હઝકિયેલ
૩૬ “હે માણસના દીકરા, ઇઝરાયેલના પર્વતો વિશે તું ભવિષ્યવાણી કરીને કહે, ‘ઓ ઇઝરાયેલના પર્વતો, યહોવાનો સંદેશો સાંભળો. ૨ વિશ્વના માલિક યહોવા કહે છે: “દુશ્મન તમારી વિરુદ્ધ કહે છે, ‘અરે વાહ! જૂનાં ભક્તિ-સ્થળો પણ અમારાં થયાં છે!’”’+
૩ “ભવિષ્યવાણી કર અને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “તેઓએ તમને ઉજ્જડ કરી નાખ્યા છે અને તમારા પર ચારે બાજુથી હુમલો કર્યો છે, જેથી તમે બીજી પ્રજાઓમાંથી બચી જનારાનો વારસો બનો અને લોકો તમારા વિશે વાતો કરીને તમને બદનામ કરે.+ ૪ ઓ ઇઝરાયેલના પર્વતો, વિશ્વના માલિક યહોવાનો સંદેશો સાંભળો! વિશ્વના માલિક યહોવા પર્વતો અને ડુંગરોને, ઝરણાઓ અને ખીણોને, ઉજ્જડ પડેલાં ખંડેરોને,+ ત્યજી દેવાયેલાં અને લૂંટી લેવાયેલાં શહેરોને, આસપાસની બીજી પ્રજાઓમાંથી બચી જનારાઓએ જેઓની મશ્કરી કરી એ શહેરોને કહે છે.+ ૫ વિશ્વના માલિક યહોવા કહે છે: ‘બીજી પ્રજાઓમાંથી બચી જનારાઓ વિરુદ્ધ અને આખા અદોમ વિરુદ્ધ મારો કોપ સળગી ઊઠશે+ અને હું બોલી ઊઠીશ. તેઓએ દાવો માંડ્યો છે કે મારો દેશ તેઓનો વારસો છે. તેઓ એની ચરાવવાની જગ્યા પડાવી લેવા અને લૂંટી લેવા માંગે છે.+ તેઓ બહુ ખુશ થાય છે અને મશ્કરી કરે છે.’”’+
૬ “ઇઝરાયેલના દેશ વિશે ભવિષ્યવાણી કર, પર્વતો અને ડુંગરો, ઝરણાઓ અને ખીણોને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, બીજી પ્રજાઓએ તમારું અપમાન કર્યું છે. એટલે હું કોપથી સળગી ઊઠીને જણાવીશ કે તેઓના કેવા હાલ થશે.”’+
૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘મેં મારો હાથ ઉઠાવીને સમ ખાધા છે કે આજુબાજુની પ્રજાઓએ પણ અપમાન સહેવું પડશે.+ ૮ પણ ઓ ઇઝરાયેલના પર્વતો, મારા ઇઝરાયેલી લોકો જલદી જ પાછા આવશે. તેઓ માટે તમારા પર ઘટાદાર વૃક્ષો ઊગશે અને એ પુષ્કળ ફળ આપશે.+ ૯ હું તમારી સાથે છું અને તમારા પર કૃપા કરીશ. તમારા પર ખેતી થશે અને બી વાવવામાં આવશે. ૧૦ ઇઝરાયેલના આખા ઘરને, હા, એના બધા લોકોને હું વધારીશ. શહેરો વસ્તીવાળાં થશે+ અને ખંડેરોનું સમારકામ કરવામાં આવશે.+ ૧૧ હા, હું તમારા લોકોને અને ઢોરઢાંકને ખૂબ વધારીશ.+ તેઓમાં વધારો થશે અને તેઓની સંખ્યા ઘણી થશે. હું તમને પહેલાંની જેમ ઘણી વસ્તીવાળા કરીશ.+ હું તમને અગાઉ કરતાં વધારે આબાદ કરીશ.+ પછી તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+ ૧૨ હું લોકોને, હા, મારા ઇઝરાયેલી લોકોને તમારા પર હરતાં-ફરતાં કરીશ. તેઓ તમારા પર કબજો કરી લેશે+ અને તમે તેઓનો વારસો બનશો. હવેથી તમારા લીધે તેઓનાં બાળકો માર્યાં નહિ જાય.’”+
૧૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘તેઓ તમારા વિશે જણાવે છે કે “તમે તો લોકોને ભરખી જનાર અને પ્રજાઓનાં બાળકોને મારી નાખનાર દેશ છો.”’ ૧૪ ‘પણ તમે હવેથી લોકોને ભરખી નહિ જાઓ અને પ્રજાઓનાં બાળકોને મારી નહિ નાખો,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૧૫ ‘હું તમને પ્રજાઓ તરફથી કદીયે અપમાન સહેવા નહિ દઉં કે લોકોનાં મહેણાં-ટોણાં સાંભળવા નહિ દઉં.+ તમે તમારી પ્રજાઓને ઠોકર ખવડાવનાર નહિ બનો,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”
૧૬ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૧૭ “હે માણસના દીકરા, ઇઝરાયેલના લોકો જ્યારે પોતાના દેશમાં રહેતા હતા, ત્યારે તેઓએ પોતાનાં વર્તનથી અને કામોથી એને અશુદ્ધ બનાવી દીધો હતો.+ માસિકમાં આવેલી સ્ત્રીની જેમ તેઓનું વર્તન મારી નજરમાં અશુદ્ધ હતું.+ ૧૮ તેઓએ દેશમાં લોહી વહાવ્યું. ધિક્કાર થાય એવી મૂર્તિઓથી* તેઓએ દેશ અશુદ્ધ કર્યો.+ એટલે મેં મારો કોપ તેઓ પર રેડી દીધો.+ ૧૯ મેં તેઓને બીજી પ્રજાઓમાં વિખેરી નાખ્યા અને દેશોમાં વેરવિખેર કરી નાખ્યા.+ મેં તેઓનાં વર્તન અને કામો પ્રમાણે તેઓનો ન્યાય કર્યો. ૨૦ પણ જ્યારે તેઓ બીજી પ્રજાઓમાં ગયા, ત્યારે ત્યાંના લોકોએ મારું પવિત્ર નામ બદનામ કર્યું.+ તેઓએ કહ્યું: ‘આ જુઓ યહોવાના લોકો! તેમણે આપેલો દેશ તેઓએ છોડી દેવો પડ્યો.’ ૨૧ બીજી પ્રજાઓમાં ઇઝરાયેલના લોકો જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં તેઓએ મારું નામ બદનામ કર્યું. એટલે હું મારા પવિત્ર નામ માટે પગલાં ભરીશ.”+
૨૨ “ઇઝરાયેલના લોકોને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ઇઝરાયેલના લોકો, હું જે કંઈ કરું છું એ તમારા માટે નથી કરતો, પણ મારા પવિત્ર નામ માટે કરું છું. તમે બીજી પ્રજાઓમાં જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં તમે મારું નામ બદનામ કર્યું છે.”’+ ૨૩ ‘હું મારું મહાન નામ ચોક્કસ પવિત્ર કરીશ.+ તમે બીજી પ્રજાઓમાં એ નામ બદનામ કર્યું છે, હા, એને તેઓમાં બદનામ કર્યું છે. તમારા લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ ત્યારે, બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે. ૨૪ ‘હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢી લાવીશ અને દેશોમાંથી ભેગા કરીશ. હું તમને તમારા વતનમાં પાછા લાવીશ.+ ૨૫ હું તમારા પર ચોખ્ખું પાણી છાંટીશ અને તમે શુદ્ધ થશો.+ તમારાં બધાં અશુદ્ધ કામો અને ધિક્કાર થાય એવી તમારી બધી મૂર્તિઓ દૂર કરીને+ હું તમને શુદ્ધ કરીશ.+ ૨૬ હું તમને નવું દિલ+ અને નવું મન* આપીશ.+ હું તમારાં શરીરમાંથી પથ્થરનું દિલ+ કાઢીને નરમ દિલ* મૂકીશ. ૨૭ હું મારી પવિત્ર શક્તિથી તમારા વિચારો બદલી નાખીશ. તમે મારા નિયમો પ્રમાણે ચાલશો,+ મારા કાયદા-કાનૂન પાળશો અને એ પ્રમાણે જીવશો. ૨૮ મેં તમારા બાપદાદાઓને જે દેશ આપ્યો હતો, એમાં તમે રહેશો. તમે મારા લોકો બનશો અને હું તમારો ઈશ્વર બનીશ.’+
૨૯ “‘હું તમને તમારાં બધાં અશુદ્ધ કામોથી બચાવીશ. મારી આજ્ઞાથી પુષ્કળ અનાજ પાકશે. હું તમારા પર કદી દુકાળ લાવીશ નહિ.+ ૩૦ હું વૃક્ષોને પુષ્કળ ફળ આપીશ અને ખેતરો પાકથી લહેરાય ઊઠશે. બીજી પ્રજાઓ તમને ફરી ક્યારેય દુકાળનાં મહેણાં નહિ મારે.+ ૩૧ એ વખતે તમને તમારાં દુષ્ટ કામો, હા, અધમ કામો યાદ આવશે. તમારાં ગુનાઓ અને નીચ કામોને લીધે તમને પોતાના પર સખત નફરત થશે.+ ૩૨ પણ એક વાત સમજી લો: ઓ ઇઝરાયેલના લોકો, આ બધું હું તમારા માટે નથી કરતો.+ તમારા વર્તનને લીધે તમે શરમાઓ અને નીચું જુઓ,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૩૩ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘જે દિવસે હું તમારાં બધાં પાપથી તમને શુદ્ધ કરીશ, એ દિવસે હું શહેરો વસાવીશ+ અને ખંડેરોની મરામત કરાવીશ.+ ૩૪ જે દેશ ઉજ્જડ પડી રહેલો હતો અને જેને આવતાં-જતાં લોકો જોતા હતા, એના પર ફરીથી ખેતી થશે. ૩૫ લોકો કહેશે, “જે દેશ ઉજ્જડ પડી રહ્યો હતો, એ એદન બાગ+ જેવો બની ગયો છે. જે શહેરો ખંડેર, ઉજ્જડ અને પડી ભાંગેલાં હતાં, એ હવે કોટવાળાં અને વસ્તીવાળાં થઈ ગયાં છે.”+ ૩૬ તમારી આસપાસ જે પ્રજાઓ બાકી રહી ગઈ છે, તેઓએ સ્વીકારવું પડશે કે મેં યહોવાએ ખંડેરો ફરીથી ઊભાં કર્યાં છે. ઉજ્જડ ભૂમિને મેં લીલીછમ કરી છે. હું યહોવા એ બોલ્યો છું અને એ ચોક્કસ પૂરું કરીશ.’+
૩૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઇઝરાયેલી લોકો મને એવી વિનંતી કરશે કે હું તેઓની સંખ્યા ઘેટાં-બકરાંની જેમ વધારું અને હું એમ જરૂર કરીશ. ૩૮ જે શહેરો અગાઉ ખંડેર હતાં, એમાં પવિત્ર લોકોનાં ટોળાંની જેમ, યરૂશાલેમના તહેવારોમાં+ આવતાં ટોળાંની જેમ,* લોકોનાં ટોળેટોળાં ભેગાં થશે.+ તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’”