કોરીંથીઓને પહેલો પત્ર
૧૦ ભાઈઓ, હું ચાહું છું કે તમે આ જાણો: આપણા બધા બાપદાદાઓ વાદળ નીચે હતા+ અને સમુદ્રમાંથી પસાર થયા.+ ૨ આમ, તેઓએ વાદળ અને સમુદ્ર દ્વારા મૂસામાં* બાપ્તિસ્મા લીધું. ૩ તેઓએ એકસરખો ખોરાક ખાધો, જે ઈશ્વરે આપ્યો હતો.+ ૪ તેઓએ એકસરખું પાણી પીધું, જે ઈશ્વરે આપ્યું હતું,+ કેમ કે તેઓ પોતાની સાથે ચાલનાર ખડકમાંથી પાણી પીતા હતા અને એ ખડક ખ્રિસ્તને દર્શાવતો હતો.*+ ૫ પણ ઈશ્વર તેઓમાંના મોટા ભાગના લોકોથી ખુશ ન હતા. એટલે તેઓ વેરાન પ્રદેશમાં માર્યા ગયા.+
૬ આ બધું આપણા માટે દાખલારૂપ છે, જેથી તેઓની જેમ આપણે ખરાબ કામોની ઇચ્છા ન રાખીએ.+ ૭ જેમ તેઓમાંના અમુક મૂર્તિપૂજક બન્યા, તેમ આપણે ન બનીએ, જેમ લખ્યું છે: “લોકોએ બેસીને ખાધું-પીધું. પછી તેઓ ઊઠીને ખૂબ મોજમજા કરવા લાગ્યા.”+ ૮ આપણે વ્યભિચાર* ન કરીએ, જેમ તેઓમાંના અમુકે વ્યભિચાર* કર્યો અને એક જ દિવસમાં તેઓમાંથી ૨૩,૦૦૦ લોકો માર્યા ગયા.+ ૯ આપણે યહોવાની* કસોટી ન કરીએ,+ જેમ તેઓમાંના અમુકે કસોટી કરી અને સાપો દ્વારા માર્યા ગયા.+ ૧૦ આપણે કચકચ કરનારા ન બનીએ, જેમ તેઓમાંથી અમુકે કચકચ કરી+ અને દૂત* દ્વારા માર્યા ગયા.+ ૧૧ તેઓ સાથે બનેલા એ બનાવો દાખલારૂપ છે. એ બનાવો લખી લેવામાં આવ્યા, જેથી આપણને, એટલે કે જેઓ દુનિયાના* અંતના સમયમાં જીવી રહ્યા છે, તેઓને ચેતવણી મળે.+
૧૨ તેથી જેને લાગે છે કે પોતે સ્થિર ઊભો છે, તે ધ્યાન રાખે* કે પોતે પડે નહિ.+ ૧૩ તમારા પર જેવી કસોટીઓ આવે છે, એવી બધા લોકો પર આવે છે.+ પણ ઈશ્વર વિશ્વાસુ છે. તમે સહન કરી શકો, એનાથી વધારે કસોટી તે તમારા પર આવવા દેશે નહિ.+ તમારા પર કસોટી આવે ત્યારે, તે એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવશે, જેથી તમે એ સહન કરી શકો.+
૧૪ મારા વહાલા દોસ્તો, મૂર્તિપૂજાથી દૂર રહો.+ ૧૫ હું સમજદાર લોકો સાથે વાત કરતો હોઉં એમ બોલું છું. મારી વાત સાચી છે કે નહિ, એ તમે પોતે નક્કી કરો. ૧૬ આશીર્વાદના પ્યાલા પર પ્રાર્થના કરીને આપણે પીએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના લોહીમાં ભાગીદાર થતા નથી?+ રોટલી તોડીને આપણે ખાઈએ છીએ ત્યારે, શું આપણે ખ્રિસ્તના શરીરમાં ભાગીદાર થતા નથી?+ ૧૭ રોટલી એક જ છે અને આપણે ઘણા હોવા છતાં એક શરીર છીએ,+ કેમ કે આપણે બધા એક જ રોટલીમાંથી ખાઈએ છીએ.
૧૮ ઇઝરાયેલી* લોકોનો વિચાર કરો. જેઓ અર્પણોમાંથી ખાય છે, તેઓ શું વેદીના ભાગીદાર નથી?+ ૧૯ શું મારા કહેવાનો એવો અર્થ છે કે, મૂર્તિઓ અથવા મૂર્તિઓને ચઢાવેલી વસ્તુઓ મહત્ત્વની છે? ૨૦ ના! હું તો કહેવા માંગું છું કે બીજી પ્રજાના લોકો ઈશ્વરને નહિ, દુષ્ટ દૂતોને* અર્પણ ચઢાવે છે.+ હું નથી ચાહતો કે તમે દુષ્ટ દૂતો સાથે ભાગીદાર થાઓ.+ ૨૧ તમે યહોવાના* પ્યાલામાંથી અને દુષ્ટ દૂતોના પ્યાલામાંથી, એમ બંનેમાંથી પી શકો નહિ. તમે “યહોવાની* મેજ”+ પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ. ૨૨ ‘શું આપણે યહોવાના* દિલમાં ઈર્ષા જગાડવા ચાહીએ છીએ’?+ શું આપણે તેમના કરતાં વધારે શક્તિશાળી છીએ?
૨૩ બધું જ કરવાની છૂટ* છે, પણ બધાથી લાભ થાય એવું નથી. બધું જ કરવાની છૂટ છે, પણ બધું જ ઉત્તેજન આપનારું નથી.+ ૨૪ દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.+
૨૫ માંસની દુકાનમાં જે કંઈ વેચાતું હોય, એ તમારા અંતઃકરણને* લીધે કંઈ પણ પૂછ્યા વગર ખાઓ. ૨૬ કેમ કે “પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું* છે.”+ ૨૭ જો ખ્રિસ્તનો શિષ્ય ન હોય એવો કોઈ માણસ તમને જમવા બોલાવે અને તમે જવા ચાહો, તો તમારી આગળ જે કંઈ મૂકવામાં આવે એ તમારા અંતઃકરણને લીધે કંઈ પણ પૂછ્યા વગર ખાઓ. ૨૮ જો કોઈ તમને કહે કે, “આ ખોરાક મૂર્તિને ચઢાવેલો છે,” તો એવું કહેનારને લીધે અને અંતઃકરણને લીધે એ ન ખાઓ.+ ૨૯ હું તમારા નહિ, બીજાના અંતઃકરણ વિશે વાત કરું છું. મારી પાસે આઝાદી છે, પણ બીજાના અંતઃકરણને લીધે મારો ન્યાય કેમ થવો જોઈએ?+ ૩૦ જો હું ઈશ્વરનો આભાર માનીને કંઈક ખાઉં, પણ જો એના લીધે મારી નિંદા થાય, તો શું મારે એ ખાવું જોઈએ?+
૩૧ તેથી, તમે ખાઓ કે પીઓ કે બીજું જે કંઈ કરો, બધું ઈશ્વરના મહિમા માટે કરો.+ ૩૨ યહૂદીઓ, ગ્રીકો અને ઈશ્વરના મંડળ માટે તમે ઠોકરનું કારણ ન બનો.+ ૩૩ હું પણ બધા લોકોને દરેક વાતે ખુશ કરવાનો પ્રયત્ન કરું છું. હું મારો સ્વાર્થ નથી જોતો,+ હું ઘણા લોકોનો વિચાર કરું છું, જેથી તેઓનો ઉદ્ધાર થાય.+