માથ્થી
૨૫ “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતાના દીવા લઈને+ વરરાજાને મળવા નીકળી.+ ૨ એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર.*+ ૩ જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારે તેલ ન લીધું. ૪ જેઓ સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારે તેલ પણ લીધું. ૫ વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચઢી અને તેઓ સૂઈ ગઈ. ૬ અડધી રાતે પોકાર સંભળાયો કે ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’ ૭ એટલે બધી કન્યાઓ ઊઠી અને પોતાના દીવા તૈયાર કર્યા.+ ૮ મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો. અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ ૯ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ થાય. તમે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’ ૧૦ તેઓ તેલ ખરીદવા ગઈ ત્યારે વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નની મિજબાનીમાં ગઈ+ અને દરવાજો બંધ કરવામાં આવ્યો. ૧૧ પછી બાકીની કન્યાઓ પણ ત્યાં આવી પહોંચી અને કહેવા લાગી કે ‘સ્વામી, સ્વામી, અમારા માટે દરવાજો ખોલો!’+ ૧૨ વરરાજાએ કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને ઓળખતો નથી.’
૧૩ “એટલે જાગતા રહો,+ કેમ કે તમે એ દિવસ કે ઘડી જાણતા નથી.+
૧૪ “સ્વર્ગનું રાજ્ય એવા માણસ જેવું છે, જેણે પરદેશ જતી વખતે ચાકરોને બોલાવ્યા અને તેઓને પોતાની માલ-મિલકત સોંપી.+ ૧૫ તેણે એકને પાંચ તાલંત,* બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, એમ દરેકને તેઓની આવડત પ્રમાણે આપ્યું. પછી તે પરદેશ ગયો. ૧૬ જેને પાંચ તાલંત મળ્યા હતા, તેણે તરત જઈને એનાથી વેપાર કર્યો અને બીજા પાંચ કમાયો. ૧૭ એ જ રીતે, જેને બે મળ્યા હતા એ બીજા બે કમાયો. ૧૮ પણ જે ચાકરને ફક્ત એક તાલંત મળ્યો હતો, તે ગયો અને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના એ પૈસા* સંતાડી દીધા.
૧૯ “લાંબા સમય પછી એ ચાકરોનો માલિક આવ્યો અને તેઓ પાસે હિસાબ માંગ્યો.+ ૨૦ જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત લઈને આગળ આવ્યો. તેણે કહ્યું: ‘માલિક, તમે મને પાંચ તાલંત આપ્યા હતા. જુઓ, હું બીજા પાંચ તાલંત કમાયો છું.’+ ૨૧ તેના માલિકે કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ સાબિત થયો. હું તને ઘણી જવાબદારી સોંપીશ.+ તારા માલિક સાથે આનંદ કર.’+ ૨૨ જેને બે તાલંત મળ્યા હતા તે આગળ આવ્યો. તેણે કહ્યું કે ‘માલિક, તમે મને બે તાલંત આપ્યા હતા. જુઓ, હું બીજા બે તાલંત કમાયો છું.’+ ૨૩ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ સાબિત થયો. હું તને ઘણી જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.’
૨૪ “પછી જે ચાકરને એક તાલંત મળ્યો હતો એ આગળ આવ્યો. તેણે કહ્યું: ‘માલિક, મને ખબર હતી કે તમે કડક માણસ છો. જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી લણનાર અને જ્યાં તમે મહેનત નથી કરી ત્યાંથી અનાજ ભેગું કરનાર છો.+ ૨૫ એ માટે મને બીક લાગી અને મેં જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો. લો, તમારું છે એ તમે લઈ લો.’ ૨૬ તેના માલિકે કહ્યું: ‘અરે દુષ્ટ અને આળસુ ચાકર! જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું લણું છું અને જ્યાં મેં મહેનત નથી કરી ત્યાંથી અનાજ ભેગું કરું છું, એ તું જાણતો હતો ખરું ને? ૨૭ તો પછી તેં કેમ મારા પૈસા* શાહુકારને આપ્યા નહિ? જો આપ્યા હોત તો હું આવ્યો ત્યારે મને એ વ્યાજ સાથે પાછા મળ્યા હોત.
૨૮ “‘તેની પાસેથી તાલંત લઈ લો અને જેની પાસે દસ તાલંત છે તેને એ આપી દો.+ ૨૯ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૩૦ આ નકામા ચાકરને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’
૩૧ “જ્યારે માણસનો દીકરો+ પોતાના ગૌરવમાં બધા દૂતો સાથે આવશે,+ ત્યારે તે પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. ૩૨ સર્વ પ્રજાઓ તેમની આગળ ભેગી કરાશે. જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. ૩૩ તે ઘેટાંને+ પોતાને જમણે હાથે, પણ બકરાંને પોતાને ડાબે હાથે રાખશે.+
૩૪ “રાજા પોતાની જમણી બાજુના લોકોને કહેશે: ‘મારા પિતાથી આશીર્વાદ પામેલા લોકો, આવો! દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી તમારા માટે તૈયાર કરેલા રાજ્યનો વારસો લો. ૩૫ હું ભૂખ્યો હતો અને તમે મને ખાવાનું આપ્યું. હું તરસ્યો હતો અને તમે મને પાણી આપ્યું. હું અજાણ્યો હતો અને તમે મને મહેમાન તરીકે રાખ્યો.+ ૩૬ મારી પાસે કપડાં ન હતાં* અને તમે મને પહેરવાં કપડાં આપ્યાં.+ હું બીમાર હતો અને તમે મારી સંભાળ રાખી. હું કેદમાં હતો અને તમે મને મળવા આવ્યા.’+ ૩૭ નેક લોકો કહેશે: ‘માલિક, અમે તમને ક્યારે ભૂખ્યા જોયા અને ખાવાનું આપ્યું? ક્યારે તરસ્યા જોયા અને પાણી આપ્યું?+ ૩૮ અમે ક્યારે તમને અજાણ્યા જોયા અને મહેમાન તરીકે રાખ્યા? ક્યારે તમારી પાસે કપડાં ન હતાં અને પહેરવાં કપડાં આપ્યાં? ૩૯ અમે ક્યારે તમને બીમાર કે કેદમાં જોયા અને તમને મળવા આવ્યા?’ ૪૦ જવાબમાં રાજા તેઓને કહેશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાના માટે જે કંઈ કર્યું, એ તમે મારા માટે કર્યું છે.’+
૪૧ “ત્યાર બાદ તે પોતાની ડાબી બાજુના લોકોને કહેશે: ‘ઓ શ્રાપિત લોકો, મારી પાસેથી દૂર જાઓ.+ શેતાન* અને તેના દૂતો માટે તૈયાર કરેલી+ હંમેશ માટેની આગમાં જાઓ.+ ૪૨ હું ભૂખ્યો હતો, પણ તમે મને કંઈ ખાવા ન આપ્યું. હું તરસ્યો હતો, પણ તમે મને કંઈ પીવા ન આપ્યું. ૪૩ હું અજાણ્યો હતો, પણ તમે મને મહેમાન તરીકે ન રાખ્યો. મારી પાસે કપડાં ન હતાં, પણ તમે મને કપડાં ન આપ્યાં. હું બીમાર અને કેદમાં હતો, પણ તમે મારી સંભાળ ન રાખી.’ ૪૪ તેઓ પણ કહેશે: ‘માલિક, અમે ક્યારે તમને ભૂખ્યા કે તરસ્યા કે અજાણ્યા કે કપડાં વગરના કે બીમાર કે કેદમાં જોયા અને તમારી સેવા ન કરી?’ ૪૫ તે તેઓને જવાબ આપશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે આ સૌથી નાનાઓમાંના એકને માટે જે ન કર્યું, એ મારા માટે ન કર્યું.’+ ૪૬ આ લોકોનો હંમેશ માટે નાશ થશે,*+ પણ નેક લોકો હંમેશ માટેનું જીવન મેળવશે.”+