સભાશિક્ષક
૧૨ તારી યુવાનીના દિવસોમાં તારા મહાન સર્જનહારને યાદ કર.+ હજી દુઃખના દિવસો આવ્યા નથી, એવાં વર્ષો આવ્યાં નથી જ્યારે તું કહેશે, “હવે જીવનમાં જરાય મજા નથી.” એવા દિવસો આવે એ પહેલાં+ તું તારા સર્જનહારને યાદ કર. ૨ કેમ કે પછી તો સૂર્ય, ચંદ્ર અને તારાઓની ચમક ઓછી થઈ જશે,+ ધોધમાર વરસાદ પડ્યા પછી* વાદળો પાછાં ઘેરાશે. ૩ એ દિવસે ઘરના ચોકીદારો ધ્રૂજવા લાગશે, બળવાન માણસો વાંકા વળી જશે, દળનારી સ્ત્રીઓ ઓછી હોવાથી તેઓ દળવાનું છોડી દેશે અને બારીમાંથી બહાર જોનાર સ્ત્રીઓને ઝાંખું દેખાશે,+ ૪ શેરીઓ સામેના દરવાજા બંધ થઈ જશે, દળવાનો અવાજ ધીમો પડશે, પક્ષીના અવાજથી તું જાગી જશે અને બધી દીકરીઓનાં ગીતોનો અવાજ મંદ પડશે,+ ૫ ઊંચાઈથી તને ડર લાગશે, રસ્તે ચાલતા તું ગભરાશે, બદામડીને ફૂલો લાગશે,+ તીતીઘોડો ઘસડાઈને ચાલશે, કેરડા* પાકીને ફાટી જશે, માણસ પોતાના કાયમી ઘરે જશે+ અને વિલાપ કરનારાઓ શેરીઓમાં ફરશે.+ ૬ ચાંદીની દોરી કપાઈ જશે, સોનાનો વાટકો ભાંગી જશે, ઝરણા પાસે ઘડો ફૂટી જશે અને કૂવા પરની ગરગડી તૂટી જશે. ૭ પછી માટીમાંથી આવેલો માણસ પાછો માટીમાં ભળી જશે+ અને સાચા ઈશ્વરે આપેલી જીવન-શક્તિ* પાછી તેમની પાસે જતી રહેશે.+
૮ ઉપદેશક+ કહે છે, “નકામું છે! બધું જ નકામું છે!”+
૯ ઉપદેશકે ખૂબ જ્ઞાન મેળવ્યું. તે લોકોને પણ જ્ઞાનની વાતો શીખવતો.+ તેણે ઘણું મનન કરીને અને ઊંડું સંશોધન કરીને અનેક નીતિવચનો* રચ્યાં.*+ ૧૦ દિલને સ્પર્શી જાય એવા શબ્દો શોધવા+ અને સત્યની વાતો ચોકસાઈથી લખવા ઉપદેશકે મહેનત કરી.
૧૧ જ્ઞાની માણસોના શબ્દો આર* જેવા છે.+ તેઓએ ભેગી કરેલી કહેવતો મજબૂત બેસાડેલા ખીલા જેવી છે. એ બધું એક ઘેટાંપાળકે આપ્યું છે. ૧૨ મારા દીકરા, જો આ સિવાય તને બીજું કંઈ કહેવામાં આવે, તો સાવધ રહેજે: ઘણાં પુસ્તકો રચવાનો કોઈ પાર નથી. પુસ્તકોના અભ્યાસમાં ડૂબેલા રહેવાથી શરીર થાકી જાય છે.+
૧૩ બધી વાતો સાંભળવામાં આવી, એનું તારણ આ છે: સાચા ઈશ્વરનો ડર* રાખવો+ અને તેમની આજ્ઞાઓ પાળવી,+ એ જ માણસની ફરજ છે.+ ૧૪ સાચા ઈશ્વર દરેક ખરા-ખોટા કામનો ન્યાય કરશે. છૂપી રીતે કરેલાં કામોનો પણ તે ન્યાય કરશે.+