જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
© 2023 Watch Tower Bible and Tract Society of Pennsylvania
જુલાઈ ૩-૯
બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૪-૬
“બાંધકામને આડે આવશો નહિ”
ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો?
૧૩ ઝખાર્યાના દિવસોમાં યહોવાએ પ્રમુખ યાજક યહોશુઆ (યેશૂઆ) અને રાજ્યપાલ ઝરુબ્બાબેલને યહૂદીઓની આગેવાની લેવા પસંદ કર્યા હતા. મંદિરના બાંધકામ પર હજુ પ્રતિબંધ હતો. પણ યહોશુઆ અને ઝરુબ્બાબેલે “ઈશ્વરનું મંદિર ફરીથી બાંધવાનું શરૂ કરી દીધું.” (એઝ. ૫:૧, ૨) અમુક યહૂદીઓને લાગ્યું હશે કે તેઓ જે કરી રહ્યા છે એ ખોટું છે. મંદિરનું બાંધકામ દુશ્મનોથી કંઈ છૂપું રહેવાનું ન હતું. તેઓ બાંધકામ રોકવા કોઈને કોઈ છમકલું તો કરવાના જ હતા. યહોશુઆ અને ઝરુબ્બાબેલને ભરોસાની જરૂર હતી કે યહોવા તેઓની પડખે છે. યહોવાએ તેઓને એ ભરોસો અપાવ્યો. કઈ રીતે?
w૮૬-E ૨/૧ ૨૯, બૉક્સ ¶૨-૩
યહોવા “વડીલોની સંભાળ રાખતા હતા”
યહૂદીઓના વડીલો દુશ્મનોને કેવી રીતે જવાબ આપત? જો તેઓ ડરી જાત તો મંદિરને ફરીથી બાંધવાનું કામ ત્યાં જ અટકી જાત. જો વડીલો એવું કંઈક કરત જેનાથી અધિકારીઓને ગુસ્સો આવે, તો તેઓ મંદિરનું બાંધકામ તરત જ અટકાવી દેત. પરિસ્થિતિ બહુ નાજુક હતી. એટલે વડીલો સમજી-વિચારીને દુશ્મનોને જવાબ આપે એ જરૂરી હતું. તેઓએ ચોક્કસ રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને પ્રમુખ યાજક યહોશુઆની સલાહ લીધી હશે. એ પછી તેઓએ સમજી-વિચારીને, સમજદારીથી અને આદરથી જવાબ આપ્યો. તેઓએ અધિકારીઓને રાજા કોરેશનું વર્ષો જૂનું ફરમાન યાદ અપાવ્યું. જેમાં લખ્યું હતું કે યહૂદીઓ મંદિરને ફરીથી બાંધી શકે છે. તે અધિકારીઓ ઈરાનના કાયદા સારી રીતે જાણતા હતા કે એકવાર ફરમાન બહાર પડ્યાં પછી એને બદલી ન શકાય. એટલે તેઓએ રાજાના ફરમાનનો વિરોધ કરવાની હિંમત ના કરી. આ રીતે મંદિરનું બાંધકામ ચાલુ રહ્યું. પછી રાજા દાર્યાવેશે પણ એ કામને ચાલુ રાખવા સરકારી મંજૂરી આપી.—એઝ. ૫:૧૧-૧૭; ૬:૬-૧૨.
ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો?
૭ એક નવા ફેરફારથી યહૂદીઓને ઘણી રાહત મળી. ઈરાનમાં રાજા દાર્યાવેશ પહેલાએ રાજ કરવાનું શરૂ કર્યું. ઈ.સ. પૂર્વે ૫૨૦માં એટલે કે તેના રાજના બીજા વર્ષે તેને જાણવા મળ્યું કે મંદિરના બાંધકામ પરનો પ્રતિબંધ ગેરકાયદેસર હતો. એટલે તેણે એ કામ પૂરું કરવાનો હુકમ બહાર પાડ્યો. (એઝ. ૬:૧-૩) એ સમાચારથી લોકોને ઘણી નવાઈ લાગી. રાજાએ પરવાનગી આપવાની સાથે સાથે બીજું પણ કંઈક કર્યું. તેણે આસપાસના લોકોને કહ્યું કે તેઓ મંદિરના બાંધકામની આડે ન આવે. તેઓ વિરોધ કરવાને બદલે યહૂદીઓને પૈસા અને જરૂરી વસ્તુઓ આપે. (એઝ. ૬:૭-૧૨) એ પછી પાંચ વર્ષની અંદર જ એટલે કે ઈ.સ. પૂર્વે ૫૧૫માં યહૂદીઓએ મંદિરનું બાંધકામ પૂરું કર્યું.—એઝ. ૬:૧૫.
ઝખાર્યાએ જે જોયું એ શું તમે જુઓ છો?
૧૬ યહોવા આજે બીજી એક રીતે પણ આપણને માર્ગદર્શન આપે છે. એ છે “વિશ્વાસુ અને સમજુ ચાકર” દ્વારા. (માથ. ૨૪:૪૫) અમુક વાર ચાકર કદાચ એવું માર્ગદર્શન આપે જે આપણને સમજવું અઘરું લાગે. દાખલા તરીકે, કોઈ કુદરતી આફત આવે એ પહેલાં આપણને તૈયાર રહેવા માર્ગદર્શન મળે. આપણને લાગે કે એ કુદરતી આફત આપણા વિસ્તારમાં થોડી આવવાની છે. અથવા મહામારીના સમયમાં વિશ્વાસુ અને સમજુ ચાકર આપણને સાવચેતી રાખવાનું કહે. એ સમયે આપણને થાય કે તેઓ તો વધારે પડતાં સૂચનો આપે છે. જો કોઈ માર્ગદર્શન આપણા ગળે ન ઉતરે તો શું કરી શકીએ? આપણે યાદ કરીએ કે યહોશુઆ અને ઝરુબ્બાબેલના માર્ગદર્શન પ્રમાણે કરવાથી યહૂદીઓને કેવો ફાયદો થયો હતો. આપણે બાઇબલના બીજા અમુક બનાવોનો પણ વિચાર કરી શકીએ. એનાથી જોવા મળે છે કે અમુક વખતે યહોવાના ભક્તોને એવું માર્ગદર્શન મળ્યું જે માણસોની નજરે અજીબ લાગે. પણ એ પ્રમાણે કરવાથી તેઓનું જીવન બચી ગયું.—ન્યા. ૭:૭; ૮:૧૦.
કીમતી રત્નો
w૯૩-E ૬/૧૫ ૩૨ ¶૩-૫
શું તમે બાઇબલ પર ભરોસો કરી શકો?
એક સિક્કો મળી આવ્યો જે ઈ.સ.પૂર્વે ૪થી સદીમાં ઈરાનના રાજ્યપાલ મોઝીયસના રાજ દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો. એ સિક્કા પર કોતરવામાં આવ્યું હતું કે મોઝીયસ “નદીની પેલે પારના” વિસ્તારનો રાજ્યપાલ હતો. (અહીં જે નદીની વાત થઈ છે એ યુફ્રેટિસ નદી છે.)
પણ આપણે કેમ એ વિસ્તારની ચર્ચા કરીએ છીએ? કેમ કે એ વિસ્તારનો ઉલ્લેખ બાઇબલમાં પણ કરવામાં આવ્યો છે. એઝરા ૫:૬–૬:૧૩માં ‘નદીની પેલે પારના વિસ્તારના રાજ્યપાલ’ વિશે જણાવ્યું છે. એ કલમોમાં એઝરાએ લખ્યું છે કે તાત્તનાય “નદીની પેલે પારના વિસ્તારનો રાજ્યપાલ” હતો, જેણે ઈરાનના રાજાને પત્ર લખ્યો હતો. એઝરાએ ઈશ્વરે આપેલાં નિયમોની નકલ એકદમ સચોટ રીતે કરી હતી. એટલે આપણે ખાતરી રાખી શકીએ કે તેમણે જે કંઈ લખ્યું એ સાચેસાચું લખ્યું.
એઝરાએ એ માહિતી લગભગ ઈ.સ.પૂર્વે ૪૬૦માં લખી, એટલે કે એ સિક્કો બનાવ્યાને ૧૦૦ વર્ષો પહેલાં. અમુક લોકોને કદાચ લાગે કે બાઇબલમાં પહેલાંના સમયના અધિકારીઓની પદવી વિશે જે લખ્યું છે એ માહિતી બહુ મહત્ત્વની નથી. જરા વિચારો, જો બાઇબલના લેખકોએ ઝીણામાં ઝીણી માહિતી સચોટ રીતે લખી હોય, તો શું આપણે તેઓએ લખેલી બાકીની માહિતી પર ભરોસો કરવો ન જોઈએ?
જુલાઈ ૧૦-૧૬
બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૭-૮
“એઝરાનાં વાણી-વર્તનથી યહોવાને માન-મહિમા મળ્યો”
પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ—કઈ રીતે?
૮ હા, યહોવાહના શબ્દનો પ્રેમ આપણા હૃદયમાંથી આવવો જોઈએ. અમુક ભાગો વાંચ્યા પછી એના પર મનન કરવામાં આપણને આનંદ મળવો જોઈએ. આપણે ઊંડા સત્ય પર વધારે ચિંતન કરવું જોઈએ, મનન કરવું જોઈએ અને એમાં તલ્લીન થઈ જવું જોઈએ. એ માટે શાંતિથી મનન અને પ્રાર્થના કરવી જોઈએ. બાઇબલનો અભ્યાસ કરતા પહેલાં એઝરાની જેમ આપણું હૃદય તૈયાર કરવું જોઈએ. એઝરા વિષે બાઇબલ કહે છે: “યહોવાહના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં, તથા ઈસ્રાએલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું.” (એઝરા ૭:૧૦) એઝરાએ ત્રણ હેતુથી મન લગાડયું હતું: અભ્યાસ કરવો, પોતે લાગુ પાડવું, અને બીજાને શીખવવું. આપણે પણ તેમની જેમ જ કરીએ.
si-E ૭૫ ¶૫
બાઇબલનું ૧૩મું પુસ્તક—૧ કાળવૃત્તાંત
૫ એઝરા પર યહોવાની પવિત્ર શક્તિ હતી. ઈરાન સામ્રાજ્યના રાજા એ જોઈ શક્યા કે એઝરામાં ઈશ્વરે આપેલું ડહાપણ હતું. એટલે રાજાએ એઝરાને યહૂદા પર ઘણી બધી જવાબદારી સોંપી. (એઝરા ૭:૧૨-૨૬) આ રીતે એઝરાને ઈશ્વર તરફથી અને મહાસત્તા ઈરાન તરફથી, એમ બંને પાસેથી અધિકાર મળ્યો.
w૯૨ ૬/૧ ૨૮
શા માટે નમ્રતા પહેરવી?
યરૂશાલેમમાંના મંદિરને સુશોભિત કરવા ઘણા સોના અને ચાંદી સાથે એઝરા યહોવાહના લોકોને બાબેલોનમાંથી બહાર દોરી લાવવાના હતા, ત્યારે તેણે ઉપવાસની ઘોષણા કરી, જેથી તેઓ પોતાને દેવની સમક્ષ નમ્ર કરી શકે. પરિણામ? જોખમી મુસાફરી દરમિયાન યહોવાહે તેમને શત્રુઓના હુમલામાંથી બચાવ્યા. (એઝરા ૮:૧-૧૪, ૨૧-૩૨) દેવે આપેલા ફરજો આપણા પોતાના ડહાપણ અને શક્તિથી પરિપૂર્ણ કરવાને બદલે, ચાલો આપણે દાનીયેલ અને એઝરાની જેમ, નમ્રતા દર્શાવીએ અને યહોવાહનું માર્ગદર્શન શોધીએ.
કીમતી રત્નો
એઝરાના મુખ્ય વિચારો
૭:૨૮–૮:૨૦—એઝરા સાથે યરૂશાલેમ જવા ઘણા યહુદીઓ કેમ તૈયાર ન હતા? ખરું કે યહુદીઓનો પહેલો સમૂહ યરૂશાલેમ પાછો ગયો, એને ૬૦ કરતાં વધારે વર્ષો વીતી ગયાં હતાં. તોપણ ત્યાં હજુ ઘણું કામ બાકી હતું. ત્યાં નવેસરથી જીવન શરૂ કરવું કંઈ સહેલું ન હતું. એમાં જોખમ પણ હતું. બાબેલોનમાં જે યહુદીઓ ધનવાન હતા, તેઓને માટે યરૂશાલેમમાં એવી કોઈ ધનદોલત ન હતી. મુસાફરીનાં જોખમો પણ હતા. યરૂશાલેમ પાછા ફરવા માટે યહોવાહમાં પૂરી શ્રદ્ધાની જરૂર હતી. સાચી ભક્તિ માટે હોંશની, હિંમતની જરૂર હતી. અરે, ખુદ એઝરાએ પણ યહોવાહનો પૂરો સાથ માંગ્યો, યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખી. એઝરાએ આપેલી હિંમતથી ૧,૫૦૦ કુટુંબ, એટલે લગભગ ૬,૦૦૦ લોકો તેમની સાથે જવા તૈયાર થયા. એઝરાની તૈયારી જોઈને, ૩૮ લેવીઓ અને ૨૨૦ નથીનીમ પણ તૈયાર થયા.
જુલાઈ ૧૭-૨૩
બાઇબલમાં રહેલો ખજાનો | એઝરા ૯-૧૦
“આજ્ઞા ન પાળવાનાં ખરાબ પરિણામ”
એઝરાના મુખ્ય વિચારો
૯:૧, ૨—જેઓ ઈસ્રાએલીઓ ન હતા, તેઓ સાથે લગ્ન કરવાથી શું જોખમ ઊભું થયું હતું? મસીહ આવે ત્યાં સુધી, યરૂશાલેમ પાછા ફરેલા લોકો યહોવાહની ભક્તિના રખેવાળ હતા. યહોવાહના ભક્તો ન હતા, તેઓ સાથે લગ્ન કરવાથી ભક્તિમાં ભેળસેળ થઈ જાય. અમુક લોકો તો મૂર્તિની પૂજા કરનારા સાથે પરણી ગયા હતા. આમ જો થતું રહે તો, ધીમે ધીમે સાચી ભક્તિ ને ખોટી ભક્તિમાં કોઈ ફરક નહિ રહે. યહોવાહની પવિત્ર ભક્તિનું નામનિશાન મટી જાત. પછી, મસીહ કોના દ્વારા આવે? એટલે જ એ સાંભળીને એઝરાનું કાળજું કપાઈ ગયું!
યહોવાહ આપણી પાસેથી શું ચાહે છે?
આપણે તેમનું કહ્યું માનીશું તો, અઢળક આશીર્વાદ મળશે. મુસાએ લખ્યું: ‘જે આજ્ઞાઓ હું તારા ભલા માટે આજે તને ફરમાવું છું તે તું પાળ.’ (કલમ ૧૩) સાચે જ, યહોવાહની દરેક આજ્ઞાઓ આપણા જ ભલા માટે હોય છે. એનાથી આપણું નુકસાન થઈ જ ન શકે. બાઇબલ કહે છે કે “દેવ પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) તેથી તે આપણને ફક્ત એવી જ આજ્ઞાઓ આપે છે જેનાથી હમણાં અને ભાવિમાં આપણું ભલું થાય. (યશાયાહ ૪૮:૧૭) જો યહોવાહની આજ્ઞાઓ પાળીશું તો આપણે અનેક નિરાશાથી બચી જઈશું. તેમ જ ભાવિમાં ઈશ્વરના રાજમાં હંમેશ માટેના આશીર્વાદો મળશે.
કીમતી રત્નો
એઝરાના મુખ્ય વિચારો
૧૦:૩, ૪૪—પત્નીઓની સાથે તેઓનાં બાળકોને પણ કેમ છોડી દેવામાં આવ્યાં? એમ કરવામાં આવ્યું ન હોત તો, છોડી દેવામાં આવેલી પત્નીઓ પોતાનાં બાળકોને કારણે મોટા ભાગે પાછી આવ-જાવ કરવા લાગી હોત. નાનાં બાળકોને મમ્મીની વધારે જરૂર હોય છે.
જુલાઈ ૨૪-૩૦
બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૧-૨
“તરત જ મેં પ્રાર્થના કરી”
યહોવાહને સદા સામે રાખો
૫ હવે નહેમ્યાહનો દાખલો લઈએ. તે ઈરાનના રાજા આર્તાહશાસ્તાના દરબારમાં કામ કરતા હતા. યરૂશાલેમની હાલત જોઈને નહેમ્યાહ બહુ ઉદાસ હતા. રાજાએ તેમને પૂછ્યું, “તારી અરજ શી છે?” “[નહેમ્યાહે] આકાશના દેવને પ્રાર્થના કરી.” તેમણે મનમાં ટૂંકી પ્રાર્થના કરી. પરમેશ્વરે તેમની પ્રાર્થના સાંભળી. રાજાએ તેમને યરૂશાલેમની દીવાલને ફરી બાંધવા માટે મદદ પૂરી પાડી. (નહેમ્યાહ ૨:૧-૮ વાંચો.) મનમાં કરેલી ટૂંકી પ્રાર્થના પણ યહોવાહ જરૂર સાંભળે છે.
be-E ૧૭૭ ¶૪
નોટ્સનો ઓછો ઉપયોગ કરીને બોલો
જ્યારે અચાનક તમારી માન્યતા વિશે પૂછવામાં આવે, ત્યારે સારી રીતે જવાબ આપવા શું કરી શકો? નહેમ્યાનો વિચાર કરો. જ્યારે આર્તાહશાસ્તા રાજાએ તેમને સવાલ પૂછ્યો, ત્યારે જવાબ આપતાં પહેલાં તેમણે પ્રાર્થના કરી. (નહે ૨:૪) તમે પણ નહેમ્યાની જેમ પ્રાર્થના કરી શકો. પછી, તરત જ મનમાં આઉટલાઈન તૈયાર કરો. એ તૈયાર કરવા આ મુદ્દા મદદ કરી શકે: (૧) એક કે બે એવા મુદ્દા પસંદ કરો જે સમજાવવા જરૂરી છે. (તમે ચાહો તો “બાઇબલમાંથી સમજણ” પુસ્તિકામાં આપેલા મુદ્દા વાપરી શકો.) (૨) એ મુદ્દાને ટેકો આપતી કલમો વિશે વિચારો. (૩) તમે કઈ રીતે કુશળતાથી વાત શરૂ કરી શકો એ વિશે વિચારો. એમ કરવાથી સવાલ પૂછનાર તમને ધ્યાનથી સાંભળશે. પછી, વાતચીત શરૂ કરો.
કીમતી રત્નો
w૮૬-E ૨/૧૫ ૨૫
સાચી ભક્તિની જીત
ના. નહેમ્યા ઘણા દિવસોથી યરૂશાલેમની ખરાબ હાલત વિશે યહોવાને “રાત-દિવસ” પ્રાર્થના કરતા હતા. (નહે ૧:૪, ૬) તેમની ઇચ્છા હતી કે યરૂશાલેમની દીવાલો ફરી બાંધવામાં આવે. એટલે જ્યારે તેમને એ વિશે આર્તાહશાસ્તા રાજાને કહેવાની તક મળી, ત્યારે તેમણે ફરી યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ રાજાને પ્રેરણા આપી કે તે નહેમ્યાને યરૂશાલેમ જવા દે, જેથી તે શહેરની દીવાલો ફરીથી બાંધી શકે.
આપણે શું શીખી શકીએ: નહેમ્યાએ માર્ગદર્શન માટે યહોવાને પ્રાર્થના કરી. એવી જ રીતે, કોઈ મોટા નિર્ણયો લેતી વખતે આપણે પણ ‘પ્રાર્થનામાં લાગુ રહેવું’ જોઈએ અને યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવું જોઈએ.—રોમનો ૧૨:૧૨.
જુલાઈ ૩૧–ઑગસ્ટ ૬
બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૩-૪
“શું તમને નાનાં કામ કરવામાં શરમ આવે છે?”
નહેમ્યાહના મુખ્ય વિચારો
૩:૫, ૨૭. સાચી ઉપાસના માટે ભલે આપણે મહેનત કરવી પડે, આપણે તકોઈઓનાં ‘અમીરોની’ જેમ કદી ન વિચારીએ કે એ કામ મારા માટે નથી, બીજા સામાન્ય લોકો માટે છે. એના બદલે, આપણે તકોઈઓનાં સામાન્ય લોકોને અનુસરવું જોઈએ જેઓ પૂરા દિલથી પોતાનું કામ કરતાં હતાં.
યહોવા પોતાનો હેતુ પૂરો કરવા તમારો ઉપયોગ કરે છે!
૧૧ સદીઓ પછી, યરૂશાલેમના કોટનું સમારકામ કરવા યહોવાએ અમુક લોકોનો ઉપયોગ કર્યો. એમાં શાલ્લુમની દીકરીઓ પણ હતી. (નહે. ૨:૨૦; ૩:૧૨) શાલ્લુમ રાજવંશના હતા તોપણ તેમની દીકરીઓ ખુશીથી એ અઘરું અને ખતરનાક કામ કરવા તૈયાર હતી. (નહે. ૪:૧૫-૧૮) પણ તકોઆના આગળ પડતા લોકોએ એ “કામમાં મદદ કરી નહિ.” (નહે. ૩:૫) તકોઆના લોકો અને શાલ્લુમની દીકરીઓ વચ્ચે કેવો આભ-જમીનનો ફરક! એ કામ ફક્ત બાવન દિવસમાં પૂરું થઈ ગયું. જરા વિચારો, એ જોઈને શાલ્લુમની દીકરીઓની ખુશીનો પાર નહિ રહ્યો હોય! (નહે. ૬:૧૫) આજે પણ અમુક બહેનો રાજીખુશીથી યહોવાની ખાસ સેવા કરી રહી છે. યહોવાની સેવામાં વપરાતી જગ્યાના બાંધકામ અને સમારકામમાં તેઓ ભાગ લે છે. એ વફાદાર બહેનોની આવડત અને જોશને લીધે એ કામ સફળતાથી પાર પડી રહ્યું છે!
ઈસુ જેવા નમ્ર બનો
૧૬ આપણે બધા જ ઈસુ જેવો સ્વભાવ કેળવીએ. મંડળમાં નાના-મોટાં ઘણાં કામ હોય છે. ભલેને કંઈ નાનું-સૂનું કામ મળે, તોપણ શરમ શાની? (૧ શમૂએલ ૨૫:૪૧; ૨ રાજાઓ ૩:૧૧) માબાપે પોતે બાળકો માટે દાખલો બેસાડવો જોઈએ. માનો કે તમારાં બાળકોને કિંગ્ડમ હૉલમાં કે સંમેલનોમાં કોઈ કામ મળે. શું તમે તેઓને એ ખુશીથી કરવા મદદ કરો છો? શું તેઓ તમને નાનું-મોટું ગમે એ કામ હોંશથી કરતા જુએ છે? યહોવાહના સાક્ષીઓની મુખ્ય બ્રાંચમાં સેવા આપતો એક ભાઈ પોતાના મમ્મી-પપ્પા વિષે કહે છે: “તેઓ કિંગ્ડમ હૉલ અને સંમેલનોમાં રાજી-ખુશીથી સાફ-સફાઈ કરતા. નાનપણથી જ મારા પર એની અસર પડી. ભલેને કોઈ કામ શરમ આવે એવું હોય, તોપણ મોટે ભાગે તેઓ એ કરવા તૈયાર થઈ જતા. તેઓ માનતા કે એ મંડળ માટે, આપણા ભાઈ-બહેનોના ભલા માટે છે. તેઓને કારણે જ અહીં બેથેલમાં મને જે કામ મળે, એ હું ખુશીથી કરું છું.”
કીમતી રત્નો
નહેમ્યાહના મુખ્ય વિચારો
૪:૧૭, ૧૮—કોટને ફરી બાંધતી વખતે માણસ એક જ હાથથી કામ કેવી રીતે કરી શકતો હતો? ભાર ઊંચકનારા (મજૂરો) માટે એ કોઈ મુશ્કેલ કામ ન હતું. તેઓ એક હાથથી પોતાનાં માથા પર કે ખભા પર મૂકેલા ભારને સહેલાઈથી ઊંચકી શકતા, જ્યારે કે ‘બીજા હાથમાં’ હથિયાર પકડી શકતા. બાંધકામ કરવામાં જેઓને બન્ને હાથનો ઉપયોગ કરવો જરૂરી હોય તેઓ “પોતપોતાની તરવાર કમરે લટકાવીને કામ કરતા હતા.” આ રીતે તેઓ હંમેશાં તૈયાર રહેતા, જેથી દુશ્મન અચાનક ચડાઈ કરે, તો તેઓ તેમનો સામનો કરી શકે.
ઑગસ્ટ ૭-૧૩
બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૫-૭
“નહેમ્યા સેવા કરવા માંગતા હતા, સેવા કરાવવા નહિ”
સાચી ઉપાસનાને ટેકો આપનારા
નહેમ્યાહે યહોવાહની સેવામાં પોતાની આવડત અને સમય જ નહિ, પણ પોતાનાથી બનતું બધું જ આપ્યું હતું. તેમણે પૈસા આપીને યહુદી ભાઈઓને ગુલામીમાંથી છોડાવ્યા હતા. અરે, તે તેઓને વગર વ્યાજે પૈસા પણ આપતા હતા. તે પોતે સૂબા હતા તોપણ, અગાઉના સૂબાઓની જેમ યહુદીઓ પાસેથી હકનો પગાર માગીને તેઓ પર “બોજો” બન્યા નહિ. વળી તેમણે પોતાનું ઘર પણ બધા માટે ખૂલ્લું રાખ્યું હતું. તેમની સાથે ‘દરરોજ દોઢસો યહુદીઓ તથા વિદેશી અધિકારીઓ જમતા.’ નહેમ્યાહ પોતાને ખર્ચે તેઓ માટે દરરોજ “એક ગોધો, છ વીણી કાઢેલા ઘેટા, અને મુરઘાં” પૂરાં પાડતા હતા. એટલું જ નહિ, તે દર દસ દિવસે પોતાને ખર્ચે તેઓને જાતજાતનો “દ્રાક્ષારસ” પીરસતા હતા.—નહેમ્યાહ ૫:૮, ૧૦, ૧૪-૧૮.
‘તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ’
૧૬ યહોવાની મદદથી નહેમ્યા અને યહુદીઓ પોતાના હાથ બળવાન કરી શક્યા. તેઓએ બાવન દિવસમાં જ યરૂશાલેમની દીવાલનું બાંધકામ પૂરું કરી દીધું! (નહે. ૨:૧૮; ૬:૧૫, ૧૬) બીજાઓ કામ કરતા હતા ત્યારે, નહેમ્યા હાથ પર હાથ ધરીને બેસી રહ્યા ન હતા. યરૂશાલેમની દીવાલો બાંધવામાં તેમણે પણ બનતી મદદ કરી હતી. (નહે. ૫:૧૬) એવી જ રીતે, મંડળના વડીલો નહેમ્યાનું અનુકરણ કરી શકે. તેઓ રાજ્યગૃહ બાંધકામ અથવા એના સમારકામ અને સફાઈકામમાં મદદ કરી શકે. ચિંતામાં ડૂબી ગયેલાં ભાઈ-બહેનોની મુલાકાત લઈને અને પ્રચારમાં તેઓ સાથે કામ કરીને પ્રેમાળ વડીલો તેઓને બળવાન કરે છે.—યશાયા ૩૫:૩, ૪ વાંચો.
યહોવાહ કઈ રીતે તમને યાદ કરશે?
બાઇબલમાં વારંવાર જણાવવામાં આવે છે કે, દેવ “સ્મરણ” કરશે, એટલે તે કંઈક ચોક્કસ કરશે. દાખલા તરીકે, પૃથ્વી પર જળપ્રલયના પાણીનું ૧૫૦ દિવસ જોર રહ્યું ત્યારે, નુહને “દેવે સંભાર્યાં; અને દેવે પૃથ્વી પર પવન ચલાવ્યો, ને પાણી ઊતરી ગયાં.” (ઉત્પત્તિ ૮:૧) સદીઓ પછી, પલિસ્તીઓએ શામશૂનને આંધળો કરીને બેડીઓ પહેરાવી, ત્યારે તેણે પ્રાર્થના કરી: “યહોવાહ, કૃપા કરીને મને સંભાર; હે દેવ, કૃપા કરીને આ એક જ વાર મને બળવાન કર.” યહોવાહ દેવે શામશૂનને પુષ્કળ શક્તિ આપીને સંભાર્યા, જેથી તે દેવના દુશ્મનો પર વેર વાળી શકે. (ન્યાયાધીશો ૧૬:૨૮-૩૦) નહેમ્યાહના કિસ્સામાં પણ, યહોવાહ દેવે તેની મહેનતનાં ફળ આપ્યાં અને યરૂશાલેમમાં ફરીથી સાચી ઉપાસના શરૂ થઈ.
કીમતી રત્નો
‘સારાથી ભૂંડા પર જીત મેળવ’
૧૫ નહેમ્યાહના દુશ્મનો ત્રીજી ચાલમાં દગો રમે છે. તેઓ ઈસ્રાએલી શમાયાહ દ્વારા નહેમ્યાહ પાસે યહોવાહનો નિયમ તોડાવવા માગે છે. શમાયાહે નહેમ્યાહને કહ્યું: “આપણે દેવના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ; કેમ કે તેઓ તને મારી નાખવા સારૂ આવશે.” નહેમ્યાહ યાજક ન હતા, એટલે મંદિરમાં સંતાઈ જાય તો યહોવાહની આજ્ઞા તોડીને પાપમાં પડે. શું તેમણે જીવ બચાવવા યહોવાહનો નિયમ તોડ્યો? નહેમ્યાહે હિંમતથી જવાબ આપ્યો: “પોતાનો જીવ બચાવવા સારૂ કોણ મંદિરમાં ભરાઈ જાય? હું અંદર નહિ જાઉં.” નહેમ્યાહે હિંમત બતાવી અને દુશ્મનોની જાળમાં ફસાયા નહીં. તે જાણતા હતા કે ભલે શમાયાહ ઈસ્રાએલી હતો, પણ ‘ઈશ્વરે તેનો મોકલ્યો ન હતો.’ સાચો ઈશ્વરભક્ત કોઈ દિવસ ઈશ્વરનો નિયમ તોડવાની સલાહ ન આપે. ફરીથી નહેમ્યાહની જીત થઈ અને દુશ્મનોની હાર! એટલે જ નહેમ્યાહ જણાવી શક્યા: “અલૂલ માસની પચીસમી તારીખે, બાવન દિવસમાં, કોટ પૂરો થયો.”—નહેમ્યાહ ૬:૧૦-૧૫; ગણના ૧:૫૧; ૧૮:૭.
ઑગસ્ટ ૧૪-૨૦
બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૮-૯
“યહોવા તરફથી મળતો આનંદ તમારો મજબૂત કિલ્લો છે”
સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના પરથી શીખીએ
૨ એ ખાસ સભામાં યહુદીઓ ભેગા મળ્યા એના એક મહિના પહેલાં તેઓએ યરુશાલેમની દીવાલનું સમારકામ પૂરું કર્યું હતું. (નહે. ૬:૧૫) તેઓએ સમારકામ ફક્ત બાવન દિવસમાં પૂરું કર્યું. ત્યાર બાદ તરત તેઓએ ઈશ્વર સાથે પોતાનો સંબંધ મજબૂત કરવા પર ધ્યાન આપ્યું. એના માટે તેઓ શરૂ થનાર નવા મહિના એટલે કે તીશરીના પહેલા દિવસે ભેગા મળ્યા. તેઓ એઝરા પ્રબોધક અને બીજા લેવીઓ પાસેથી ઈશ્વરનાં વચનો સાંભળવાં અને સમજવાં જાહેર સ્થળે એકઠા થયા. (ચિત્ર ૧ જુઓ.) બધા કુટુંબોના સભ્યો “જેઓ સાંભળીને સમજી શકે એવાં હતાં” તેઓએ “પરોઢિયાથી બપોર સુધી” ઊભા રહીને ધ્યાનથી એ વચનો સાંભળ્યાં. આરામદાયક રાજ્યગૃહમાં હાજરી આપતાં ભાઈ-બહેનો માટે એ કેટલો સારો દાખલો છે! શું કોઈક વાર સભાઓ દરમિયાન તમારું મન ભટકીને ઓછા મહત્ત્વની બાબતો પર વિચારે છે? જો એમ હોય તો, એ પ્રાચીન ઈસ્રાએલીઓના દાખલા પર ફરી વિચાર કરીએ. તેઓએ પ્રવચનો સાંભળવાની સાથે સાથે એને દિલમાં ઉતાર્યાં. અરે, એક પ્રજા તરીકે પોતે ઈશ્વરની આજ્ઞા પાળવામાં નિષ્ફળ ગયા છે, એવો ખ્યાલ આવવાથી તેઓ રડી પડ્યા!—નહે. ૮:૧-૯.
શું તમે “પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલશો”?
૯ યહોવાહ ચાહે છે કે તેમના ભક્તો પણ તેમની જેમ આનંદી રહે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧) ઈસુ પણ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવામાં આનંદ માણે છે. (ગીતશાસ્ત્ર ૪૦:૮; હેબ્રી ૧૦:૭-૯) ‘યહોવાહનો આનંદ આપણું સામર્થ્ય છે.’—નહેમ્યાહ ૮:૧૦.
૧૦ ઈશ્વરે આપણને આનંદનો ગુણ આપ્યો છે. દુઃખ-સુખમાં પણ આપણે તેમની ઇચ્છા પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણને આનંદ થાય છે. ‘ઈશ્વરના જ્ઞાનથી’ આપણને કેટલી ખુશી મળે છે! (નીતિવચનો ૨:૧-૫) ઈશ્વર સાથેનો આપણો નાતો શેના પર આધારિત છે? ઈશ્વરના જ્ઞાન પર અને ઈસુની કુરબાની પર. (૧ યોહાન ૨:૧, ૨) સર્વ દેશમાંથી લોકો યહોવાહના ભક્તો બને છે. તેઓ આપણા ભાઈ-બહેનો છે, એ એક ખુશીની વાત છે. (સફાન્યાહ ૩:૯; હાગ્ગાય ૨:૭) આપણે માનીએ છીએ કે યહોવાહનું રાજ્ય આવશે જ. એ ખુશખબર લોકોને જણાવીએ છીએ, એ કેટલો મોટો આશીર્વાદ છે! (માત્થી ૬:૯, ૧૦; ૨૪:૧૪) આપણને હંમેશ માટે જીવવાની આશા છે એનાથી પણ ખુશી મળે છે. (યોહાન ૧૭:૩) એ આશા હોવાથી આપણને “આનંદ” થવો જોઈએ.—પુનર્નિયમ ૧૬:૧૫.
કીમતી રત્નો
it-૧-E ૧૪૫ ¶૨
અરામિક ભાષા
નહેમ્યા ૮:૮માં લખ્યું છે, “તેઓ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી મોટે અવાજે વાંચતા, સારી રીતે સમજાવતા અને એનો અર્થ જણાવતા. આમ જે વાંચવામાં આવી રહ્યું હતું એ સમજવા તેઓએ લોકોને મદદ કરી.” અહીં “સારી રીતે સમજાવતા” એ શબ્દનો અર્થ કદાચ એવો થઈ શકે કે હિબ્રૂ ભાષાના લખાણોને અરામિક ભાષામાં થોડાંક શબ્દોમાં સમજાવવું. બની શકે કે યહૂદી લોકો બાબેલોનમાં અરામિક ભાષા શીખ્યા હોય. “સારી રીતે સમજાવતા” એ શબ્દનો અર્થ એ પણ થઈ શકે કે લેવીઓ નિયમશાસ્ત્રની ઝીણામાં ઝીણી વિગતો સમજાવતા. એના લીધે હિબ્રૂ બોલતા યહૂદી લોકો નિયમશાસ્ત્રની ઊંડી વાતો સમજી શકતા હતા.
ઑગસ્ટ ૨૧-૨૭
બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૧૦-૧૧
“તેઓએ યહોવા માટે જતું કર્યું”
w૯૮ ૧૦/૧૫ ૨૨ ¶૧૩
યરૂશાલેમ એના નામ પ્રમાણે સાચું
૧૩ નહેમ્યાહના દિવસમાં “નક્કી કરાર”ની મુદ્રાએ યરૂશાલેમની દીવાલના પ્રતિષ્ઠાપણના દિવસ માટે દેવના પ્રાચીન લોકોને તૈયાર કર્યા હતા. પરંતુ બીજી તાકીદની બાબત હજુ ધ્યાન માંગી લેતી હતી. યરૂશાલેમને ૧૨ ભાગળવાળી વિશાળ દીવાલથી ઘેરવામાં આવ્યું હોવાથી, વધુ વસ્તીની જરૂર હતી. કેટલાક ઈસ્રાએલીઓ ત્યાં રહેતા હોવા છતાં, “નગર વિસ્તીણ તથા મોટું હતું; પણ એમાં લોકો થોડા હતા.” (નહેમ્યાહ ૭:૪) આ સમસ્યા હલ કરવા માટે, લોકોએ “ચિઠ્ઠીઓ નાખી કે દર દશમાંથી એક માણસ પવિત્ર નગર યરૂશાલેમમાં વસવા માટે જાય.” આ ગોઠવણનો સ્વેચ્છાથી પ્રત્યુત્તર આપનારને “જેઓ યરૂશાલેમમાં રહેવા સારૂ રાજીખુશીથી આગળ પડ્યા, તે સર્વ માણસોને” લોકોએ ધન્યવાદ આપ્યા. (નહેમ્યાહ ૧૧:૧, ૨) જેઓના સંજોગો એવી જગ્યાએ જવા પરવાનગી આપે છે, જ્યાં પરિપક્વ ખ્રિસ્તીઓની વધારે જરૂર છે, તેઓ સાચા ઉપાસકો માટે કેટલો સારો દાખલો બેસાડે છે.
w૮૬ ૩/૧ ૨૮
સાચી ઉપાસનાની જીત
ઇઝરાયેલીઓ જાણતા હતા કે પોતાનું ઘરબાર છોડીને યરૂશાલેમ જવું સહેલું નહિ હોય. એમાં ઘણો ખર્ચ થઈ શકે, સાથે જ અમુક નુકસાન પણ વેઠવું પડે. ઉપરાંત, યરૂશાલેમમાં રહેતા લોકોને ઘણા જોખમોનો પણ સામનો કરવો પડતો. તોપણ અમુક ઇઝરાયેલી લોકોએ પોતાની ઇચ્છાથી યરૂશાલેમ જવાનું નક્કી કર્યું. એના લીધે બીજા ઇઝરાયેલી લોકોએ તેઓના ઘણા વખાણ કર્યા. એટલું જ નહિ, યહોવાને પ્રાર્થના કરી કે તેઓના ત્યાગ માટે તેઓને આશીર્વાદ આપે.
વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ
૧૫ યહોવાને સમર્પણ કર્યું ત્યારે, આપણે તેમને વચન આપ્યું હતું કે ગમે એવા સંજોગોમાં પણ તેમની ઇચ્છા પૂરી કરીશું. એ વચન આપતી વખતે આપણે જાણતા હતા કે, એ પાળવું હંમેશાં સહેલું નહિ હોય. હવે વિચારો, આપણને ન ગમતું કામ સોંપવામાં આવે ત્યારે, આપણને કેવું લાગે છે? શું ત્યારે આપણે રાજીખુશીથી યહોવાનું કહ્યું માનીએ છીએ કે પછી લાગણીઓમાં તણાઈ જઈએ છીએ? આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે કરીને તેમને આપેલું વચન પાળીએ છીએ. યહોવાની સેવા માટે આપણે કદાચ ગમતી વસ્તુઓને જતી કરવી પડે, પણ એના બદલામાં મળતા આશીર્વાદો ઘણા મોટા છે. એની તોલે કંઈ જ ન આવી શકે! (માલા. ૩:૧૦) હવે, યિફતાની દીકરીનો વિચાર કરો. પિતાએ આપેલા વચન વિશે તેણે કેવું વલણ બતાવ્યું?
કીમતી રત્નો
નહેમ્યાહના મુખ્ય વિચારો
૧૦:૩૪—લોકોને લાકડાં લાવવાનું કેમ કહેવામાં આવ્યું? યહોવાહે મુસાને આપેલાં નિયમશાસ્ત્રમાં લાકડાં અર્પવાની કોઈ આજ્ઞા આપી ન હતી. પણ પછીથી એવા સંજોગો આવ્યા જેનાથી એ અર્પવાની જરૂર પડી. વેદી પર અર્પણ કરાયેલાં પ્રાણીઓને સળગાવવા માટે ઘણાં બધાં લાકડાંની જરૂર પડે. પણ લાકડાં ભેગાં કરનારા બિન-ઈસ્રાએલી લોકો (નથીનીમ) પૂરતાં ન હતાં જે મંદિરમાં દાસ તરીકે સેવા કરતા હતા. એટલે મંદિરમાં ભેટ ચઢાવવા માટે લાકડાંની અછત ન પડે, એ વાત ધ્યાનમાં રાખીને લાકડાં લાવવા ચિઠ્ઠીઓ નાખવામાં આવી હતી.
ઑગસ્ટ ૨૮–સપ્ટેમ્બર ૩
બાઇબલમાં રહેલો ખજાનો | નહેમ્યા ૧૨-૧૩
“મિત્રો પસંદ કરતી વખતે યહોવાને વફાદાર રહો”
it-૧-E ૯૫ ¶૫
આમ્મોની લોકો
ટોબિયાનો બધો જ સામાન મંદિરની બહાર ફેંકવામાં આવ્યો. એ પછી, લોકો સામે પુનર્નિયમ ૨૩:૩-૬માં લખેલો ઈશ્વરનો નિયમ વાંચવામાં આવ્યો અને એ લાગુ કરવામાં આવ્યો. એ નિયમમાં યહોવાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આમ્મોની અને મોઆબી લોકો ઇઝરાયેલ રાષ્ટ્રનો ભાગ બની શકશે નહિ. (નહે. ૧૩:૧-૩) યહોવાએ એ નિયમ લગભગ ૧,૦૦૦ વર્ષ પહેલાં લખાવ્યો હતો. એ લખાવવાનું કારણ એ હતું કે જ્યારે ઇઝરાયેલીઓ વચનના દેશમાં જતા હતા, ત્યારે આમ્મોની અને મોઆબી લોકોએ તેઓને મદદ કરી ન હતી. એ નિયમ પ્રમાણે આમ્મોની અને મોઆબી લોકો એક જાતિ તરીકે ઇઝારાયેલ રાષ્ટ્રનો ભાગ બની શકતા ન હતા. એટલે ઇઝરાયેલીઓને મળતા અધિકાર અને લાભ પણ તેઓ મેળવી શકતા ન હતા. જોકે એનો એવો અર્થ નથી કે આમ્મોની અને મોઆબી લોકો કોઈ પણ ઇઝરાયેલીઓ સાથે હળી-મળી શકતા ન હતા કે તેઓ સાથે રહી શકતા ન હતા. યહોવા ઇઝરાયેલીઓને જે આશીર્વાદો આપતા એનો ફાયદો એ લોકો પણ લઈ શકતા હતા. દાખલા તરીકે, આમ્મોની સેલેક જે દાઉદના શૂરવીર યોદ્ધાઓમાંથી એક હતો અને મોઆબી રૂથ.—રૂથ ૧:૪, ૧૬-૧૮.
તમને પવિત્ર કરવામાં આવ્યા છે
૫ નહેમ્યા ૧૩:૪-૯ વાંચો. આપણે દુષ્ટ દુનિયાના ચાલચલણથી ઘેરાયેલા છીએ, એટલે પવિત્ર રહેવું સહેલું નથી. એલ્યાશીબ અને ટોબીયાહનો વિચાર કરો. એલ્યાશીબ પ્રમુખ યાજક હતા અને ટોબીયાહ આમ્નોની હતા. તે કદાચ યહુદાહમાં ઈરાની સત્તામાં એક નાના અધિકારી પણ હતા. નહેમ્યા યરૂશાલેમની દીવાલ ફરીથી બાંધવાનો પ્રયત્ન કરતા હતા, એનો ટોબીયાહ અને તેના સાથીઓ વિરોધ કરતા હતા. (નહે. ૨:૧૦) આમ્નોનીઓને મંદિરની જમીન પર આવવાની કડક મનાઈ હતી. (પુન. ૨૩:૩) તેમ છતાં, પ્રમુખ યાજકે શા માટે ટોબીયાહને મંદિરના ભોજન ખંડમાં રહેવા માટે ઓરડો આપ્યો?
૬ એલ્યાશીબ અને ટોબીયાહ વચ્ચે સારા સંબંધો હતા. ટોબીયાહ અને તેનો દીકરો યહોહાનાન યહુદી સ્ત્રીઓને પરણ્યા હતા. ઘણા યહુદીઓ ટોબીયાહને ખૂબ માન આપતા હતા. (નહે. ૬:૧૭-૧૯) એલ્યાશીબનો એક પૌત્ર સમરૂનના સૂબા સાનબલ્લાટની દીકરીને પરણ્યો હતો. સાનબલ્લાટને ટોબીયાહ સાથે મિત્રતા હતી. (નહે. ૧૩:૨૮) કદાચ આ કારણોને લીધે પ્રમુખ યાજક એલ્યાશીબ એક વિરોધીનું સાંભળતા હતા, જે ઈશ્વરભક્ત ન હતો. પણ નહેમ્યાએ ટોબીયાહનો બધો સરસામાન ભોજનખંડની બહાર ફેંકી દઈને યહોવા પ્રત્યે વફાદારી બતાવી.
w૯૬ ૩/૧૫ ૧૫ ¶૬
વફાદારીનો પડકાર ઝીલવો
૬ આપણે યહોવાહ દેવને વફાદાર હોઈએ તો, આપણે જે સર્વ તેમના દુશ્મનો છે તેઓને મિત્રો બનાવવાનું ટાળીશું. એ કારણે જ શિષ્ય યાકૂબે લખ્યું: “ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી, કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે દેવનો વૈરી થાય છે.” (યાકૂબ ૪:૪) આપણે રાજા દાઊદે બતાવી એ વફાદારી બતાવવા માગીએ છીએ જેણે કહ્યું: “હે યહોવાહ, તારો દ્વેષ કરનારાનો દ્વેષ શું હું નહિ કરૂં? જેઓ તારી સામા ઊઠે છે તેઓનો શું હું ધિક્કાર નહિ કરૂં? હું તેઓનો પૂરેપૂરો દ્વેષ કરૂં છું; તેઓને હું મારા શત્રુઓ ગણું છું.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૨૧, ૨૨) આપણે કોઈ પણ સ્વેચ્છાએ બનેલા પાપીઓ સાથે હળવામળવા માગતા નથી, કેમકે તેમની અને આપણી વચ્ચે કંઈ જ સામાન્ય નથી. વફાદારી આપણને યહોવાહના આવા કોઈ પણ દુશ્મનો સાથે, વ્યક્તિગત રીતે કે ટેલિવિઝનના માધ્યમ વડે, હળવામળવાથી દૂર નહિ રાખશે શું?
કીમતી રત્નો
it-૨-E ૪૫૨ ¶૯
સંગીત
મંદિરમાં ગીત ગાવું, એક મહત્ત્વની સોંપણી હતી. કારણ કે બાઇબલમાં ઘણી વાર ગાયકો વિશે લખવામાં આવ્યું છે. એટલું જ નહિ, ગાયકોને “બીજી કોઈ જવાબદારી આપવામાં આવી ન હતી” જે સામાન્ય રીતે લેવીઓ કરતા હતા. (૧કા ૯:૩૩) આમ, ગાયકો પોતાની સોંપણી પર વધારે ધ્યાન આપી શકતા હતા. ઇઝરાયેલીઓ બાબેલોનથી પાછા ફર્યા ત્યારે, ગાયકોની ગણતરી લેવીઓ સાથે નહિ પણ અલગ કરવામાં આવી. (એઝ ૨:૪૦, ૪૧) ઈરાની રાજા આર્તાહશાસ્તાએ અમુક ખાસ જૂથ પાસેથી “કરવેરો અને જકાત” ઉઘરાવવાની ના પડી હતી, જેમાં ગાયકો પણ હતા. (એઝ ૭:૨૪) પછી, રાજાએ ફરમાન જાહેર કર્યું કે “ગાયકોને દિવસની જરૂરિયાત પ્રમાણે નક્કી કરેલું ભથ્થું આપવામાં આવે.” બની શકે કે એઝરાએ રાજા આર્તાહશાસ્તા પાસેથી મળેલા અધિકારનો ઉપયોગ કરીને, એ ફરમાન જાહેર કર્યું હશે. (નહે ૧૧:૨૩; એઝ ૭:૧૮-૨૬) એનાથી સમજી શકીએ છીએ કે ભલે ગાયકો લેવીઓ હતા, પણ બાઇબલમાં ગાયકોની ગણતરી લેવીઓ કરતા અલગ કરવામાં આવી છે. એટલે આપણને કલમોમાં ‘ગાયકો અને લેવીઓ’ વાંચવા મળે છે.—નહે ૭:૧; ૧૩:૧૦.