લૂક
૧ માનનીય થિયોફિલ, આપણે જે સાચા બનાવો પર ભરોસો કરીએ છીએ, એ લખી લેવાનું કામ ઘણાએ હાથમાં લીધું છે.+ ૨ શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓએ+ અને ઈશ્વરનો સંદેશો જણાવનાર સેવકોએ+ પણ આપણને સાચા બનાવો જણાવ્યા છે. ૩ મેં પણ તમને એ વિગતો યોગ્ય ક્રમમાં લખવાનું નક્કી કર્યું છે. મેં શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી છે.+ ૪ એનાથી તમને પાકી ખાતરી થશે કે જે વાતો તમને શીખવવામાં આવી હતી એ ખરી છે.+
૫ યહૂદિયાના રાજા હેરોદના* દિવસોમાં+ ઝખાર્યા નામનો એક યાજક* હતો. તે અબિયાના સમૂહનો હતો.+ તેની પત્નીનું નામ એલિસાબેત હતું. તે હારુનના કુટુંબની હતી. ૬ ઈશ્વરની આગળ તેઓ બંને નેક* હતાં. તેઓ યહોવાની* આજ્ઞાઓ અને કાયદા-કાનૂન પાળીને નિર્દોષ રીતે ચાલતાં હતાં. ૭ પણ તેઓને કોઈ બાળક ન હતું, કારણ કે એલિસાબેત વાંઝણી હતી. તેઓ બંને ઘણી મોટી ઉંમરનાં હતાં.
૮ મંદિરમાં ઈશ્વર આગળ સેવા કરવાની જવાબદારી ઝખાર્યાના સમૂહની હતી. એટલે તે યાજક તરીકે સેવા આપતો હતો.+ ૯ યાજકોના રિવાજ પ્રમાણે ધૂપ* ચઢાવવાનો તેનો વારો આવ્યો.+ એટલે તે યહોવાના* મંદિરમાં* ગયો.+ ૧૦ ધૂપ ચઢાવવાના સમયે ઘણા બધા લોકો બહાર પ્રાર્થના કરતા હતા. ૧૧ ધૂપવેદીની* જમણી બાજુ ઝખાર્યાને યહોવાનો* દૂત* ઊભેલો દેખાયો. ૧૨ એ જોઈને ઝખાર્યા મૂંઝાઈ ગયો અને ઘણો ગભરાઈ ગયો. ૧૩ દૂતે તેને કહ્યું: “ઝખાર્યા, બીશ નહિ, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. તારી પત્ની એલિસાબેત દીકરાને જન્મ આપશે. તું તેનું નામ યોહાન પાડશે.+ ૧૪ તને આનંદ અને ઘણી ખુશી મળશે. તેના જન્મથી ઘણા લોકો ખુશ થશે.+ ૧૫ તે યહોવાની* નજરમાં મહાન બનશે.+ તેણે દ્રાક્ષદારૂ કે કોઈ પણ પ્રકારનો શરાબ જરાય પીવો નહિ.+ તે જન્મ પહેલાંથી* જ પવિત્ર શક્તિથી* ભરપૂર હશે.+ ૧૬ તે ઇઝરાયેલના ઘણા દીકરાઓને તેઓના ઈશ્વર યહોવા* તરફ પાછા લાવશે.+ ૧૭ તે એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે ઈશ્વરની આગળ આગળ ચાલશે.+ તે પિતાઓનાં હૃદય બાળકો જેવાં કરશે.+ જેઓ આજ્ઞા નથી માનતા તેઓને તે નેક લોકો જેવી સમજણ આપશે. આમ તે યહોવાની* ભક્તિ કરવા લોકોને તૈયાર કરશે.”+
૧૮ ઝખાર્યાએ દૂતને કહ્યું: “એ કઈ રીતે શક્ય છે? હું વૃદ્ધ થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ છે.” ૧૯ દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર+ ગાબ્રિયેલ છું.+ મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર આપવા મોકલવામાં આવ્યો છે. ૨૦ પણ તું મૂંગો થઈ જઈશ. આ બધું બને નહિ એ દિવસ સુધી તું બોલી શકીશ નહિ. તેં મારા શબ્દો પર વિશ્વાસ કર્યો નથી, જે નક્કી કરેલા સમયે પૂરા થશે.” ૨૧ એ દરમિયાન લોકો બહાર ઝખાર્યાની રાહ જોતા હતા. તેને મંદિરમાં ઘણી વાર લાગી એટલે તેઓને નવાઈ લાગી. ૨૨ જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેઓ સાથે બોલી ન શક્યો. તેઓને ખબર પડી ગઈ કે તેણે મંદિરમાં કંઈક દર્શન જોયું છે. તે તેઓને ઇશારા કરતો રહ્યો, પણ બોલી શક્યો નહિ. ૨૩ તેની પવિત્ર સેવાના દિવસો પૂરા થયા ત્યારે, તે પોતાના ઘરે ગયો.
૨૪ અમુક દિવસો પછી તેની પત્ની એલિસાબેત ગર્ભવતી થઈ. તે પાંચ મહિના સુધી ઘરની બહાર નીકળી નહિ. તેણે કહ્યું: ૨૫ “યહોવા* મારી સાથે દયાથી વર્ત્યા છે. તેમણે પોતાનું ધ્યાન મારી તરફ ફેરવ્યું છે, જેથી લોકોમાં મારું અપમાન ન થાય.”+
૨૬ એલિસાબેતના છઠ્ઠા મહિને, ઈશ્વરે ગાબ્રિયેલ+ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. ૨૭ તે જઈને મરિયમ નામની એક કુંવારીને+ મળ્યો. મરિયમની સગાઈ દાઉદના વંશજ યૂસફ નામના માણસ સાથે કરવામાં આવી હતી.+ ૨૮ દૂતે તેની સામે આવીને કહ્યું: “સલામ મરિયમ! યહોવાની* કૃપા તારા પર છે. તે તારી સાથે છે.” ૨૯ પણ તેના શબ્દોથી તે ઘણી મૂંઝાઈ ગઈ. એનો શું અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન કરવા લાગી. ૩૦ એટલે દૂતે તેને કહ્યું: “મરિયમ, બીશ નહિ, કેમ કે તારા પર ઈશ્વરની કૃપા થઈ છે. ૩૧ તું ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે.+ તું તેનું નામ ઈસુ પાડજે.+ ૩૨ તે મહાન થશે+ અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે.+ યહોવા* ઈશ્વર તેને તેના પૂર્વજ દાઉદની રાજગાદી આપશે.+ ૩૩ તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.”+
૩૪ મરિયમે દૂતને કહ્યું: “મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.”*+ ૩૫ દૂતે કહ્યું: “પવિત્ર શક્તિ તારા પર આવશે+ અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એના લીધે જે બાળકનો જન્મ થશે તે ઈશ્વરનો દીકરો+ અને પવિત્ર કહેવાશે.+ ૩૬ તારા સગામાં જે એલિસાબેત છે, તેને પણ છઠ્ઠો મહિનો ચાલે છે. તે વાંઝણી હતી, પણ હવે ઘડપણમાં દીકરાને જન્મ આપશે. ૩૭ એવું કંઈ નથી જે ઈશ્વર માટે અશક્ય હોય.”+ ૩૮ મરિયમે કહ્યું: “જુઓ, હું યહોવાની* દાસી છું! તમારા કહેવા પ્રમાણે મને થાઓ.” પછી દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.
૩૯ એ પછી મરિયમે ઝડપથી તૈયારી કરી. તે યહૂદાના પહાડી પ્રદેશના એક શહેરમાં જવા નીકળી પડી. ૪૦ તે ઝખાર્યાના ઘરે ગઈ અને એલિસાબેતને સલામ કરી. ૪૧ જ્યારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી, ત્યારે તેના ગર્ભમાંનું બાળક કૂદ્યું. એલિસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થઈ. ૪૨ તે મોટેથી બોલી ઊઠી: “સ્ત્રીઓમાં તને ધન્ય છે! તને થનાર બાળકને ઈશ્વર આશીર્વાદ આપે! ૪૩ એ લહાવો મને ક્યાંથી કે મારા માલિકની મા મારી પાસે આવી? ૪૪ જ્યારે તારી સલામ મારા કાને પડી, ત્યારે મારા ગર્ભમાંનું બાળક ખુશીથી કૂદ્યું. ૪૫ તને એ માટે પણ ધન્ય છે, કેમ કે તને જે કહેવામાં આવ્યું એ પર તેં ભરોસો કર્યો. યહોવાએ* તને જે કહ્યું છે એ બધું પૂરું થશે.”
૪૬ મરિયમે કહ્યું: “હું* યહોવાને* મોટા મનાવું છું.+ ૪૭ મને છોડાવનાર ઈશ્વરના આશીર્વાદને લીધે મારી ખુશીનો કોઈ પાર નથી.+ ૪૮ તેમણે પોતાની મામૂલી દાસી પર ધ્યાન આપ્યું છે.+ જુઓ, હવેથી બધી પેઢીઓ મને ધન્ય કહેશે.+ ૪૯ શક્તિશાળી ઈશ્વરે મારા માટે મહાન કામ કર્યાં છે. તેમનું નામ પવિત્ર છે.+ ૫૦ જેઓ પેઢી દર પેઢી તેમની ભક્તિ કરે છે,* તેઓ પર તે દયા રાખે છે.+ ૫૧ તેમણે પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે. ઘમંડી દિલના લોકોને તેમણે વિખેરી નાખ્યા છે.+ ૫૨ તેમણે શાસકોને રાજ્યાસન પરથી ઉતારી પાડ્યા છે+ અને નમ્ર લોકોને ઊંચે ચઢાવ્યા છે.+ ૫૩ તેમણે ભૂખ્યા લોકોને સારી ચીજોથી સંતોષ આપ્યો છે+ અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલ્યા છે. ૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે.+ જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઇબ્રાહિમ અને તેમના વંશજને+ હંમેશાં દયા બતાવી છે.” ૫૬ એલિસાબેતની સાથે મરિયમ ત્રણેક મહિના રહી, પછી પોતાના ઘરે આવી.
૫૭ એલિસાબેતને બાળકને જન્મ આપવાનો સમય આવ્યો. તેણે દીકરાને જન્મ આપ્યો. ૫૮ પડોશીઓ અને સગાઓએ સાંભળ્યું કે યહોવાએ* તેના પર ઘણી દયા બતાવી છે. તેઓએ તેની સાથે આનંદ કર્યો.+ ૫૯ આઠમા દિવસે તેઓ બાળકની સુન્નત* કરવા આવ્યા.+ તેઓ તેના પિતા ઝખાર્યા પરથી તેનું નામ પાડવાના હતા. ૬૦ પણ બાળકની માએ કહ્યું: “ના! તે યોહાન કહેવાશે.” ૬૧ તેઓએ કહ્યું: “તારાં સગાઓમાં એ નામ કોઈનું નથી.” ૬૨ પછી તેઓ પિતાને ઇશારાથી પૂછવા લાગ્યા કે તે તેનું નામ શું પાડવા માંગે છે. ૬૩ તેણે પાટી મંગાવીને એના પર લખ્યું: “તેનું નામ યોહાન છે.”+ એનાથી તેઓને નવાઈ લાગી. ૬૪ તરત ઝખાર્યાની જીભ ખૂલી થઈ અને તે બોલવા લાગ્યો.+ તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. ૬૫ આસપાસના વિસ્તારમાં રહેતા બધા ઉપર ભય છવાઈ ગયો. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ વિશે વાત થવા લાગી. ૬૬ જેઓએ એ સાંભળ્યું તેઓ વિચારવા લાગ્યા: “આ બાળક કેવું થશે?” કેમ કે યહોવાનો* હાથ ચોક્કસ તેના પર હતો.
૬૭ તેના પિતા ઝખાર્યાએ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ભવિષ્યવાણી કરી: ૬૮ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની* સ્તુતિ થાઓ!+ તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે અને તેઓનો ઉદ્ધાર કર્યો છે.+ ૬૯ તેમણે પોતાના સેવક દાઉદના+ ઘરમાંથી આપણા માટે શક્તિશાળી બચાવનાર* ઊભો કર્યો છે.+ ૭૦ તેમણે એ વિશે અગાઉના પવિત્ર પ્રબોધકો* દ્વારા વચન આપ્યું હતું.+ ૭૧ તેમણે કહ્યું હતું કે તે આપણને દુશ્મનો અને નફરત કરનારાઓના હાથમાંથી છોડાવશે.+ ૭૨ આપણા બાપદાદાઓને તેમણે જે કહ્યું હતું એ પૂરું કરશે અને લોકોને દયા બતાવશે. તે તેમનો પવિત્ર કરાર* યાદ કરશે.+ ૭૩ આ સોગન તેમણે આપણા પૂર્વજ ઇબ્રાહિમ આગળ ખાધા હતા.+ ૭૪ ઈશ્વર આપણને દુશ્મનોના હાથમાંથી બચાવશે અને કોઈ ડર વગર તેમની પવિત્ર સેવા કરવાનો લહાવો આપશે. ૭૫ એ માટે કે આપણે વફાદાર રહીએ અને આખી જિંદગી જે ખરું છે એ કરીએ. ૭૬ પણ મારા દીકરા, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું યહોવાના* માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ.+ ૭૭ તું તેમના લોકોને તારણનો સંદેશો આપીશ કે ઈશ્વર તેઓનાં પાપ માફ કરશે અને તેઓને બચાવશે.+ ૭૮ આપણા ઈશ્વરની કરુણાને લીધે એવું થશે. તેમની કરુણા સવારના પ્રકાશ જેવી હશે. ૭૯ એ અંધારામાં અને મૃત્યુની છાયામાં બેઠેલાને પ્રકાશ આપશે+ અને આપણાં પગલાં શાંતિના માર્ગમાં દોરશે.”
૮૦ તે છોકરો મોટો થયો અને સમજણો થયો. ઇઝરાયેલના લોકોને સંદેશો જણાવવાનો સમય ન આવ્યો ત્યાં સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો.