માર્ક
૧૩ તે મંદિરમાંથી બહાર જતા હતા ત્યારે, એક શિષ્યે તેમને કહ્યું: “ગુરુજી, જુઓ! કેવાં સુંદર પથ્થરો અને બાંધકામો!”+ ૨ પણ ઈસુએ કહ્યું: “તું જે મોટાં બાંધકામો જુએ છે, એનો એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+
૩ પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠા, જ્યાંથી સામે મંદિર દેખાતું હતું. ત્યાં પિતર, યાકૂબ, યોહાન અને આંદ્રિયાએ તેમને એકાંતમાં પૂછ્યું: ૪ “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? એ બધાના અંતની નિશાની શું હશે?”+ ૫ ઈસુ તેઓને કહેવા લાગ્યા: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૬ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું’ અને ઘણાને ભમાવશે. ૭ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળો ત્યારે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+
૮ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ધરતીકંપો થશે અને ખોરાકની અછત પડશે.+ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.+
૯ “તમે પોતાના વિશે સાવધ રહો. લોકો તમને અદાલતોને* સોંપી દેશે+ અને તમને સભાસ્થાનોમાં મારવામાં આવશે.+ મારા લીધે તમને રાજ્યપાલો અને રાજાઓ સામે ઊભા કરવામાં આવશે, જેથી તેઓને સાક્ષી મળે.+ ૧૦ બધા દેશોમાં પહેલા ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.+ ૧૧ જ્યારે તેઓ તમને અદાલતમાં લઈ જાય, ત્યારે પહેલેથી ચિંતા ન કરશો કે અમે શું કહીશું. એ સમયે પવિત્ર શક્તિ જે જણાવે એ બોલજો, કેમ કે બોલનાર તમે નહિ પણ પવિત્ર શક્તિ છે.+ ૧૨ ભાઈ ભાઈને અને પિતા બાળકને મારી નંખાવશે. બાળકો પોતાનાં માબાપ સામે થશે અને તેઓને મારી નંખાવશે.+ ૧૩ તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે*+ તેનો જ ઉદ્ધાર થશે.+
૧૪ “તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને એવી જગ્યાએ ઊભેલી જોશો,+ જ્યાં એણે ન હોવું જોઈએ (વાચકે સમજવા ધ્યાન આપવું). એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ ૧૫ જે માણસ ધાબા પર હોય, તેણે નીચે ન ઊતરવું કે કંઈ પણ લેવા ઘરમાં ન જવું. ૧૬ જે માણસ ખેતરમાં હોય તેણે પોતાની વસ્તુઓ કે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૭ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે!+ ૧૮ પ્રાર્થના કરતા રહો કે શિયાળામાં એવું ન બને, ૧૯ કેમ કે એ દિવસો વિપત્તિના દિવસો હશે.+ ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી એવી વિપત્તિ થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.+ ૨૦ જો એ દિવસો યહોવા* ઓછા ન કરે તો કોઈ જ બચશે નહિ. પણ ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને લીધે તે એ દિવસો ઓછા કરશે.+
૨૧ “જો કોઈ તમને કહે કે ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’ અથવા ‘જુઓ! તે ત્યાં છે,’ તો એ માનતા નહિ.+ ૨૨ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો ઊભા થશે.+ લોકોને ભમાવવા તેઓ ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે! ૨૩ એટલે તમે સાવધ રહો.+ મેં તમને બધી વાતો પહેલેથી જણાવી છે.
૨૪ “પણ એ દિવસોમાં વિપત્તિ પછી સૂર્ય અંધકારમય બની જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે.+ ૨૫ આકાશમાંથી તારાઓ ખરી પડશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે. ૨૬ પછી તેઓ માણસના દીકરાને+ પુષ્કળ શક્તિ અને ગૌરવ સાથે વાદળો પર આવતો જોશે.+ ૨૭ ત્યાર બાદ તે દૂતોને મોકલશે અને પૃથ્વીના છેડાથી આકાશના છેડા સુધી ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.+
૨૮ “હવે અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એનાં પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે.+ ૨૯ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે.+ ૩૦ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ.+ ૩૧ આકાશ અને પૃથ્વી નાશ પામશે,+ પણ મારા શબ્દો કાયમ ટકશે.+
૩૨ “એ દિવસ અથવા એ ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.+ ૩૩ સાવધ રહો અને જાગતા રહો,+ કારણ કે તમે જાણતા નથી કે નક્કી કરેલો સમય ક્યારે આવશે.+ ૩૪ એ પરદેશ જતા એક માણસ જેવું છે, જેણે ઘર છોડતી વખતે પોતાના ચાકરોને અધિકાર સોંપ્યો.+ તેણે દરેકને કામ આપ્યું અને દરવાનને જાગતા રહેવાની આજ્ઞા કરી.+ ૩૫ એટલે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ઘરનો માલિક ક્યારે આવશે,+ મોડી સાંજે કે મધરાતે કે પરોઢ થતાં પહેલાં* કે વહેલી સવારે.+ ૩૬ એવું ન થાય કે તે અચાનક આવે ત્યારે તમને ઊંઘતા જુએ.+ ૩૭ પણ હું તમને જે કહું છું, એ બધાને કહું છું: જાગતા રહો!”+