માથ્થી
૨૮ સાબ્બાથ પછી અઠવાડિયાના પહેલા દિવસે* સવાર થતાં જ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ કબર જોવા આવી.+
૨ જુઓ! મોટો ધરતીકંપ થયો હતો, કેમ કે યહોવાનો* દૂત સ્વર્ગમાંથી નીચે ઊતર્યો હતો. તેણે કબરનો પથ્થર ગબડાવી દીધો હતો અને એના પર બેઠો હતો.+ ૩ તેનો દેખાવ વીજળી જેવો હતો. તેનાં કપડાં બરફ જેવા સફેદ હતાં.+ ૪ તેને જોઈને ચોકીદારો ડરી ગયા. તેઓ ધ્રૂજી ઊઠ્યા અને મરેલા જેવા થઈ ગયા.
૫ પણ એ દૂતે સ્ત્રીઓને કહ્યું: “ગભરાશો નહિ! હું જાણું છું કે તમે ઈસુને શોધો છો, જેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા.+ ૬ તે અહીં નથી. તેમણે કહ્યું હતું એમ, તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ આવો, તેમનું શબ જ્યાં હતું એ જગ્યા જુઓ. ૭ જલદી જાઓ અને તેમના શિષ્યોને કહો: ‘તેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે. જુઓ, તે તમારી આગળ ગાલીલ જાય છે.+ તમે તેમને ત્યાં જોશો.’ હું તમને એ જ કહેવા આવ્યો છું.”+
૮ તેઓ કબર છોડીને ઝડપથી નીકળી અને તેમના શિષ્યોને ખબર આપવા દોડી ગઈ. તેઓ ગભરાયેલી હતી, પણ તેઓની ખુશી સમાતી ન હતી.+ ૯ અચાનક ઈસુ તેઓને રસ્તામાં મળ્યા. તેમણે કહ્યું: “સલામ!” તેઓએ તેમના પગ પકડી લીધા અને તેમને પ્રણામ કર્યા. ૧૦ ઈસુએ કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો કે તેઓ ગાલીલ જાય. ત્યાં તેઓ મને જોશે.”
૧૧ તેઓ જતી હતી ત્યારે અમુક ચોકીદારો શહેરમાં ગયા.+ જે કંઈ બન્યું હતું એ બધું ચોકીદારોએ મુખ્ય યાજકોને જણાવ્યું. ૧૨ મુખ્ય યાજકોએ વડીલો સાથે ચર્ચા કરી. તેઓએ સૈનિકોને ચાંદીના ઘણા સિક્કા આપ્યા ૧૩ અને કહ્યું: “તમે કહેજો કે ‘રાતે અમે ઊંઘતા હતા ત્યારે તેના શિષ્યો આવ્યા અને તેનું શબ ચોરી ગયા.’+ ૧૪ જો આ વાત રાજ્યપાલને કાને પડશે, તો અમે તેમને સમજાવી દઈશું.* તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી.” ૧૫ સૈનિકોએ ચાંદીના સિક્કા લીધા અને જેમ તેઓને કહેવામાં આવ્યું હતું એમ કર્યું. આ વાત આજ સુધી યહૂદીઓમાં ચારે બાજુ ફેલાયેલી છે.
૧૬ ઈસુએ જણાવ્યું હતું+ તેમ, ૧૧ શિષ્યો તેમને મળવા ગાલીલમાં પહાડ પર ગયા.+ ૧૭ જ્યારે શિષ્યોએ તેમને જોયા ત્યારે ઘૂંટણિયે પડ્યા, પણ અમુકે શંકા કરી. ૧૮ ઈસુએ તેઓની પાસે આવીને કહ્યું: “સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.+ ૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ ૨૦ મેં તમને જે આજ્ઞાઓ આપી છે,+ એ બધી પાળવાનું તેઓને શીખવો. જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”+