ઝખાર્યા
૧૪ “જુઓ! એ દિવસ આવી રહ્યો છે, એ યહોવાનો દિવસ છે. એ દિવસે તારી* લૂંટ તારી જ સામે વહેંચી લેવામાં આવશે. ૨ હું બધા દેશોને યરૂશાલેમ સામે યુદ્ધ કરવા ભેગા કરીશ. એ શહેરને જીતી લેવામાં આવશે, ઘરોને લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવશે. અડધું શહેર ગુલામીમાં જશે, પણ બચી ગયેલા લોકોને શહેરમાંથી કાઢી મૂકવામાં નહિ આવે.
૩ “યહોવા એ દેશો સામે લડવા નીકળશે+ અને અગાઉ તે યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તેઓ સામે લડશે.+ ૪ એ દિવસે તે પોતાના પગ જૈતૂન પર્વત પર મૂકશે,+ જે યરૂશાલેમની પૂર્વ બાજુએ આવેલો છે. જૈતૂન પર્વત પૂર્વથી* પશ્ચિમ* સુધી બે ભાગમાં ચિરાઈ જશે અને એનાથી એક બહુ મોટી ખીણ બનશે. અડધો પર્વત ઉત્તર તરફ અને અડધો દક્ષિણ તરફ ખસી જશે. ૫ તમે મારા પર્વતોની વચ્ચે બનેલી ખીણમાં નાસી જશો, કેમ કે પર્વતો વચ્ચેની એ ખીણ છેક આસેલ સુધી જશે. જેમ યહૂદાના રાજા ઉઝ્ઝિયાના દિવસોમાં તમારે ધરતીકંપને લીધે નાસવું પડ્યું હતું, તેમ તમારે નાસવું જ પડશે.+ યહોવા ઈશ્વર આવશે અને તેમની સાથે તેમના બધા પવિત્ર જનો હશે.+
૬ “એ દિવસે તેજસ્વી* પ્રકાશ નહિ હોય+ અને વસ્તુઓ થીજી જશે.* ૭ ત્યારે ન દિવસ હશે, ન રાત. સાંજના સમયે પણ અજવાળું હશે. એ દિવસ ખાસ બનશે અને યહોવાના દિવસ તરીકે ઓળખાશે.+ ૮ એ દિવસે યરૂશાલેમમાંથી જીવનનું પાણી વહેશે.+ અડધું પાણી પૂર્વ સમુદ્ર* તરફ+ અને અડધું પશ્ચિમ સમુદ્ર* તરફ વહેશે.+ એવું ઉનાળામાં અને શિયાળામાં બનશે. ૯ ત્યારે આખી પૃથ્વી પર યહોવા રાજા હશે.+ એ દિવસે યહોવા જ એક ઈશ્વર હશે+ અને ફક્ત તેમનું જ નામ હશે.+
૧૦ “ગેબાથી+ લઈને યરૂશાલેમની દક્ષિણે આવેલા રિમ્મોન+ સુધી આખો દેશ અરાબાહ+ જેવો થશે. યરૂશાલેમ પોતાની જગ્યાએ ઊંચું કરાશે અને લોકો એમાં વસશે.+ બિન્યામીનના દરવાજાથી+ લઈને છેક પહેલા દરવાજા સુધી, પહેલા દરવાજાથી લઈને છેક ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના મિનારાથી+ લઈને છેક રાજાના દ્રાક્ષાકુંડો સુધી લોકો વસશે. ૧૧ લોકો યરૂશાલેમમાં વસશે અને સલામતીમાં રહેશે.+ યરૂશાલેમ ફરી કદી નાશને લાયક ઠરશે નહિ.+
૧૨ “યરૂશાલેમ વિરુદ્ધ લડનાર સર્વ પ્રજાઓ પર યહોવા આ બીમારી લાવશે:+ તેઓ ઊભા હશે એવામાં જ તેઓનું માંસ કોહવાઈ જશે, તેઓની આંખો એના ખાડામાં જ સડી જશે અને તેઓની જીભ તેઓનાં મોંમાં જ સડી જશે.
૧૩ “એ દિવસે યહોવા તેઓમાં ભારે ગૂંચવણ ફેલાવી દેશે. દરેક જણ પોતાના સાથીને પકડી લેશે અને તેના પર પોતાનો હાથ ઉગામશે.*+ ૧૪ યહૂદા અને યરૂશાલેમ ભેગા મળીને દુશ્મન સામે યુદ્ધ કરશે. આસપાસની બધી પ્રજાઓની મિલકત ભેગી કરવામાં આવશે. હા, સોનું, ચાંદી અને કપડાંના ઢગલે-ઢગલા કરવામાં આવશે.+
૧૫ “એવી જ બીમારી દુશ્મનોની છાવણીના ઘોડાઓ, ખચ્ચરો, ઊંટો, ગધેડાઓ અને બધાં ઢોરઢાંક પર આવશે.
૧૬ “યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી જે કોઈ બચી જશે, તે દર વર્ષે+ રાજાની, એટલે કે સૈન્યોના ઈશ્વર યહોવાની+ ભક્તિ* કરવા અને માંડવાનો તહેવાર* ઊજવવા યરૂશાલેમ જશે.+ ૧૭ પણ જો પૃથ્વીની પ્રજાઓમાંથી કોઈ વ્યક્તિ રાજાને, સૈન્યોના ઈશ્વર યહોવાને ભજવા યરૂશાલેમ નહિ જાય, તો તેના દેશ પર વરસાદ નહિ પડે.+ ૧૮ જો ઇજિપ્તના લોકો ત્યાં નહિ જાય, તો તેઓ પર પણ વરસાદ નહિ પડે. એટલું જ નહિ, યહોવા તેઓ પર એ બીમારી લાવશે, જે માંડવાનો તહેવાર ઊજવવા ન જનાર પ્રજાઓ પર તે લાવે છે. ૧૯ ઇજિપ્તના લોકોને અને બીજી પ્રજાઓને, જેઓ માંડવાનો તહેવાર ઊજવવા નથી ગઈ, એ સર્વને પોતાનાં પાપની એ સજા મળશે.
૨૦ “એ દિવસે ઘોડાઓની ઘંટડીઓ પર આ શબ્દો લખવામાં આવશે: ‘યહોવા પવિત્ર છે!’+ યહોવાના મંદિરનાં બધાં હાંડલાં+ તો વેદી આગળના વાટકા જેવાં થશે.+ ૨૧ યરૂશાલેમ અને યહૂદામાંનું દરેક હાંડલું પવિત્ર થશે અને સૈન્યોના ઈશ્વર યહોવાનું ગણાશે. જે કોઈ બલિદાન ચઢાવવા ત્યાં આવશે, તે એમાંથી અમુકનો ઉપયોગ બલિદાનને બાફવા કરશે. એ દિવસે સૈન્યોના ઈશ્વર યહોવાના મંદિરમાં કોઈ પણ કનાની* જોવા મળશે નહિ.”+