હિબ્રૂઓ
૧૩ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવતા રહો. ૨ મહેમાનગતિ* કરવાનું ભૂલશો નહિ, કેમ કે કેટલાકે અજાણતા દૂતોને મહેમાનગતિ બતાવી હતી. ૩ કેદીઓની સાથે તમે પણ કેદમાં* છો, એમ સમજીને તેઓને યાદ રાખો. જેઓ પર જુલમ કરવામાં આવી રહ્યો છે તેઓને પણ યાદ રાખો, કેમ કે તમે પણ તેઓની સાથે જુલમ સહી રહ્યા છો. ૪ બધા લોકો લગ્નને માન આપે અને લગ્નસંબંધ* પર કોઈ ડાઘ લાગવા ન દે, કેમ કે કુંવારા હોય કે પરણેલા, બધા વ્યભિચારીઓનો* ન્યાય ઈશ્વર કરશે. ૫ જીવનમાં પૈસાનો મોહ ન રાખો; તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો, કેમ કે ઈશ્વરે કહ્યું છે: “હું તને કદી છોડીશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ.” ૬ એટલે, આપણે પૂરી હિંમતથી આમ કહી શકીએ: “યહોવા* મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ; માણસ મને શું કરશે?”
૭ તમારામાં આગેવાની લેતા ભાઈઓને યાદ રાખો, જેઓએ તમને ઈશ્વરનો સંદેશો જણાવ્યો છે. તેઓનાં વર્તનનાં સારાં પરિણામો પર તમે વિચાર કરો અને તેઓએ બતાવેલી શ્રદ્ધાને પગલે ચાલો.
૮ ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે અને હંમેશાં એવા જ છે.
૯ જાતજાતના અને અજાણ્યા શિક્ષણ દ્વારા ફંટાઈ જશો નહિ, કેમ કે ખોરાક* કરતાં અપાર કૃપાથી હૃદય મજબૂત થાય, એ વધારે સારું છે; જેઓ ખોરાકને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓને એનાથી ફાયદો થતો નથી.
૧૦ આપણી પાસે એવી વેદી છે, જેના પરથી ખાવાનો અધિકાર મંડપમાં પવિત્ર સેવા કરનારાઓને નથી. ૧૧ કેમ કે પ્રમુખ યાજક પાપના અર્પણ તરીકે પ્રાણીઓનું લોહી પવિત્ર સ્થાનમાં લઈ જાય, એ પછી પ્રાણીઓના શરીરને છાવણી બહાર બાળી નાખવામાં આવતા. ૧૨ એટલે, ઈસુએ પણ શહેરના દરવાજા બહાર દુઃખ સહન કર્યું, જેથી તે પોતાના લોહીથી લોકોને પવિત્ર કરી શકે. ૧૩ તેથી, ચાલો આપણે છાવણીની બહાર તેમની પાસે જઈએ અને તેમણે જે અપમાન સહન કર્યું એ સહન કરીએ, ૧૪ કેમ કે આપણી પાસે અહીં એવું શહેર નથી, જે હંમેશ માટે રહે, પણ આપણે તો આવનાર શહેરની આતુરતાથી રાહ જોઈએ છીએ. ૧૫ ચાલો, આપણે તેમના દ્વારા હંમેશાં ઈશ્વરને સ્તુતિનું અર્પણ બલિદાન તરીકે ચઢાવીએ, એટલે કે આપણા મોંથી* જાહેરમાં તેમનું નામ જણાવીએ. ૧૬ વધુમાં, ભલું કરવાનું અને તમારી પાસે જે છે, એનાથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે ઈશ્વર એવાં બલિદાનોથી ઘણા ખુશ થાય છે.
૧૭ જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો. તેઓ હિસાબ આપનારાઓની જેમ તમારું* ધ્યાન રાખે છે. જો તમે આધીન રહેશો, તો તેઓ નિસાસા નાખીને નહિ, પણ ખુશીથી એ કામ કરશે; નહિતર એનાથી તમને જ નુકસાન થશે.
૧૮ અમારા માટે પ્રાર્થના કરતા રહો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ* છે એવો અમને ભરોસો છે અને અમે બધી રીતે પ્રમાણિક રહેવા ચાહીએ છીએ. ૧૯ હું તમને ખાસ અરજ કરું છું કે પ્રાર્થના કરો, જેથી હું જલદી તમારી પાસે આવી શકું.
૨૦ શાંતિના ઈશ્વરે આપણા પ્રભુ ઈસુને મરણમાંથી જીવતા કર્યા છે, જે મહાન ઘેટાંપાળક છે. તેમની પાસે હંમેશાં ટકનાર કરારનું લોહી છે. હવે, મારી વિનંતી છે કે શાંતિના ઈશ્વર ૨૧ તમને દરેક સારી વસ્તુ આપે, જેથી તમે તેમની ઇચ્છા પૂરી કરી શકો. ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર આપણને એવાં કામ કરવાની પ્રેરણા આપે, જેનાથી તેમને ખુશી થાય. ઈશ્વરનો મહિમા હંમેશાં ને હંમેશાં થતો રહે. આમેન.
૨૨ ભાઈઓ, હવે હું તમને અરજ કરું છું કે આ ઉત્તેજન આપતા શબ્દો ધ્યાનથી સાંભળો, કેમ કે મેં તમને ટૂંકમાં પત્ર લખ્યો છે. ૨૩ હું તમને જણાવવા માંગતો હતો કે આપણા ભાઈ તિમોથીને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. જો તે જલદી આવે, તો હું તેની સાથે તમારી પાસે આવીશ.
૨૪ તમારામાં આગેવાની લેતા સર્વને અને બધા પવિત્ર જનોને મારી યાદ આપજો. ઇટાલીમાં જેઓ છે, તેઓ તમને યાદ મોકલે છે.
૨૫ તમારા સર્વ પર અપાર કૃપા રહો.