૧૬ માણસ મનમાં વિચારો તો ગોઠવે છે,
પણ તેનો જવાબ યહોવા પાસેથી હોય છે.+
૨ માણસને પોતાના બધા માર્ગો સાચા લાગે છે,+
પણ યહોવા દિલના ઇરાદા તપાસે છે.+
૩ તારાં કામો યહોવાના હાથમાં સોંપી દે,+
એટલે તારી યોજનાઓ પાર પડશે.
૪ યહોવા પોતાનો હેતુ પૂરો કરવા પોતે રચેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે,
તેમણે દુષ્ટોને પણ આફતના દિવસ માટે રાખી મૂક્યા છે.+
૫ જેના દિલમાં ઘમંડ છે, તેને યહોવા ધિક્કારે છે.+
ખાતરી રાખજે, એવો માણસ સજાથી છટકી નહિ શકે.
૬ અતૂટ પ્રેમ અને વફાદારીથી પાપ માફ થાય છે+
અને યહોવાનો ડર રાખવાને લીધે માણસ બૂરાઈથી દૂર રહે છે.+
૭ યહોવા કોઈ માણસના માર્ગોથી ખુશ થાય ત્યારે,
તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિમાં રહેવા દે છે.+
૮ ખોટા રસ્તે ચાલીને ઘણું મેળવવા કરતાં,+
સાચા રસ્તે ચાલીને થોડું મેળવવું વધારે સારું.+
૯ માણસ મનમાં યોજના તો ઘડે છે,
પણ તેનાં પગલાં યહોવા ગોઠવે છે.+
૧૦ રાજાના હોઠો પર ઈશ્વરનો ચુકાદો હોવો જોઈએ,+
તેણે કદી અન્યાય કરવો ન જોઈએ.+
૧૧ અદ્દલ ત્રાજવાં અને સાચા વજનકાંટા યહોવા તરફથી છે,
થેલીનાં બધાં વજનિયાં પણ તેમના તરફથી છે.+
૧૨ રાજાઓ દુષ્ટ કામોને ધિક્કારે છે,+
કેમ કે તેઓની રાજગાદી ન્યાયના પાયા પર સ્થિર રહે છે.+
૧૩ સાચી વાતોથી રાજાઓ પ્રસન્ન થાય છે
અને સાચું બોલનાર પર તેઓ પ્રેમ રાખે છે.+
૧૪ રાજાનો ગુસ્સો મરણના સંદેશવાહક જેવો છે,+
પણ બુદ્ધિમાન માણસ રાજાનો ગુસ્સો શાંત પાડવાનું જાણે છે.+
૧૫ રાજાની કૃપાથી માણસનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે,
તેની મહેરબાની વસંતના વરસાદનાં વાદળો જેવી છે.+
૧૬ સોના કરતાં બુદ્ધિ મેળવવી વધારે સારું.+
ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે સારું.+
૧૭ નેક માણસ બૂરાઈના રસ્તાથી દૂર રહે છે.
પોતાના માર્ગ પર ધ્યાન આપનાર પોતાનો જીવ બચાવે છે.+
૧૮ અભિમાન વિનાશ લાવે છે
અને ઘમંડી વલણ ઠોકર ખવડાવે છે.+
૧૯ અહંકારીની સાથે લૂંટ વહેંચવા કરતાં,
દીન સાથે નમ્રતાથી રહેવું વધારે સારું.+
૨૦ ઊંડી સમજ બતાવનાર સફળ થાય છે
અને યહોવા પર ભરોસો રાખનાર સુખી છે.
૨૧ બુદ્ધિમાન માણસ સમજુ કહેવાશે+
અને માણસના માયાળુ શબ્દોથી વાત ગળે ઊતરી જાય છે.+
૨૨ જેઓ પાસે સમજણ છે, તેઓ માટે એ જીવનનો ઝરો છે,
પણ મૂર્ખોને તેઓની મૂર્ખાઈથી સજા થાય છે.
૨૩ શાણો માણસ સમજી-વિચારીને પોતાના શબ્દો પસંદ કરે છે+
અને તેની વાત સહેલાઈથી ગળે ઊતરી જાય છે.
૨૪ પ્રેમાળ શબ્દો મધપૂડામાંથી ટપકતાં મધ જેવા છે,
એ મનને મીઠા લાગે છે અને હાડકાંને મજબૂત કરે છે.+
૨૫ એક એવો માર્ગ છે, જે માણસને સાચો લાગે છે,
પણ આખરે એ મરણ તરફ લઈ જાય છે.+
૨૬ મજૂરનું પેટ તેની પાસે મજૂરી કરાવે છે,
તેની ભૂખ તેને એમ કરવા મજબૂર કરે છે.+
૨૭ નકામો માણસ ખણખોદ કરીને ખરાબ વાતો બહાર કાઢે છે,+
તેના શબ્દો ધગધગતી આગ જેવા છે.+
૨૮ કાવતરાખોર માણસ ઝઘડા કરાવે છે+
અને નિંદાખોર માણસ જિગરી દોસ્તોમાં ફૂટ પાડે છે.+
૨૯ ક્રૂર માણસ પોતાના પડોશીને લલચાવે છે
અને તેને ખોટા માર્ગે લઈ જાય છે.
૩૦ તે કાવતરું ઘડતી વખતે આંખ મારે છે
અને ખોટું કામ કરતી વખતે લુચ્ચાઈથી હસે છે.
૩૧ જો માણસ સાચા માર્ગે ચાલતો હોય,+
તો તેના ધોળા વાળ મહિમાનો મુગટ છે.+
૩૨ શૂરવીર યોદ્ધા કરતાં શાંત મિજાજનો માણસ વધારે સારો+
અને શહેર જીતનાર કરતાં ગુસ્સો કાબૂમાં રાખનાર વધારે સારો.+
૩૩ ભલે ચિઠ્ઠીઓ ખોળામાં નાખવામાં આવે,+
પણ દરેક નિર્ણય યહોવા તરફથી હોય છે.+