ગણના
૩ હવે યહોવાએ મૂસા સાથે સિનાઈ પર્વત પર વાત કરી+ એ સમયે હારુન અને મૂસાની વંશાવળી* આ મુજબ હતી. ૨ હારુનના દીકરાઓનાં નામ આ હતાં: પ્રથમ જન્મેલો નાદાબ, એ પછી અબીહૂ,+ એલઆઝાર+ અને ઇથામાર.+ ૩ હારુનના એ દીકરાઓનો અભિષેક* કરવામાં આવ્યો હતો અને તેઓને યાજકો* તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.*+ ૪ પણ યહોવા આગળ નિયમ વિરુદ્ધ અગ્નિ ચઢાવવાને લીધે નાદાબ અને અબીહૂ સિનાઈના વેરાન પ્રદેશમાં યહોવા આગળ માર્યા ગયા હતા+ અને તેઓને કોઈ દીકરાઓ ન હતા. જોકે, એલઆઝાર+ અને ઇથામાર+ પોતાના પિતા હારુન સાથે યાજકો તરીકે સેવા આપતા રહ્યા.
૫ યહોવાએ મૂસાને કહ્યું: ૬ “લેવી કુળના લોકોને આગળ લાવ+ અને હારુન યાજક સામે ઊભા કર. તેઓ હારુનની સેવા કરે.+ ૭ તેઓ મુલાકાતમંડપને લગતાં કામો કરે અને મંડપ આગળ હારુન પ્રત્યે અને આખા ઇઝરાયેલ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે. ૮ તેઓ મુલાકાતમંડપના બધા સામાનની સંભાળ રાખે.+ તેઓ મંડપને લગતાં બધાં કામો કરીને ઇઝરાયેલીઓ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે.+ ૯ હારુન અને તેના દીકરાઓની સેવા માટે તું લેવીઓને અલગ કર. ઇઝરાયેલીઓમાંથી લેવીઓ હારુનને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.+ ૧૦ તું હારુન અને તેના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર અને તેઓ યાજકો તરીકેની પોતાની જવાબદારી નિભાવે.+ યાજક ન હોય એવો કોઈ પણ માણસ* પવિત્ર જગ્યાની નજીક આવે તો, તેને મારી નાખવો.”+
૧૧ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૧૨ “જો! ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને બદલે હું લેવીઓને લઉં છું.+ લેવીઓ મારા ગણાશે, ૧૩ કેમ કે દરેક પ્રથમ જન્મેલો મારો છે.+ જે દિવસે મેં ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+ એ દિવસે મેં ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓને મારા માટે પવિત્ર ઠરાવ્યા હતા. માણસોના અને પ્રાણીઓના બધા પ્રથમ જન્મેલા મારા ગણાશે.+ હું યહોવા છું.”
૧૪ યહોવાએ સિનાઈના વેરાન પ્રદેશમાં+ મૂસાને આગળ જણાવ્યું: ૧૫ “તું લેવીઓના દીકરાઓની તેઓનાં નામ, કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે નોંધણી કર. એક મહિનાના કે એથી વધુ ઉંમરના દરેક પુરુષની નોંધણી કર.”+ ૧૬ મૂસાએ યહોવાના હુકમ પ્રમાણે નોંધણી કરી. તેણે એ પ્રમાણે જ કર્યું. ૧૭ લેવીના દીકરાઓનાં નામ આ હતાં: ગેર્શોન, કહાથ અને મરારી.+
૧૮ કુટુંબો પ્રમાણે ગેર્શોનના દીકરાઓનાં નામ આ હતાં: લિબ્ની અને શિમઈ.+
૧૯ કુટુંબો પ્રમાણે કહાથના દીકરાઓનાં નામ આ હતાં: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝ્ઝિએલ.+
૨૦ કુટુંબો પ્રમાણે મરારીના દીકરાઓનાં નામ આ હતાં: માહલી+ અને મૂશી.+
પિતાનાં કુટુંબો પ્રમાણે એ લેવીઓનાં કુટુંબો હતાં.
૨૧ ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ+ અને શિમઈઓનું કુટુંબ આવ્યાં. એ ગેર્શોનીઓનાં કુટુંબો હતાં. ૨૨ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના જે પુરુષોની નોંધણી થઈ, તેઓની કુલ સંખ્યા ૭,૫૦૦ હતી.+ ૨૩ ગેર્શોનીઓનાં કુટુંબોએ મંડપની પાછળની બાજુ,+ એટલે કે પશ્ચિમ તરફ પોતાની છાવણી નાખવાની હતી. ૨૪ ગેર્શોનીઓના પિતાના કુટુંબનો મુખી એલ્યાસાફ હતો, જે લાએલનો દીકરો હતો. ૨૫ ગેર્શોનના દીકરાઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી:+ મુલાકાતમંડપ,+ એની ઉપરના પડદા,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારના પડદા,+ ૨૬ આંગણાના* પડદા,+ મંડપ અને વેદીની* ફરતે જે આંગણું હતું એના પ્રવેશદ્વારના પડદા+ અને આંગણાનાં દોરડાં. એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.
૨૭ કહાથથી આમ્રામીઓનું કુટુંબ, યિસ્હારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝ્ઝિએલીઓનું કુટુંબ આવ્યાં. એ કહાથીઓનાં કુટુંબો હતાં.+ ૨૮ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૮,૬૦૦ હતી. તેઓને પવિત્ર જગ્યાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી.+ ૨૯ કહાથના દીકરાઓનાં કુટુંબોએ મંડપની દક્ષિણ તરફ પોતાની છાવણી નાખવાની હતી.+ ૩૦ કહાથીઓના પિતાના કુટુંબનો* મુખી અલીસાફાન હતો, જે ઉઝ્ઝિએલનો દીકરો હતો.+ ૩૧ તેઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: કોશ,*+ મેજ,+ દીવી,+ વેદીઓ,+ પવિત્ર જગ્યામાં વપરાતાં વાસણો+ અને પવિત્ર સ્થાનની* અંદરના પડદા.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+
૩૨ લેવીઓના મુખીઓનો આગેવાન એલઆઝાર હતો,+ જે હારુન યાજકનો દીકરો હતો. પવિત્ર જગ્યાની સંભાળ રાખતા પુરુષોની દેખરેખ રાખવાની જવાબદારી એલઆઝારની હતી.
૩૩ મરારીથી માહલીઓનું કુટુંબ અને મૂશીઓનું કુટુંબ આવ્યાં. એ મરારીનાં કુટુંબો હતાં.+ ૩૪ તેઓમાં એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૬,૨૦૦ હતી.+ ૩૫ મરારીના પિતાના કુટુંબનો મુખી સૂરીએલ હતો, જે અબીહાઈલનો દીકરો હતો. તેઓએ મંડપની ઉત્તર તરફ પોતાની છાવણી નાખવાની હતી.+ ૩૬ મરારીના દીકરાઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: મંડપનાં ચોકઠાં,+ એના દાંડા,+ એના થાંભલા,+ એની કૂંભીઓ અને એનાં વાસણો.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+ ૩૭ તેઓએ આંગણાને ફરતે આવેલી થાંભલીઓ, એની કૂંભીઓ,+ એના ખીલા અને એનાં દોરડાંની પણ સંભાળ રાખવાની હતી.
૩૮ મંડપની સામે, એટલે કે મુલાકાતમંડપની પૂર્વ તરફ* મૂસા તથા હારુન અને તેના દીકરાઓએ છાવણી નાખવાની હતી. તેઓએ પવિત્ર જગ્યાની* સંભાળ રાખીને ઇઝરાયેલીઓ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની હતી. લેવી ન હોય એવો કોઈ પણ માણસ* મુલાકાતમંડપની નજીક આવે તો, તેને મારી નાખવાનો હતો.+
૩૯ યહોવાની આજ્ઞા મુજબ મૂસા અને હારુને લેવીઓની નોંધણી તેઓનાં કુટુંબો પ્રમાણે કરી. એક મહિનાના કે એથી વધુ ઉંમરના પુરુષોની કુલ સંખ્યા ૨૨,૦૦૦ હતી.
૪૦ પછી યહોવાએ મૂસાને કહ્યું: “એક મહિનાના કે એથી વધુ ઉંમરના દરેક પ્રથમ જન્મેલા ઇઝરાયેલી પુરુષની ગણતરી કર.+ તેઓનાં નામની યાદી બનાવ. ૪૧ તું મારા માટે ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે.+ ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે.+ હું યહોવા છું.” ૪૨ યહોવાએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે મૂસાએ ઇઝરાયેલીઓના બધા પ્રથમ જન્મેલાઓની નોંધણી કરી. ૪૩ એક મહિનાના કે એથી વધુ ઉંમરના પ્રથમ જન્મેલા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. તેઓની કુલ સંખ્યા ૨૨,૨૭૩ હતી.
૪૪ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૪૫ “ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે લેવીઓને લે. ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલાં પાલતુ પ્રાણીઓને બદલે લેવીઓનાં પાલતુ પ્રાણીઓને લે. લેવીઓ મારા ગણાશે. હું યહોવા છું. ૪૬ લેવીઓની સરખામણીમાં ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષોની સંખ્યા ૨૭૩ વધારે છે.+ એ પુરુષોને છોડાવવા તું છુટકારાની કિંમત* લે.+ ૪૭ દરેક પુરુષ માટે તું પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ* પ્રમાણે પાંચ શેકેલ* લે.+ એક શેકેલ એટલે ૨૦ ગેરાહ* થાય.+ ૪૮ એ વધારાના પુરુષોના છુટકારાની કિંમત તું હારુન અને તેના દીકરાઓને આપ.” ૪૯ તેથી લેવીઓની સરખામણીમાં જે પુરુષો વધારાના હતા, તેઓને છોડાવવા મૂસાએ છુટકારાની કિંમત લીધી. ૫૦ તેણે ઇઝરાયેલીઓના એ પ્રથમ જન્મેલાઓ પાસેથી પવિત્ર જગ્યાના શેકેલના તોલમાપ પ્રમાણે ૧,૩૬૫ શેકેલ લીધા. ૫૧ પછી યહોવાના કહ્યા પ્રમાણે મૂસાએ એ છુટકારાની કિંમત હારુન અને તેના દીકરાઓને આપી. યહોવાની આજ્ઞા પ્રમાણે જ મૂસાએ કર્યું.