૨ મારા દીકરા, જો તું મારી વાતો માને
અને મારી આજ્ઞાઓને ખજાનાની જેમ સંઘરી રાખે;+
૨ જો તું બુદ્ધિ તરફ તારો કાન ધરે+
અને ખરું-ખોટું પારખવામાં તારું દિલ લગાવે;+
૩ જો તું સમજણ મેળવવા પોકાર કરે+
અને પારખશક્તિ મેળવવા બૂમ પાડે;+
૪ જો તું ચાંદીની જેમ એ બધું શોધતો રહે+
અને દાટેલા ખજાનાની જેમ એની ખોજ કરતો રહે,+
૫ તો યહોવાનો ડર તને સમજાશે+
અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.+
૬ કેમ કે યહોવા બુદ્ધિ આપે છે,+
તેમના મોંમાંથી જ્ઞાન અને સમજણની વાતો નીકળે છે.
૭ તે નેક માણસ માટે બુદ્ધિનો ખજાનો રાખી મૂકે છે,
પ્રમાણિક રીતે ચાલતા લોકો માટે તે ઢાલ છે.+
૮ તે સારા લોકોના રસ્તા પર નજર રાખે છે,
તે વફાદાર ભક્તોના માર્ગનું રક્ષણ કરે છે.+
૯ તને એ પણ સમજાશે કે ખરાં ધોરણો, ન્યાય અને સચ્ચાઈ કોને કહેવાય,
તને ખ્યાલ આવશે કે સાચો માર્ગ કોને કહેવાય.+
૧૦ જ્યારે બુદ્ધિ તારા દિલમાં ઊતરશે+
અને જ્ઞાન તારા જીવને વહાલું લાગશે,+
૧૧ ત્યારે સમજશક્તિ તારી ચોકી કરશે+
અને પારખશક્તિ તારું રક્ષણ કરશે.
૧૨ તેઓ તને ખોટા માર્ગથી બચાવશે,
એવા માણસોથી બચાવશે, જેઓ ખરાબ વાતો કરે છે;+
૧૩ જેઓ અંધકારના રસ્તે ચાલવા
સત્યનો માર્ગ છોડી દે છે;+
૧૪ જેઓ ખોટાં કામોથી ખુશ થાય છે
અને દુષ્ટતા તેમજ છળ-કપટથી હરખાય છે;
૧૫ જેઓ આડા રસ્તે ચાલે છે
અને જેઓનો જીવનમાર્ગ કપટથી ભરેલો છે.
૧૬ બુદ્ધિ તને પાપી સ્ત્રીથી બચાવશે,
એ તને વ્યભિચારી સ્ત્રીની મીઠી મીઠી વાતોથી બચાવશે.+
૧૭ તે સ્ત્રીએ યુવાનીના વહાલા સાથીને છોડી દીધો છે+
અને તે પોતાના ઈશ્વરનો કરાર ભૂલી ગઈ છે.
૧૮ એવી સ્ત્રીના ઘરે જવું તો મોતના મોંમાં જવા બરાબર છે,
તેના ઘરનો રસ્તો કબરમાં લઈ જાય છે.+
૧૯ તેની પાસે જતો માણસ ક્યારેય પાછો આવશે નહિ,
તેને જીવનનો માર્ગ ફરી મળશે નહિ.+
૨૦ એટલે સારા લોકોના માર્ગે ચાલ
અને નેક લોકોનો રસ્તો પકડી રાખ.+
૨૧ કેમ કે સાચા માર્ગે ચાલનાર લોકો પૃથ્વી પર રહેશે
અને પ્રમાણિક લોકો એમાં કાયમ માટે જીવશે.+
૨૨ પણ દુષ્ટોનો પૃથ્વી પરથી નાશ કરવામાં આવશે+
અને કપટીઓને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે.+