યર્મિયા
૫૧ યહોવા કહે છે:
૨ જેમ પવન ફોતરાંને વિખેરી નાખે છે,
તેમ હું માણસો મોકલીને બાબેલોન નગરીને વિખેરી નાખીશ.
તેઓ તેનો સફાયો કરશે, તેને ખાલી કરી નાખશે.
આફતના દિવસે તેઓ ચારે બાજુથી તેના પર ચઢી આવશે.+
૩ બાબેલોનના તીરંદાજો ધનુષ્ય વાપરશે નહિ.
તેના સૈનિકો બખ્તર પહેરીને ઊભા રહેશે નહિ.
તમે તેના યુવાનોને જરાય દયા બતાવશો નહિ.+
તેની સેનામાંથી કોઈને જીવતા રહેવા દેશો નહિ.
૪ ખાલદીઓના દેશમાં તેઓ માર્યા જશે,
તેની ગલીઓમાં વીંધાઈને નીચે પડશે.+
૫ સૈન્યોના ઈશ્વર યહોવાએ ઇઝરાયેલ અને યહૂદાનો ત્યાગ કર્યો નથી, તેઓ વિધવા નથી.+
પણ ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરની નજરમાં ખાલદીઓનો દેશ* દોષિત ઠર્યો છે.
તેના ગુનાને લીધે તમારો નાશ થવા ન દો.
કેમ કે એ સમય યહોવાનો બદલો લેવાનો સમય છે.
તે તેનાં કામોની તેને સજા આપે છે.+
૭ બાબેલોન તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા જેવી હતી.
બાબેલોને આખી પૃથ્વીને એમાંથી પિવડાવીને ચકચૂર કરી.
બધી પ્રજાઓએ તેનો દ્રાક્ષદારૂ પીધો,+
એટલે એ પ્રજાઓ પાગલ થઈ ગઈ.+
૮ અચાનક બાબેલોન પડી ગઈ છે અને તૂટી ગઈ છે.+
તેના માટે વિલાપ કરો!+
તેની પીડા દૂર કરવા સુગંધી દ્રવ્ય લાવો, કદાચ તે સાજી થાય.”
૯ “અમે બાબેલોનને સાજી કરવાની ઘણી કોશિશ કરી, પણ તે સાજી થઈ નહિ.
તેને છોડી દો, ચાલો આપણે પોતપોતાનાં વતન પાછા જઈએ,+
કેમ કે તે સજાને લાયક છે, તેનો અપરાધ આકાશ સુધી પહોંચ્યો છે,
છેક વાદળો સુધી પહોંચ્યો છે.+
૧૦ યહોવાએ આપણા માટે ન્યાય કર્યો છે.+
ચાલો, સિયોનમાં આપણા ઈશ્વર યહોવાનાં કામો જાહેર કરીએ.”+
૧૧ “તીરોની ધાર કાઢો,+ ગોળ ઢાલ હાથમાં લો.*
યહોવાએ માદાયના રાજાઓના દિલમાં એક વિચાર મૂક્યો છે,+
કેમ કે તેમણે બાબેલોનનો વિનાશ કરવાનો નિર્ણય લીધો છે.
એ યહોવાનો બદલો છે, તેમના મંદિરનો બદલો છે.
૧૨ બાબેલોનના કોટ પર હુમલો કરવા નિશાની* ઊભી કરો.+
પહેરો મજબૂત કરો અને ચોકીદારને પહેરા પર ગોઠવો.
સંતાઈને હુમલો કરનાર માણસોને તૈયાર કરો.
કેમ કે યહોવાએ એક યોજના ઘડી છે
અને બાબેલોનના રહેવાસીઓ વિરુદ્ધ તેમણે જે વચન આપ્યું છે, એ તે જરૂર પૂરું કરશે.”+
નફો કમાવામાં તેં હદ વટાવી છે, પણ તારો અંત નજીક આવ્યો છે.+
૧૪ સૈન્યોના ઈશ્વર યહોવાએ પોતાના સમ ખાઈને કહ્યું છે,
‘હું તારા પર તીડોની જેમ અગણિત માણસો મોકલીશ,
તેઓ તારી સામે વિજયનો પોકાર કરશે.’+
૧૫ તેમણે પોતાની શક્તિથી પૃથ્વી બનાવી,
તેમણે પોતાના ડહાપણથી પડતર જમીન તૈયાર* કરી,+
અને પોતાની સમજણથી આકાશો ફેલાવ્યાં.+
૧૬ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.
તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.
તે વરસાદમાં વીજળી ચમકાવે છે.*
તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+
૧૭ દરેક માણસની બુદ્ધિ બહેર મારી ગઈ છે, તેનામાં જરાય અક્કલ નથી.
કોતરેલી મૂર્તિને લીધે દરેક સોની શરમમાં મુકાશે,+
કેમ કે તેણે બનાવેલી ધાતુની મૂર્તિ જૂઠી છે.
૧૮ તેઓ નકામી* છે,+ મજાકને જ લાયક છે.
ન્યાયના દિવસે તેઓનો નાશ થઈ જશે.
તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.”+
૨૦ “તું મારા માટે યુદ્ધમાં વપરાતો દંડો છે, યુદ્ધનું હથિયાર છે.
હું તારા દ્વારા પ્રજાઓના ચૂરેચૂરા કરી નાખીશ,
અને રાજ્યોના ભૂકા બોલાવી દઈશ.
૨૧ હું તારા દ્વારા ઘોડાને અને ઘોડેસવારને કચડી નાખીશ,
યુદ્ધના રથને અને એના સારથિને કચડી નાખીશ.
૨૨ હું તારા દ્વારા પુરુષને અને સ્ત્રીને મારી નાખીશ,
વૃદ્ધ માણસને અને નાના છોકરાને મારી નાખીશ,
યુવકને અને યુવતીને મારી નાખીશ.
૨૩ હું તારા દ્વારા ઘેટાંપાળકનો અને તેના ટોળાનો નાશ કરીશ,
ખેડૂતનો અને ખેતીનાં જાનવરોનો નાશ કરીશ,
રાજ્યપાલોનો અને ઉપઅધિકારીઓનો નાશ કરીશ.
૨૪ તમારી નજર સામે બાબેલોને અને ખાલદીના રહેવાસીઓએ
સિયોનમાં જે દુષ્ટ કામો કર્યાં છે એનો હું બદલો લઈશ,”+ એવું યહોવા કહે છે.
હું મારો હાથ ઉગામીશ અને તને ખડકો પરથી નીચે ધકેલી દઈશ.
હું તને બળી ગયેલા પર્વત જેવો કરી દઈશ.”
૨૬ “લોકો તારામાંથી પથ્થર લેશે નહિ,
ન ખૂણાનો પથ્થર* લેશે, ન પાયો નાખવા પથ્થર લેશે,
કેમ કે તું કાયમ માટે ઉજ્જડ થઈ જશે,”+ એવું યહોવા કહે છે.
૨૭ “હુમલો કરવા દેશમાં નિશાની* ઊભી કરો.+
પ્રજાઓમાં રણશિંગડું વગાડો.
તેની વિરુદ્ધ લડવા પ્રજાઓ તૈયાર કરો,*
અરારાટ,+ મિન્ની અને આશ્કેનાઝનાં+ રાજ્યોને ભેગાં કરો,
સૈનિકોની ભરતી કરવા અધિકારી ઠરાવો.
તેના પર તીડોનાં* ઝુંડની જેમ ઘોડાઓ મોકલો.
૨૮ તેની વિરુદ્ધ લડવા પ્રજાઓ તૈયાર કરો.*
માદાયના રાજાઓ,+ રાજ્યપાલો, ઉપઅધિકારીઓ
અને તેની સત્તા નીચેના દેશોને ભેગા કરો.
૨૯ પૃથ્વી ધ્રૂજશે અને ડરથી કાંપી ઊઠશે,
કેમ કે યહોવા બાબેલોન વિરુદ્ધ પોતાની યોજના જરૂર પાર પાડશે.
તે તેને વસ્તી વગરની બનાવી દેશે,
તે તેના એવા હાલ કરશે કે લોકો તેને જોઈને ધ્રૂજી ઊઠશે.+
૩૦ બાબેલોનના યોદ્ધાઓએ લડવાનું બંધ કર્યું છે.
તેઓ પોતાના મજબૂત ગઢમાં ભરાઈ ગયા છે.
તેઓ નાહિંમત થઈ ગયા છે.+
તેઓ સ્ત્રી જેવા કમજોર બની ગયા છે.+
તેના ઘરને આગ લગાડવામાં આવી છે.
તેની ભૂંગળો તોડી પાડવામાં આવી છે.+
૩૧ એક ખબરી દોડીને બીજા ખબરીને મળે છે,
એક સંદેશવાહક બીજા સંદેશવાહકને મળે છે.
તેઓ બાબેલોનના રાજાને ખબર આપે છે કે તેની નગરી ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે,+
૩૨ નદી પાર કરવાના રસ્તા કબજે થયા છે,+
નેતરની હોડીઓ બળીને ખાખ થઈ ગઈ છે
અને સૈનિકો ગભરાઈ ગયા છે.”
૩૩ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે,
“બાબેલોનની દીકરી અનાજની ખળી* જેવી છે.
તેને દાબી દાબીને કઠણ બનાવવાનો સમય પાકી ગયો છે.
બહુ જલદી તેની કાપણીનો સમય આવશે.”
તેણે મને ખાલી વાસણ જેવો બનાવ્યો છે.
મોટા સાપની જેમ તે મને ગળી ગયો છે.+
મારી ઉત્તમ વસ્તુઓથી તેણે પોતાનું પેટ ભર્યું છે.
તેણે મને પાણીથી ધોઈ નાખ્યો છે.
૩૫ સિયોનનો રહેવાસી કહે છે, ‘મારા પર અને મારા શરીર પર જે જુલમ ગુજારવામાં આવ્યો છે, એ બાબેલોન પર આવી પડે!’+
યરૂશાલેમ નગરી કહે છે, ‘મારા લોહીનો દોષ ખાલદીના રહેવાસીઓને માથે આવી પડે!’”
૩૬ યહોવા કહે છે:
હું તારા વતી બદલો લઈશ.+
હું તેની નદીને* અને તેના કૂવાઓને સૂકવી નાખીશ.+
તેના હાલ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે, તેની મજાક ઉડાવવા લોકો સીટી મારશે.
ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.+
૩૮ તેઓ* ભેગા મળીને જુવાન સિંહની જેમ ગર્જના કરશે.
તેઓ સિંહના બચ્ચાની જેમ ઘૂરકશે.”
૩૯ યહોવા કહે છે, “તેઓની લાલસા તીવ્ર બનશે ત્યારે,
હું તેઓ માટે મિજબાની ગોઠવીશ, તેઓને દારૂ પિવડાવીને ચકચૂર કરીશ,
જેથી તેઓ આનંદ-ઉલ્લાસ કરે.+
પછી તેઓ કાયમ માટે ઊંઘી જશે
અને ફરી કદી જાગશે નહિ.+
૪૦ હું તેઓને ઘેટાના બચ્ચાની જેમ,
હા, ઘેટા અને બકરાની જેમ કતલ માટે લઈ જઈશ.”
બાબેલોનના ભયંકર હાલ જોઈને પ્રજાઓ હચમચી ગઈ છે!
૪૨ બાબેલોન પર સમુદ્ર ફરી વળ્યો છે.
એનાં મોજાઓ નીચે તે ડૂબી ગઈ છે.
૪૩ તેનાં શહેરોના હાલ જોઈને લોકો ધ્રૂજી ગયા છે.
તે પાણી વગરની સૂકી જમીન અને રણપ્રદેશ બની ગઈ છે.
તે એવી જગ્યા બની ગઈ છે, જ્યાં કોઈ રહેશે નહિ કે જ્યાંથી કોઈ પસાર થશે નહિ.+
પ્રજાઓ તેની પાસે ફરી કદી જશે નહિ
અને બાબેલોનનો કોટ તોડી પાડવામાં આવશે.+
૪૫ ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી જાઓ!+
યહોવાના સળગતા કોપથી+ પોતાનો જીવ બચાવીને નાસી જાઓ!+
૪૬ હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાથી ગભરાશો નહિ.
એક વર્ષે એક અફવા ને બીજા વર્ષે બીજી અફવા સંભળાશે.
દેશમાં લડાઈ-ઝઘડાની અફવા સંભળાશે,
એક અધિકારી બીજા અધિકારી સામે થયો છે, એવી અફવા સંભળાશે.
૪૭ જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે હું બાબેલોનની કોતરેલી મૂર્તિઓને સજા કરીશ.
તેનો આખો દેશ શરમમાં મુકાશે
અને તેનામાં લોકોની લાશો પડશે.+
૪૮ બાબેલોન પડશે ત્યારે,
આકાશો, પૃથ્વી અને એમાંનું બધું ખુશીથી ઝૂમી ઊઠશે.+
કેમ કે ઉત્તરથી નાશ કરનારાઓ તેના પર ચઢી આવશે,”+ એવું યહોવા કહે છે.
૪૯ “બાબેલોને ઇઝરાયેલના લોકોની લાશો પાડી છે,+
બાબેલોનમાં પણ આખી પૃથ્વીના લોકોની લાશો પડી છે.
૫૦ હે તલવારથી બચી ગયેલા લોકો, ઊભા રહેશો નહિ, આગળ વધો!+
જેઓ દૂર દેશમાં છે, તેઓ યહોવાને યાદ કરો,
તમારા મનમાં યરૂશાલેમની યાદ તાજી રાખો.”+
૫૧ “અમારું અપમાન થયું છે, અમે મહેણાં સાંભળ્યાં છે.
૫૨ “એટલે જુઓ! એવા દિવસો આવી રહ્યા છે,
જ્યારે હું તેની કોતરેલી મૂર્તિઓને સજા કરીશ.
ઘાયલ થયેલા લોકોની ચીસો આખા દેશમાં સંભળાશે,”+ એવું યહોવા કહે છે.
૫૩ “ભલે બાબેલોન આકાશોમાં ચઢી જાય,+
ભલે તે પોતાના કિલ્લા મજબૂત કરે,
તોપણ હું તેના પર નાશ કરનારાઓને મોકલીશ,”+ એવું યહોવા કહે છે.
૫૫ કેમ કે યહોવા બાબેલોનનો નાશ કરી રહ્યા છે,
તે તેના કોલાહલને દાબી દેશે.
નાશ કરનારાઓ સમુદ્રનાં મોજાંની જેમ ગર્જના કરશે
અને તેઓનો અવાજ ગુંજી ઊઠશે.
કેમ કે યહોવા અદ્દલ ન્યાય કરનાર ઈશ્વર છે, તે યોગ્ય સજા આપે છે.+
તે ચોક્કસ બદલો લેશે.+
૫૭ હું તેના અધિકારીઓને અને જ્ઞાની પુરુષોને દારૂ પિવડાવીને ચકચૂર કરીશ.+
હું તેના રાજ્યપાલોને, ઉપઅધિકારીઓને અને યોદ્ધાઓને મદમસ્ત કરીશ.
પછી તેઓ કાયમ માટે ઊંઘી જશે
અને ફરી કદી જાગશે નહિ,”+ એવું એ રાજા કહે છે, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.
૫૮ સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે:
“બાબેલોનનો કોટ ભલે પહોળો છે, એને જમીનદોસ્ત કરવામાં આવશે.+
તેના દરવાજા ભલે ઊંચા છે, એને બાળી નાખવામાં આવશે.
લોકોની બધી મહેનત ધૂળમાં મળી જશે.
પ્રજાઓ જેના માટે તનતોડ મહેનત કરે છે, એને અગ્નિ ભરખી જશે.”+
૫૯ માહસેયાના દીકરા નેરીયાનો દીકરો+ સરાયા, સિદકિયા રાજાનો અંગત અમલદાર* હતો. યહૂદાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષે તે રાજાની સાથે બાબેલોન ગયો હતો. એ વખતે યર્મિયા પ્રબોધકે તેને એક આજ્ઞા આપી હતી. ૬૦ બાબેલોન પર આવનાર બધી આફતો વિશે યર્મિયાએ એક પુસ્તકમાં લખ્યું હતું. તેણે એ બધા શબ્દો લખ્યા, જે બાબેલોન વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યા હતા. ૬૧ યર્મિયાએ સરાયાને આજ્ઞા આપી: “જ્યારે તું બાબેલોન પહોંચે અને તેને જુએ, ત્યારે તું આ શબ્દો મોટેથી વાંચજે. ૬૨ તું કહેજે, ‘હે યહોવા, તમે આ નગરી વિરુદ્ધ કહ્યું છે કે તેનો નાશ થઈ જશે. તે વસ્તી વગરની થઈ જશે, તેમાં ન માણસો રહેશે, ન પ્રાણીઓ. તે કાયમ માટે ઉજ્જડ થઈ જશે.’+ ૬૩ તું આ પુસ્તકમાંથી વાંચી રહે ત્યારે એને પથ્થર બાંધજે અને યુફ્રેટિસ નદીમાં ફેંકી દેજે. ૬૪ પછી તું કહેજે, ‘આવી જ રીતે બાબેલોન ડૂબી જશે અને ફરી કદી ઉપર નહિ આવે,+ કેમ કે હું તેના પર આફત લાવું છું અને તેના રહેવાસીઓ કંટાળી જશે.’”+
અહીં યર્મિયાનો સંદેશો પૂરો થાય છે.