હઝકિયેલ
૪૮ “કુળોનાં નામ પ્રમાણે, ઉત્તરના છેડાથી શરૂ કરીને આ રીતે ભાગ પાડવામાં આવ્યા: એક ભાગ દાનનો,+ જેની હદ હેથ્લોનના રસ્તાથી છેક લીબો-હમાથ*+ સુધી જાય છે. એ ત્યાંથી ઉત્તરે દમસ્કની સરહદ સુધી, એટલે કે હસાર-એનાન સુધી અને હમાથની+ બાજુના વિસ્તાર સુધી જાય છે. એ ભાગ પૂર્વથી પશ્ચિમ સુધીનો છે. ૨ દાનની દક્ષિણ બાજુની સરહદે આશેરનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૩ આશેરની દક્ષિણ બાજુની સરહદે નફતાલીનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૪ નફતાલીની દક્ષિણ બાજુની સરહદે મનાશ્શાનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૫ મનાશ્શાની દક્ષિણ બાજુની સરહદે એફ્રાઈમનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૬ એફ્રાઈમની દક્ષિણ બાજુની સરહદે રૂબેનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૭ રૂબેનની દક્ષિણ બાજુની સરહદે યહૂદાનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૮ યહૂદાની દક્ષિણ બાજુની સરહદે પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી તમારે દાન માટેની જમીન રાખવી, જે ૨૫,૦૦૦ હાથ* પહોળી હોય.+ એની લંબાઈ પણ એટલી જ હોય, જેટલી પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી બીજાં કુળોના ભાગોની છે. એની વચ્ચે મંદિર હશે.
૯ “યહોવા માટે દાન તરીકે જે જમીન અલગ કરવાની છે, એ ૨૫,૦૦૦ હાથ લાંબી અને ૧૦,૦૦૦ હાથ પહોળી હોય. ૧૦ યાજકો માટે એ પવિત્ર દાન થશે.+ એનું માપ ઉત્તરે ૨૫,૦૦૦ હાથ, પશ્ચિમે ૧૦,૦૦૦ હાથ, પૂર્વે ૧૦,૦૦૦ હાથ અને દક્ષિણે ૨૫,૦૦૦ હાથ હશે. યહોવાનું મંદિર એની વચમાં હશે. ૧૧ પવિત્ર યાજકો, એટલે કે સાદોકના દીકરાઓ+ માટે એ હશે. જ્યારે ઇઝરાયેલીઓ અને લેવીઓ મારા માર્ગમાંથી ભટકી ગયા,+ ત્યારે પણ એ યાજકોએ મારા માટેની જવાબદારીઓ ઉપાડી હતી. ૧૨ દાન માટેની જમીનમાં તેઓને ભાગ મળશે, જે સૌથી પવિત્ર જગ્યા તરીકે અલગ કરાયેલો છે. એ ભાગ લેવીઓની સરહદની બાજુમાં હશે.
૧૩ “યાજકોના વિસ્તારની બાજુમાં જ લેવીઓને ભાગ મળશે, જે ૨૫,૦૦૦ હાથ લાંબો અને ૧૦,૦૦૦ હાથ પહોળો હશે. (જમીનની લંબાઈ ૨૫,૦૦૦ હાથ અને પહોળાઈ ૧૦,૦૦૦ હાથ હશે.) ૧૪ આ સૌથી સારી જગ્યાનો ભાગ તેઓએ વેચવો નહિ, બીજા કોઈને આપવો નહિ કે એની અદલા-બદલી કરવી નહિ. આ જમીન યહોવાની નજરમાં પવિત્ર છે.
૧૫ “૨૫,૦૦૦ હાથ જમીનની હદને અડીને બાકી રહેલી ૫,૦૦૦ હાથ પહોળી જમીન લોકોના વપરાશ માટે થશે.+ એમાં રહેવાની અને ચરાવવાની જગ્યા પણ હશે. એ જમીનની વચ્ચે શહેર હશે.+ ૧૬ શહેરનું માપ આ પ્રમાણે છે: ઉત્તરની સરહદ ૪,૫૦૦ હાથ, દક્ષિણની સરહદ ૪,૫૦૦ હાથ, પૂર્વની સરહદ ૪,૫૦૦ હાથ અને પશ્ચિમની સરહદ ૪,૫૦૦ હાથ. ૧૭ શહેરની ચારે બાજુએ ચરાવવાની જગ્યા હશે: ઉત્તરે ૨૫૦ હાથ, દક્ષિણે ૨૫૦ હાથ, પૂર્વે ૨૫૦ હાથ અને પશ્ચિમે ૨૫૦ હાથ.
૧૮ “બાકીના ભાગની લંબાઈ પવિત્ર દાનની જમીન જેટલી હશે,+ પૂર્વમાં ૧૦,૦૦૦ હાથ અને પશ્ચિમમાં ૧૦,૦૦૦ હાથ. એ પવિત્ર દાન જેટલી હશે અને એની ઊપજ શહેરમાં સેવા આપનારા લોકો માટે ખોરાક પૂરો પાડશે. ૧૯ શહેરમાં સેવા આપતા ઇઝરાયેલનાં બધાં કુળોના લોકો એ જમીન ખેડશે.+
૨૦ “દાન માટેની પૂરેપૂરી જમીન ચોરસ હશે, ચારે બાજુથી ૨૫,૦૦૦ હાથ હશે. તમારે એ પવિત્ર દાન તરીકે અલગ રાખવી, જેમાં શહેર પણ હશે.
૨૧ “પવિત્ર દાનની અને શહેરની બંને બાજુનો બાકીનો ભાગ આગેવાનનો હશે.+ દાન માટેની જમીન ૨૫,૦૦૦ હાથ હશે, જેની પૂર્વ અને પશ્ચિમની હદને અડીને આગેવાનનો ભાગ હશે. એ ભાગ લંબાઈમાં આજુબાજુનાં કુળોના ભાગ જેટલો હશે અને એ આગેવાનનો થશે. પવિત્ર દાન અને મંદિરનું પવિત્ર સ્થાન એની વચ્ચે હશે.
૨૨ “આગેવાનના ભાગની વચ્ચે લેવીઓનો ભાગ અને શહેરનો ભાગ હશે. આગેવાનનો વિસ્તાર યહૂદાની હદ+ અને બિન્યામીનની હદ વચ્ચે હશે.
૨૩ “બાકીનાં કુળોની જમીન આ પ્રમાણે હશે: બિન્યામીનનો ભાગ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી.+ ૨૪ બિન્યામીનની દક્ષિણ બાજુની સરહદે શિમયોનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૫ શિમયોનની દક્ષિણ બાજુની સરહદે ઇસ્સાખારનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૬ ઇસ્સાખારની દક્ષિણ બાજુની સરહદે ઝબુલોનનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી.+ ૨૭ ઝબુલોનની દક્ષિણ બાજુની સરહદે ગાદનો ભાગ,+ પૂર્વની હદથી પશ્ચિમની હદ સુધી. ૨૮ ગાદની દક્ષિણની સરહદ તામારથી+ મરીબોથ-કાદેશના પાણી સુધી.+ ત્યાંથી એ વહેળા*+ તરફ અને પછી છેક મોટા સમુદ્ર* સુધી જાય છે.
૨૯ “આ દેશ તમારે ઇઝરાયેલનાં કુળોને વારસા તરીકે વહેંચી આપવો+ અને એ તેઓના ભાગ હશે,”+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૩૦ “શહેરમાંથી નીકળવાના આ દરવાજા હશે: ઉત્તર તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ.+
૩૧ “શહેરના દરવાજાનાં નામ ઇઝરાયેલનાં કુળો પ્રમાણે હશે. ઉત્તર તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો રૂબેનનો, એક યહૂદાનો અને એક લેવીનો.
૩૨ “પૂર્વ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજાઓમાં એક દરવાજો યૂસફનો, એક બિન્યામીનનો અને એક દાનનો.
૩૩ “દક્ષિણ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો શિમયોનનો, એક ઇસ્સાખારનો અને એક ઝબુલોનનો.
૩૪ “પશ્ચિમ તરફની લંબાઈ ૪,૫૦૦ હાથ. એ તરફના ત્રણ દરવાજામાં એક દરવાજો ગાદનો, એક આશેરનો અને એક નફતાલીનો.
૩૫ “શહેરની ચારે બાજુનું કુલ માપ ૧૮,૦૦૦ હાથ હશે. હવેથી એ શહેર આ નામથી ઓળખાશે, ‘યહોવા ત્યાં છે.’”+