થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર
૨ ભાઈઓ, તમે સારી રીતે જાણો છો કે અમે તમારી મુલાકાત લીધી, એ નકામી ગઈ નથી.+ ૨ તમે જાણો છો કે અમે ફિલિપીમાં+ તકલીફો અને ઘોર અપમાન સહન કર્યાં હતાં. તોપણ, આપણા ઈશ્વરની મદદથી અમે હિંમતવાન* બન્યા અને સખત વિરોધ* છતાં તમને ઈશ્વરની ખુશખબર જણાવી.+ ૩ અમારી સલાહ ખોટી વાતોને આધારે નથી. અમે એ સલાહ ખોટા ઇરાદા કે કપટથી આપી નથી. ૪ પણ ખુશખબર ફેલાવવાનું કામ સોંપીને ઈશ્વરે અમને પસંદ કર્યા છે. એટલે અમે માણસોને ખુશ કરવા નહિ, પણ આપણાં દિલને પારખનાર ઈશ્વરને+ ખુશ કરવા બોલીએ છીએ.
૫ અમે ક્યારેય ખુશામત કરી નથી કે કંઈક મેળવવા* સારા હોવાનો ઢોંગ કર્યો નથી.+ ઈશ્વર એ વાત સારી રીતે જાણે છે. ૬ અમે માણસો તરફથી માન મેળવવાની ઇચ્છા રાખી નથી, પછી ભલે એ તમે હો કે બીજાઓ. અમે ચાહ્યું હોત તો, ખ્રિસ્તના પ્રેરિતો* તરીકે અમારા ખર્ચનો બોજો તમારા પર નાખી શક્યા હોત.+ ૭ પણ એના બદલે, જેમ એક મા પોતાના બાળકને ધવડાવે છે અને તેના પર મમતા રાખે છે,* તેમ અમે પ્રેમથી તમારી સંભાળ રાખી. ૮ અમે તમને એટલો પ્રેમ કરીએ છીએ કે અમે તમને ઈશ્વરની ખુશખબર જણાવવા અને અમારો જીવ આપવા પણ તૈયાર છીએ,*+ કેમ કે તમે અમને ઘણા પ્રિય છો.+
૯ ભાઈઓ, અમારી મહેનત અને અમારો સખત પરિશ્રમ તમને જરૂર યાદ હશે. ઈશ્વરની ખુશખબર તમને જણાવી ત્યારે, અમારી જરૂરિયાતો માટે અમે રાત-દિવસ મહેનત કરી, જેથી તમારા પર અમારા ખર્ચનો બોજો ન આવે.+ ૧૦ તમારા બધા સાથે અમે કેટલી વફાદારીથી, સચ્ચાઈથી અને નિર્દોષ રીતે વર્ત્યા છીએ, એના તમે સાક્ષી છો. ઈશ્વર પણ એના સાક્ષી છે. ૧૧ તમે સારી રીતે જાણો છો કે જેમ એક પિતા+ પોતાનાં બાળકો સાથે વર્તે છે, તેમ અમે તમને શિખામણ, દિલાસો અને સલાહ આપતા રહ્યા,+ ૧૨ જેથી તમે ઈશ્વરને પસંદ પડે એ રીતે ચાલતા રહો,+ જે તમને પોતાના રાજ્ય+ અને મહિમાના ભાગીદાર થવા બોલાવે છે.+
૧૩ એટલે અમે ઈશ્વરનો સતત આભાર માનીએ છીએ,+ કેમ કે જ્યારે તમે અમારી પાસેથી ઈશ્વરનો સંદેશો સાંભળ્યો, ત્યારે તમે એને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સ્વીકાર્યો. સાચે જ, એ સંદેશો ઈશ્વર તરફથી છે. એ સંદેશો તમારાં દિલને અસર કરી રહ્યો છે. ૧૪ ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલાં ઈશ્વરનાં એ મંડળોના દાખલા પ્રમાણે ચાલ્યા છો, જેઓ ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં છે. કેમ કે જેમ તેઓ યહૂદીઓના હાથે દુઃખ સહી રહ્યા છે, તેમ તમે પણ પોતાના દેશના લોકોના હાથે દુઃખ સહી રહ્યા છો.+ ૧૫ એ યહૂદીઓએ આપણા માલિક ઈસુને અને પ્રબોધકોને* મારી નાખ્યા+ અને અમને સતાવ્યા.+ તેઓ ઈશ્વરને ખુશ કરતા નથી, પણ તેઓ એવાં કામ કરે છે, જેનાથી કોઈનું ભલું થતું નથી. ૧૬ તેઓ અમને બીજી પ્રજાઓને એ સંદેશો આપતા રોકવાનો પ્રયત્ન કરે છે, જેનાથી એ પ્રજાઓનો ઉદ્ધાર થઈ શકે છે.+ આમ, તેઓ હંમેશની જેમ પોતાનાં પાપનો ઘડો ભરતા જાય છે. પણ આખરે ઈશ્વરનો કોપ તેઓ પર સળગી ઊઠ્યો છે.+
૧૭ ભાઈઓ, અમને તમારાથી થોડી વાર માટે જુદા પાડવામાં* આવ્યા હતા. તમે ભલે અમારાથી દૂર હતા, પણ અમારા દિલની નજીક હતા. અમે તમને જોવા* એટલા તરસતા હતા કે તમને મળવા અમે બનતા બધા પ્રયત્નો કર્યા. ૧૮ હા, અમે તમારી પાસે આવવા માંગતા હતા. એટલે મેં એક વાર નહિ, બે વાર તમારી પાસે આવવાનો પ્રયત્ન કર્યો, પણ શેતાન અમારા માર્ગમાં આડો આવ્યો. ૧૯ આપણા માલિક ઈસુની હાજરી* દરમિયાન અમારી આશા કે આનંદ કે ગર્વનો મુગટ શું છે? શું એ તમે નથી?+ ૨૦ તમે જ અમારો મહિમા અને આનંદ છો.