રોમનોને પત્ર
૧૬ હું તમને વિનંતી કરું છું કે આપણી બહેન ફેબીનો આવકાર કરજો.* તે કિંખ્રિયાના+ મંડળમાં સેવા આપે છે. ૨ તમે આપણા માલિક ઈસુના પવિત્ર જનોનો જેવો આવકાર કરો છો, એવો આવકાર તેનો કરજો. તેને જરૂરી મદદ પૂરી પાડજો,+ કેમ કે તેણે મને અને ઘણા ભાઈઓને બહુ મદદ કરી છે.
૩ ખ્રિસ્ત ઈસુની સેવામાં મારી સાથે કામ કરનારાં પ્રિસ્કા અને આકુલાને+ મારી સલામ કહેજો. ૪ તેઓએ મારા માટે પોતાનો જીવ* જોખમમાં મૂક્યો હતો.+ ફક્ત હું જ નહિ, બીજી પ્રજાઓનાં* બધાં મંડળો પણ તેઓનો આભાર માને છે. ૫ તેઓના ઘરમાં ભેગા થતા મંડળને પણ મારી સલામ.+ મારા વહાલા અપૈનિતસને સલામ, જે આસિયામાં ખ્રિસ્તના પ્રથમ શિષ્યોમાંનો એક છે. ૬ તમારા માટે ઘણી મહેનત કરનાર મરિયમને સલામ. ૭ મારા સગા અને મારી સાથે કેદ હતા, એ આંદ્રોનીકસ અને જુનિયાસને સલામ.+ પ્રેરિતોમાં તેઓની શાખ સારી છે અને તેઓ મારાથી પણ પહેલાં ખ્રિસ્તના શિષ્યો બન્યા હતા.
૮ મારા વહાલા ભાઈ અને માલિક ઈસુના શિષ્ય અંપ્લિઆતસને મારી સલામ કહેજો. ૯ ખ્રિસ્તની સેવામાં આપણી સાથે કામ કરનારા ઉર્બાનુસ અને મારા વહાલા મિત્ર સ્તાખુસને સલામ. ૧૦ ખ્રિસ્તના વફાદાર સેવક અપેલ્લેસને સલામ. અરિસ્તોબુલસના ઘરના લોકોને સલામ. ૧૧ મારા સગા હેરોદિયોનને સલામ. નાર્કીસસના ઘરના જેઓ આપણા માલિક ઈસુના શિષ્યો છે, તેઓને સલામ. ૧૨ આપણા માલિક ઈસુના કામમાં સખત મહેનત કરનારી સ્ત્રીઓ ત્રુફૈના અને ત્રુફોસાને સલામ. આપણી વહાલી પેર્સિસને સલામ, આપણા માલિક ઈસુના કામમાં તેણે ઘણી મહેનત કરી છે. ૧૩ માલિક ઈસુએ પસંદ કરેલા રૂફસ અને તેની માતા જે મારી માતા સમાન છે, તેઓને સલામ. ૧૪ અસુંક્રિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ, હર્માસ અને તેઓની સાથેના ભાઈઓને સલામ. ૧૫ ફિલોલોગસ અને જુલિયા, નેરીઅસ અને તેની બહેન તેમજ ઓલિમ્પાસ અને તેઓની સાથેના બધા પવિત્ર જનોને સલામ. ૧૬ એકબીજાને પૂરા દિલથી* શુભેચ્છા પાઠવજો. ખ્રિસ્તનાં બધાં મંડળો તમને યાદ આપે છે.
૧૭ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે જેઓ ભાગલા પાડે છે અને બીજાઓની શ્રદ્ધા તોડી પાડે છે, તેઓ પર નજર રાખજો. કેમ કે એવાં કામ તો તમને આપેલા શિક્ષણની વિરુદ્ધ છે. તમે તેઓથી દૂર રહેજો.+ ૧૮ એવા માણસો આપણા માલિક ખ્રિસ્તના નહિ, પણ પોતાની ઇચ્છાના* ગુલામ છે. તેઓ મીઠી મીઠી વાતોથી અને ખુશામતથી ભોળા લોકોને છેતરે છે. ૧૯ બધા લોકો જાણે છે કે તમે આજ્ઞાઓ પાળો છો અને હું એના લીધે ઘણો ખુશ છું. હું ચાહું છું કે તમે સમજદાર બનો અને સારું કરો. તમે નિર્દોષ રહો અને દુષ્ટ કામોથી દૂર રહો.+ ૨૦ શાંતિ આપનાર ઈશ્વર જલદી જ શેતાનને તમારા પગ નીચે કચડી નાખશે.+ આપણા માલિક ઈસુની અપાર કૃપા તમારા પર રહો.
૨૧ મારી સાથે કામ કરનાર તિમોથી અને મારા સગા લૂકિયસ, યાસોન અને સોસિપાત્રસ પણ તમને સલામ કહે છે.+
૨૨ આ પત્ર લખી આપનાર હું તેર્તિયુસ તમને આપણા માલિક ઈસુના નામમાં સલામ કહું છું.
૨૩ મારો યજમાન ગાયસ+ તમને સલામ મોકલે છે, જેના ઘરમાં આખું મંડળ ભેગું મળે છે. શહેરનો ખજાનચી* એરાસ્તસ અને તેનો ભાઈ ક્વાર્તસ પણ તમને સલામ કહે છે. ૨૪ *—
૨૫ હું જાહેર કરું છું એ ખુશખબર દ્વારા અને ઈસુ ખ્રિસ્ત વિશેના સંદેશા દ્વારા ઈશ્વર તમને દૃઢ કરી શકે છે. એ સંદેશો પવિત્ર રહસ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.+ એ રહસ્ય યુગોથી ગુપ્ત હતું. ૨૬ પણ હવે એ જાહેર કરવામાં આવ્યું છે અને શાસ્ત્રની ભવિષ્યવાણીથી પ્રગટ કરવામાં આવ્યું છે. સનાતન ઈશ્વરની આજ્ઞા છે કે સર્વ પ્રજાઓમાં એ રહસ્ય જાહેર થાય, જેથી તેઓ શ્રદ્ધા મૂકે અને તેમને આધીન થાય. ૨૭ એકમાત્ર બુદ્ધિમાન ઈશ્વરનો+ મહિમા ઈસુ ખ્રિસ્ત દ્વારા હંમેશાં થતો રહે. આમેન.