યશાયા
૪૮ હે યાકૂબના વંશજો, સાંભળો.
તમે પોતાને ઇઝરાયેલના નામે ઓળખાવો છો.+
તમે યહૂદાના ઝરામાંથી* આવ્યા છો.
૨ તમે પોતાને પવિત્ર શહેરના રહેવાસી ગણો છો.+
તમે ઇઝરાયેલના ઈશ્વરનો સાથ શોધો છો,+
જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.
૩ “લાંબા સમય પહેલાં મેં તમને અગાઉના* બનાવો વિશે જણાવ્યું.
હું ખુદ મારા મોંથી એ બોલ્યો
અને મેં એની જાણ કરી.+
મેં તરત પગલાં ભર્યાં અને એ બનાવો બન્યા.+
૪ હું જાણતો હતો કે તમે કેટલા હઠીલા છો,
તમારી ગરદન લોઢાની અને તમારું કપાળ તાંબાનું છે.+
૫ એટલે મેં તમને અગાઉથી જણાવ્યું હતું.
એ બનાવો બનતા પહેલાં જ મેં તમને કહી સંભળાવ્યું હતું,
જેથી તમે એમ ન કહો, ‘આ તો મારી મૂર્તિએ કર્યું છે.
મારી કોતરેલી મૂર્તિ અને મારી ધાતુની મૂર્તિની* આજ્ઞાથી એ થયું છે.’
૬ તમે એ બધું સાંભળ્યું અને જોયું છે.
શું તમે એ જાહેર નહિ કરો?+
હવે હું તમને નવી નવી વાતો કહું છું,+
એવી ખાનગી વાતો જેની તમને જાણ નથી.
૭ લાંબા સમય પહેલાંની નહિ, આ તો તાજી ખબર છે.
આજ સુધી તમે ક્યારેય એ સાંભળી નથી.
એટલે તમે એમ ન કહી શકો, ‘અરે, એ તો હું જાણું છું!’
૮ ના, તમે એ સાંભળ્યું નથી,+ તમને એની ખબર નથી
અને અગાઉ તમારા કાને એ પડ્યું નથી.
હું જાણું છું કે તમે એકદમ કપટી છો.+
તમે જન્મથી જ બંડખોર છો.+
૯ પણ મારા નામને લીધે હું મારા ગુસ્સા પર કાબૂ રાખીશ.+
મારી સ્તુતિને માટે હું પોતાને રોકી રાખીશ,
હું તમારો સંહાર નહિ કરું.+
૧૦ જુઓ, મેં તમને શુદ્ધ કર્યા છે, પણ ચાંદીની જેમ નહિ.+
મેં આફતની ધગધગતી ભઠ્ઠીમાં તમારી પરખ કરી છે.*+
૧૧ હું પોતાને લીધે, ખુદ મારે લીધે પગલાં ભરીશ.+
હું પોતાને કઈ રીતે અશુદ્ધ થવા દઉં?+
હું મારું ગૌરવ કોઈને આપતો નથી.*
૧૨ હે યાકૂબ, મારું સાંભળ. હે ઇઝરાયેલ, જેને મેં બોલાવ્યો છે, મારું સાંભળ.
હું એ જ છું.+ હું જ પહેલો છું અને હું જ છેલ્લો છું.+
૧૩ મેં મારા હાથે પૃથ્વીનો પાયો નાખ્યો છે.+
મારા જમણા હાથે આકાશ ફેલાવ્યું છે.+
હું બોલાવું ત્યારે તેઓ તરત મારી સેવામાં હાજર થાય છે.
૧૪ તમે બધા ભેગા થાઓ અને સાંભળો.
દેવોમાં* એવો કોણ, જેણે આ બધું જણાવ્યું છે?
તે ખાલદીઓ વિરુદ્ધ પોતાનો હાથ ઉગામશે.+
૧૫ હું પોતે એ બોલ્યો છું અને મેં તેને બોલાવ્યો છે.+
હું તેને લાવ્યો છું અને તેનો માર્ગ સફળ થશે.+
૧૬ મારી પાસે આવો અને સાંભળો.
શરૂઆતથી જ હું જાહેરમાં બોલ્યો છું, મેં કંઈ છુપાવ્યું નથી.+
એ બન્યું ત્યારે પણ હું ત્યાં હતો.”
હવે વિશ્વના માલિક યહોવાએ મને પોતાની શક્તિ સાથે મોકલ્યો છે.
૧૭ તમને છોડાવનાર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર યહોવા કહે છે:+
“હું યહોવા તમારો ઈશ્વર છું.
હું તમારા લાભ* માટે શીખવું છું.+
તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું.+
૧૮ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું!+
જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે+
અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!+
૧૯ તમારાં બાળકોની સંખ્યા રેતી જેટલી,
હા, તમારા વંશજોની સંખ્યા રેતીના કણ જેટલી થશે.+
મારી આગળ તેઓનાં નામ કાયમ રહેશે, એ કદી ભૂંસી નંખાશે નહિ.”
૨૦ બાબેલોનમાંથી બહાર નીકળો!+
ખાલદીઓ પાસેથી નાસી જાઓ!
ખુશીથી પોકારો! જાહેર કરો! મોટેથી જણાવો!+
૨૧ તે લોકોને ઉજ્જડ જગ્યાઓમાંથી દોરી લાવ્યા ત્યારે, તેઓએ તરસના લીધે મરવું પડ્યું નહિ.+
તેમણે ખડકમાંથી તેઓ માટે પાણી કાઢ્યું.
તેમણે ખડક તોડ્યો અને એમાંથી ખળખળ પાણી વહેવા લાગ્યું.”+
૨૨ યહોવા કહે છે, “દુષ્ટોને જરાય શાંતિ મળતી નથી.”+