પહેલો રાજાઓ
૭ સુલેમાને પોતાનો રાજમહેલ બાંધ્યો. એનું બાંધકામ પૂરું થતાં ૧૩ વર્ષ લાગ્યાં.+
૨ તેણે ‘લબાનોન વન’+ નામની ઇમારત બાંધી. એની લંબાઈ ૧૦૦ હાથ,* પહોળાઈ ૫૦ હાથ અને ઊંચાઈ ૩૦ હાથ હતી. એ ઇમારત થાંભલાઓની ચાર હાર પર બંધાયેલી હતી. થાંભલાઓ અને એના ઉપરના મોભ દેવદારનાં લાકડાંના બનેલા હતા.+ ૩ ઇમારત પણ દેવદારનાં લાકડાંથી બાંધી હતી. થાંભલાઓ ઉપર મૂકેલા ભારોટિયા પર ઇમારત ઊભી કરવામાં આવી હતી. એક હારમાં ૧૫, એમ એની* કુલ સંખ્યા ૪૫ હતી. ૪ એ ઇમારતમાં ચોકઠાંવાળી બારીઓની ત્રણ હાર હતી, જે એકબીજાની ઉપર હતી. દરેક બારીની સામે બીજી બારી હતી. ૫ બધાં દરવાજા અને બારસાખનાં ચોકઠાં ચોરસ* હતાં. સામસામે આવેલી બારીઓને પણ એવાં જ ચોકઠાં હતાં, જે ત્રણ હારમાં હતી.
૬ તેણે થાંભલાવાળો ખંડ બનાવ્યો. એ ૫૦ હાથ લાંબો અને ૩૦ હાથ પહોળો હતો. એની આગળ થાંભલાઓ અને છતવાળી પરસાળ હતી.
૭ ન્યાય કરવા માટે તેણે ન્યાયખંડ+ બનાવ્યો. એ દરબારખંડ+ પણ કહેવાતો. તેઓએ એમાં ભોંયતળિયાથી લઈને છતના મોભ સુધી દેવદારનાં લાકડાં જડ્યાં.
૮ સુલેમાનનો મહેલ ન્યાયખંડની પાછળ બીજા આંગણામાં+ હતો. એની કારીગરી ન્યાયખંડ જેવી હતી. સુલેમાને પોતાની પત્ની, એટલે કે ઇજિપ્તના રાજાની દીકરી માટે પણ મહેલ બાંધ્યો.+ એની કારીગરી પણ ન્યાયખંડ જેવી હતી.
૯ આ બધી ઇમારતો અંદર અને બહાર કીમતી પથ્થરો+ વાપરીને બનાવી હતી. એ છેક પાયાથી લઈને છત સુધી, બહારની બાજુએ છેક મોટા આંગણા+ સુધી કીમતી પથ્થરોથી બનાવી હતી. એ પથ્થરો કરવતથી કાપેલા અને માપ પ્રમાણે ઘડેલા હતા. ૧૦ ઇમારતનો પાયો મોટા મોટા કીમતી પથ્થરોથી બાંધવામાં આવ્યો હતો. અમુક પથ્થરોનું માપ દસ હાથ, તો બીજા અમુકનું માપ આઠ હાથ હતું. ૧૧ એની ઉપર માપ પ્રમાણે ઘડેલા કીમતી પથ્થરો હતા અને એમાં દેવદારનાં લાકડાંનો પણ ઉપયોગ થયો હતો. ૧૨ યહોવાના મંદિરના મોટા આંગણા ફરતેની દીવાલમાં ઘડેલા પથ્થરોના એક પર એક એમ ત્રણ થર અને દેવદારના પાટિયાનો એક થર હતો. મંદિરના અંદરના આંગણા+ ફરતે અને મંદિરની પરસાળ+ ફરતે એવી જ દીવાલ હતી.
૧૩ રાજા સુલેમાને પોતાના માણસો મોકલીને હીરામને+ તૂરથી બોલાવ્યો. ૧૪ તે નફતાલી કુળની વિધવાનો દીકરો હતો. તેનો પિતા તૂરનો હતો અને તાંબાનો કારીગર+ હતો. હીરામમાં જોરદાર આવડત અને સમજણ+ હતી. તે તાંબાનાં* બધાં પ્રકારનાં કામોમાં અનુભવી હતો. તેણે રાજા સુલેમાન પાસે આવીને તેનું બધું કામ કરી આપ્યું.
૧૫ તેણે તાંબાના બે સ્તંભો+ બનાવ્યા. દરેકની ઊંચાઈ ૧૮ હાથ હતી અને દરેકનો ઘેરાવ ૧૨ હાથ હતો.*+ ૧૬ સ્તંભોની ટોચ પર મૂકવા તેણે તાંબાના બે કળશ* બનાવ્યા. બંને કળશની ઊંચાઈ પાંચ પાંચ હાથ હતી. ૧૭ દરેક સ્તંભની ટોચ પરના કળશને જાળી હતી.+ એ જાળી ગૂંથેલી સાંકળોથી બનેલી હતી. બંને કળશ પર સાત સાત જાળી હતી. ૧૮ સ્તંભની ટોચ પરના કળશને શણગારવા તેણે એક જાળી ફરતે દાડમોની બે હાર બનાવી. બંને કળશ માટે તેણે એવું જ કર્યું. ૧૯ પરસાળના સ્તંભોની ટોચ પરના કળશોનો આકાર ખીલેલા ફૂલ જેવો હતો, જેની ઊંચાઈ ચાર હાથ હતી. ૨૦ બંને સ્તંભો પરના કળશ જાળી સાથે જોડાયેલા ગોળાકાર ભાગની ઉપર હતા. દરેક કળશની ફરતે બે હારમાં ૨૦૦ દાડમો હતાં.+
૨૧ તેણે મંદિરની* પરસાળના સ્તંભો ઊભા કર્યા.+ તેણે જમણી* તરફનો સ્તંભ ઊભો કરીને એને યાખીન* નામ આપ્યું. તેણે ડાબી* તરફનો સ્તંભ ઊભો કરીને એને બોઆઝ* નામ આપ્યું.+ ૨૨ સ્તંભોની ઉપરના ભાગનો આકાર ખીલેલા ફૂલ જેવો હતો. આમ સ્તંભોનું કામ પૂરું થયું.
૨૩ પછી તેણે તાંબાનો હોજ* બનાવ્યો.+ એ ગોળાકાર હતો. એની ઊંચાઈ ૫ હાથ હતી. એના મુખનો વ્યાસ ૧૦ હાથ અને ઘેરાવ ૩૦ હાથ હતો.*+ ૨૪ એના મુખની ધાર નીચે, ગોળ ફરતે જંગલી તડબૂચ+ જેવી કોતરણી કરી હતી. હોજ ફરતે એક એક હાથના અંતરમાં દસ દસ તડબૂચ હતાં અને એની બે હાર હતી. બંને હાર હોજ સાથે જ ઢાળવામાં આવી હતી. ૨૫ એ હોજ તાંબાના ૧૨ આખલાઓ+ ઉપર હતો. એમાંના ૩ આખલાનાં મુખ ઉત્તર તરફ, ૩ પશ્ચિમ તરફ, ૩ દક્ષિણ તરફ અને ૩ પૂર્વ તરફ હતા. એ બધા આખલાઓનો પાછલો ભાગ અંદરની બાજુએ હતો. એ આખલાઓ ઉપર હોજ મૂકેલો હતો. ૨૬ હોજની જાડાઈ ચાર આંગળ* હતી. એના મુખની ધાર પ્યાલાની ધાર જેવી, એટલે કે ખીલેલા ફૂલ જેવી દેખાતી હતી. એમાં ૨,૦૦૦ બાથ માપ* પાણી ભરી શકાતું હતું.
૨૭ તેણે તાંબાની દસ લારીઓ*+ બનાવી. દરેક લારી ચાર હાથ લાંબી, ચાર હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હતી. ૨૮ લારીઓ આ રીતે બનાવી હતી: તેઓની ચારે બાજુએ પાટિયાં હતાં, જે ચોકઠાંમાં બેસાડેલાં હતાં. ૨૯ ચોકઠાં વચ્ચેનાં પાટિયાં પર સિંહ,+ આખલા અને કરૂબો+ કોતરેલા હતા. ચોકઠાં પર પણ એવું જ કરેલું હતું. સિંહ અને આખલાની સૌથી ઉપરની અને સૌથી નીચેની પટ્ટી પર તોરણો કોતરેલાં હતાં. ૩૦ દરેક લારીને તાંબાનાં ચાર પૈડાં અને તાંબાની ધરીઓ હતાં. એના ચારેય ખૂણે ચાર ટેકા હતા. કુંડની નીચે પણ ટેકા હતા, જેના પર તોરણો જેવી કોતરણી હતી. એ તોરણો ટેકા સાથે જ ઢાળવામાં આવ્યાં હતાં. ૩૧ કુંડનું મુખ લારીની ઉપર આવેલા ગોળાકાર ભાગમાં હતું, જેનું માપ તળિયાથી કાંઠલાની નીચેની ધાર સુધી એક હાથ હતું. કુંડના તળિયાથી લઈને કાંઠલાની ઉપરની ધાર સુધીનું માપ દોઢ હાથ હતું. એના કાંઠલા પર કોતરણી કરેલી હતી. કાંઠલા પરની તકતીઓ ગોળ નહિ, પણ ચોરસ હતી. ૩૨ લારીનાં ચાર પૈડાં પાટિયાંની નીચેથી શરૂ થતાં હતાં. પૈડાંના ટેકા લારી સાથે જોડેલા હતા. દરેક પૈડાની ઊંચાઈ દોઢ હાથ હતી. ૩૩ એ પૈડાં રથનાં પૈડાં જેવાં હતાં. એનાં ટેકા, ચાક,* આરા અને મધ્ય ભાગ ગાળેલી ધાતુનાં હતાં. ૩૪ દરેક લારીને ચાર ખૂણે ચાર ટેકા હતા. એ ટેકા લારી સાથે જ ઢાળવામાં આવ્યા હતા.* ૩૫ લારીની ટોચે અડધો હાથ ઊંચો કાંઠલો હતો. કાંઠલાની પટ્ટીઓ અને તકતીઓ લારી સાથે જ ઢાળેલી હતી.* ૩૬ તેણે એ પટ્ટીઓ અને તકતીઓ પર જગ્યા પ્રમાણે કરૂબો, સિંહો અને ખજૂરીઓ કોતર્યાં અને ચારે બાજુ તોરણો પણ કોતર્યાં હતાં.+ ૩૭ આમ તેણે દસ લારી બનાવી.+ એ બધી એકસરખી હતી. એ એકમાપ અને એક આકારમાં ઢાળવામાં આવી હતી.+
૩૮ તેણે તાંબાના દસ કુંડ બનાવ્યા,+ દરેકમાં ૪૦ બાથ માપ પાણી ભરી શકાતું હતું. દરેક કુંડનું માપ ચાર હાથ હતું.* દસેદસ લારી માટે એક એક કુંડ હતો. ૩૯ તેણે પાંચ લારી મંદિરની જમણી તરફ અને બીજી પાંચ લારી મંદિરની ડાબી તરફ મૂકી. તેણે હોજને મંદિરની જમણી તરફ, દક્ષિણ-પૂર્વ દિશામાં મૂક્યો.+
૪૦ હીરામે+ કુંડ, પાવડા+ અને વાટકા+ પણ બનાવ્યા.
સુલેમાન રાજાએ યહોવાના મંદિરનું જે કામ હીરામને સોંપેલું હતું, એ તેણે પૂરું કર્યું:+ ૪૧ બે સ્તંભો+ અને એ સ્તંભોની ટોચ પર વાટકા આકારના કળશો; સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા બે જાળી;+ ૪૨ બે જાળી માટે ૪૦૦ દાડમો,+ એટલે કે બે સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા મૂકેલી દરેક જાળી માટે દાડમોની બે બે હાર; ૪૩ દસ લારીઓ+ અને એના પરના દસ કુંડ;+ ૪૪ હોજ+ અને એની નીચેના ૧૨ આખલા; ૪૫ ડોલ, પાવડા, વાટકા અને બધાં વાસણો. રાજા સુલેમાનના કહેવા પ્રમાણે યહોવાના મંદિર માટે હીરામે એ બધું ચળકતા તાંબાથી બનાવ્યું હતું. ૪૬ રાજાએ એ બધું સુક્કોથ અને સારથાન વચ્ચે આવેલા યર્દનના વિસ્તારમાં, ચીકણી માટીના બીબામાં ઢાળીને બનાવ્યું હતું.
૪૭ સુલેમાને એ બધાં વાસણોનું વજન કર્યું નહિ, કેમ કે એ મોટી સંખ્યામાં બનાવ્યાં હતાં. એમાં એટલું બધું તાંબું વપરાયું હતું કે એના વજનનો કોઈ હિસાબ ન હતો.+ ૪૮ સુલેમાને યહોવાના મંદિર માટે આ બધાં વાસણો બનાવ્યાં: સોનાની વેદી;+ અર્પણની રોટલી* મૂકવા સોનાની મેજ;+ ૪૯ પરમ પવિત્ર સ્થાન આગળ જમણી તરફ પાંચ અને ડાબી તરફ પાંચ ચોખ્ખા સોનાની દીવીઓ;+ સોનાની પાંખડીઓ,+ સોનાના દીવા અને ચીપિયા;*+ ૫૦ ચોખ્ખા સોનાનાં કુંડો, કાતરો,*+ વાટકા, પ્યાલા+ અને અગ્નિપાત્રો;*+ અંદરના ઓરડાના,+ એટલે કે પરમ પવિત્ર સ્થાનના દરવાજા માટે અને મંદિરના દરવાજા માટે+ સોનાની કૂંભીઓ.
૫૧ યહોવાના મંદિર માટે રાજા સુલેમાને જે કામ કરવાનું હતું, એ બધું જ તેણે પૂરું કર્યું. તેના પિતા દાઉદે પવિત્ર કરેલી+ વસ્તુઓ પણ તે મંદિરમાં લાવ્યો. તેણે ચાંદી, સોનું અને ચીજવસ્તુઓ યહોવાના મંદિરના ભંડારોમાં મૂક્યાં.+