માથ્થી
૮ ઈસુ પહાડ પરથી નીચે આવ્યા ત્યારે, લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ પાછળ ગયા. ૨ જુઓ! એક રક્તપિત્તિયો* માણસ તેમની પાસે આવ્યો અને ઘૂંટણિયે પડીને કહેવા લાગ્યો: “માલિક, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”+ ૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.”+ તરત જ તેનો રક્તપિત્ત મટી ગયો.+ ૪ ઈસુએ તેને કહ્યું: “જોજે, કોઈને કશું કહેતો નહિ.+ પણ યાજક* પાસે જઈને બતાવ+ અને મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”
૫ ઈસુ કાપરનાહુમમાં આવ્યા ત્યારે, એક લશ્કરી અધિકારીએ તેમની પાસે આવીને વિનંતી કરી.+ ૬ તે કહેવા લાગ્યો: “સાહેબ, મારા ચાકરને લકવો થયો છે. તે ઘરે પથારીમાં પડ્યો છે અને ખૂબ પીડાય છે.” ૭ ઈસુએ તેને કહ્યું: “હું ત્યાં આવીશ ત્યારે તેને સાજો કરીશ.” ૮ લશ્કરી અધિકારીએ જવાબમાં કહ્યું: “સાહેબ, તમે મારા ઘરે આવો એને હું લાયક નથી. તમે બસ કહી દો, એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૯ હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે. એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે. બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે. મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૧૦ આ સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી. તેમણે પોતાની પાછળ આવતા લોકોને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે આખા ઇઝરાયેલમાં મેં કોઈનામાં પણ આટલી શ્રદ્ધા જોઈ નથી.+ ૧૧ હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમથી ઘણા આવશે. તેઓ સ્વર્ગના રાજ્યમાં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ સાથે બેસશે.*+ ૧૨ જ્યારે કે રાજ્યના દીકરાઓને બહાર અંધકારમાં ફેંકી દેવામાં આવશે. ત્યાં તેઓનું રડવું ને દાંત પીસવું થશે.”+ ૧૩ પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું: “જા, તેં જેવી શ્રદ્ધા બતાવી છે એવું જ થાઓ.”+ એ જ ઘડીએ તેનો ચાકર સાજો થઈ ગયો.+
૧૪ ઈસુ પિતરના ઘરે આવ્યા. તેમણે જોયું કે તેની સાસુ+ તાવને લીધે પથારીમાં સૂઈ ગઈ હતી.+ ૧૫ ઈસુ તેના હાથને અડક્યા+ અને તેનો તાવ ઊતરી ગયો. તે ઊઠીને તેમની સેવા કરવા લાગી. ૧૬ સાંજ પડી ત્યારે લોકો તેમની પાસે દુષ્ટ દૂતોના વશમાં હોય એવા ઘણાને લઈ આવ્યા. ઈસુએ હુકમ કરીને એ દુષ્ટ દૂતોને બહાર કાઢ્યા. જેઓ બીમાર હતા એ સર્વને પણ સાજા કર્યા. ૧૭ આ રીતે યશાયા પ્રબોધકે કહેલું પૂરું થયું: “તેણે આપણી બીમારીઓ લઈ લીધી અને આપણાં દુઃખો પોતાના માથે લઈ લીધાં.”+
૧૮ જ્યારે ઈસુએ પોતાની આસપાસ ટોળું જોયું, ત્યારે તેમણે શિષ્યોને સામે પાર જવાની આજ્ઞા કરી.+ ૧૯ એક શાસ્ત્રીએ આવીને તેમને કહ્યું: “ગુરુજી, તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.”+ ૨૦ પણ ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને* માથું ટેકવવાની પણ જગ્યા નથી.”+ ૨૧ શિષ્યોમાંથી બીજા એકે તેમને કહ્યું: “માલિક, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.”+ ૨૨ ઈસુએ તેને કહ્યું: “મારી પાછળ ચાલતો રહે. મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે.”+
૨૩ જ્યારે ઈસુ હોડીમાં બેઠા ત્યારે તેમના શિષ્યો પણ તેમની સાથે ગયા.+ ૨૪ જુઓ! સરોવરમાં એવું મોટું તોફાન ઊઠ્યું કે હોડી મોજાઓથી ઢંકાઈ જવા લાગી. પણ ઈસુ તો ઊંઘતા હતા.+ ૨૫ તેઓ તેમની પાસે આવ્યા અને તેમને જગાડીને કહેવા લાગ્યા: “હે માલિક, બચાવો, આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” ૨૬ પણ તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ગભરાઓ છો? તમારી શ્રદ્ધા કેમ ખૂટી ગઈ?”+ તેમણે ઊભા થઈને પવન અને સરોવરને ધમકાવ્યાં અને એકદમ શાંતિ છવાઈ ગઈ.+ ૨૭ એ જોઈને શિષ્યો છક થઈ ગયા અને કહ્યું: “આ તે કેવી વ્યક્તિ છે? પવન અને સરોવર પણ તેમનું કહેવું માને છે!”
૨૮ જ્યારે ઈસુ પેલે પાર ગદરાનીના પ્રદેશમાં આવી પહોંચ્યા, ત્યારે દુષ્ટ દૂતોના વશમાં હોય એવા બે માણસો કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યા.+ તેઓ એટલા ભયંકર હતા કે કોઈ એ રસ્તે જવાની હિંમત કરતું નહિ. ૨૯ જુઓ! તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા: “હે ઈશ્વરના દીકરા, તારે અને અમારે શું લેવાદેવા?+ શું ઠરાવેલા સમય પહેલાં તું અમને પીડા આપવા આવ્યો છે?”+ ૩૦ તેઓથી ઘણે દૂર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.+ ૩૧ દુષ્ટ દૂતો તેમને વિનંતી કરવા લાગ્યા: “જો તું અમને કાઢવાનો હોય, તો અમને ભૂંડોના ટોળામાં જવાની રજા આપ.”+ ૩૨ ઈસુએ કહ્યું: “જાઓ!” તેઓ નીકળીને ભૂંડોમાં ગયા. જુઓ! ભૂંડોનું આખું ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું. ૩૩ એ જોઈને ભૂંડો ચરાવનારા ભાગી ગયા. તેઓએ શહેરમાં જઈને બધી ખબર આપી અને એ માણસો વિશે પણ જણાવ્યું જેઓ દુષ્ટ દૂતોના વશમાં હતા. ૩૪ પછી આખું શહેર ઈસુને મળવા નીકળી આવ્યું. તેમને જોઈને લોકોએ વિનંતી કરી કે અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.+