માર્ક
૪ ઈસુ ફરીથી સરોવર પાસે શીખવવા લાગ્યા. તેમની પાસે મોટું ટોળું ભેગું થઈ ગયું. એટલે તે એક હોડીમાં બેસીને કિનારાથી દૂર ગયા અને ટોળાને શીખવવા લાગ્યા. આખું ટોળું સરોવરને કિનારે હતું.+ ૨ તે તેઓને ઉદાહરણોથી ઘણી વાતો શીખવવા લાગ્યા.+ તેઓને શીખવતી વખતે તેમણે કહ્યું:+ ૩ “સાંભળો! એક વાવનાર બી વાવવા માટે ગયો.+ ૪ તે વાવતો હતો ત્યારે, કેટલાંક બી રસ્તાને કિનારે પડ્યાં અને પક્ષીઓ આવીને એને ખાઈ ગયાં. ૫ અમુક બી ખડકાળ જમીન પર પડ્યાં, જ્યાં બહુ માટી ન હતી. માટી ઊંડી ન હોવાથી એ બી તરત જ ઊગી નીકળ્યાં.+ ૬ પણ સૂર્યના તાપથી કુમળા છોડ કરમાઈ ગયા અને એના મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયા. ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને કાંટાળી ઝાડીએ વધીને એને દાબી દીધાં. એણે કોઈ ફળ આપ્યું નહિ.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં. એ ઊગ્યાં અને વધીને ફળ આપવાં લાગ્યાં. કોઈએ ૩૦ ગણાં, કોઈએ ૬૦ ગણાં, તો કોઈએ ૧૦૦ ગણાં ફળ આપ્યાં.”+ ૯ પછી તેમણે કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+
૧૦ ઈસુ એકલા હતા ત્યારે બાર પ્રેરિતો અને બીજા શિષ્યો તેમને ઉદાહરણો વિશે સવાલ પૂછવા લાગ્યા.+ ૧૧ તેમણે તેઓને કહ્યું: “ઈશ્વરના રાજ્યનું પવિત્ર રહસ્ય+ તમને જણાવવામાં આવ્યું છે, પણ બીજાઓ માટે આ બધી વાતો ઉદાહરણોમાં છે.+ ૧૨ એ માટે કે તેઓ જુએ પણ તેઓને કંઈ સૂઝે નહિ, તેઓ સાંભળે પણ તેઓ સમજે નહિ. તેઓ કદી પાછા ફરે નહિ અને માફી મેળવે નહિ.”+ ૧૩ તેમણે તેઓને કહ્યું: “તમે આ ઉદાહરણ સમજતા નથી, તો પછી બીજાં બધાં ઉદાહરણો કઈ રીતે સમજશો?
૧૪ “વાવનાર ઈશ્વરનો સંદેશો વાવે છે.+ ૧૫ રસ્તાને કિનારે પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને તરત જ શેતાન આવીને+ તેઓનાં હૃદયમાં વાવેલો સંદેશો લઈ જાય છે.+ ૧૬ એ જ રીતે, ખડકાળ જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને તરત જ એને આનંદથી સ્વીકારે છે.+ ૧૭ પણ તેઓનાં મૂળ ઊંડાં હોતાં નથી, એટલે થોડો જ સમય ટકે છે. પછી ઈશ્વરના સંદેશાને લીધે મુસીબતો કે સતાવણી આવે ત્યારે, તેઓ તરત ઠોકર ખાય છે. ૧૮ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે,+ ૧૯ પણ દુનિયાની ચિંતા,+ ધનદોલતની માયા+ અને બીજી બધી વસ્તુઓની લાલસા+ તેઓનાં હૃદયમાં જઈને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી. ૨૦ પણ સારી જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને ખુશીથી સ્વીકારે છે. તેઓ ૩૦ ગણાં, ૬૦ ગણાં તથા ૧૦૦ ગણાં ફળ આપે છે.”+
૨૧ તેમણે આમ પણ કહ્યું: “શું દીવો ટોપલા નીચે કે ખાટલા નીચે મૂકવામાં આવે છે? શું એ ઊંચે દીવી પર મૂકવા માટે લાવવામાં આવતો નથી?+ ૨૨ એવું કંઈ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી જે ઉઘાડું પાડવામાં નહિ આવે.+ ૨૩ હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+
૨૪ પછી ઈસુએ કહ્યું: “તમે જે સાંભળો છો એના પર ધ્યાન આપો.+ જે માપથી તમે માપી આપો છો, એ માપથી તમને માપી આપવામાં આવશે. હા, તમને વધારે ઉમેરી આપવામાં આવશે. ૨૫ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે.+ જેની પાસે નથી તેની પાસે જે છે એ પણ લઈ લેવામાં આવશે.”+
૨૬ પછી તેમણે કહ્યું: “ઈશ્વરનું રાજ્ય કોઈ માણસ જમીનમાં બી વાવે એવું છે. ૨૭ તે રાતે ઊંઘી જાય છે અને સવારે ઊઠે છે. બીને ફણગો ફૂટે છે અને વધે છે. પણ એ કઈ રીતે થાય છે એ તે જાણતો નથી. ૨૮ જમીન ધીમે ધીમે ફળ આપે છે. પહેલા છોડની દાંડી ફૂટે, પછી કણસલું નીકળે અને આખરે કણસલું દાણાથી ભરાઈ જાય છે. ૨૯ પણ જેવો પાક તૈયાર થાય કે તરત એ માણસ દાતરડું ફેરવે છે, કેમ કે કાપણીનો સમય આવી ગયો છે.”
૩૦ પછી તેમણે કહ્યું: “આપણે ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવી શકીએ અથવા કયા ઉદાહરણથી સમજાવી શકીએ? ૩૧ એ રાઈના બી જેવું છે. એને જમીનમાં રોપવામાં આવે છે ત્યારે, પૃથ્વી પરનાં સર્વ બી કરતાં નાનું હોય છે.+ ૩૨ પણ રોપાયા પછી એ ઊગીને બીજા બધા છોડ કરતાં મોટું થાય છે. એના પર મોટી મોટી ડાળીઓ આવે છે અને એની છાયામાં આકાશનાં પક્ષીઓ રહે છે.”
૩૩ ઈસુએ આવાં અનેક ઉદાહરણોથી+ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવ્યો. તેઓ સમજી શકે એટલું તેમણે તેઓને શીખવ્યું. ૩૪ ઉદાહરણ વગર તે તેઓની સાથે કદીયે વાત કરતા નહિ. પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં બધું સમજાવતા.+
૩૫ એ દિવસે સાંજ ઢળી ત્યારે તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો આપણે સામે પાર જઈએ.”+ ૩૬ તેઓએ ટોળાને વિદાય કર્યા અને ઈસુને હોડીમાં લઈને ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી.+ ૩૭ હવે પવનનું ભારે તોફાન શરૂ થયું. મોજાં હોડીને અથડાવાં લાગ્યાં અને હોડી પાણીથી ભરાવા લાગી.+ ૩૮ પણ ઈસુ હોડીના પાછળના ભાગમાં ઓશિકા પર માથું મૂકીને ઊંઘતા હતા. તેઓ તેમને જગાડીને કહેવા લાગ્યા: “ગુરુજી, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ ને તમને કંઈ પડી નથી?” ૩૯ એટલે તેમણે ઊભા થઈને પવનને ધમકાવ્યો અને સરોવરને કહ્યું: “ચૂપ! શાંત થઈ જા!”+ એટલે પવન બંધ થઈ ગયો અને એકદમ શાંતિ છવાઈ ગઈ. ૪૦ પછી તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? શું તમારામાં હજી પણ શ્રદ્ધા નથી?” ૪૧ પણ તેઓ ખૂબ ડરી ગયા હતા અને એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે!”+