બાઇબલ શું કહે છે?
હિંસા
મનુષ્યનો ઇતિહાસ હિંસાથી ભરેલો છે. શું હિંસા કાયમ ચાલ્યા કરશે કે એનો કદી અંત આવશે?
હિંસા જોઈને ઈશ્વરને કેવું લાગતું હશે?
લોકો શું કહે છે?
ઉશ્કેરાયેલી વ્યક્તિ જો હિંસા પર ઊતરી આવે, તો એમાં કંઈ ખોટું નથી. ધાર્મિક લોકો પણ એ વાતથી સહમત છે. લાખો લોકોને ફિલ્મો અને ટીવી પ્રોગ્રામમાં બતાવવામાં આવતી હિંસાથી કોઈ વાંધો નથી.
બાઇબલ શું કહે છે?
ઉત્તર ઇરાકમાં મોસુલ શહેરની નજીક નીનવેહ શહેરનાં ખંડેરો જોવા મળે છે. એક સમયે નીનવેહ, પ્રાચીન આશ્શૂર રાજ્યની રાજધાની હતી. બાઇબલમાં જણાવ્યું હતું કે, એ શહેર ફૂલીફાલી રહ્યું હશે ત્યારે, ઈશ્વર એને “વેરાન તથા અરણ્યના જેવું ઉજ્જડ કરી મૂકશે.” (સફાન્યા ૨:૧૩) ઈશ્વરે કહ્યું કે, હું “તેને હાસ્યજનક” બનાવીશ. શા કારણે? નીનવેહ ‘ખૂની નગર’ હતું. (નાહૂમ ૧:૧; ૩:૧, ૬) અને ગીતશાસ્ત્ર ૫:૬ કહે છે તેમ, ‘ખૂની તથા કપટી માણસોને યહોવા નફરત કરે છે.’ નીનવેહનાં ખંડેરો સાબિતી આપે છે કે, ઈશ્વર પોતાના કહ્યા પ્રમાણે કરે છે.
ઈશ્વર અને મનુષ્યનો મુખ્ય દુશ્મન શેતાન છે. તેણે હિંસાની શરૂઆત કરી છે. એટલે જ, ઈસુ ખ્રિસ્તે તેને “મનુષ્યઘાતક” કહ્યો છે. (યોહાન ૮:૪૪) ઉપરાંત, ‘આખું જગત શેતાનની સત્તામાં રહે છે.’ (૧ યોહાન ૫:૧૯) એ કારણે, તેના જેવું વલણ દુનિયાના લોકોમાં જોવા મળે છે. હિંસક ફિલ્મો અને ટીવી પ્રોગ્રામમાં પણ એ સાફ દેખાઈ આવે છે. ઈશ્વરને ખુશ કરવા હોય તો, હિંસાને નફરત કરીએ અને તેમને પસંદ પડે એવાં કામો કરીએ.a શું એમ કરવું શક્ય છે?
“હિંસાને ચાહનારાઓને તે [યહોવા] ધિક્કારે છે.”—ગીતશાસ્ત્ર ૧૧:૫, IBSI.
શું હિંસક લોકો બદલાઈ શકે?
લોકો શું કહે છે?
હિંસા તો મનુષ્યના લોહીમાં જ છે, જે ક્યારેય બદલાશે નહિ.
બાઇબલ શું કહે છે?
‘રીસ, ક્રોધ, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં બીભત્સ વચન એ સર્વ તજી દો. જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધાં ઉતારી મૂકો અને નવું માણસપણું પહેરી લો.’ (કોલોસી ૩:૮-૧૦) શું એ શક્ય છે? હા. ઈશ્વર વધુ પડતું માંગતા નથી. વ્યક્તિ પોતાને બદલી શકે છે.b કઈ રીતે?
પહેલું પગલું છે, ઈશ્વર વિશે સત્ય શીખીએ. (કોલોસી ૩:૧૦) વ્યક્તિએ ખરા દિલથી સરજનહારના સારા ગુણો અને સિદ્ધાંતો વિશે શીખવું જોઈએ. એમ કરવાથી, તે ઈશ્વરને પ્રેમ કરશે અને તેમને ખુશ કરી શકશે.—૧ યોહાન ૫:૩.
બીજું પગલું છે, દોસ્તોની પસંદગીમાં ધ્યાન રાખીએ. એ વિશે બાઇબલ સલાહ આપે છે: ‘ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર અને ગુસ્સાવાળા માણસની સોબત ન કર. રખેને તું તેના માર્ગો શીખે, અને તને ફાંદામાં લાવી નાખે.’—નીતિવચનો ૨૨:૨૪, ૨૫.
ત્રીજું પગલું છે, પોતાની તપાસ કરીએ. હિંસાને તમે કેવી ગણો છો? પોતાના પર કાબૂ ન રાખી શકાય તો, એ કમજોરી છે. એના બદલે, શાંતિ જાળવવી એ તાકાત છે. બાઇબલમાં નીતિવચનો ૧૬:૩૨માં જણાવ્યું છે, ‘જે ક્રોધ કરવે ધીમો છે, તે પરાક્રમી કરતાં સારો છે.’
“સઘળાંની સાથે શાંતિથી વર્તો.”—હિબ્રૂ ૧૨:૧૪.
શું હિંસાનો કદી અંત આવશે?
લોકો શું કહે છે?
હિંસા સદીઓથી ચાલતી આવી છે અને ચાલતી રહેશે.
બાઇબલ શું કહે છે?
‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો પૃથ્વીનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) હા, ઈશ્વર ચોક્કસ નમ્ર લોકોને બચાવશે. પરંતુ, એમ કરવા તે હિંસક લોકોના હાલ પ્રાચીન નીનવેહ જેવા કરશે. એ પછી, દુનિયામાં ફરી કદી હિંસા નહિ થાય.—ગીતશાસ્ત્ર ૭૨:૭.
તેથી, શાંતિનો ગુણ કેળવીને ઈશ્વરની કૃપા મેળવવાનો હમણાં જ સમય છે. ૨ પીતર ૩:૯ કહે છે, ‘કોઈનો નાશ ન થાય પણ સઘળાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને યહોવા તમારે વિશે ધીરજ રાખે છે.’ (g15-E 05)
“તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે.”—યશાયા ૨:૪.
a ખરું કે, ઈશ્વરે પ્રાચીન ઈસ્રાએલને યુદ્ધો કરવાં દીધાં હતાં. પણ, એ ફક્ત પોતાના વિસ્તારના રક્ષણ માટે હતાં. (૨ કાળવૃત્તાંત ૨૦:૧૫, ૧૭) સમય જતાં, સંજોગો બદલાયા. ઈસ્રાએલીઓ ઈશ્વરની ખાસ પ્રજા રહી નહિ અને એ લહાવો ખ્રિસ્તી મંડળને મળ્યો. એ મંડળની કોઈ સરહદ નથી.
b ઘણા લોકોએ પોતાનું જીવન સુધાર્યું છે. તેઓના અનુભવો ચોકીબુરજમાં “બાઇબલ જીવન સુધારે છે” શૃંખલામાં જોવા મળે છે.