૧ તિમોથી
૬ જેઓ ગુલામ છે,* તેઓએ પોતાના માલિકોને પૂરા માનને લાયક ગણવા, જેથી ઈશ્વરના નામ અને શિક્ષણ વિશે કોઈ માણસ કદી ખરાબ ન બોલે. ૨ વધુમાં, જેઓના માલિક શ્રદ્ધા રાખનારા હોય, તેઓ પોતાના માલિકને આદર બતાવવાનું ન ભૂલે, કેમ કે તેઓ ભાઈઓ છે. તેઓએ તો માલિક માટે વધારે ઉત્સાહથી કરવું જોઈએ, કેમ કે જેઓને મહેનતનો લાભ મળે છે, તેઓ શ્રદ્ધા રાખનારા અને વહાલા ભાઈઓ છે.
આ વાતો શીખવતો રહે અને આ સલાહ આપતો રહે. ૩ જો કોઈ માણસ કંઈક જુદું શીખવે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ખરા ઉપદેશ સાથે તેમજ ઈશ્વર માટેના ભક્તિભાવ પ્રમાણેના શિક્ષણ સાથે સહમત થતો નથી, ૪ તો તે અભિમાનથી ફૂલાઈ ગયેલો છે અને તેને કંઈ સમજણ પડતી નથી. તે દલીલો અને શબ્દોના વાદવિવાદમાં ડૂબેલો રહે છે.* એનાથી અદેખાઈ, ઝઘડા, નિંદા,* ખોટા વહેમ પેદા થાય છે ૫ અને નાની નાની વાતો વિશે સતત તકરાર થાય છે. એવું કરનારા માણસોના મન ભ્રષ્ટ છે અને હવે તેઓ સત્ય સમજતા નથી. તેઓને લાગે છે કે ઈશ્વરની ભક્તિ લાભ મેળવવાનું એક સાધન છે. ૬ હકીકતમાં, પોતાની પાસે જે કંઈ છે એનાથી વ્યક્તિ સંતોષી હોય તો, ઈશ્વરની ભક્તિમાં મોટો લાભ છે. ૭ આપણે દુનિયામાં કંઈ લાવ્યા નથી અને કંઈ લઈ જવાના નથી. ૮ તેથી, જે ખોરાક* અને કપડાં* મળે, એટલાથી આપણે સંતોષ માનીએ.
૯ પરંતુ, જેઓ ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે; તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી લાલસાઓમાં પડે છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે. ૧૦ કેમ કે પૈસાનો પ્રેમ દરેક પ્રકારની દુષ્ટતાનું મૂળ છે; અને એ પ્રેમની પાછળ પડીને અમુક લોકો શ્રદ્ધામાંથી ભટકી ગયા છે અને તેઓએ પોતાને ઘણાં દુઃખોથી વીંધ્યા છે.
૧૧ પણ હે ઈશ્વરભક્ત, તું આ બધાથી નાસી જા. પણ, સત્યનો માર્ગ, ઈશ્વર માટેનો ભક્તિભાવ, શ્રદ્ધા, પ્રેમ, ધીરજ અને નમ્રતાની પાછળ મંડ્યો રહે. ૧૨ શ્રદ્ધાની સારી લડાઈ લડ; હંમેશ માટેના જીવનને મજબૂત રીતે પકડી રાખ; એના માટે તને બોલાવવામાં આવ્યો હતો અને તેં ઘણા લોકો આગળ સારી રીતે જાહેરમાં સાક્ષી આપી હતી.
૧૩ બધાને જીવંત રાખનાર ઈશ્વરની આગળ અને પોંતિયુસ પીલાત સામે જાહેરમાં સારી રીતે સાક્ષી આપનાર, ખ્રિસ્ત ઈસુની આગળ હું તને આજ્ઞા આપું છું કે, ૧૪ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાહેર થાય ત્યાં સુધી, તારા પર કોઈ કલંક કે દોષ ન લાગે એનું ધ્યાન રાખીને આ આજ્ઞાઓ પાળ. ૧૫ તે આનંદી અને એકમાત્ર સત્તાધીશ છે; તે નક્કી કરેલા સમયે પોતાને જાહેર કરશે. તે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. ૧૬ તે એકલા જ અમર છે અને એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે, જ્યાં કોઈ પહોંચી શકતું નથી. તેમને કોઈ માણસે જોયા નથી કે કોઈ માણસ જોઈ શકતો નથી. તેમને માન મળે અને તેમનું પરાક્રમ કાયમ રહે. આમેન.
૧૭ આ દુનિયાના* ધનવાનોને હુકમ* આપ કે તેઓ ઘમંડી* ન બને; અને પોતાની આશા ધનદોલત પર ન મૂકે, જે આજે છે અને કાલે નથી. પણ, તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે. ૧૮ તેઓને જણાવ કે ભલું કરે, સારાં કામો કરતા થાકે નહિ, ઉદાર* બને, પોતાની પાસે જે છે એ બીજાઓ સાથે વહેંચવા તૈયાર રહે; ૧૯ આમ કરીને, તેઓ જાણે ઈશ્વર પાસેથી પોતાને માટે ખજાનો ભેગો કરશે, એટલે કે ભાવિ માટે પાકો પાયો નાખશે, જેથી તેઓ ખરા જીવન પર મજબૂત પકડ મેળવી શકે.
૨૦ વહાલા તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે એનું રક્ષણ કર; જે પવિત્ર છે એનો વિરોધ કરનારી નકામી વાતોથી દૂર રહે અને સત્ય વિરુદ્ધની વાતોથી દૂર રહે, જેને ભૂલથી “જ્ઞાન” કહેવામાં આવે છે. ૨૧ કેટલાક એવા જ્ઞાનનો દેખાડો કરીને શ્રદ્ધાથી ભટકી ગયા છે.
ઈશ્વરની અપાર કૃપા તારા પર રહો.