પ્રકરણ ૬
“હવે દેશના લોકોનો અંત આવ્યો છે”
ઝલક: યહોવાએ યરૂશાલેમને સજા કરવા વિશે જે ભવિષ્યવાણી કરી, એ કઈ રીતે પૂરી થઈ?
૧, ૨. (ક) હઝકિયેલ કઈ રીતે વર્તે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) હઝકિયેલનું એ વર્તન શું બતાવતું હતું?
બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓમાં એક ખબર ઝડપથી ફેલાઈ જાય છે. કઈ ખબર? પ્રબોધક હઝકિયેલ કંઈક અલગ જ રીતે વર્તે છે. ખબર નહિ, તેમને શું થઈ ગયું છે! તે કંઈ પણ બોલ્યા-ચાલ્યા વગર સાત દિવસ સુધી એક જગ્યાએ મૂંઝાઈને બેસી રહે છે. પછી તે અચાનક ઊભા થાય છે અને પોતાના ઘરમાં જાય છે. તે દરવાજો બંધ કરી દે છે. પડોશીઓ માથું ખંજવાળવા લાગે છે અને વિચારે છે કે તેમને શું થયું. તેઓ હજુ ઊભાં ઊભાં વિચારે છે એટલામાં જ હઝકિયેલ બહાર આવે છે. તે એક ઈંટ લે છે, પોતાની સામે મૂકે છે અને એના પર કોતરણી કરે છે. ત્યાર પછી તે કંઈ પણ બોલ્યા વગર ઈંટની આજુબાજુ નાનકડી દીવાલ બનાવવા લાગે છે.—હઝકિ. ૩:૧૦, ૧૧, ૧૫, ૨૪-૨૬; ૪:૧, ૨.
૨ હઝકિયેલની આજુબાજુ લોકો ભેગા થઈ ગયા હશે. તેઓ વિચારતા હશે કે ‘આનો શું અર્થ થાય?’ એ યહૂદીઓને પછીથી ખબર પડી હશે કે હઝકિયેલનું નવાઈ લાગે એવું વર્તન એક ભવિષ્યવાણી હતી. એ વર્તન બતાવતું હતું કે યહૂદીઓનાં કરતૂતોને લીધે યહોવાનો ક્રોધ ભડકી ઊઠશે. તેઓ પર એક મોટી મુસીબત આવી પડશે. એ કઈ મુસીબત હતી? એની ઇઝરાયેલીઓ પર કેવી અસર થઈ? આજે યહોવાની ભક્તિ કરનારા લોકોને એમાંથી શું શીખવા મળે છે?
‘એક ઈંટ લે, ઘઉં લે, ધારદાર તલવાર લે’
૩, ૪. (ક) યહોવા કઈ ત્રણ રીતે યરૂશાલેમને સજા કરશે? (ખ) યરૂશાલેમ ફરતે ઘેરો નાખવાનું દૃશ્ય હઝકિયેલે કઈ રીતે બતાવ્યું?
૩ લગભગ ઈ.સ. પૂર્વે ૬૧૩માં યહોવાએ હઝકિયેલને સંદેશો આપ્યો. યહોવાએ તેમને જણાવ્યું કે તે ત્રણ દૃશ્ય ભજવીને બતાવે. એમાં તે બતાવે કે યહોવા કઈ ત્રણ રીતે યરૂશાલેમને સજા કરશે. એ ત્રણ રીત આ હતી: યરૂશાલેમ ફરતે ઘેરો, યરૂશાલેમના લોકો પર આફતો, યરૂશાલેમ અને એના લોકોનો નાશ.a ચાલો એના વિશે વધારે જોઈએ.
૪ યરૂશાલેમ ફરતે ઘેરો. યહોવાએ હઝકિયેલને કહ્યું: “એક ઈંટ લે અને તારી સામે મૂક. એના પર યરૂશાલેમ શહેરની કોતરણી કર. એની ફરતે ઘેરો નાખ.” (હઝકિયેલ ૪:૧-૩ વાંચો.) ઈંટ યરૂશાલેમને રજૂ કરે છે. હઝકિયેલ બાબેલોનના લશ્કરને રજૂ કરે છે, જેના દ્વારા યહોવા યરૂશાલેમનો નાશ કરશે. યહોવાએ હઝકિયેલને કહ્યું કે દીવાલો અને નાનાં નાનાં ઢોળાવો બનાવે ને કોટ તોડવાનાં સાધનો બનાવે. પછી એ બધું ઈંટની ચારે બાજુ મૂકે. આ બધું યુદ્ધનાં સાધનોને રજૂ કરે છે. એનો ઉપયોગ કરીને દુશ્મન લશ્કર યરૂશાલેમને ઘેરી લેશે અને એના પર હુમલો કરશે. દુશ્મનોના લોખંડી પંજામાં કેટલી તાકાત છે, એ બતાવવા યહોવાએ હઝકિયેલને “લોઢાનો તવો” લેવાનું કીધું. એને તેમની અને ઈંટની એટલે શહેરની વચ્ચે મૂકવાનું કીધું. પછી તેમનું “મોઢું એ શહેર સામે” રાખવાનું કીધું. આ બધું ‘ઇઝરાયેલના લોકો માટે નિશાની’ થશે કે જલદી જ તેઓ પર એક મોટી આફત આવી પડશે. એના વિશે તેઓએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય. યહોવા દુશ્મનોના લશ્કરને મોકલશે, જે યરૂશાલેમને ઘેરી લેશે. યરૂશાલેમ તો યહોવાના લોકોનું ખાસ શહેર હતું. ત્યાં યહોવાનું મંદિર પણ હતું.
૫. યરૂશાલેમના લોકો પર કેવી આફતો આવી પડશે, એ બતાવવા હઝકિયેલે શું કર્યું?
૫ યરૂશાલેમના લોકો પર આફતો. યહોવાએ હઝકિયેલને આજ્ઞા આપી: ‘તું ઘઉં, જવ, વાલ, દાળ, બાજરી અને લાલ ઘઉં લે. એમાંથી રોટલી બનાવ. તું દરરોજ ૨૦ શેકેલ ખોરાક જોખીને ખા.’ ૨૦ શેકેલ એટલે આશરે ૨૩૦ ગ્રામ. પછી યહોવાએ કહ્યું: ‘હું ખોરાકની અછત લાવીશ.’ (હઝકિ. ૪:૯-૧૬) આ દૃશ્યમાં હઝકિયેલ બાબેલોનના લશ્કરને નહિ, પણ યરૂશાલેમના લોકોને રજૂ કરે છે. હઝકિયેલ દૃશ્ય ભજવીને જે બતાવે છે, એ એક ભવિષ્યવાણી છે. એ બતાવે છે કે જ્યારે યરૂશાલેમ ફરતે ઘેરો નાખવામાં આવશે, ત્યારે ત્યાં ખોરાકની ભારે અછત પડશે. લોકો મજબૂરીના લીધે અલગ અલગ અનાજ ભેગું કરીને રોટલી બનાવશે. એ બતાવે છે કે લોકોએ જે મળે એ ખાવું પડશે. હવે હઝકિયેલ બતાવે છે કે દુકાળ કેટલો આકરો હશે. તે જાણે યરૂશાલેમના લોકોને સીધેસીધું જણાવે છે: “તારામાં રહેતા પિતા પોતાના દીકરાને ખાશે અને દીકરો પોતાના પિતાને ખાશે.” આખરે દુકાળના ‘ખતરનાક તીરથી’ ઘણા લોકોનો “વિનાશ થશે.”—હઝકિ. ૪:૧૭; ૫:૧૦, ૧૬.
૬. (ક) બીજા એક દૃશ્યમાં હઝકિયેલ કયાં બે પાત્રો ભજવે છે? (ખ) ‘વાળને ત્રાજવામાં તોળીને એના ત્રણ ભાગ કરવા’ શાને બતાવે છે?
૬ યરૂશાલેમ અને એના લોકોનો નાશ. હવે હઝકિયેલ બીજું એક દૃશ્ય ભજવીને ભવિષ્યવાણી કરે છે. એમાં તે બે પાત્ર ભજવે છે. પહેલા પાત્રમાં હઝકિયેલ બતાવે છે કે યહોવા શું કરશે. યહોવાએ કીધું હતું તેમ, હઝકિયેલ ‘ધારદાર તલવાર લે છે અને એને હજામના અસ્ત્રાની જેમ ચલાવે છે.’ (હઝકિયેલ ૫:૧, ૨ વાંચો.) હઝકિયેલે જે હાથમાં તલવાર પકડી છે, એ યહોવાના હાથને રજૂ કરે છે. એ બતાવે છે કે યહોવા કઈ રીતે બાબેલોનના લશ્કર દ્વારા યરૂશાલેમના લોકોને સજા કરશે. બીજા પાત્રમાં હઝકિયેલ બતાવે છે કે યહૂદીઓના કેવા હાલ થશે. યહોવાએ હઝકિયેલને કહ્યું: “તારું માથું અને દાઢી મૂંડી નાખ.” તેમણે એવું જ કર્યું. તેમના વાળ યરૂશાલેમના લોકોને રજૂ કરે છે. માથું મૂંડી નાખવું, એ બતાવે છે કે કેવી રીતે યહૂદીઓ પર હુમલો થશે અને તેઓનો નાશ થશે. પછી યહોવા હઝકિયેલને કહે છે: “એ વાળને ત્રાજવામાં તોળીને એના ત્રણ ભાગ કર.” એ બતાવે છે કે યરૂશાલેમના લોકોનો જેમતેમ નાશ નહિ થાય, પણ યહોવાએ નક્કી કર્યા પ્રમાણે નાશ થશે. તેઓનો પૂરેપૂરો નાશ થશે.
૭. યહોવાએ હઝકિયેલને વાળના ત્રણ ભાગ કરવાનું અને એ ત્રણ ભાગને કંઈક અલગ અલગ કરવાનું કેમ કહ્યું?
૭ યહોવાએ હઝકિયેલને વાળના ત્રણ ભાગ કરવાનું અને એ ત્રણ ભાગને કંઈક અલગ અલગ કરવાનું કેમ કહ્યું? (હઝકિયેલ ૫:૭-૧૨ વાંચો.) એ બતાવે છે કે યરૂશાલેમના લોકોના કેવા હાલ થશે. હઝકિયેલ વાળનો એક ભાગ “શહેરની અંદર” બાળી નાખે છે. જોનારા લોકો માટે એ નિશાની હતી કે યરૂશાલેમના અમુક લોકો શહેરની અંદર માર્યા જશે. હઝકિયેલે વાળનો બીજો ભાગ “શહેર ફરતે” નાખ્યો અને એના પર તલવાર ચલાવી. એ બતાવતું હતું કે યરૂશાલેમના અમુક લોકો શહેરની બહાર માર્યા જશે. તેમણે વાળનો ત્રીજો ભાગ હવામાં ઉડાવી દીધો. એ બતાવતું હતું કે યરૂશાલેમના અમુક લોકો બીજા દેશોમાં વિખેરાઈ જશે. પણ યહોવા “તલવાર લઈને તેઓનો પીછો” કરશે. એટલે નાશથી બચી ગયેલા લોકો ગમે ત્યાં જાય, તોપણ તેઓ રાહતનો શ્વાસ નહિ લઈ શકે.
૮. (ક) હઝકિયેલે કઈ રીતે બતાવ્યું કે ભવિષ્યવાણીમાં લોકો માટે એક આશા છે? (ખ) “અમુક વાળ” વિશેની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી?
૮ હઝકિયેલે જે ભવિષ્યવાણી ભજવીને બતાવી, એમાં એક આશા છુપાયેલી હતી. યહોવાએ હઝકિયેલને કહ્યું: “ત્રીજા ભાગમાંથી તું અમુક વાળ લેજે અને તારા કપડામાં વીંટાળી લેજે.” (હઝકિ. ૫:૩) એ બતાવતું હતું કે બીજા દેશોમાં વિખેરાઈ ગયેલા અમુક યહૂદીઓને બચાવી લેવામાં આવશે. એમાંના “અમુક વાળ” એટલે કે અમુક લોકો બાબેલોનની ૭૦ વર્ષની ગુલામીમાંથી યરૂશાલેમ પાછા ફરશે. (હઝકિ. ૬:૮, ૯; ૧૧:૧૭) શું એ ભવિષ્યવાણી સાચી પડી? હા ચોક્કસ. બાબેલોનની ગુલામી પૂરી થઈ, એનાં અમુક વર્ષો પછી પ્રબોધક હાગ્ગાયે જણાવ્યું કે આમતેમ વિખેરાઈ ગયેલા અમુક યહૂદીઓ યરૂશાલેમ પાછા ફર્યા. તેઓ ‘વૃદ્ધ માણસો હતા, જેઓએ અગાઉનું મંદિર,’ એટલે કે સુલેમાનનું મંદિર જોયું હતું. (એઝ. ૩:૧૨; હાગ્ગા. ૨:૧-૩) યહોવાએ વચન આપ્યું હતું કે શુદ્ધ ભક્તિ ક્યારેય મિટાવી દેવાશે નહિ. તેમણે એ વચન પાળ્યું. યરૂશાલેમમાં શુદ્ધ ભક્તિ કઈ રીતે ફરી શરૂ થઈ, એ વિશે આપણે ૯મા પ્રકરણમાં વધારે જોઈશું.—હઝકિ. ૧૧:૧૭-૨૦.
આ ભવિષ્યવાણીથી ભાવિના બનાવો વિશે શું જાણવા મળે છે?
૯, ૧૦. હઝકિયેલની ભવિષ્યવાણીઓ ભાવિમાં થનાર કયા મહત્ત્વના બનાવોની યાદ અપાવે છે?
૯ હઝકિયેલે દૃશ્યો ભજવીને અમુક ભવિષ્યવાણીઓ કરી હતી. એ યાદ અપાવે છે કે આ ભવિષ્યવાણીઓ ભાવિમાં થનાર મહત્ત્વના બનાવોને પણ રજૂ કરે છે. જૂના જમાનામાં યરૂશાલેમમાં એવા બનાવો બન્યા હતા, જેના વિશે લોકોએ વિચાર્યું પણ ન હતું. ભાવિમાં પણ એવા બનાવો બનશે, જેના વિશે લોકોએ સપનેય વિચાર્યું નહિ હોય. અમુક બનાવો કયા છે? યહોવા પોતાને ન ભજનારા બધાં ધાર્મિક સંગઠનો પર સરકારો દ્વારા હુમલો કરાવશે. (પ્રકટી. ૧૭:૧૬-૧૮) યરૂશાલેમ પર જે આફત આવી હતી, “એવી આફત આજ સુધી આવી નથી.” એવી જ રીતે, ભાવિમાં “મોટી વિપત્તિ” આવશે અને આર્માગેદનનું યુદ્ધ થશે. એ એવો બનાવ હશે, જેવો ‘હમણાં સુધી થયો નથી.’—હઝકિ. ૫:૯; ૭:૫; માથ. ૨૪:૨૧.
૧૦ બાઇબલમાં આપેલા બનાવો ઇશારો કરે છે કે ખરા ઈશ્વરને માર્ગે ન ચાલનારા બધા ધર્મોનાં સંગઠનોનો નાશ થશે. પણ એમાંથી અમુક લોકો બચી જશે. તેઓ અલગ અલગ પ્રકારના લોકો સાથે મળીને સંતાવાની જગ્યા શોધશે. (ઝખા. ૧૩:૪-૬; પ્રકટી. ૬:૧૫-૧૭) તેઓની હાલત પણ યરૂશાલેમના નાશમાંથી બચી ગયેલા લોકો જેવી જ થશે. એ લોકો નાશમાંથી તો બચી ગયા, પણ તેઓને “હવામાં” ઉડાવી દેવામાં આવ્યા. એટલે કે, તેઓને જુદા જુદા દેશોમાં વિખેરી નાખવામાં આવ્યા. આપણે ફકરા ૭માં જોયું તેમ, તેઓ નાશમાંથી અમુક સમય માટે બચી ગયા, પણ પછી યહોવાએ ‘તલવાર લઈને તેઓનો પીછો’ કર્યો. (હઝકિ. ૫:૨) એવી જ રીતે, ભવિષ્યમાં ધર્મોના નાશમાંથી બચી ગયેલા લોકો અલગ અલગ જગ્યાએ સંતાવાની કોશિશ કરશે. પણ તેઓ યહોવાની તલવારથી બચી શકશે નહિ. આર્માગેદન વખતે બકરાં જેવા લોકો સાથે તેઓને પણ ખતમ કરી દેવામાં આવશે.—હઝકિ. ૭:૪; માથ. ૨૫:૩૩, ૪૧, ૪૬; પ્રકટી. ૧૯:૧૫, ૧૮.
આપણે ખુશખબર નહિ જણાવીએ, આપણે જાણે ‘મૂંગા’ બની જઈશું
૧૧, ૧૨. (ક) હઝકિયેલની ભવિષ્યવાણી વિશે સમજણ મેળવીને આપણે ખુશખબર ફેલાવવાના કામને કેવું ગણવું જોઈએ? (ખ) ભાવિમાં આપણે કદાચ કયો સંદેશો જણાવીશું?
૧૧ આપણે હઝકિયેલની આ ભવિષ્યવાણી વિશે સમજણ મેળવી. તો પછી હવે આપણે ખુશખબર ફેલાવવાના કામને કેવું ગણવું જોઈએ? આપણે એ કામ જોરશોરથી કરવું જોઈએ. લોકો યહોવાના ભક્તો બને એ માટે તેઓને મદદ કરવા એ ભવિષ્યવાણી આપણાં દિલમાં જોશ ભરી દે છે. ‘બધા દેશના લોકોને શિષ્યો બનાવવાનો’ હવે થોડો જ સમય બાકી છે. (માથ. ૨૮:૧૯, ૨૦; હઝકિ. ૩૩:૧૪-૧૬) યહોવાને માર્ગે ન ચાલનારા ધર્મો પર જલદી જ “સજાની સોટી” ચલાવવામાં આવશે, એટલે કે સરકારોનો હુમલો શરૂ થશે. એના પછી આજની જેમ આપણે જીવન બચાવવાનો સંદેશો નહિ જણાવીએ. (હઝકિ. ૭:૧૦) આપણે ખુશખબર નહિ જણાવીએ. આપણે જાણે હઝકિયેલ જેવા ‘મૂંગા’ થઈ જઈશું. તે પણ એક સમયે મૂંગા થઈ ગયા હતા અને તેમણે સંદેશાઓ જણાવવાનું બંધ કરી દીધું હતું. (હઝકિ. ૩:૨૬, ૨૭; ૩૩:૨૧, ૨૨) એ નાશ પછી લોકો જાણે અધીરા થઈને “પ્રબોધક પાસેથી દર્શન જોવા માંગશે.” પણ તેઓને એવી કોઈ સલાહ આપવામાં નહિ આવે, જેનાથી તેઓનું જીવન બચી જાય. (હઝકિ. ૭:૨૬) એવી સલાહ મેળવવાનો અને ઈસુના શિષ્ય બનવાનો મોકો તેઓના હાથમાંથી નીકળી ગયો હશે.
૧૨ પણ એ વખતે પ્રચારકામ બંધ નહિ થાય. શા માટે? મોટી વિપત્તિમાં આપણે કદાચ સજાનો સંદેશો જણાવવા લાગીશું. એ સંદેશો કરાની આફત જેવો હશે. એ સંદેશો નિશાની આપશે કે આ દુષ્ટ દુનિયાનો અંત આવી ગયો છે.—પ્રકટી. ૧૬:૨૧.
“જુઓ, એ આવે છે!”
૧૩. યહોવાએ શા માટે હઝકિયેલને કહ્યું કે પહેલા પોતાની ડાબી બાજુ સૂઈ જાય અને પછી પોતાની જમણી બાજુ સૂઈ જાય?
૧૩ હઝકિયેલ દૃશ્ય ભજવીને બતાવે છે કે યરૂશાલેમનો નાશ કેવી રીતે થશે. એટલું જ નહિ, તે એ પણ બતાવે છે કે એનો નાશ ક્યારે થશે. યહોવાએ હઝકિયેલને કહ્યું હતું કે ૩૯૦ દિવસ ડાબી બાજુ સૂઈ જાય અને ૪૦ દિવસ જમણી બાજુ સૂઈ જાય. હઝકિયેલ કદાચ દિવસના અમુક જ કલાકો એવી રીતે સૂઈ જતા હશે. એક દિવસ એક વર્ષને રજૂ કરે છે. (હઝકિયેલ ૪:૪-૬ વાંચો; ગણ. ૧૪:૩૪) ઈ.સ. પૂર્વે ૯૯૭થી ઇઝરાયેલીઓ યહોવા વિરુદ્ધ પાપ કરવા લાગ્યા. એ વર્ષે ૧૨ કુળના રાજ્યના બે ભાગલા પડી ગયા. ઇઝરાયેલીઓ ૩૯૦ વર્ષ સુધી પાપ કરતા રહ્યા. (૧ રાજા. ૧૨:૧૨-૨૦) ઈ.સ. પૂર્વે ૬૪૭થી યહૂદાના લોકો પણ યહોવા વિરુદ્ધ પાપ કરવા લાગ્યા. એ જ વર્ષે યર્મિયાને પ્રબોધક બનાવવામાં આવ્યા. તે યહૂદાના રાજ્યને સાફ સાફ ચેતવણી આપવા લાગ્યા કે તેઓનો નાશ થવાનો છે. યહૂદાના લોકો ૪૦ વર્ષ સુધી પાપ કરતા રહ્યા. (યર્મિ. ૧:૧, ૨, ૧૭-૧૯; ૧૯:૩, ૪) હઝકિયેલે જે દૃશ્ય ભજવીને બતાવ્યું, એનાથી ખબર પડે છે કે એ વર્ષો જે સમયે પૂરાં થશે, એ જ વર્ષે યરૂશાલેમનો નાશ થશે. ઇઝરાયેલનાં ૩૯૦ વર્ષ અને યહૂદાનાં ૪૦ વર્ષ એ બંને ઈ.સ. પૂર્વે ૬૦૭માં જ પૂરાં થયાં. એ જ વર્ષે યરૂશાલેમનો નાશ થયો. યહોવાએ જેમ કહ્યું હતું એમ જ થયું.b
૧૪. (ક) હઝકિયેલે કઈ રીતે બતાવ્યું કે તેમને યહોવા પર પૂરો ભરોસો છે? (ખ) યરૂશાલેમના નાશ પહેલાં કેવા બનાવો બનશે?
૧૪ હઝકિયેલને ૩૯૦ દિવસ અને ૪૦ દિવસ વિશે ભવિષ્યવાણી જણાવવામાં આવી હતી. એ વખતે હઝકિયેલને કદાચ ખબર ન હતી કે કયા વર્ષમાં યરૂશાલેમનો નાશ થશે. તોપણ યરૂશાલેમનો નાશ થયો એનાં અમુક વર્ષો પહેલાં તે યહૂદીઓને વારંવાર ચેતવણી આપવા લાગ્યા કે યહોવા તેઓને જલદી જ સજા કરશે. તે કહેવા લાગ્યા, “હવે દેશના લોકોનો અંત આવ્યો છે.” (હઝકિયેલ ૭:૩, ૫-૧૦ વાંચો.) હઝકિયેલને જરાય શંકા ન હતી કે યહોવા સમયના પાકા છે. તે જે કહે છે એ યોગ્ય સમયે પૂરું કરે છે. (યશા. ૪૬:૧૦) હઝકિયેલે એ પણ જણાવ્યું કે યરૂશાલેમનો નાશ થતાં પહેલાં કેવા બનાવો બનશે. તેમણે કહ્યું, “એક પછી એક આફત આવી પડશે.” એના લીધે સમાજ, ધર્મ અને રાજકારણમાં ધાંધલ-ધમાલ મચી જશે.—હઝકિ. ૭:૧૧-૧૩, ૨૫-૨૭.
૧૫. ઈ.સ. પૂર્વે ૬૦૯થી કઈ રીતે હઝકિયેલની ભવિષ્યવાણી પ્રમાણે થવા લાગ્યું?
૧૫ હઝકિયેલે યરૂશાલેમના નાશ વિશે ભવિષ્યવાણી કરી. એનાં અમુક જ વર્ષો પછી એ ભવિષ્યવાણી પ્રમાણે થવા લાગ્યું. ઈ.સ. પૂર્વે ૬૦૯માં હઝકિયેલને ખબર પડી કે યરૂશાલેમ પર હુમલો થવા માંડ્યો છે. એ વખતે રણશિંગડું વગાડવામાં આવ્યું કે લોકો યુદ્ધમાં જવા ભેગા થાય અને શહેરને બચાવી લે. પણ હઝકિયેલે પહેલેથી જણાવ્યું હતું તેમ ‘કોઈ લડવા જતું નથી.’ (હઝકિ. ૭:૧૪) યરૂશાલેમના લોકો પોતાના શહેરનું રક્ષણ કરવા બાબેલોનના લશ્કર સામે લડવા નહિ ગયા. અમુક યહૂદીઓએ વિચાર્યું હશે કે યહોવા અમારું રક્ષણ કરશે. ઘણાં વર્ષો પહેલાં આશ્શૂરીઓએ યરૂશાલેમ પર હુમલો કરવાની ધમકી આપી હતી. એ વખતે યહોવાના એક જ દૂતે આશ્શૂરીઓના મોટા ભાગના સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. (૨ રાજા. ૧૯:૩૨) પણ આ વખતે કોઈ દૂત ન આવ્યા. શહેર ફરતે ઘેરો નાખવામાં આવ્યો. થોડા જ સમયમાં લોકોની હાલત જોવા જેવી ન રહી. શહેર તો ‘ચૂલા પર ચઢાવેલા દેગ’ જેવું થઈ ગયું. લોકો શહેરમાં એ રીતે ફસાઈ ગયા, જાણે દેગમાં ‘માંસના ટુકડા.’ (હઝકિ. ૨૪:૧-૧૦) દુશ્મનોએ ૧૮ મહિના સુધી યરૂશાલેમને ઘેરી રાખ્યું. લોકોએ ભારે દુઃખ સહેવાં પડ્યાં. આખરે શહેરનો નાશ કરવામાં આવ્યો.
“તમારા માટે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરો”
૧૬. યહોવા સમયના પાકા હોવાથી આપણે શું કરીશું?
૧૬ હઝકિયેલની આ ભવિષ્યવાણી પરથી શું શીખવા મળે છે? આપણે જે ખુશખબર ફેલાવીએ છીએ એને કેવી ગણવી જોઈએ? જે લોકોને ખુશખબર જણાવીએ છીએ તેઓ વિશે શું વિચારવું જોઈએ? યહોવા સમયના પાકા છે. તેમણે એવા બધા ધર્મોને મિટાવી દેવાનો સમય નક્કી કરી લીધો છે, જેઓનાં કામો અને શિક્ષણ લોકોને યહોવાથી દૂર લઈ જાય છે. આ વખતે પણ યહોવાએ જે નક્કી કર્યું છે, એ જ પ્રમાણે કરશે. (૨ પિત. ૩:૯, ૧૦; પ્રકટી. ૭:૧-૩) આપણે જાણતા નથી કે એ બનાવ કયા દિવસે અને કઈ ઘડીએ બનશે. પણ આપણે હઝકિયેલની જેમ કરીએ. આપણે પણ યહોવાનું કહેવું માનીને આ ચેતવણી આપતા રહીએ: ‘હવે લોકોનો અંત આવ્યો છે.’ આપણે કેમ એ ચેતવણી લોકોને વારંવાર આપવી જોઈએ? હઝકિયેલે જે કારણને લીધે એમ કર્યું, એ જ કારણને લીધે.c હઝકિયેલે યરૂશાલેમના નાશ વિશે ભવિષ્યવાણી કરી હતી. મોટા ભાગના લોકોએ તેમનું માન્યું નહિ. (હઝકિ. ૧૨:૨૭, ૨૮) પણ બાબેલોનમાં ગુલામ થયેલા અમુક લોકોએ હઝકિયેલનું માન્યું. તેઓએ યહોવાની નજરમાં જે ખરું છે એ કર્યું. એટલે તેઓ પોતાના વતન પાછા ફર્યા. (યશા. ૪૯:૮) આજે પણ મોટા ભાગના લોકો એ માનવા તૈયાર જ નથી કે દુનિયા છેલ્લા શ્વાસ લઈ રહી છે. (૨ પિત. ૩:૩, ૪) તોપણ યહોવા જીવન તરફ લઈ જતા માર્ગનો દરવાજો ખુલ્લો રાખે ત્યાં સુધી, નેક દિલના લોકોને ખુશખબર આપતા રહીએ.—માથ. ૭:૧૩, ૧૪; ૨ કોરીં. ૬:૨.
૧૭. આવનાર મોટી વિપત્તિમાં શું થશે?
૧૭ હઝકિયેલની ભવિષ્યવાણી એ પણ યાદ કરાવે છે કે જ્યારે ધાર્મિક સંગઠનો પર હુમલો થશે, ત્યારે લોકો પોતાના ધર્મ માટે ‘લડવા નહિ જાય.’ તેઓને ખ્યાલ આવશે કે ભલે તેઓ “માલિક, માલિક” બૂમો પાડે, પણ એ બધું નકામું છે. એટલે “તેઓના હાથ ઢીલા પડી જશે” અને ‘તેઓ થરથર કાંપશે.’ (હઝકિ. ૭:૩, ૧૪, ૧૭, ૧૮; માથ. ૭:૨૧-૨૩) તેઓ બીજું શું કરશે? (હઝકિયેલ ૭:૧૯-૨૧ વાંચો.) યહોવા જણાવે છે, “તેઓ પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે.” એ વાત જૂના જમાનાના યરૂશાલેમ વિશે કહેવામાં આવી હતી. પણ એ કેટલી જોરદાર રીતે બતાવે છે કે આવનાર મોટી વિપત્તિમાં લોકો શું કરશે. એ સમયે લોકોને ખબર પડશે કે આવનાર આફતથી પૈસો તેઓને બચાવી નહિ શકે.
૧૮. આપણાં જીવનમાં સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ, એના વિશે હઝકિયેલની ભવિષ્યવાણી પરથી શું શીખી શકીએ?
૧૮ હઝકિયેલની આ ભવિષ્યવાણી પરથી શું શીખવા મળે છે? જે મહત્ત્વનું છે એ આપણાં જીવનમાં પહેલું હોવું જોઈએ, પછી બીજું બધું. જરા વિચારો, યરૂશાલેમના લોકોનું શું થયું. તેઓને સમજાયું કે હવે જલદી જ તેઓના શહેરનો નાશ થવાનો છે અને તેઓ પણ એ નાશમાંથી બચી નહિ શકે. તેઓની ધનદોલત તેઓને બચાવી નહિ શકે. એના પછી તેઓની અક્કલ ઠેકાણે આવી અને જીવનમાં શું મહત્ત્વનું ગણવું જોઈએ, એનો વિચાર કરીને ફેરફાર કરવા લાગ્યા. પોતાની માલ-મિલકત ફેંકી દેવા માંડ્યા. તેઓ “પ્રબોધક પાસેથી દર્શન જોવા” દોડી ગયા. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું, એ બધું નકામું હતું. (હઝકિ. ૭:૨૬) પણ આપણે તો જાણીએ છીએ કે આ દુનિયા બહુ લાંબું ટકવાની નથી. એની ઘડીઓ ગણાય રહી છે. આપણને યહોવાનાં વચનોમાં પાકી શ્રદ્ધા છે. એટલે જે મહત્ત્વનું છે એને જીવનમાં સૌથી આગળ રાખીએ છીએ. આપણે સ્વર્ગમાં ધનદોલત ભેગી કરીએ છીએ, જે ખૂબ અનમોલ છે. એનો કદીયે નાશ કરવામાં નહિ આવે. આપણે એ “રસ્તાઓ પર” ફેંકી દેવી નહિ પડે.—માથ્થી ૬:૧૯-૨૧, ૨૪ વાંચો.
૧૯. હઝકિયેલની ભવિષ્યવાણી પરથી કઈ કઈ વાત શીખવા મળે છે?
૧૯ હઝકિયેલે યરૂશાલેમના નાશ વિશે ભવિષ્યવાણી કરી હતી. એના પરથી કઈ કઈ વાત શીખવા મળે છે? એ શીખવે છે કે લોકોને યહોવાના ભક્તો બનવા મદદ કરવાનો થોડો જ સમય બાકી છે. એટલે આપણે એ કામમાં તન-મન લગાડી દઈએ. જ્યારે સારાં દિલના લોકો આપણા ભગવાન યહોવાને ભજવા લાગે છે, ત્યારે આપણને બેહદ ખુશી થાય છે. પણ જો કોઈ એમ ન કરે, તોપણ હઝકિયેલની જેમ આપણે તેઓને આ ચેતવણી આપતા રહીએ: ‘હવે લોકોનો અંત આવ્યો છે.’ (હઝકિ. ૩:૧૯, ૨૧; ૭:૩) સાથે સાથે આપણા ઈશ્વર પરની શ્રદ્ધા જરાય ડગવા ન દઈએ. ભલે ગમે એ થઈ જાય, યહોવાની ભક્તિ આપણાં જીવનમાં સૌથી પહેલા રાખીએ.—ગીત. ૫૨:૭, ૮; નીતિ. ૧૧:૨૮; માથ. ૬:૩૩.
a આ બધાં દૃશ્યો હઝકિયેલે લોકોની સામે ભજવીને બતાવ્યાં. આપણે એમ કહીએ છીએ, કેમ કે યહોવાએ તેમને કીધું હતું કે અમુક દૃશ્યો “લોકોના દેખતાં” ભજવે. જેમ કે, તેઓની સામે રોટલી શેકે અને પોતાનો સામાન ઉઠાવીને ચાલે.—હઝકિ. ૪:૧૨; ૧૨:૭.
b યરૂશાલેમનો નાશ કરીને યહોવાએ બે કુળના યહૂદાને સજા કરી. એટલું જ નહિ, તેમણે દસ કુળના ઇઝરાયેલને પણ સજા કરી.—યર્મિ. ૧૧:૧૭; હઝકિ. ૯:૯, ૧૦.
c હઝકિયેલ ૭:૫-૭માં સંદેશાનું મહત્ત્વ બતાવવા યહોવા વારંવાર આવા શબ્દો વાપરે છે: “આવે છે,” “આવશે,” “આવીને ઊભો રહેશે,” “આવી ગયો છે.”