માર્ક
૧૫ પરોઢ થઈ કે તરત જ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ, એટલે કે આખી યહૂદી ન્યાયસભાએ ભેગા મળીને વાત કરી. તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધા.+ ૨ પછી પિલાતે ઈસુને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?”+ તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૩ પણ મુખ્ય યાજકો તેમના પર જાતજાતના આરોપો મૂકતા હતા. ૪ પિલાતે ફરીથી તેમને પૂછ્યું: “શું તારે કંઈ જવાબ આપવો નથી?+ જો તારી વિરુદ્ધ તેઓ કેટલા બધા આરોપો મૂકે છે.”+ ૫ પણ ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ, એટલે પિલાતને નવાઈ લાગી.+
૬ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો પિલાતને કોઈ પણ એક કેદીને છોડી મૂકવાની અરજ કરે અને પિલાત તેને છોડી મૂકે.+ ૭ એ સમયે બારાબાસ નામનો એક માણસ બીજા અમુક લોકો સાથે કેદમાં હતો. તેઓ બધાએ સરકાર વિરુદ્ધ બળવો કર્યો હતો અને ખૂન કર્યું હતું. ૮ હવે ટોળું પિલાત પાસે આવ્યું અને અરજ કરવા લાગ્યું કે તે પોતાના રિવાજ પ્રમાણે તેઓ માટે જે કરતો હતો એ કરે. ૯ તેણે કહ્યું: “શું તમે ચાહો છો કે હું યહૂદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?”+ ૧૦ પિલાત જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે ઈસુને તેના હાથમાં સોંપી દીધા છે.+ ૧૧ પણ મુખ્ય યાજકોએ ટોળાને એવી માંગણી કરવા ઉશ્કેર્યું કે તે ઈસુને બદલે બારાબાસને છોડી દે.+ ૧૨ પિલાતે ફરીથી તેઓને પૂછ્યું: “તો પછી તમે જેને યહૂદીઓનો રાજા કહો છો તેનું હું શું કરું?”+ ૧૩ તેઓએ ફરીથી બૂમો પાડી: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૧૪ પિલાતે પૂછ્યું: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” પણ તેઓ મોટેથી બૂમો પાડતા રહ્યા: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૧૫ પિલાતે લોકોને સંતોષ થાય એ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+
૧૬ સૈનિકો તેમને રાજ્યપાલના ઘરના આંગણામાં લઈ ગયા અને તેઓએ બધા સૈનિકોને ભેગા કર્યા.+ ૧૭ તેઓએ તેમને જાંબુડિયા રંગનો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો. ૧૮ તેઓ મશ્કરી કરીને કહેવા લાગ્યા: “હે યહૂદીઓના રાજા, સલામ!”*+ ૧૯ તેઓ સોટી લઈને તેમના માથા પર મારતા હતા અને તેમના પર થૂંકતા હતા. તેઓ ઘૂંટણિયે પડીને તેમને નમન કરતા હતા. ૨૦ તેઓની મજાક પૂરી થઈ ત્યારે તેઓએ તેમના પરથી જાંબુડિયા રંગનો ઝભ્ભો કાઢી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા.+ ૨૧ તેઓએ ત્યાંથી પસાર થતા એક માણસને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી. તે કુરેની શહેરનો સિમોન હતો અને સીમમાંથી આવતો હતો. તે એલેકઝાંડર અને રૂફસનો પિતા હતો.+
૨૨ પછી તેઓ ઈસુને ગલગથા નામની જગ્યાએ લઈ આવ્યા, જેનો અર્થ થાય, “ખોપરીની જગ્યા.”+ ૨૩ અહીં તેઓએ તેમને નશીલો કડવો રસ* ભેળવેલો દ્રાક્ષદારૂ આપવાનો પ્રયત્ન કર્યો,+ પણ તેમણે એ પીધો નહિ. ૨૪ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા અને તેમનાં કપડાં વહેંચી લીધાં. એ માટે તેઓએ ચિઠ્ઠીઓ* નાખીને નક્કી કર્યું કે કોણ શું લેશે.+ ૨૫ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા ત્યારે સવારના નવેક વાગ્યા હતા.* ૨૬ તેમના પર મુકાયેલા આરોપની આ તકતી હતી: “યહૂદીઓનો રાજા.”+ ૨૭ તેમની આસપાસ બે લુટારાને પણ વધસ્તંભે જડવામાં આવ્યા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૨૮ *— ૨૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ “અરે, તું તો મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ ૩૦ હવે વધસ્તંભ પરથી નીચે ઊતરીને પોતાને બચાવ.” ૩૧ શાસ્ત્રીઓ સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી!+ ૩૨ ઇઝરાયેલનો રાજા, ખ્રિસ્ત હમણાં વધસ્તંભ પરથી નીચે આવે, જેથી અમે જોઈએ અને શ્રદ્ધા મૂકીએ.”+ જેઓને તેમની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરવા લાગ્યા.+
૩૩ પછી બપોરના બારેક વાગ્યાથી* ત્રણેક વાગ્યા* સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું.+ ૩૪ બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એનો અર્થ થાય, “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”+ ૩૫ એ સાંભળીને પાસે ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “જુઓ! તે એલિયાને બોલાવે છે.” ૩૬ એટલે કોઈ દોડીને ગયો અને વાદળી* લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી. એ તેણે લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપીને+ કહ્યું: “ચાલો જોઈએ કે એલિયા તેને નીચે ઉતારવા આવે છે કે નહિ.” ૩૭ પણ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+ ૩૮ મંદિરનો* પડદો+ ઉપરથી નીચે સુધી ફાટીને બે ભાગ થઈ ગયો.+ ૩૯ ઈસુના મરણ વખતે જે કંઈ બન્યું હતું એ જોઈને, તેમની સામે ઊભેલા લશ્કરી અધિકારીએ કહ્યું: “ખરેખર આ માણસ ઈશ્વરનો દીકરો હતો!”+
૪૦ ત્યાં સ્ત્રીઓ પણ દૂરથી જોઈ રહી હતી. તેઓમાં મરિયમ માગદાલેણ, નાના* યાકૂબની ને યોસેની મા મરિયમ અને શલોમી હતી.+ ૪૧ ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની સાથે રહીને તેમની સેવા કરતી હતી.+ બીજી ઘણી સ્ત્રીઓ પણ હતી, જેઓ તેમની સાથે યરૂશાલેમથી આવી હતી.
૪૨ મોડી બપોર થઈ ચૂકી હતી અને એ પાસ્ખાની તૈયારીનો દિવસ, એટલે કે સાબ્બાથની આગળનો દિવસ હતો. ૪૩ અરિમથાઈનો યૂસફ આવ્યો, જે ધર્મસભાનો* માનનીય સભ્ય હતો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. તે હિંમત કરીને પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું.+ ૪૪ પણ ઈસુનું આટલું જલદી મરણ થયું છે એ જાણીને પિલાતને નવાઈ લાગી. એટલે તેણે લશ્કરી અધિકારીને બોલાવીને પૂછ્યું કે તેમનું ખરેખર મરણ થયું છે કે નહિ. ૪૫ લશ્કરી અધિકારી પાસેથી ખાતરી કરી લીધા પછી તેણે યૂસફને શબ લઈ જવાની મંજૂરી આપી. ૪૬ યૂસફ બારીક શણનું કાપડ ખરીદી લાવ્યો. પછી તેણે તેમને નીચે ઉતાર્યા અને બારીક શણના કાપડમાં વીંટાળીને કબરમાં મૂક્યા,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. તેણે કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવી દીધો.+ ૪૭ પણ મરિયમ માગદાલેણ અને યોસેની મા મરિયમ, ઈસુને જ્યાં મૂકવામાં આવ્યા હતા એ જગ્યા જોયા કરતી હતી.+