પ્રેરિતોનાં કાર્યો
૯ પણ શાઊલ હજુ પ્રભુના શિષ્યો માટે ખતરારૂપ હતો અને તેઓને મારી નાખવાનું ઝનૂન તેના પર સવાર હતું. તે પ્રમુખ યાજક પાસે ગયો. ૨ અને તેની પાસેથી દમસ્કનાં સભાસ્થાનોમાં બતાવવા પત્રો માંગ્યા, જેથી તે પ્રભુના માર્ગે ચાલનાર જે કોઈ મળે તેને બાંધીને યરૂશાલેમ લઈ આવે, પછી ભલે એ પુરુષ હોય કે સ્ત્રી.
૩ હવે, તે મુસાફરી કરીને દમસ્ક પાસે પહોંચ્યો એવામાં અચાનક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝળહળી ઊઠ્યો. ૪ તે જમીન પર પડ્યો અને તેને એક અવાજ સંભળાયો: “શાઊલ, શાઊલ, તું શા માટે મારા પર જુલમ કરે છે?” ૫ શાઊલે પૂછ્યું: “પ્રભુ, તમે કોણ છો?” તેમણે કહ્યું: “હું ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે. ૬ પણ ઊભો થઈને શહેરમાં જા અને તારે શું કરવું, એ વિશે તને જણાવવામાં આવશે.” ૭ તેની સાથે જે માણસો મુસાફરી કરતા હતા, તેઓ એટલા દંગ રહી ગયા કે કંઈ બોલી શક્યા નહિ. તેઓને અવાજ તો સંભળાતો હતો, પણ કોઈ દેખાતું ન હતું. ૮ પછી, શાઊલ જમીન પરથી ઊઠ્યો. ખરું કે તેની આંખો ખુલ્લી હતી, પણ તેને કંઈ દેખાતું ન હતું. એટલે, તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્ક લઈ આવ્યા. ૯ ત્રણ દિવસ સુધી તેને કંઈ દેખાયું નહિ અને તેણે કંઈ ખાધું-પીધું નહિ.
૧૦ દમસ્કમાં અનાન્યા નામનો શિષ્ય હતો અને પ્રભુએ તેને દર્શનમાં કહ્યું: “અનાન્યા!” તેણે કહ્યું: “પ્રભુ, હું આ રહ્યો.” ૧૧ પ્રભુએ તેને કહ્યું: “ઊઠ અને સીધી નામે ઓળખાતી શેરીમાં જા. ત્યાં યહુદાના ઘરમાં તાર્સસના શાઊલ નામના માણસને મળજે. કેમ કે જો! તે પ્રાર્થના કરી રહ્યો છે. ૧૨ અને તેણે દર્શનમાં જોયું છે કે તે પાછો દેખતો થાય માટે, અનાન્યા નામનો માણસ આવીને તેના પર હાથ મૂકે છે.” ૧૩ પણ, અનાન્યાએ જવાબ આપ્યો: “પ્રભુ, આ માણસે યરૂશાલેમમાં તમારા પવિત્ર લોકોને કેટલા હેરાન કર્યા છે, એ વિશે મેં ઘણા પાસેથી સાંભળ્યું છે. ૧૪ અને જેઓ તમારા નામે પોકારે છે, તેઓ બધાને પકડવા* તે મુખ્ય યાજકો પાસેથી અધિકાર લઈને અહીં આવ્યો છે.” ૧૫ પણ, પ્રભુએ તેને કહ્યું: “તું ત્યાં જા, કેમ કે આ માણસ મારું પસંદ કરેલું પાત્ર છે. તે બીજી પ્રજાઓ, રાજાઓ તથા ઇઝરાયેલના દીકરાઓ આગળ મારું નામ પ્રગટ કરશે. ૧૬ કેમ કે હું તેને સાફ બતાવીશ કે મારા નામને લીધે તેણે કેટલું બધું સહેવું પડશે.”
૧૭ તેથી, અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશ્યો, તેણે શાઊલ પર પોતાના હાથ મૂકીને કહ્યું: “મારા ભાઈ શાઊલ, તું રસ્તે આવતો હતો ત્યારે પ્રભુ ઈસુએ તને દર્શન આપ્યું હતું. તેમણે જ મને મોકલ્યો છે, જેથી તું ફરી દેખતો થાય અને પવિત્ર શક્તિથી ભરપૂર થાય.” ૧૮ તરત જ, તેની આંખો પરથી છાલાં જેવું કંઈક ખરી પડ્યું અને તે ફરીથી જોવા લાગ્યો. પછી, તે ઊઠ્યો અને બાપ્તિસ્મા પામ્યો. ૧૯ અને તેણે થોડું ખાધું, એટલે તેનામાં તાકાત આવી.
થોડા દિવસ શાઊલ દમસ્કમાં શિષ્યો સાથે રહ્યો ૨૦ અને તરત તે સભાસ્થાનોમાં પ્રચાર કરવા લાગ્યો કે ઈસુ એ ઈશ્વરના દીકરા છે. ૨૧ પરંતુ, જેઓએ તેને બોલતા સાંભળ્યો, તેઓ બધા દંગ રહી ગયા અને કહેવા લાગ્યા: “શું આ એ માણસ નથી, જે યરૂશાલેમમાં આ નામ લેનારાઓ પર ભારે ત્રાસ ગુજારતો હતો? શું તે તેઓને પકડીને મુખ્ય યાજકો પાસે લઈ જવાના* ઇરાદાથી અહીં આવ્યો ન હતો?” ૨૨ પણ, શાઊલ પ્રચારમાં ઘણો ઉત્સાહી બનતો ગયો અને ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવી સાબિતીઓ આપીને દમસ્કમાં રહેતા યહુદીઓને નવાઈ પમાડતો ગયો.
૨૩ ઘણા દિવસો પસાર થઈ ગયા પછી, યહુદીઓએ ભેગા મળીને તેને મારી નાખવાનું કાવતરું રચ્યું. ૨૪ જોકે, શાઊલને તેઓના કાવતરાની ખબર પડી ગઈ. તેઓ તેને મારી નાખવા શહેરના દરવાજાઓ પર રાત-દિવસ નજર રાખતા હતા. ૨૫ તેથી, શાઊલના શિષ્યો તેને લઈ ગયા અને રાત્રે શહેરની દીવાલની બારીમાંથી મોટા ટોપલામાં તેને નીચે ઉતાર્યો.
૨૬ યરૂશાલેમ પહોંચીને શાઊલે શિષ્યો સાથે જોડાવાનો પ્રયત્ન કર્યો; પણ, તેઓ બધા તેનાથી ડરતા હતા, કેમ કે તેઓને વિશ્વાસ બેસતો ન હતો કે તે ઈસુનો શિષ્ય બન્યો છે. ૨૭ તેથી, બાર્નાબાસ તેની મદદે આવ્યો અને તેને પ્રેરિતો પાસે લઈ ગયો. બાર્નાબાસે તેઓને વિગતવાર જણાવ્યું કે કઈ રીતે રસ્તામાં શાઊલને પ્રભુ દેખાયા અને કઈ રીતે તેમણે તેની સાથે વાત કરી અને કઈ રીતે દમસ્કમાં તેણે હિંમતથી ઈસુના નામમાં સંદેશો જણાવ્યો. ૨૮ ત્યાર પછી, શાઊલ તેઓ સાથે રહ્યો. તે યરૂશાલેમમાં છૂટથી ફરતો* અને પ્રભુના નામમાં હિંમતથી સંદેશો જણાવતો. ૨૯ તે ગ્રીક બોલતા યહુદીઓ સાથે વાતચીત કરતો અને દલીલ કરતો હતો. પણ, તેઓ તેને મારી નાખવાના પ્રયત્નો કરતા હતા. ૩૦ આ વિશે ભાઈઓને ખબર પડી ત્યારે, તેઓ તેને કાઈસારીઆ લઈ ગયા અને ત્યાંથી તેને તાર્સસ મોકલી દીધો.
૩૧ એ પછી, આખા યહુદિયા, ગાલીલ અને સમરૂનના મંડળ માટે શાંતિનો સમયગાળો શરૂ થયો અને મંડળ દૃઢ થતું ગયું; જેમ જેમ મંડળ યહોવાના* ભયમાં અને પવિત્ર શક્તિથી મળતા ઉત્તેજન પ્રમાણે ચાલતું ગયું, તેમ તેમ એમાં વધારો થતો ગયો.
૩૨ હવે, પીતર આખા પ્રદેશમાં મુસાફરી કરતો હતો અને તે લોદમાં રહેતા પવિત્ર જનો પાસે પણ આવ્યો. ૩૩ ત્યાં તેણે એનિયાસ નામના એક માણસને જોયો. તેને લકવો થયો હોવાથી આઠ વર્ષથી પથારીવશ હતો. ૩૪ પીતરે તેને કહ્યું: “એનિયાસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊભો થા અને તારી પથારી સરખી કર.” અને તે તરત ઊભો થયો. ૩૫ લોદમાં અને શારોનના મેદાન પ્રદેશમાં રહેતા બધાએ તેને જોયો ત્યારે, તેઓ પ્રભુ તરફ ફર્યા.
૩૬ હવે, યાફામાં એક શિષ્યા હતી. તેનું નામ ટબીથા, એટલે કે “દોરકસ”* હતું. તે સારાં કામ કરવામાં અને દાન આપવામાં ઘણી ઉદાર હતી. ૩૭ પણ, એ દિવસોમાં તે બીમાર પડી અને મરણ પામી. પછી, તેઓએ તેને નવડાવી અને ઉપરના ઓરડામાં રાખી. ૩૮ યાફાની નજીક લોદ હોવાથી, જ્યારે શિષ્યોએ સાંભળ્યું કે પીતર એ શહેરમાં છે, ત્યારે તેઓએ તેની પાસે બે માણસો મોકલીને અરજ કરી: “મોડું કર્યા વગર અમારી પાસે આવ.” ૩૯ પછી, પીતર ઊઠીને તેઓની સાથે ગયો. તે આવી પહોંચ્યો ત્યારે, તેઓ તેને ઉપરના ઓરડામાં લઈ ગયા; બધી વિધવાઓ રડતી રડતી તેની પાસે આવી અને દોરકસે બનાવેલાં કપડાં તથા ઝભ્ભા બતાવવા લાગી. ૪૦ પછી, પીતરે બધાને બહાર મોકલી દીધા અને ઘૂંટણે પડીને પ્રાર્થના કરી. ત્યાર બાદ, શબ તરફ ફરીને તેણે કહ્યું: “ટબીથા, ઊભી થા!” તેણે આંખો ખોલી અને પીતરને જોઈને તે બેઠી થઈ ગઈ. ૪૧ પીતરે તેનો હાથ પકડીને તેને ઊભી કરી. તેણે પવિત્ર લોકો તથા વિધવાઓને બોલાવીને દેખાડ્યું કે ટબીથા જીવે છે. ૪૨ આખા યાફામાં એ વાતની જાણ થઈ અને ઘણા લોકોએ પ્રભુમાં શ્રદ્ધા મૂકી. ૪૩ ઘણા દિવસો સુધી પીતર યાફામાં સિમોનના ઘરે રહ્યો, જે ચામડાનું કામ કરનાર* હતો.