યોહાનને થયેલું પ્રકટીકરણ
૩ “સાર્દિસ મંડળના દૂતને લખ: જેની પાસે ઈશ્વરની સાત શક્તિઓ+ અને સાત તારા+ છે, તે આમ કહે છે: ‘તારાં કામો હું જાણું છું. તું નામ પૂરતો જીવે છે પણ તું મરેલો છે.+ ૨ સાવધ થા!+ જેઓ મરવાની અણીએ છે તેઓને મજબૂત કર. મેં જોયું છે કે મારા ઈશ્વર તારી પાસેથી જે કામોની ઇચ્છા રાખે છે, એ તું કરતો નથી. ૩ એટલે તને જે મળ્યું અને તેં જે સાંભળ્યું, એ હંમેશાં યાદ રાખ. એ પ્રમાણે કરતો રહે અને પસ્તાવો કર.+ જો તું જાગતો નહિ રહે, તો હું ચોરની જેમ આવીશ+ અને હું કઈ ઘડીએ આવીશ એની તને જરાય ખબર નહિ પડે.+
૪ “‘સાર્દિસમાં તારી વચ્ચે એવા અમુક લોકો છે, જેઓએ પોતાનાં કપડાં અશુદ્ધ કર્યાં નથી.+ તેઓ મારી સાથે સફેદ કપડાં પહેરીને ચાલશે,+ કારણ કે તેઓ એ સન્માનને લાયક છે. ૫ જે જીતે છે+ તેને સફેદ કપડાં પહેરાવવામાં આવશે.+ હું તેનું નામ જીવનના પુસ્તકમાંથી+ કદી પણ ભૂંસી નાખીશ નહિ. હું તેનું નામ મારા પિતા આગળ અને તેમના દૂતો આગળ કબૂલ કરીશ.+ ૬ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’
૭ “ફિલાદેલ્ફિયા મંડળના દૂતને લખ: જે પવિત્ર છે,+ જે સત્ય છે,+ જેની પાસે દાઉદની ચાવી છે,+ જે ખોલે છે જેથી કોઈ એને બંધ કરશે નહિ અને જે બંધ કરે છે જેથી કોઈ એને ખોલશે નહિ, તે આમ કહે છે: ૮ ‘હું તારાં કાર્યો જાણું છું. મેં તારી આગળ દરવાજો ખુલ્લો મૂક્યો છે,+ જે કોઈ બંધ કરી શકતું નથી. હું જાણું છું કે તારી પાસે થોડી જ તાકાત છે. તેં મારી વાત માની છે અને તું મારા નામને વિશ્વાસુ સાબિત થયો છે. ૯ જેઓ શેતાનની ટોળકીના* છે તેઓ પોતાને યહૂદી ગણાવે છે, પણ હકીકતમાં નથી.+ તેઓ જૂઠું બોલે છે. હું તેઓને તારી પાસે લાવીશ અને તારા પગ આગળ નમન કરાવીશ. તેઓને બતાવીશ કે હું તને પ્રેમ કરું છું. ૧૦ તું મારી ધીરજના દાખલા પ્રમાણે ચાલ્યો છે.+ એટલે કસોટીના સમયે હું તારી સંભાળ રાખીશ.+ એ કસોટી આખી પૃથ્વી પર આવી પડશે, જેથી બધાની કસોટી થાય. ૧૧ હું જલદી જ આવું છું.+ તારી પાસે જે છે એને વળગી રહેજે, જેથી તારું ઇનામ* કોઈ લઈ ન લે.+
૧૨ “‘જે જીતે છે, તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ. કોઈ તેને મંદિરમાંથી બહાર કાઢી શકશે નહિ. હું તેના પર મારા ઈશ્વરનું નામ લખીશ.+ મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે કે સ્વર્ગમાંથી મારા ઈશ્વર પાસેથી ઊતરતા નવા યરૂશાલેમનું+ નામ લખીશ. મારું પોતાનું નવું નામ પણ લખીશ.+ ૧૩ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’
૧૪ “લાવદિકિયા+ મંડળના દૂતને લખ: જે આમેન,+ વિશ્વાસુ અને ખરો+ સાક્ષી+ છે, જે ઈશ્વરે રચેલી સૃષ્ટિની શરૂઆત છે,+ તે આમ કહે છે: ૧૫ ‘હું તારાં કામ જાણું છું, તું નથી ઠંડો કે નથી ગરમ. તું ઠંડો હોત કે ગરમ હોત તો કેવું સારું! ૧૬ પણ તું હૂંફાળો છે અને નથી ઠંડો+ કે નથી ગરમ.+ એટલે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ. ૧૭ તું કહે છે કે “હું ધનવાન છું!+ મેં ધનદોલત ભેગી કરી છે અને મને કશાની જરૂર નથી.” પણ તને ખબર નથી કે તું દુઃખી, લાચાર, ગરીબ, આંધળો અને નગ્ન છે. ૧૮ હું તને સલાહ આપું છું કે અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય. તું પહેરવા માટે સફેદ કપડાં ખરીદ, જેથી તારી નગ્નતા ખુલ્લી ન પડે+ અને તારે શરમાવું ન પડે. તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ,+ જેથી તું જોઈ શકે.+
૧૯ “‘હું જેઓને પ્રેમ કરું છું તેઓને ઠપકો અને શિસ્ત* આપું છું.+ ઉત્સાહી થા અને પસ્તાવો કર.+ ૨૦ હું દરવાજા પાસે ઊભો રહીને ખખડાવું છું. જે કોઈ મારો અવાજ સાંભળે છે અને દરવાજો ખોલે છે તેના ઘરમાં હું જઈશ. અમે સાથે મળીને સાંજનું ભોજન ખાઈશું. ૨૧ મેં જીત મેળવી છે+ અને હું મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બેઠો છું.+ જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ.+ ૨૨ જેને કાન છે તે ધ્યાનથી સાંભળે કે પવિત્ર શક્તિ મંડળોને શું કહે છે.’”