યાકૂબનો પત્ર
૫ ઓ ધનવાન માણસો, હવે સાંભળો! તમારા પર આવી પડનારાં સંકટો માટે વિલાપ કરો અને પોક મૂકીને રડો.+ ૨ તમારી ધનદોલત સડી ગઈ છે અને તમારાં કપડાંને જીવડાં ખાઈ ગયાં છે.+ ૩ તમારાં સોના-ચાંદી કટાઈ ગયાં છે. એનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે અને તમારાં શરીરોનો નાશ કરશે. તમે જે કંઈ ભેગું કર્યું છે એ છેલ્લા દિવસોમાં આગ જેવું થશે.+ ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+ ૫ તમે પૃથ્વી પર એશઆરામ કરવા અને પોતાની ઇચ્છાઓ સંતોષવા જીવો છો. જેમ પશુને કતલના દિવસ સુધી તગડું બનાવવામાં આવે છે, તેમ તમે તમારાં હૃદયને તગડું બનાવો છો.+ ૬ તમે નેક માણસને દોષિત ઠરાવ્યો છે અને તેને મારી નાખ્યો છે, એટલે ઈશ્વર તમારો વિરોધ કરે છે.
૭ એટલે ભાઈઓ, આપણા માલિક ઈસુની હાજરીનો* સમય આવે ત્યાં સુધી ધીરજ રાખો.+ જુઓ, ખેડૂત ધરતીના અનમોલ પાકની રાહ જુએ છે. પાનખરનો વરસાદ અને વસંતનો વરસાદ આવે ત્યાં સુધી તે ધીરજ રાખે છે.+ ૮ તમે પણ ધીરજ રાખો.+ તમારાં હૃદય દૃઢ કરો, કેમ કે આપણા માલિક ઈસુની હાજરીનો* સમય પાસે આવ્યો છે.+
૯ ભાઈઓ, એકબીજા વિરુદ્ધ કચકચ ન કરો,* જેથી તમારો ન્યાય કરવામાં ન આવે.+ જુઓ! ન્યાયાધીશ બારણે ઊભા છે. ૧૦ ભાઈઓ, દુઃખો સહેવામાં+ અને ધીરજ ધરવામાં+ પ્રબોધકોના* દાખલાને અનુસરો, જેઓ યહોવાના* નામે બોલ્યા હતા.+ ૧૧ જુઓ! સતાવણીમાં જેઓ ધીરજ ધરે છે, તેઓને આપણે સુખી* કહીએ છીએ.+ અયૂબે જે સહન કર્યું+ એ તમે સાંભળ્યું છે અને યહોવાએ* તેમને જે બદલો આપ્યો+ એ પણ તમે જાણો છો. યહોવા* ખૂબ મમતા* બતાવે છે અને તે દયાળુ છે.+
૧૨ એ સર્વ ઉપરાંત, મારા ભાઈઓ, તમે સમ ખાવાનું બંધ કરો. સ્વર્ગના, પૃથ્વીના કે બીજા કશાના સમ ન ખાઓ. પણ તમારી “હા” એટલે હા અને “ના” એટલે ના હોય,+ જેથી તમે સજાને લાયક ન ઠરો.
૧૩ શું તમારામાંથી કોઈ વ્યક્તિ તકલીફોનો સામનો કરી રહી છે? તેણે પ્રાર્થના કરતા રહેવું.+ શું કોઈનું મન ખુશ છે? તેણે સ્તુતિગીતો ગાવાં.+ ૧૪ શું તમારામાંથી કોઈ બીમાર* છે? તેણે મંડળના વડીલોને બોલાવવા,+ જેથી તેઓ તેના માટે પ્રાર્થના કરે અને યહોવાના* નામમાં તેને તેલ ચોપડે.*+ ૧૫ શ્રદ્ધાથી કરેલી પ્રાર્થના બીમારને* સાજો કરશે અને યહોવા* તેને બેઠો કરશે. જો તેણે પાપ કર્યાં હશે, તો તેનાં પાપ માફ કરવામાં આવશે.
૧૬ એ માટે, એકબીજાની આગળ તમારાં પાપ ખુલ્લી રીતે કબૂલ કરો+ અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમે સાજા થાઓ. નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.*+ ૧૭ એલિયા આપણા જેવા જ માણસ હતા, તોપણ જ્યારે તેમણે પૂરા દિલથી પ્રાર્થના કરી કે વરસાદ ન પડે, ત્યારે દેશમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો.+ ૧૮ પછી તેમણે ફરીથી પ્રાર્થના કરી અને આકાશમાંથી વરસાદ વરસ્યો અને ધરતી પર પાક ઊગી નીકળ્યો.+
૧૯ મારા ભાઈઓ, જો તમારામાંથી કોઈ માણસ સત્યના માર્ગથી ભટકી જાય અને કોઈ તેને પાછો લાવે, ૨૦ તો જાણજો કે જે માણસ પાપીને તેના ખોટા માર્ગથી પાછો વાળે છે,+ તે તેને મોતથી બચાવે છે અને તેનાં ઘણાં પાપોને ઢાંકી દે છે.+