એ હવે શરીરનો ભાગ નથી. ૧૬ જો કાન કહે, “હું આંખ નથી, એટલે હું શરીરનો ભાગ નથી,” તો શું એનો અર્થ એવો થાય કે એ હવે શરીરનો ભાગ નથી. ૧૭ જો આખું શરીર આંખ હોય, તો સંભળાય કઈ રીતે? જો આખું શરીર કાન હોય, તો સૂંઘાય કઈ રીતે? ૧૮ પણ ઈશ્વરે પોતાની મરજી પ્રમાણે શરીરના દરેક અંગને પોતપોતાની જગ્યાએ ગોઠવ્યું છે.
૧૯ જો એ બધા એક જ અંગ હોય, તો શું એને શરીર કહેવાય? ૨૦ હવે અંગો ઘણાં છે, પણ શરીર એક છે. ૨૧ આંખ હાથને કહી શકતી નથી, “મને તારી જરૂર નથી,” અથવા માથું પગને કહી શકતું નથી, “મને તારી જરૂર નથી.” ૨૨ એના બદલે, શરીરનાં નાજુક લાગતાં અંગો ખરેખર મહત્ત્વનાં છે. ૨૩ શરીરના જે ભાગો આપણને ઓછા માનપાત્ર લાગે છે, એને આપણે ઢાંકીને માન આપીએ છીએ.+ આમ, શરીરના સુંદર ન લાગતા ભાગોને મર્યાદાથી ઢાંકીને આપણે તેઓને વધારે માન આપીએ છીએ. ૨૪ શરીરના સુંદર ભાગોને કશાની જરૂર નથી. તોપણ, ઈશ્વરે શરીરની એવી રચના કરી છે કે જે ભાગને ઓછું માન મળે છે એને વધારે માન આપવામાં આવે, ૨૫ જેથી શરીરમાં ભાગલા ન પડે અને એનાં અંગો અરસપરસ એકબીજાની સંભાળ રાખે.+ ૨૬ જો એક અંગ દુઃખી થાય, તો બીજાં બધાં અંગો એની સાથે દુઃખી થાય છે.+ જો એક અંગને માન મળે, તો બીજાં બધાં અંગોને એની સાથે ખુશી થાય છે.+
૨૭ તમે ખ્રિસ્તનું શરીર છો+ અને તમે તેમના શરીરનાં જુદા જુદા અંગો છો.+ ૨૮ ઈશ્વરે મંડળમાં દરેકને પોતપોતાની જગ્યાએ નીમ્યા છે: પહેલા પ્રેરિતો,+ બીજા પ્રબોધકો,*+ ત્રીજા શિક્ષકો,+ અને પછી ચમત્કાર કરનારા,+ સાજા કરવાનું દાન ધરાવનારા,+ મદદ કરનારા, આગેવાની લેનારા+ અને જુદી જુદી ભાષાઓ બોલનારા.+ ૨૯ શું બધા લોકો પ્રેરિતો છે? શું બધા લોકો પ્રબોધકો છે? શું બધા લોકો શિક્ષકો છે? શું બધા લોકો ચમત્કારો કરે છે? ૩૦ શું બધા લોકો પાસે સાજા કરવાનું દાન છે? શું બધા લોકો બીજી ભાષાઓ બોલે છે?+ શું બધા લોકો ભાષાંતર કરનારા* છે?+ ૩૧ તમે વધારે સારાં દાનો મેળવવા સખત પ્રયત્ન કરો.*+ હવે હું તમને આ બધાથી ચઢિયાતો માર્ગ બતાવીશ.+