માર્ક
૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક જ્યાં સુધી ઈશ્વરના રાજ્યને સત્તામાં આવી ગયેલું નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+ ૨ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું. તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો.+ ૩ તેમનો ઝભ્ભો ચમકવા લાગ્યો. એ એવો સફેદ થઈ ગયો કે દુનિયાનો કોઈ પણ ધોબી એવો સફેદ કરી ન શકે. ૪ ત્યાં તેઓને એલિયાની સાથે મૂસા દેખાયા. તેમણે તેઓને ઈસુ સાથે વાત કરતા જોયા. ૫ પિતરે ઈસુને કહ્યું: “ગુરુજી,* આપણે અહીં રહીએ એ સારું છે. અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” ૬ પિતર જાણતો ન હતો કે શું કરવું. તેઓ ગભરાઈ ગયા હતા. ૭ એવામાં એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. વાદળમાંથી અવાજ આવ્યો:+ “આ મારો વહાલો દીકરો છે.+ તેનું સાંભળો.”+ ૮ પછી તરત જ તેઓએ આજુબાજુ જોયું તો ત્યાં ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ.
૯ પહાડ પરથી ઊતરતી વખતે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે જ્યાં સુધી માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે,+ ત્યાં સુધી તેઓએ જે જોયું એ વિશે કોઈને જણાવે નહિ.+ ૧૦ તેઓએ એ વાત દિલમાં ઉતારી.* પણ તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે તેમણે મરણમાંથી ઊઠવાની વાત કરી એનો શું અર્થ થાય. ૧૧ તેઓ તેમને પૂછવા લાગ્યા: “શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ+ પહેલા આવવું જોઈએ?”+ ૧૨ તેમણે કહ્યું: “એલિયા સાચે જ પહેલા આવશે અને તે બધું તૈયાર કરશે.+ પણ શાસ્ત્રમાં કેમ એવું લખેલું છે કે માણસના દીકરાએ સતાવણી સહેવી પડશે+ અને તેનું અપમાન થશે?+ ૧૩ હું તમને કહું છું કે એલિયા+ આવી ચૂક્યા છે. જેમ તેમના વિશે લખેલું છે તેમ તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.”+
૧૪ ઈસુ અને ત્રણ શિષ્યો બીજા શિષ્યો પાસે આવ્યા. તેઓએ બીજા શિષ્યોની આસપાસ ઘણા લોકોને ટોળે વળેલા જોયા. શિષ્યો સાથે શાસ્ત્રીઓ દલીલ કરતા હતા.+ ૧૫ પણ જ્યારે બધાની નજર ઈસુ પર પડી, ત્યારે તેઓ નવાઈ પામ્યા. તેઓ તેમને સલામ કરવા દોડી ગયા. ૧૬ ઈસુએ પૂછ્યું: “તમે તેઓ સાથે શું દલીલ કરો છો?” ૧૭ ટોળામાંના એકે તેમને કહ્યું: “શિક્ષક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો હતો. તે ખરાબ દૂતના વશમાં છે. એ દૂતે તેને મૂંગો કરી દીધો છે.+ ૧૮ તે જ્યારે પણ મારા દીકરા પર હુમલો કરે છે, ત્યારે તેને જમીન પર પછાડી દે છે. મારો દીકરો મોંમાંથી ફીણ કાઢે છે, દાંત પીસે છે અને કમજોર થઈ જાય છે. મેં તમારા શિષ્યોને ખરાબ દૂત કાઢવા કહ્યું, પણ તેઓ એમ કરી શક્યા નહિ.” ૧૯ તેમણે કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? છોકરાને મારી પાસે લાવો.”+ ૨૦ તેઓ છોકરાને તેમની પાસે લાવ્યા. ઈસુને જોઈને તરત જ ખરાબ દૂતે છોકરાને મરડી નાખ્યો. છોકરો જમીન પર પડીને આળોટવા લાગ્યો અને મોંમાંથી ફીણ કાઢવા લાગ્યો. ૨૧ ઈસુએ તેના પિતાને પૂછ્યું: “આવું તેને ક્યારથી થાય છે?” તેણે કહ્યું: “બાળપણથી. ૨૨ ખરાબ દૂત તેને મારી નાખવા ઘણી વાર આગમાં અને પાણીમાં નાખી દે છે. જો તમે કંઈ કરી શકતા હો, તો અમારા પર દયા કરો અને અમને મદદ કરો.” ૨૩ ઈસુએ તેને કહ્યું: “તું કેમ કહે છે કે ‘તમે કરી શકતા હો તો’? જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે.”+ ૨૪ છોકરાનો પિતા તરત બોલી ઊઠ્યો: “મને શ્રદ્ધા છે! મારી શ્રદ્ધા વધારવા મદદ કરો.”+
૨૫ ઈસુએ જોયું કે એક ટોળું તેઓ તરફ દોડતું આવે છે. એટલે તેમણે ખરાબ દૂતને ધમકાવ્યો: “ઓ મૂંગા અને બહેરા કરી દેનાર ખરાબ દૂત, હું તને હુકમ કરું છું કે તેનામાંથી બહાર નીકળ અને પાછો તેનામાં જતો નહિ!”+ ૨૬ ખરાબ દૂતે બૂમ પાડી અને છોકરાને અનેક વાર મરડી નાખ્યા પછી તે નીકળી ગયો. છોકરો મરી ગયો હોય એવો થઈ ગયો. તેઓમાંના મોટા ભાગના કહેવા લાગ્યા: “તે મરી ગયો છે!” ૨૭ પણ ઈસુએ તેને હાથ પકડીને ઊભો કર્યો અને તે ઊભો થયો. ૨૮ પછી ઈસુ એક ઘરમાં ગયા ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમને પૂછ્યું: “અમે કેમ એને કાઢી ન શક્યા?”+ ૨૯ તેમણે કહ્યું: “આ જાતના ખરાબ દૂતને ફક્ત પ્રાર્થનાથી જ કાઢી શકાય છે.”
૩૦ તેઓ ત્યાંથી નીકળ્યા અને ગાલીલમાંથી પસાર થયા. પણ ઈસુ ચાહતા ન હતા કે કોઈને એ વિશે જાણ થાય. ૩૧ તે પોતાના શિષ્યોને શીખવતા હતા અને તેઓને કહેતા હતા: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે અને તેઓ તેને મારી નાખશે.+ પણ મારી નંખાયા છતાં તે ત્રણ દિવસ પછી જીવતો થશે.”+ ૩૨ તે જે કહેતા હતા એ શિષ્યો સમજ્યા નહિ. પણ તેઓ તેમને સવાલ પૂછતા ગભરાતા હતા.
૩૩ તેઓ કાપરનાહુમ આવ્યા. જ્યારે ઈસુ ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને સવાલ પૂછ્યો: “તમે રસ્તામાં શાના વિશે દલીલ કરતા હતા?”+ ૩૪ તેઓ ચૂપ રહ્યા, કેમ કે રસ્તામાં તેઓ દલીલ કરી રહ્યા હતા કે તેઓમાં સૌથી મોટું કોણ છે. ૩૫ તેથી તે બેઠા અને બાર શિષ્યોને બોલાવીને કહ્યું: “જો કોઈ પહેલો થવા ચાહે, તો તેણે બધાથી છેલ્લા થવું અને બધાના સેવક બનવું.”+ ૩૬ ઈસુએ એક બાળકને બોલાવીને તેઓની વચ્ચે ઊભું રાખ્યું. તેમણે તેના ખભે હાથ મૂકીને તેઓને કહ્યું: ૩૭ “જે કોઈ મારા નામને લીધે આવા બાળકનો સ્વીકાર કરે છે,+ તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે ફક્ત મારો જ નહિ, મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”+
૩૮ યોહાને તેમને કહ્યું: “ગુરુજી, અમે એક માણસને તમારા નામે દુષ્ટ દૂતો કાઢતા જોયો. અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.”+ ૩૯ પણ ઈસુએ કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ. એવું કોઈ નથી જે મારા નામે શક્તિશાળી કામો કરે અને તરત જ મારા વિશે કંઈ ખરાબ બોલે. ૪૦ જે આપણી વિરુદ્ધ નથી તે આપણી સાથે છે.+ ૪૧ હું તમને સાચે જ કહું છું કે તમે ખ્રિસ્તના છો+ એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો તેને જરૂર એનું ઇનામ મળશે.+ ૪૨ પણ જે કોઈ શ્રદ્ધા રાખનારા આ નાનાઓમાંથી એકને ઠોકર ખવડાવે છે, તેના માટે એ વધારે સારું થાય કે તેને ગળે ઘંટીનો પથ્થર* બાંધીને દરિયામાં નાખવામાં આવે.+
૪૩ “જો તારો હાથ તને કદી ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને હાથ સાથે ગેહેન્નામાં,* કદી ન હોલવાતી આગમાં નંખાવા કરતાં લૂલા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૪૪ *— ૪૫ જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો એને કાપી નાખ. બંને પગ સાથે ગેહેન્નામાં નંખાવા કરતાં લંગડા થઈને જીવન મેળવવું તારા માટે વધારે સારું છે.+ ૪૬ *— ૪૭ જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તારી પાસેથી એને દૂર ફેંકી દે.+ બે આંખ સાથે ગેહેન્નામાં નંખાવા કરતાં, એક આંખ સાથે ઈશ્વરના રાજ્યમાં જવું તારા માટે વધારે સારું છે.+ ૪૮ ગેહેન્નામાં કીડા મરતા નથી અને આગ હોલવાતી નથી.+
૪૯ “કોઈ મીઠું ભભરાવતું હોય એમ, બધા લોકો* પર આગ વરસાવવામાં આવશે.+ ૫૦ મીઠું સારું છે. પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય, તો તમે શાનાથી એની ખારાશ પાછી લાવશો?+ તમે સ્વાદવાળા મીઠા જેવા બનો.+ એમ કરીને તમે એકબીજા સાથે શાંતિ જાળવી રાખો.”+