કોરીંથીઓને બીજો પત્ર
૧ હું પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. હું આપણા ભાઈ તિમોથી+ સાથે મળીને કોરીંથમાં ઈશ્વરના મંડળને અને અખાયાના બધા પવિત્ર જનોને આ પત્ર લખું છું:+
૨ ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા* અને શાંતિ મળે.
૩ આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ઈશ્વર અને પિતાની સ્તુતિ થાઓ,+ જે દયાળુ પિતા+ અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.+ ૪ તે આપણી બધી કસોટીઓમાં* આપણને દિલાસો* આપે છે,+ જેથી આપણે ઈશ્વર પાસેથી મળેલા દિલાસા+ દ્વારા બીજાઓને દિલાસો આપી શકીએ,+ પછી ભલે તેઓ કોઈ પણ પ્રકારની કસોટીનો* સામનો કરતા હોય. ૫ જેમ ખ્રિસ્ત માટે આપણે ઘણાં દુઃખો સહેવાં પડે છે,+ તેમ ખ્રિસ્ત દ્વારા આપણને ઘણો દિલાસો પણ મળે છે. ૬ જો અમે કસોટીઓ* સહન કરીએ છીએ, તો એ તમારા દિલાસા માટે અને ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો આપવામાં આવે છે, તો એ તમારા દિલાસા માટે છે, જેથી અમે જે દુઃખો સહન કરીએ છીએ, એવાં દુઃખો સહન કરવા તમને મદદ મળે. ૭ અમને તમારા પર પૂરો ભરોસો છે,* કેમ કે અમે જાણીએ છીએ કે જેમ તમે અમારી જેમ દુઃખો સહન કરો છો, તેમ તમને અમારી જેમ દિલાસો પણ મળશે.+
૮ ભાઈઓ, અમે નથી ચાહતા કે આસિયા પ્રાંતમાં* અમારા પર જે મુસીબતો આવી,+ એના વિશે તમે અજાણ રહો. એ મુસીબતો એટલી ભારે હતી કે એને સહેવી ખૂબ અઘરું હતું. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી.+ ૯ અમને તો એવું લાગ્યું જાણે અમને મોતની સજા થઈ હોય. એ અનુભવથી અમે શીખ્યા કે અમારે પોતાના પર નહિ, પણ ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ,+ જે મરી ગયેલા લોકોને જીવતા કરે છે. ૧૦ તેમણે મોતના મોંમાંથી અમને બચાવ્યા છે અને અમને પૂરો ભરોસો છે કે તે ભાવિમાં પણ અમારો બચાવ કરશે.+ ૧૧ તમે પણ અમારા માટે ઈશ્વર આગળ કાલાવાલા કરીને અમને મદદ કરી શકો,+ જેથી ઈશ્વર તમારી પ્રાર્થનાઓનો જવાબ આપીને અમારા પર દયા બતાવે.+ ઈશ્વરની એ દયા માટે ઘણા લોકો તેમનો આભાર માનશે.
૧૨ અમને આ વાતનું ગર્વ છે: અમે દુનિયાના લોકો સાથે અને ખાસ તો તમારી સાથે પવિત્રતાથી અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સાફ દિલથી વર્ત્યા છીએ. અમે દુનિયાના ડહાપણથી નહિ,+ પણ ઈશ્વરની અપાર કૃપાથી વર્ત્યા છીએ. એ વિશે અમારું અંતઃકરણ* પણ સાક્ષી પૂરે છે. ૧૩ અમે તમને ફક્ત એવી વાતો લખીએ છીએ, જે વાંચવામાં* અને સમજવામાં સહેલી છે. મને આશા છે કે તમે હંમેશાં આ વાતો પૂરી રીતે* સમજશો, ૧૪ જેમ તમારામાંથી અમુક લોકો સમજી ગયા છે. હા, તેઓ જાણે છે કે અમે તમારા માટે અભિમાન કરવાનું કારણ બન્યા છીએ. એ જ રીતે, આપણા માલિક ઈસુના દિવસે તમે પણ અમારા માટે અભિમાન કરવાનું કારણ બનશો.
૧૫ એ ભરોસા સાથે મેં વિચાર્યું હતું કે હું તમારી પાસે બીજી વાર આવું, જેથી તમને ખુશ થવાનો બીજો એક મોકો મળે.* ૧૬ કેમ કે મારો ઇરાદો હતો કે મકદોનિયા જતી વખતે અને ત્યાંથી પાછા આવતી વખતે તમને મળું. પછી તમે મને યહૂદિયા જવા વિદાય કરો.+ ૧૭ જો મારો ઇરાદો આવો હતો, તો પછી શું હું મારા નિર્ણયમાં ઢચુપચુ હતો? શું મારો ઇરાદો દુનિયાના લોકો જેવો હતો કે, હું “હા, હા” કહું, પણ પછી “ના, ના” કરું? ૧૮ તમે જેમ ઈશ્વર પર ભરોસો રાખો છો, તેમ અમારી વાતો ખરી છે એવો ભરોસો પણ રાખો. અમે પહેલા “હા” કહીને પછીથી “ના” કહેતા નથી. ૧૯ કેમ કે અમે, એટલે કે મેં, સિલ્વાનુસ* અને તિમોથીએ+ ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત વિશે તમને પ્રચાર કર્યો હતો. ઈસુ ખ્રિસ્ત “હા” કહીને “ના” કહેતા નથી, પણ તેમની “હા” હંમેશાં “હા” રહે છે. ૨૦ કેમ કે ઈશ્વરનાં વચનો ભલે ગમે તેટલાં હોય, એ ઈસુ દ્વારા “હા” થયાં છે.+ તેથી આપણે તેમના દ્વારા ઈશ્વરને “આમેન”* પણ કહીએ છીએ,+ જેથી આપણા દ્વારા ઈશ્વરને મહિમા મળે. ૨૧ પણ તમે અને અમે ખ્રિસ્તના છીએ, એવી ખાતરી આપનાર અને આપણને અભિષિક્ત* કરનાર તો ઈશ્વર છે.+ ૨૨ તેમણે આપણા પર પોતાની મહોર કરી છે+ અને આવનાર આશીર્વાદોની સાબિતી* તરીકે આપણાં હૃદયમાં પવિત્ર શક્તિ* આપી છે.+
૨૩ હું તમને વધારે દુઃખી કરવા માંગતો ન હતો, એટલે હમણાં સુધી કોરીંથ આવ્યો નથી. જો આ વાત જૂઠી હોય, તો ઈશ્વર મારા વિરુદ્ધ સાક્ષી આપે. ૨૪ એવું નથી કે અમે તમારી શ્રદ્ધાના માલિકો બની બેઠા છીએ,+ પણ અમે તો તમારી ખુશી માટે તમારી સાથે કામ કરનારા છીએ, કેમ કે તમે પોતાની શ્રદ્ધામાં મક્કમ ઊભા છો.