માથ્થી
૧૭ ઈસુ છ દિવસ પછી પિતર, યાકૂબ અને તેના ભાઈ યોહાનને લઈને ઊંચા પહાડ પર ગયા, જ્યાં તેઓ સિવાય બીજું કોઈ ન હતું.+ ૨ તેઓની આગળ ઈસુનો દેખાવ બદલાયો. તેમનો ચહેરો સૂર્યની જેમ પ્રકાશવા લાગ્યો અને તેમનો ઝભ્ભો પ્રકાશની જેમ ઝળહળવા લાગ્યો.*+ ૩ જુઓ! ત્યાં તેઓએ મૂસા અને એલિયાને ઈસુ સાથે વાત કરતા જોયા. ૪ પિતરે ઈસુને કહ્યું: “માલિક, આપણે અહીં રહીએ એ સારું છે. તમે ચાહો તો હું અહીં ત્રણ તંબુ ઊભા કરી દઉં, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” ૫ તે હજુ બોલતો હતો એટલામાં જુઓ! એક સફેદ વાદળ તેઓ પર છવાઈ ગયું. જુઓ! એ વાદળમાંથી અવાજ આવ્યો, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+ ૬ એ સાંભળીને શિષ્યો ઘણા ગભરાઈ ગયા અને તેઓએ ભૂમિ સુધી માથું નમાવ્યું. ૭ પછી ઈસુ તેઓની પાસે આવ્યા અને તેઓને અડકીને કહ્યું: “ઊભા થાઓ, ડરો નહિ.” ૮ તેઓએ જોયું તો, ઈસુ સિવાય બીજું કોઈ દેખાયું નહિ. ૯ પહાડ પરથી ઊતરતી વખતે ઈસુએ તેઓને આજ્ઞા કરી: “માણસના દીકરાને મરણમાંથી ઉઠાડવામાં ન આવે ત્યાં સુધી, આ દર્શન વિશે કોઈને કહેતા નહિ.”+
૧૦ શિષ્યોએ ઈસુને પૂછ્યું: “તો પછી શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ?”+ ૧૧ તેમણે કહ્યું: “એલિયા ચોક્કસ આવે છે અને તે બધું તૈયાર કરશે.+ ૧૨ પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યા છે અને તેઓએ તેમને ઓળખ્યા નહિ. તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.+ એ જ રીતે તેઓના હાથે માણસના દીકરાએ પણ સહેવું પડશે.”+ ૧૩ પછી શિષ્યોને સમજ પડી કે તે બાપ્તિસ્મા આપનાર યોહાનની વાત કરતા હતા.
૧૪ તેઓ ભેગા થયેલા ટોળા પાસે પહોંચ્યા.+ એમાંથી એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેમની આગળ ઘૂંટણિયે પડીને કહ્યું: ૧૫ “ઓ માલિક, મારા દીકરા પર દયા કરો. તેને ખેંચ* આવે છે અને તેની હાલત ઘણી ખરાબ છે. તે ઘણી વાર આગમાં અને પાણીમાં પડી જાય છે.+ ૧૬ હું તેને તમારા શિષ્યો પાસે લાવ્યો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.” ૧૭ ઈસુએ જવાબ આપ્યો: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? છોકરાને અહીં મારી પાસે લાવો.” ૧૮ પછી ઈસુએ દુષ્ટ દૂતને ધમકાવ્યો. એટલે છોકરામાંથી તે નીકળી ગયો અને એ ઘડીથી છોકરો સાજો થયો.+ ૧૯ પછી શિષ્યોએ ઈસુ પાસે એકાંતમાં આવીને પૂછ્યું: “અમે કેમ એને કાઢી ન શક્યા?” ૨૦ તેમણે કહ્યું: “તમારી ઓછી શ્રદ્ધાને લીધે. પણ હું તમને સાચે જ કહું છું: જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પહાડને કહો કે ‘અહીંથી ત્યાં ખસી જા,’ તો એ ખસી જશે. તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.”+ ૨૧ *—
૨૨ તેઓ ગાલીલમાં ભેગા થયા હતા ત્યારે ઈસુએ કહ્યું: “માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.+ ૨૩ તેઓ તેને મારી નાખશે અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+ એ સાંભળીને શિષ્યો બહુ જ દુઃખી થયા.
૨૪ તેઓ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, મંદિરનો કર* ઉઘરાવનારા માણસો પિતર પાસે આવ્યા અને પૂછ્યું: “શું તમારા ગુરુ મંદિરનો કર ભરે છે?”+ ૨૫ પિતરે કહ્યું: “હા.” પણ તે ઘરમાં જઈને કંઈ કહે એ પહેલાં ઈસુએ પૂછ્યું: “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર* મેળવે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?” ૨૬ જ્યારે તેણે કહ્યું કે “પારકાઓ પાસેથી,” ત્યારે ઈસુએ કહ્યું: “તો પછી દીકરાઓએ કર ભરવાની જરૂર નથી. ૨૭ પણ આપણે નથી ચાહતા કે તેઓ ઠોકર ખાય.+ એટલે તું સરોવરે જા, ગલ નાખ અને જે માછલી પહેલી પકડાય એ લઈ લે. તું એનું મોં ખોલીશ ત્યારે, તને ચાંદીનો સિક્કો* મળશે. તું એ લઈને મારા અને તારા માટે તેઓને કર આપ.”