યોહાનનો ત્રીજો પત્ર
૧ વહાલા ગાયસ, હું એક વડીલ* તરીકે તને આ પત્ર લખું છું. તું મને ખૂબ વહાલો છે.
૨ વહાલા ભાઈ, હું પ્રાર્થના કરું છું કે જેમ આજે તારું જીવન ખુશહાલ છે, તેમ હંમેશાં ખુશહાલ રહે અને તું તંદુરસ્ત રહે. ૩ જ્યારે ભાઈઓએ આવીને જણાવ્યું* કે તું સત્યને વળગી રહ્યો છે, ત્યારે હું ઘણો ખુશ થયો. મને આનંદ થયો કે તું સત્યના માર્ગ પર ચાલી રહ્યો છે.+ ૪ મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત* બીજી કઈ હોય!+
૫ વહાલા ભાઈ, તું જે ભાઈઓને ઓળખતો નથી તેઓને પણ ઘણી મદદ કરે છે. એમાં તારી વફાદારી દેખાઈ આવે છે.+ ૬ તારા પ્રેમ વિશે તેઓએ મંડળ આગળ જણાવ્યું* છે. મહેરબાની કરીને તેઓને મુસાફરી માટે એવી રીતે વિદાય આપજે, જેથી ઈશ્વર ખુશ થાય.+ ૭ કેમ કે ઈશ્વરના નામને લીધે તેઓ અલગ અલગ જગ્યાએ જાય છે અને બીજાઓ* પાસેથી કંઈ લેતા નથી.+ ૮ એવા ભાઈઓની મહેમાનગતિ કરવી આપણી ફરજ છે,+ જેથી આપણે સત્યમાં તેઓની સાથે કામ કરનારા બની શકીએ.+
૯ મેં મંડળને પત્ર દ્વારા અમુક વાતો જણાવી હતી. પણ દિયત્રેફેસ, જેને મંડળમાં મુખ્ય થવાનું ગમે છે,+ તે અમારી કોઈ પણ વાતનો આદર કરતો નથી અને એને સ્વીકારતો નથી.+ ૧૦ જો હું આવીશ, તો તેનાં કામ ખુલ્લાં પાડીશ. કેમ કે તે અમને બદનામ કરવા ખોટી વાતો ફેલાવે છે.*+ તે ભાઈઓને માન આપતો નથી અને તેઓનો આવકાર કરતો નથી.+ એટલું ઓછું હોય તેમ, જે ભાઈઓ આવકાર કરવા માંગે છે, તેઓને રોકવાનો અને મંડળમાંથી કાઢી મૂકવાનો તે પ્રયત્ન કરે છે.
૧૧ વહાલા ભાઈ, ખરાબ કામ કરનારને પગલે નહિ, પણ સારું કામ કરનારને પગલે ચાલજે.+ સારું કામ કરનાર માણસ ઈશ્વર પાસેથી છે.+ પણ ખરાબ કામ કરનાર માણસ ઈશ્વરને ઓળખતો નથી.*+ ૧૨ બધા ભાઈઓ દેમેત્રિયસના વખાણ કરે છે. તે સત્યમાં જે રીતે ચાલે છે એનાથી એ સાબિત પણ થાય છે. અમે પણ તેના વખાણ કરીએ છીએ અને તું જાણે છે કે અમારી વાત* ભરોસાપાત્ર છે.
૧૩ મારે તને લખવાનું તો ઘણું છે, પણ હું કલમ અને શાહીથી તને લખવા માંગતો નથી. ૧૪ હું તને જલદી જ મળવાની આશા રાખું છું અને આપણે રૂબરૂ વાત કરીશું.
મારી પ્રાર્થના છે કે તને શાંતિ મળે.
અહીંના મિત્રો તને યાદ આપે છે. ત્યાંના મિત્રોને નામ લઈને મારી યાદ આપજે.