લૂક
૧૩ ત્યાં હાજર અમુક લોકોએ ઈસુને જણાવ્યું કે બલિદાન ચઢાવતા ગાલીલના કેટલાક માણસોની પિલાતે કઈ રીતે કતલ કરાવી હતી. ૨ ઈસુએ તેઓને કહ્યું: “એ માણસોની એવી દશા થઈ હોવાથી, શું તમને એમ લાગે છે કે ગાલીલના એ લોકો બીજા બધા કરતાં વધારે પાપી હતા? ૩ હું તમને જણાવું છું કે એમ ન હતું. પણ તમે પસ્તાવો નહિ કરો તો તમારા બધાનો તેઓની જેમ નાશ થશે.+ ૪ અથવા જે ૧૮ લોકો પર સિલોઆમનો મિનારો પડ્યો અને માર્યા ગયા તેઓનું શું? શું તમે એમ વિચારો છો કે તેઓ યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે દોષિત હતા? ૫ હું તમને જણાવું છું કે એમ ન હતું. જો તમે પસ્તાવો નહિ કરો, તો તમારા બધાનો પણ તેઓની જેમ નાશ થશે.”
૬ પછી તેમણે આ ઉદાહરણ જણાવ્યું: “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરનું એક ઝાડ રોપેલું હતું. તે એના પર ફળ જોવા આવ્યો, પણ તેને એકેય ન મળ્યું.+ ૭ તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘ત્રણ વર્ષથી હું આ અંજીરના ઝાડ પર ફળ શોધતો આવ્યો છું, પણ એકેય મળ્યું નથી. એને કાપી નાખ! એ આમેય જગ્યા રોકે છે.’ ૮ માળીએ કહ્યું, ‘માલિક, હજુ એક વર્ષ એને રહેવા દો. હું એની આસપાસ ખોદું અને એમાં ખાતર નાખું. ૯ જો ભાવિમાં એને ફળ આવે તો ઘણું સારું. પણ જો ન આવે તો પછી કપાવી નાખજો.’”+
૧૦ પછી તે એક સભાસ્થાનમાં સાબ્બાથના દિવસે શીખવતા હતા. ૧૧ ત્યાં એક સ્ત્રી હતી, જે દુષ્ટ દૂતના* કાબૂમાં હોવાથી ૧૮ વર્ષથી બીમાર હતી. તે વાંકી વળી ગઈ હતી અને જરાય સીધી ઊભી રહી શકતી ન હતી. ૧૨ ઈસુએ તેને જોઈને કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.”+ ૧૩ તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત તે સીધી ઊભી રહી શકી. તે ઈશ્વરને મહિમા આપવા લાગી. ૧૪ પણ ઈસુએ સાબ્બાથના દિવસે તેને સાજી કરી હોવાથી, સભાસ્થાનનો મુખ્ય અધિકારી રોષે ભરાયો. તેણે ટોળાને કહ્યું: “કામ કરવાના છ દિવસો છે.+ એ દિવસોમાં આવો અને સાજા થાઓ, સાબ્બાથના દિવસે નહિ.”+ ૧૫ માલિક ઈસુએ કહ્યું: “ઓ ઢોંગીઓ,+ શું તમે સાબ્બાથના દિવસે ગભાણમાંથી પોતાનો બળદ* અથવા પોતાનો ગધેડો છોડીને પાણી પાવા લઈ જતા નથી?+ ૧૬ આ સ્ત્રી ઇબ્રાહિમની દીકરી છે અને તેને ૧૮ વર્ષથી શેતાને બાંધી રાખી છે. શું તેને સાબ્બાથના દિવસે આ બંધનમાંથી છોડાવવી ન જોઈએ?” ૧૭ તેમણે આ વાતો કહી ત્યારે, તેમના બધા વિરોધીઓ શરમથી નીચું જોઈ ગયા. પણ તેમણે કરેલાં મહાન કામોને લીધે આખું ટોળું આનંદ કરવા લાગ્યું.+
૧૮ ઈસુ કહેવા લાગ્યા: “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની સાથે સરખાવું? ૧૯ એ રાઈના બી જેવું છે, જે એક માણસે લઈને પોતાના બાગમાં વાવ્યું. એ ઊગ્યું ને ઝાડ થયું. આકાશનાં પક્ષીઓએ એની ડાળીઓ પર માળા બાંધ્યા.”+
૨૦ ફરીથી તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યને હું શાની સાથે સરખાવું? ૨૧ એ ખમીર જેવું છે, જે એક સ્ત્રીએ લઈને ત્રણ મોટાં માપ* લોટમાં ભેળવી દીધું. એનાથી બધા લોટમાં આથો ચઢી ગયો.”+
૨૨ યરૂશાલેમ જતાં જતાં ઈસુ શહેરો અને ગામોમાં ગયા. તે લોકોને શીખવતા ગયા. ૨૩ એક માણસે તેમને પૂછ્યું: “માલિક, શું ઉદ્ધાર પામનારા બહુ થોડા છે?” તેમણે કહ્યું: ૨૪ “તમે સાંકડા દરવાજાથી અંદર જવા સખત મહેનત કરો.*+ હું તમને જણાવું છું કે ઘણા જવા માંગશે પણ જઈ શકશે નહિ. ૨૫ ઘરમાલિક ઊભો થઈને દરવાજો બંધ કરશે ત્યારે, તમે બહાર ઊભા રહીને દરવાજો ખખડાવશો અને કહેશો: ‘માલિક, અમારા માટે દરવાજો ખોલો.’+ પણ તે કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી.’ ૨૬ તમે કહેશો: ‘અમે તમારી સાથે ખાધું અને પીધું અને તમે અમારા મુખ્ય રસ્તાઓ પર શીખવ્યું.’+ ૨૭ તે તમને કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી. ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે બધા મારી પાસેથી દૂર જાઓ!’ ૨૮ તમે ઇબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને સર્વ પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો. પણ તમે પોતાને બહાર કાઢી મૂકેલા જોશો ત્યારે તમે રડશો અને દાંત પીસશો.+ ૨૯ પૂર્વ અને પશ્ચિમથી, ઉત્તર અને દક્ષિણથી લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં બેસશે. ૩૦ જુઓ! અમુક જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે અને અમુક જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.”+
૩૧ એ જ ઘડીએ અમુક ફરોશીઓએ આવીને ઈસુને કહ્યું: “અહીંથી જતા રહો, કારણ કે હેરોદ તમને મારી નાખવા માંગે છે.” ૩૨ તેમણે કહ્યું: “જાઓ અને એ શિયાળને કહો, ‘આજે અને કાલે હું દુષ્ટ દૂતો કાઢવાનો છું. હું લોકોને સાજા કરવાનો છું અને ત્રીજા દિવસે મારું કામ પૂરું કરીશ.’ ૩૩ મારે આજે, કાલે અને પરમ દિવસે યરૂશાલેમની મુસાફરી ચાલુ રાખવાની છે. યરૂશાલેમની+ બહાર પ્રબોધકને મારી નાખવામાં આવે એવું બની ન શકે.* ૩૪ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરે જેઓને તારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારનાર!+ જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પણ તમે એવું ચાહ્યું નહિ.+ ૩૫ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.+ હું તમને જણાવું છું કે હવેથી તમે મને ત્યાં સુધી નહિ જુઓ, જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!’”+