ન્યાયાધીશો
૧૬ એકવાર સામસૂન ગાઝા શહેરમાં ગયો. તેણે ત્યાં એક વેશ્યા જોઈ અને તે તેના ઘરે ગયો. ૨ ગાઝાના લોકોને ખબર પડી કે “સામસૂન આવ્યો છે!” તેઓએ એ જગ્યા ઘેરી લીધી અને આખી રાત શહેરના દરવાજા પાસે છુપાઈ રહ્યા. તેઓ આખી રાત એમ વિચારીને ચૂપચાપ બેસી રહ્યા કે “સવાર થતાં જ આપણે તેને ખતમ કરી દઈશું.”
૩ સામસૂન મોડી રાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે શહેરના દરવાજા અને એની બારસાખ, ભૂંગળ સાથે ખેંચી કાઢ્યાં. એ બધું પોતાના ખભા પર ઉપાડીને તે હેબ્રોન સામે આવેલા પહાડની ટોચ પર લઈ ગયો.
૪ ત્યાર બાદ સામસૂન સોરેકની ખીણમાં રહેતી દલીલાહના પ્રેમમાં પડ્યો.+ ૫ પલિસ્તીઓના શાસકોએ દલીલાહ પાસે આવીને કહ્યું: “સામસૂનને ફોસલાવ*+ અને તેની તાકાતનું રહસ્ય જાણી લે, જેથી અમે તેને પકડીને બાંધી શકીએ અને તેને કાબૂમાં કરી શકીએ. એના બદલામાં અમે દરેક જણ તને ચાંદીના ૧,૧૦૦ ટુકડા આપીશું.”
૬ દલીલાહે સામસૂનને કહ્યું: “તારી તાકાત ગજબની છે. એનું રહસ્ય મને કહે ને! તને શાનાથી બાંધીને કાબૂમાં કરી શકાય?” ૭ સામસૂને તેને કહ્યું: “સૂકવવામાં આવી ન હોય એવી ધનુષ્યની સાત નવી દોરીઓથી* મને બાંધવામાં આવે તો, મારી તાકાત જતી રહેશે અને હું સામાન્ય માણસ જેવો થઈ જઈશ.” ૮ પલિસ્તીઓના શાસકોએ દલીલાહને ધનુષ્યની સાત નવી દોરીઓ લાવી આપી, જે સૂકવવામાં આવી ન હતી. દલીલાહે એનાથી સામસૂનને બાંધી દીધો. ૯ પલિસ્તીઓ દલીલાહના બીજા ઓરડામાં સંતાઈ ગયા હતા. દલીલાહે બૂમ પાડી: “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” જેમ અગ્નિ અડતા જ શણની દોરી તૂટી જાય, તેમ સામસૂને ધનુષ્યની દોરીઓ તોડી નાખી.+ પણ તેની તાકાતનું રહસ્ય, રહસ્ય જ રહ્યું.
૧૦ દલીલાહે સામસૂનને કહ્યું: “તેં મને મૂર્ખ બનાવી, તેં મને જૂઠું કહ્યું. હવે તો મને જણાવ કે તને શાનાથી બાંધી શકાય.” ૧૧ સામસૂને તેને કહ્યું: “કદી વપરાયાં ન હોય એવાં નવાનક્કોર દોરડાંથી જો મને બાંધવામાં આવે, તો મારી તાકાત જતી રહેશે અને હું સામાન્ય માણસ જેવો થઈ જઈશ.” ૧૨ દલીલાહે નવાં દોરડાંથી સામસૂનને બાંધ્યો અને બૂમ પાડી: “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” (એ દરમિયાન પલિસ્તીઓ બીજા ઓરડામાં સંતાયેલા હતા.) એ સાંભળતા જ સામસૂને હાથ પરનાં દોરડાંને જાણે દોરાની જેમ તોડી નાખ્યાં.+
૧૩ દલીલાહે તેને કહ્યું: “આ વખતે પણ તેં મને છેતરી અને જૂઠું બોલ્યો.+ મને સાચેસાચું કહી દે કે તને શાનાથી બાંધી શકાય.” સામસૂને કહ્યું: “જો તું મારા માથાની સાત ચોટલીઓને દોરાથી ગૂંથી દે, તો મારી તાકાત જતી રહેશે.” ૧૪ એટલે દલીલાહે તેની ચોટલીઓ ગૂંથી અને સોયાથી બાંધી દીધી અને બૂમ પાડી: “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” સામસૂન ઊંઘમાંથી જાગી ઊઠ્યો અને સોયો કાઢીને ગૂંથેલી ચોટલીઓ છોડી નાખી.
૧૫ દલીલાહે સામસૂનને કહ્યું: “શું તું મને સાચે જ પ્રેમ કરે છે?+ તું મારી સાથે દિલ ખોલીને વાત પણ નથી કરતો. તેં મને આ ત્રીજી વાર છેતરી અને તારી તાકાતનું રહસ્ય હજુ પણ જણાવ્યું નથી.”+ ૧૬ દલીલાહ દરરોજ સામસૂનનો જીવ ખાવા લાગી અને તેના નાકે દમ લાવી દીધો. તે દલીલાહથી ત્રાસી ગયો.+ ૧૭ છેવટે સામસૂને તેને બધું જણાવી દીધું. તેણે કહ્યું: “મારા વાળ કદી કાપવામાં આવ્યા નથી,* કેમ કે હું જન્મથી* ઈશ્વરનો નાઝીરી છું.+ જો મારા વાળ કાપી નાખવામાં આવે, તો મારી તાકાત જતી રહેશે અને હું સામાન્ય માણસ જેવો થઈ જઈશ.”
૧૮ દલીલાહને લાગ્યું કે સામસૂને સાચે જ દિલ ખોલ્યું છે. તેણે તરત જ પલિસ્તીઓના શાસકોને+ આ સંદેશો મોકલ્યો: “આ વખતે સામસૂને મને તેની તાકાતનું રહસ્ય જણાવી દીધું છે, તમે જલદી આવી જાઓ.” એટલે પલિસ્તીઓના શાસકો પૈસા લઈને તેની પાસે આવી ગયા. ૧૯ દલીલાહે સામસૂનને પોતાના ખોળામાં સુવડાવી દીધો. તેણે માણસ બોલાવીને તેના માથાની સાતેય ચોટલીઓ કપાવી નાખી. સામસૂનની તાકાત જતી રહી હોવાથી, દલીલાહે તેને કાબૂમાં કરી લીધો. ૨૦ તેણે બૂમ પાડી: “સામસૂન, પલિસ્તીઓ તને પકડવા આવ્યા છે!” તે ઊંઘમાંથી જાગીને બોલ્યો: “હું અગાઉની જેમ બહાર જઈશ+ અને પોતાને બચાવી લઈશ.” પણ તેને ખબર ન હતી કે યહોવાએ તેને છોડી દીધો છે. ૨૧ પલિસ્તીઓએ તેને પકડી લીધો અને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝા લઈ ગયા અને તેને પિત્તળની બેડીઓ પહેરાવીને કેદખાનામાં નાખ્યો. તેઓએ તેને અનાજ દળવાના કામે લગાડ્યો. ૨૨ થોડા સમય પછી સામસૂનના માથાના વાળ ધીરે ધીરે વધવા લાગ્યા.+
૨૩ પલિસ્તીઓના શાસકો પોતાના દેવ દાગોનને+ ઘણાં બલિદાનો ચઢાવવા અને આનંદ મનાવવા ભેગા થયા. તેઓ કહેવા લાગ્યા: “આપણા દેવે દુશ્મન સામસૂનને આપણા હાથમાં સોંપી દીધો છે!” ૨૪ લોકોએ દાગોનની મૂર્તિ જોઈને એની સ્તુતિ કરતા કહ્યું: “આપણા દેશને ઉજાડનાર+ અને આપણા ઘણા લોકોને મારી નાખનાર+ દુશ્મનને દેવે આપણા હાથમાં સોંપ્યો છે.”
૨૫ તેઓ ખૂબ આનંદમાં હોવાથી મસ્તીએ ચઢ્યા અને કહેવા લાગ્યા: “સામસૂનને બોલાવો કે આપણે તેની મજાક-મશ્કરી કરીએ.” એટલે સામસૂનને કેદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો. તેઓએ તેને મંદિરના થાંભલાઓ વચ્ચે ઊભો રાખ્યો. ૨૬ જે છોકરાએ સામસૂનનો હાથ પકડ્યો હતો, તેને સામસૂને કહ્યું: “મંદિરને ટેકો આપતા થાંભલાઓને મને અડવા દે, જેથી હું તેઓને સહારે ઊભો રહું.” ૨૭ (એ મંદિર સ્ત્રી-પુરુષોથી ખીચોખીચ ભરેલું હતું. પલિસ્તીઓના બધા શાસકો ત્યાં હતા અને આશરે ૩,૦૦૦ સ્ત્રી-પુરુષો ધાબા પર હતાં. તેઓ બધા સામસૂનની મજાક ઉડાવતા હતા.)
૨૮ સામસૂને+ યહોવાને પોકાર કર્યો: “હે વિશ્વના માલિક યહોવા, કૃપા કરીને મને યાદ કરો, બસ એક જ વાર મને તાકાત આપો.+ ઓ ઈશ્વર, પલિસ્તીઓ પર મને વેર વાળવા દો, જેથી મારી એક આંખનો બદલો તો લઈ શકું.”+
૨૯ સામસૂને મંદિરની વચ્ચોવચ આવેલા બે થાંભલા પર હાથ ટેકવ્યા, જેના પર મંદિરનો મુખ્ય આધાર હતો. તેણે એક થાંભલા પર જમણો હાથ અને બીજા થાંભલા પર ડાબો હાથ ટેકવ્યો. ૩૦ સામસૂને પોકાર કર્યો: “આ પલિસ્તીઓને મારતા ભલે મારે પણ મરવું પડે.” તેણે પૂરું જોર લગાવીને થાંભલાઓને ધક્કો માર્યો. એટલે શાસકો અને લોકો પર મંદિર તૂટી પડ્યું.+ સામસૂન જીવતો હતો ત્યારે તેણે જેટલાને મારી નાખ્યા હતા, એના કરતાં મરતી વખતે વધારે લોકોને મારી નાખ્યા.+
૩૧ પછી સામસૂનના ભાઈઓ અને તેના પિતાનું આખું કુટુંબ આવીને તેને લઈ ગયા. તેઓએ સોરાહ+ અને એશ્તાઓલની વચ્ચે તેના પિતા માનોઆહની+ કબરમાં તેને દફનાવ્યો. સામસૂને ૨૦ વર્ષ સુધી ઇઝરાયેલનો ન્યાય કર્યો હતો.+