૧ કોરીંથીઓ
૧૫ હવે ભાઈઓ, મેં તમને જે ખુશખબર જણાવી હતી, એ વિશે હું તમને યાદ કરાવું છું, જે તમે સ્વીકારી અને જેના પ્રમાણે તમે ચાલો છો. ૨ મેં તમને જણાવેલી ખુશખબરને જો તમે વળગી રહો, તો એના દ્વારા તમારો ઉદ્ધાર પણ થાય છે. જો તમે એમ નહિ કરો, તો તમારે શ્રદ્ધા રાખવાનો કોઈ મતલબ નથી.
૩ સૌથી મહત્ત્વની જે વાત મને જણાવવામાં આવી, એ મેં તમને પણ કહી; એટલે કે, શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યાં. ૪ તેમને દફનાવવામાં આવ્યા અને શાસ્ત્રવચનો પ્રમાણે તેમને ત્રીજા દિવસે જીવતા કરવામાં આવ્યા; ૫ તે કેફાસને* અને પછી બાર પ્રેરિતોને દેખાયા. ૬ એ પછી, તે ૫૦૦ કરતાં વધારે ભાઈઓને એક સાથે દેખાયા, જેમાંના મોટા ભાગના હજુ આપણી સાથે છે, પણ અમુક મરણની ઊંઘમાં છે. ૭ ત્યાર બાદ, તે યાકૂબને દેખાયા અને પછી બધા પ્રેરિતોને દેખાયા. ૮ પરંતુ, જાણે હું અધૂરા મહિને જન્મેલો હોઉં તેમ સૌથી છેલ્લે તે મને પણ દેખાયા.
૯ હું તો પ્રેરિતોમાં સાવ મામૂલી છું અને પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી. ૧૦ પરંતુ, હું જે કંઈ છું એ ઈશ્વરની અપાર કૃપાથી છું. અને મારા પરની તેમની અપાર કૃપા નકામી ગઈ નથી, પણ મેં તેઓ બધા કરતાં વધારે મહેનત કરી છે. મેં તો નહિ, મારા પર રહેલી ઈશ્વરની અપાર કૃપાએ મહેનત કરી છે. ૧૧ તેથી, હું હોઉં કે તેઓ, અમે એનો જ પ્રચાર કરીએ છીએ અને તમે એમાં જ શ્રદ્ધા રાખી છે.
૧૨ હવે, જો એવો પ્રચાર કરવામાં આવે છે કે ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે, તો તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મરણ પામેલાઓને ઉઠાડવામાં નહિ આવે? ૧૩ ખરેખર, જો મરણ પામેલા લોકોને ઉઠાડવામાં ન આવે, તો પછી ખ્રિસ્તને પણ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા નથી. ૧૪ જો ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા ન હોય, તો અમારો પ્રચાર ચોક્કસ નકામો છે અને તમારી શ્રદ્ધા પણ નકામી છે. ૧૫ વધુમાં, આપણે ઈશ્વર વિશે જૂઠા સાક્ષીઓ પણ ગણાઈએ, કારણ કે ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી જીવતા કર્યા છે, એમ કહીને આપણે ઈશ્વર વિરુદ્ધ સાક્ષી આપી છે; જો મરણ પામેલાઓને સાચે જ ઉઠાડવામાં આવવાના ન હોય, તો ઈશ્વરે ખ્રિસ્તને ઉઠાડ્યા જ નથી. ૧૬ કેમ કે જો મરણ પામેલા લોકોને જીવતા કરવામાં ન આવે, તો ખ્રિસ્તને ઉઠાડવામાં આવ્યા જ નથી. ૧૭ તેમ જ, જો ખ્રિસ્તને ઉઠાડવામાં ન આવ્યા હોય, તો તમારી શ્રદ્ધા નકામી છે; તમે હજુ તમારાં પાપમાં ડૂબેલા છો. ૧૮ વળી, ખ્રિસ્તના જે શિષ્યો મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓનો પણ હંમેશ માટે નાશ થઈ ગયો છે. ૧૯ જો ખ્રિસ્તમાં આપણી આશા આ જીવન પૂરતી જ હોય, તો બધા લોકો કરતાં આપણી હાલત વધારે દયાજનક છે.
૨૦ પણ હકીકતમાં, ખ્રિસ્તને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે અને મરણની ઊંઘમાં છે એ લોકોમાંથી તેમને પ્રથમ જીવતા કરવામાં આવ્યા છે.* ૨૧ કેમ કે જેમ એક માણસને લીધે મરણ આવ્યું, તેમ એક માણસને લીધે મરણમાંથી જીવતા પણ કરાશે. ૨૨ જેમ આદમને લીધે બધા મરે છે, તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા પણ કરવામાં આવશે. ૨૩ પરંતુ, દરેકને પોતાના યોગ્ય ક્રમમાં ઉઠાડવામાં આવે છે: પ્રથમ* ખ્રિસ્તને, પછી ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તની હાજરી* દરમિયાન ઉઠાડવામાં આવશે. ૨૪ છેવટે અંતમાં, ખ્રિસ્ત બધી સરકારો, બધી સત્તાઓ અને બધા અધિકારોનો નાશ કરશે ત્યારે, પોતાના ઈશ્વર અને પિતાને રાજ્ય સોંપી દેશે. ૨૫ કેમ કે ઈશ્વર બધા દુશ્મનોને તેમના પગ નીચે ન લાવે ત્યાં સુધી, તેમણે રાજા તરીકે રાજ કરવાનું છે. ૨૬ અને છેલ્લા દુશ્મન, મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. ૨૭ ઈશ્વરે “બધું જ તેમના પગ નીચે લાવીને આધીન કર્યું.” પણ, જ્યારે કહેવામાં આવ્યું કે ‘બધું આધીન કરવામાં આવ્યું છે,’ ત્યારે દેખીતું છે કે તેમને બધું આધીન કરનાર ઈશ્વરનો એમાં સમાવેશ થતો નથી. ૨૮ પરંતુ, બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે, જેથી ઈશ્વર બધાના રાજાધિરાજ ગણાય.
૨૯ જો મરણ પામેલાને જીવતા કરવામાં નહિ આવે, તો જેઓ મરણ પામવાના હેતુથી બાપ્તિસ્મા લે છે, તેઓનું શું થશે? તેઓ એ હેતુથી શા માટે બાપ્તિસ્મા લે છે? ૩૦ આપણે પણ કેમ હરઘડી જોખમ ઉઠાવીએ છીએ? ૩૧ ભાઈઓ, જેટલી આ વાત સાચી છે કે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં હું તમારા વિશે અભિમાન કરું છું, એટલી જ આ વાત પણ સાચી છે કે હું રોજ મોતની છાયામાં જીવું છું. ૩૨ જો હું બીજા માણસોની જેમ* એફેસસમાં જંગલી પ્રાણીઓ સાથે લડ્યો હોઉં, તો એનાથી મને શું ફાયદો? જો મરણ પામેલા લોકોને ઉઠાડવામાં આવતા ન હોય, તો પછી “ચાલો આપણે ખાઈએ અને પીએ, કેમ કે કાલે તો મરવાનું છે.” ૩૩ છેતરાશો નહિ. ખરાબ સંગત સારા સંસ્કારને બગાડે છે.* ૩૪ સત્યના માર્ગમાં ચાલીને હોશમાં આવો અને પાપ કરતા ન રહો, કેમ કે તમારામાંથી અમુકને ઈશ્વરનું જરાય જ્ઞાન નથી. તમને શરમમાં નાખવા હું આમ કહું છું.
૩૫ તેમ છતાં, કોઈક કહેશે: “મરણ પામેલા લોકોને કઈ રીતે જીવતા કરવામાં આવશે? અને તેઓને ઉઠાડવામાં આવશે ત્યારે તેઓના શરીર કેવા હશે?” ૩૬ અરે મૂર્ખ! તું જે બી વાવે છે એ પહેલા મરે નહિ તો, કઈ રીતે ઊગશે!* ૩૭ અને તું જે વાવે છે, એ છોડ* નથી કે વૃદ્ધિ પામે, પણ ફક્ત દાણો છે, ભલે એ ઘઉંનો હોય કે બીજા કશાકનો; ૩૮ પણ ઈશ્વરને પસંદ પડે એમ તે એને શરીર આપે છે અને દરેક બીને એનું શરીર આપે છે. ૩૯ બધાં જ શરીર એકસરખાં નથી હોતાં, પણ મનુષ્યો માટે જુદું, જાનવરો માટે જુદું, પક્ષીઓ માટે જુદું અને માછલીઓ માટે જુદું શરીર હોય છે. ૪૦ સ્વર્ગીય શરીરો છે અને પૃથ્વી પરના શરીરો છે; પણ સ્વર્ગમાંના શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરના શરીરોનું ગૌરવ જુદું. ૪૧ સૂર્યનું તેજ જુદું, ચંદ્રનું તેજ જુદું અને તારાઓનું તેજ જુદું; ખરું જોતાં, એક તારાનું તેજ બીજા તારા કરતાં જુદું હોય છે.
૪૨ એવું જ મરણ પામેલાના સજીવન થવા વિશે પણ છે. મરણ પામેલું શરીર નાશ પામે છે, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલું શરીર નાશ પામતું નથી. ૪૩ એ અપમાનમાં વવાય છે, પણ માનમાં ઉઠાડાય છે. એ નબળાઈમાં વવાય છે, પણ બળમાં ઉઠાડાય છે. ૪૪ એ પૃથ્વી પરના શરીરમાં વવાય છે, પણ સ્વર્ગમાંના શરીરમાં* ઉઠાડાય છે. જો પૃથ્વી પરનું શરીર હોય તો સ્વર્ગમાંનું શરીર પણ છે. ૪૫ તેથી, એમ લખેલું છે: “પહેલો આદમ જીવંત મનુષ્ય* બન્યો.” છેલ્લો આદમ જીવન આપનાર મનુષ્ય બન્યો. ૪૬ જોકે, સ્વર્ગમાંનું શરીર પહેલું નથી. પહેલું શરીર તો પૃથ્વી પરનું અને પછી સ્વર્ગમાંનું. ૪૭ પ્રથમ માણસ પૃથ્વીમાંથી હતો અને માટીનો બનેલો હતો; બીજો માણસ સ્વર્ગમાંથી છે. ૪૮ જે માટીનો બનેલો છે, તેની જેમ આ દુનિયાના લોકો પણ છે; અને જે સ્વર્ગનો છે, તેની જેમ સ્વર્ગના લોકો પણ છે. ૪૯ અને જેમ આપણે માટીના બનેલા માણસ જેવું રૂપ ધારણ કર્યું છે, તેમ જે સ્વર્ગનો છે, તેનું રૂપ પણ આપણે ધારણ કરીશું.
૫૦ પરંતુ ભાઈઓ, હું તમને આ જણાવું છું કે માંસ અને લોહી ઈશ્વરના રાજ્યનો વારસો મેળવી શકતા નથી; એ જ પ્રમાણે, નાશવંત શરીર અવિનાશીપણાનો વારસો મેળવી શકતું નથી. ૫૧ જુઓ! હું તમને પવિત્ર રહસ્ય જણાવું: આપણે બધા મરણની ઊંઘમાં સરી જવાના નથી, પણ આપણે બધા બદલાણ પામીશું; ૫૨ છેલ્લું રણશિંગડું વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે. રણશિંગડું વાગશે અને મરણ પામેલા લોકો અવિનાશી શરીરમાં જીવતા કરાશે અને આપણે બદલાણ પામીશું. ૫૩ આ નાશવંત શરીરે અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મરનાર શરીરે અમરપણું ધારણ કરવું પડશે. ૫૪ પરંતુ, જ્યારે આ નાશવંત શરીર અવિનાશીપણું ધારણ કરશે અને આ મરનાર શરીર અમરપણું ધારણ કરશે, ત્યારે લખવામાં આવેલી આ વાત પૂરી થશે: “મરણનો હંમેશાં માટે નાશ કરવામાં આવ્યો છે.”* ૫૫ “ઓ મરણ, તારો વિજય ક્યાં? ઓ મરણ, તારો ડંખ ક્યાં?” ૫૬ જે મરણ લાવે છે એ ડંખ તો પાપ છે અને પાપનું બળ નિયમશાસ્ત્ર છે.* ૫૭ પણ ઈશ્વરનો આભાર, જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે!
૫૮ એટલે મારા વહાલા ભાઈઓ, દૃઢ રહો, અડગ રહો; પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી, એમાં હંમેશાં મંડ્યા રહો; તમે જાણો છો કે પ્રભુની સેવામાં તમારી મહેનત નકામી નથી.