માથ્થી
૧૪ એ સમયે જિલ્લા અધિકારી* હેરોદે ઈસુ વિશે સાંભળ્યું.+ ૨ તેણે પોતાના સેવકોને કહ્યું: “એ બાપ્તિસ્મા આપનાર યોહાન છે, જેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે. એટલે તે આવાં શક્તિશાળી કામો કરે છે.”+ ૩ હેરોદે* પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+ ૪ એ માટે કે યોહાન હેરોદને આમ કહેતો હતો: “તેં હેરોદિયાને પત્ની બનાવી છે એ યોગ્ય નથી.”+ ૫ હેરોદ યોહાનને મારી નાખવા ચાહતો હતો. પણ તે લોકોથી બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક માનતા હતા.+ ૬ હવે હેરોદનો જન્મદિવસ+ આવ્યો. એની ઉજવણીમાં હેરોદિયાની દીકરી નાચી અને તેણે હેરોદને ઘણો ખુશ કર્યો.+ ૭ હેરોદે સમ ખાઈને વચન આપ્યું કે તે જે કંઈ માંગે એ તેને આપશે. ૮ એ છોકરી પોતાની માના સમજાવ્યા પ્રમાણે બોલી: “બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું મને થાળમાં આપો.”+ ૯ રાજા ખૂબ દુઃખી થયો. પણ તેણે મહેમાનો આગળ આપેલા વચનને લીધે એ છોકરીની માંગ પૂરી કરવાનો હુકમ કર્યો. ૧૦ તેણે સૈનિક મોકલીને કેદમાં યોહાનનું માથું કાપી નંખાવ્યું. ૧૧ યોહાનનું માથું થાળમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું અને તે પોતાની મા પાસે એ લઈ ગઈ. ૧૨ ત્યાર બાદ યોહાનના શિષ્યો આવીને તેનું શબ લઈ ગયા અને તેને દફનાવ્યો. પછી તેઓ ઈસુ પાસે ગયા અને તેમને જાણ કરી. ૧૩ એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં એવી જગ્યાએ ગયા, જ્યાં એકલા રહી શકે. પણ એની જાણ થતા લોકો શહેરોમાંથી ચાલતાં ચાલતાં તેમની પાછળ ગયા.+
૧૪ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે તેમણે મોટું ટોળું જોયું. તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું+ અને તેઓમાંના બીમાર લોકોને તેમણે સાજા કર્યા.+ ૧૫ સાંજ ઢળી ગઈ ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે. લોકોને વિદાય આપો, જેથી તેઓ ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૧૬ ઈસુએ કહ્યું: “તેઓએ જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો.” ૧૭ શિષ્યોએ કહ્યું: “અહીં અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી સિવાય કંઈ નથી.” ૧૮ ઈસુએ કહ્યું: “એ મારી પાસે લાવો.” ૧૯ તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા કરી. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને વહેંચી આપી. ૨૦ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૨૧ ખાનારાઓમાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં.+ ૨૨ ઈસુએ જરાય મોડું કર્યા વગર શિષ્યોને પોતાની આગળ હોડીમાં સામે કિનારે જવા કહ્યું. પછી તેમણે લોકોને વિદાય કર્યા.+
૨૩ લોકોને વિદાય કર્યા પછી, ઈસુ એકલા પ્રાર્થના કરવા પહાડ પર ગયા.+ રાત પડી ગઈ હોવા છતાં, તે ત્યાં એકલા હતા. ૨૪ ત્યાં સુધીમાં તો શિષ્યોની હોડી કિનારાથી ઘણે દૂર* નીકળી ગઈ હતી. સામો પવન હોવાને લીધે હોડી મોજાઓમાં સપડાઈ ગઈ હતી. ૨૫ પણ રાતના ચોથા પહોરે* ઈસુ સરોવર પર ચાલીને તેઓ પાસે આવ્યા. ૨૬ તેમને સરોવરના પાણી પર ચાલતા જોઈને શિષ્યો ગભરાઈ ગયા. તેઓએ કહ્યું, “આ સપનું છે કે શું?” તેઓ ડરના માર્યા બૂમો પાડવા લાગ્યા. ૨૭ ઈસુએ તરત જ તેઓને કહ્યું: “હિંમત રાખો! ડરો નહિ, એ તો હું છું.”+ ૨૮ પિતરે તેમને કહ્યું: “માલિક, જો એ તમે હો તો આજ્ઞા કરો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” ૨૯ તેમણે કહ્યું, “આવ!” એટલે પિતર હોડીમાંથી ઊતર્યો અને પાણી પર ચાલીને ઈસુ તરફ જવા લાગ્યો. ૩૦ પણ વાવાઝોડું જોઈને પિતર બી ગયો. તે ડૂબવા લાગ્યો ત્યારે પોકારી ઊઠ્યો: “માલિક, મને બચાવો!” ૩૧ ઈસુએ તરત જ હાથ લંબાવીને તેને પકડી લીધો અને કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળા, તેં શંકા કેમ કરી?”+ ૩૨ તેઓ હોડીમાં ચઢી ગયા પછી, વાવાઝોડું શાંત પડી ગયું. ૩૩ જેઓ હોડીમાં હતા તેઓ ઈસુની આગળ ઘૂંટણિયે પડ્યા અને કહ્યું: “તમે સાચે જ ઈશ્વરના દીકરા છો!” ૩૪ તેઓ સામે પાર ગન્નેસરેતને કિનારે પહોંચ્યા.+
૩૫ એ જગ્યાના લોકોએ ઈસુને ઓળખી કાઢ્યા અને આસપાસના બધા વિસ્તારોમાં ખબર મોકલી. જેઓ બીમાર હતા, એ બધાને લોકો તેમની પાસે લાવ્યા. ૩૬ બીમાર લોકોએ ઈસુને વિનંતી કરી કે તે ફક્ત તેમના ઝભ્ભાની કોરને અડકવા દે.+ જેઓ એને અડકતા, તેઓ બધા એકદમ સાજા થઈ જતા.