લૂક
૧૬ પછી તેમણે શિષ્યોને જણાવ્યું: “એક અમીર માણસનો કારભારી* હતો. તેના પર માલિકની મિલકત બરબાદ કરવાનો આરોપ હતો. ૨ અમીર માણસે તેને બોલાવીને કહ્યું: ‘તારા વિશે હું શું સાંભળું છું? તારા કારભારનો હિસાબ આપી દે. હવેથી તું ઘરનાં કામકાજની સંભાળ નહિ રાખે.’ ૩ કારભારીએ વિચાર્યું: ‘મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. હવે હું શું કરું? હું એટલો બળવાન નથી કે ખેતરમાં ખોદકામ કરું. મને ભીખ માંગવાની પણ શરમ આવે છે. ૪ મને ખબર છે કે હું શું કરીશ. એવું કંઈ કરીશ, જેથી મારો કારભાર લઈ લેવામાં આવે ત્યારે લોકો પોતાનાં ઘરોમાં મારો આવકાર કરે.’ ૫ તેણે માલિકના દેવાદારોને એક પછી એક બોલાવ્યા. તેણે પહેલાને કહ્યું: ‘તારે મારા માલિકને કેટલું દેવું આપવાનું છે?’ ૬ તેણે જવાબ આપ્યો, ‘સો માપ* જૈતૂનનું તેલ.’ કારભારીએ કહ્યું: ‘તારું કરારનામું પાછું લે અને બેસીને જલદી ૫૦ લખી નાખ.’ ૭ તેણે બીજા એકને કહ્યું: ‘તારું દેવું કેટલું છે?’ તેણે કહ્યું, ‘સો મોટાં માપ* ઘઉં.’ કારભારીએ કહ્યું: ‘તારું કરારનામું પાછું લે અને ૮૦ લખી નાખ.’ ૮ તે કારભારી નેક ન હતો, છતાં માલિકે તેના વખાણ કર્યા, કેમ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. હું તમને કહું છું કે આ દુનિયાના લોકો બીજાઓ સાથેના વહેવારમાં પ્રકાશમાં ચાલતા લોકો+ કરતાં વધારે હોશિયાર છે.
૯ “હું તમને કહું છું: આ બેઈમાન દુનિયાની ધનદોલત વડે તમારા માટે મિત્રો બનાવી લો.+ એ માટે કે તમારી ધનદોલત ન રહે ત્યારે, એ મિત્રો કાયમ ટકનારાં ઘરોમાં તમારો આવકાર કરે.+ ૧૦ જે થોડામાં વિશ્વાસુ છે, તે ઘણામાં પણ વિશ્વાસુ છે. જે થોડામાં બેઈમાન છે, તે ઘણામાં પણ બેઈમાન છે. ૧૧ જો તમે બેઈમાન દુનિયાની ધનદોલત સાચવવામાં વિશ્વાસુ સાબિત થયા ન હોય, તો સાચી ધનદોલત કોણ તમારા ભરોસે મૂકશે? ૧૨ જો તમે બીજાની ધનદોલત સાચવવામાં વિશ્વાસુ સાબિત થયા ન હોય, તો પછી તમને તમારો વારસો કોણ આપશે?+ ૧૩ કોઈ ચાકર બે માલિકની ચાકરી કરી શકતો નથી. તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે. તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.”+
૧૪ ફરોશીઓ બધી વાતો સાંભળતા હતા. તેઓ પૈસાના પ્રેમી હતા. તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.+ ૧૫ ઈસુએ તેઓને કહ્યું: “તમે પોતાને માણસો આગળ નેક જાહેર કરો છો.+ પણ ઈશ્વર તમારાં દિલ જાણે છે.+ માણસો જેને મહત્ત્વનું ગણે છે, એ ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે.+
૧૬ “નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતાં. એ સમયથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં આવે છે. એ રાજ્યમાં જવા બધા પ્રકારના લોકો સખત મહેનત કરે છે.+ ૧૭ આકાશ અને પૃથ્વી કદાચ જતાં રહે, પણ નિયમશાસ્ત્રના અક્ષરની એક માત્રા પણ પૂરી થયા વગર નહિ જાય.+
૧૮ “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે. પતિથી છૂટાછેડા પામેલી સ્ત્રીને* જે કોઈ પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+
૧૯ ઈસુએ એક ઉદાહરણ આપ્યું: “એક અમીર માણસ હતો. તે જાંબુડિયા રંગનાં કીમતી કપડાં* પહેરતો હતો. તે દરરોજ એશઆરામથી રહેતો હતો. ૨૦ પણ લાજરસ નામના એક ભિખારીને તેના દરવાજે બેસાડવામાં આવતો. તેનું આખું શરીર ગૂમડાંથી ભરેલું હતું. ૨૧ કૂતરાં આવીને તેનાં ગૂમડાં ચાટતાં હતાં. અમીર માણસની મેજ પરથી પડતા ટુકડાથી પેટ ભરવા તે તરસતો હતો. ૨૨ સમય જતાં એ ભિખારી મરી ગયો અને દૂતો તેને ઇબ્રાહિમ પાસે* લઈ ગયા.
“અમીર માણસ પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. ૨૩ તે પીડાતો હતો અને તેણે કબરમાંથી* નજર ઉઠાવીને દૂર ઇબ્રાહિમને જોયા. લાજરસ તેમની પાસે હતો.* ૨૪ અમીર માણસે બૂમ પાડી: ‘પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરો! લાજરસને મોકલો, જેથી તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભ ઠંડી કરે. હું આ ધગધગતી આગમાં પીડાઈ રહ્યો છું.’ ૨૫ પણ ઇબ્રાહિમે કહ્યું: ‘દીકરા, યાદ કર કે તેં આખું જીવન સારી સારી વસ્તુઓની મજા લીધી છે. પણ લાજરસની તકલીફોનો કોઈ પાર ન હતો. હવે તેને અહીં દિલાસો આપવામાં આવે છે, પણ તું પીડાઈ રહ્યો છે. ૨૬ એ સિવાય અમારી અને તારી વચ્ચે મોટી ખાઈ છે. એટલે જેઓ અહીંથી તારી બાજુ જવા ચાહે છે, તેઓ જઈ શકતા નથી કે પછી ત્યાંથી લોકો અમારી બાજુ આવી શકતા નથી.’ ૨૭ તેણે કહ્યું: ‘એવું હોય તો હે પિતા, હું તમને વિનંતી કરું છું કે તેને મારા પિતાના ઘરે મોકલો. ૨૮ મારે પાંચ ભાઈઓ છે. તે તેઓને સારી રીતે સમજાવે, જેથી તેઓએ પણ અહીં આવીને પીડા સહેવી ન પડે.’ ૨૯ પણ ઇબ્રાહિમે કહ્યું, ‘તેઓ પાસે મૂસા અને પ્રબોધકો છે. તેઓ એ લોકોનું સાંભળે.’+ ૩૦ તેણે કહ્યું: ‘ના પિતા ઇબ્રાહિમ. જો મરણમાંથી ઊઠેલું કોઈ તેઓ પાસે જાય, તો તેઓ પસ્તાવો કરશે.’ ૩૧ તેમણે કહ્યું: ‘જો તેઓ મૂસા અને પ્રબોધકોનું નથી સાંભળતા,+ તો મરણમાંથી જીવતા થયેલાનું પણ માનવાના નથી.’”