યાકૂબનો પત્ર
૨ મારા ભાઈઓ, શું એ ખરું નથી કે તમે આપણા મહિમાવાન માલિક ઈસુ ખ્રિસ્ત* પર શ્રદ્ધા રાખો છો અને પક્ષપાત પણ કરો છો?+ ૨ ધારો કે બે માણસ તમારી સભામાં આવે છે. એક માણસે ભપકાદાર કપડાં અને આંગળીઓ પર સોનાની વીંટીઓ પહેરી છે. બીજો માણસ ગરીબ છે અને તેણે ગંદાં કપડાં પહેર્યાં છે. ૩ શું તમે ભપકાદાર કપડાં પહેરેલા માણસને વધારે માન આપીને એમ કહો છો કે, “તમે અહીં સારી જગ્યાએ બેસો”? અને શું પેલા ગરીબને એમ કહો છો કે, “તું ઊભો રહે,” અથવા “અહીં મારા પગ* પાસે જમીન પર બેસ”?+ ૪ જો એમ હોય, તો શું તમારામાં ઊંચ-નીચનો ભેદભાવ નથી?+ શું તમે દુષ્ટ રીતે ન્યાય કરનારા બનતા નથી?+
૫ મારા વહાલા ભાઈઓ, સાંભળો. જેઓ દુનિયાની નજરે ગરીબ છે, તેઓને શું શ્રદ્ધામાં ધનવાન થવા ઈશ્વરે પસંદ કર્યા નથી?+ શું તેઓને રાજ્યનો વારસો મેળવવા પસંદ કર્યા નથી? એ વચન ઈશ્વરે તેમના પર પ્રેમ રાખનારાને આપ્યું છે.+ ૬ પણ તમે ગરીબોનું અપમાન કર્યું છે. શું આ ધનવાનો જ તમારા પર જુલમ કરતા નથી?+ શું તેઓ તમને અદાલતમાં ઘસડી જતા નથી? ૭ શું તેઓ તમને અપાયેલા ઉત્તમ નામની નિંદા કરતા નથી? ૮ શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખો.”+ જો તમે આ રાજવી* નિયમ પાળતા હો, તો ઘણું સારું કરો છો. ૯ પણ જો તમે ભેદભાવ કરતા હો,+ તો તમે પાપ કરો છો અને નિયમ તોડનાર તરીકે દોષિત ઠરો છો.+
૧૦ કેમ કે જો કોઈ માણસ આખું નિયમશાસ્ત્ર* પાળે, પણ એક નિયમ તોડે તો તે બધા નિયમો તોડવાનો અપરાધી ઠરે છે.+ ૧૧ જે ઈશ્વરે કહ્યું છે, “તમે વ્યભિચાર ન કરો,”+ તેમણે એમ પણ કહ્યું છે, “તમે ખૂન ન કરો.”+ હવે જો તમે વ્યભિચાર નથી કરતા પણ ખૂન કરો છો, તો તમે નિયમ તોડવાનો અપરાધ કરો છો. ૧૨ તમારાં વાણી-વર્તન એ લોકો જેવા રાખો, જેઓનો ન્યાય આઝાદ લોકો માટેના નિયમથી* થવાનો છે.+ ૧૩ કેમ કે જે દયા બતાવતો નથી, તેનો ન્યાય પણ દયા વગર કરવામાં આવશે.+ ન્યાય પર દયાનો વિજય થાય છે.
૧૪ મારા ભાઈઓ, જો કોઈ કહે કે તેને શ્રદ્ધા છે, પણ એ પ્રમાણે કામ કરતો ન હોય, તો એનો શો ફાયદો?+ એવી શ્રદ્ધા તેને બચાવી નહિ શકે, ખરું ને?+ ૧૫ જો કોઈ ભાઈ કે બહેન પાસે પૂરતાં કપડાં ન હોય* અને દિવસ માટે પૂરતું ખાવાનું ન હોય, ૧૬ તોપણ તમારામાંથી કોઈક તેને કહે કે, “જા, ચિંતા ન કર, સારાં કપડાં પહેર અને પેટ ભરીને ખા,” પણ તેની જીવન જરૂરિયાત પૂરી ન પાડે તો એનો શો ફાયદો?+ ૧૭ એ જ રીતે, ફક્ત શ્રદ્ધા હોવી પૂરતું નથી, કેમ કે કામો વગર શ્રદ્ધા મરેલી છે.+
૧૮ કદાચ કોઈ કહે, “તારી પાસે શ્રદ્ધા છે અને મારી પાસે કામો છે. જો તું સારાં કામો કરતો ન હોય, તો મને તારી શ્રદ્ધા કઈ રીતે બતાવી શકે? હું તને મારી શ્રદ્ધા મારાં સારાં કામોથી બતાવીશ.” ૧૯ તું માને છે ને કે એક જ ઈશ્વર છે? તો તું સારું કરે છે. દુષ્ટ દૂતો* પણ એવું માને છે અને ડરથી કાંપે છે.+ ૨૦ ઓ મૂર્ખ માણસ! શું તને એ વાતની સાબિતી જોઈએ છે કે કામો વગર શ્રદ્ધા નકામી છે? ૨૧ શું ઇબ્રાહિમને તેમનાં કામોને લીધે જ નેક* ગણવામાં આવ્યા ન હતા? હા, તેમણે પોતાના દીકરા ઇસહાકને બલિદાન ચઢાવવા વેદી* પર મૂક્યા+ એ પછી તેમને નેક ગણવામાં આવ્યા હતા. ૨૨ તું જુએ છે કે તેમની શ્રદ્ધાની સાથે સાથે તેમનાં કામો પણ હતાં. તેમનાં કામોથી સાબિત થયું કે તેમને ખરેખર શ્રદ્ધા હતી.*+ ૨૩ તેમ જ, આ શાસ્ત્રવચન પૂરું થયું: “ઇબ્રાહિમે યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક ગણાયો”+ અને યહોવાએ* તેમને પોતાના મિત્ર કહ્યા.+
૨૪ હવે તમે જાણો છો કે માણસ ફક્ત શ્રદ્ધાથી નહિ, પણ કામોથી નેક* ગણાય છે. ૨૫ એ જ રીતે, રાહાબ વેશ્યાએ જાસૂસોની* પરોણાગત કરી અને તેઓને બીજે રસ્તે મોકલી દીધા ત્યારે, શું તેને પણ તેનાં કામોને લીધે નેક ગણવામાં આવી ન હતી?+ ૨૬ સાચે જ, જેમ શ્વાસ* વગર શરીર મરેલું છે,+ તેમ કામો વગર શ્રદ્ધા મરેલી છે.+