રોમનોને પત્ર
૪ જો એમ હોય તો આપણા પૂર્વજ ઇબ્રાહિમ વિશે શું કહીશું? ૨ જો ઇબ્રાહિમ પોતાનાં કાર્યોને લીધે નેક સાબિત થયા હોત, તો અભિમાન કરવાનું તેમની પાસે કારણ હોત. પણ ઈશ્વર આગળ અભિમાન કરવાનું તેમની પાસે કોઈ કારણ ન હતું. ૩ શાસ્ત્રવચનો શું કહે છે? “ઇબ્રાહિમે યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક* ગણાયો.”+ ૪ હવે મજૂરને જે મજૂરી આપવામાં આવે છે, એ અપાર કૃપા નથી, એ તો તેનો હક છે.* ૫ બીજી બાજુ, એક એવો માણસ છે, જે પોતાનાં કામ પર આધાર રાખવાને બદલે ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે. પાપીને નેક ઠરાવનાર ઈશ્વર એવા માણસને તેની શ્રદ્ધાને લીધે નેક ગણે છે.+ ૬ દાઉદે પણ એવા માણસને સુખી કહ્યો, જેણે નિયમશાસ્ત્ર પ્રમાણે કામ કર્યાં ન હતાં, છતાં ઈશ્વરે તેને નેક ગણ્યો હતો. દાઉદે કહ્યું: ૭ “સુખી છે એ લોકો, જેઓનાં ખોટાં કામ માફ થયાં છે અને જેઓનાં પાપ ભૂંસી નાખવામાં* આવ્યાં છે. ૮ સુખી છે એ માણસ, જેનાં પાપને યહોવા* યાદ કરતા નથી.”+
૯ શું આ ખુશી ફક્ત સુન્નત થયેલા લોકોને જ મળે છે કે પછી સુન્નત વગરના લોકોને પણ મળે છે?+ કેમ કે આપણે કહીએ છીએ: “ઇબ્રાહિમ પોતાની શ્રદ્ધાને લીધે નેક* ગણાયો.”+ ૧૦ તો કયા સંજોગોમાં તે નેક ગણાયા? તેમની સુન્નત થઈ એ પછી કે એ પહેલાં? સુન્નત થઈ એ પહેલાં. ૧૧ સુન્નત પહેલાં તેમણે બતાવેલી શ્રદ્ધાને લીધે તે નેક ગણાયા. એની નિશાની*+ તરીકે ઈશ્વરે તેમને સુન્નત કરાવવા કહ્યું, જેથી તે એવા લોકોના પિતા બને,+ જેઓ બેસુન્નતી હોવા છતાં શ્રદ્ધાને લીધે નેક ગણાય છે. ૧૨ તે સુન્નત થયેલા વંશજના પણ પિતા બન્યા. સુન્નત થઈ હતી તેઓના જ નહિ, પણ એ બધાના પિતા બન્યા, જેઓ ઇબ્રાહિમના પગલે ચાલે છે અને તેમના જેવી શ્રદ્ધા બતાવે છે.+ એવી શ્રદ્ધા, જે ઇબ્રાહિમે પોતાની સુન્નત થઈ એ પહેલાં બતાવી હતી.
૧૩ ઇબ્રાહિમને કે તેમના વંશજને નિયમ પાળવાને લીધે પૃથ્વીના* વારસ બનવાનું વચન મળ્યું ન હતું.+ પણ શ્રદ્ધાને લીધે તેઓ નેક ગણાયા હતા, એટલે એ વચન મળ્યું હતું.+ ૧૪ જો નિયમશાસ્ત્ર પાળવાને લીધે વારસો મળવાનો હોય, તો શ્રદ્ધા અર્થ વગરની બને છે અને વચન નકામું બની જાય છે. ૧૫ હકીકતમાં, નિયમશાસ્ત્ર સજા* લાવે છે.+ પણ જ્યાં નિયમ નથી, ત્યાં કોઈ નિયમ તૂટતો પણ નથી.+
૧૬ ઇબ્રાહિમને પોતાની શ્રદ્ધાને લીધે વચન મળ્યું અને એમાં ઈશ્વરની અપાર કૃપા દેખાઈ આવી.+ એટલે તેમના બધા વંશજને પણ એ વચન મળ્યું.+ જેઓ નિયમશાસ્ત્ર પાળે છે ફક્ત તેઓને જ નહિ, પણ જેઓ આપણા બધાના પિતા ઇબ્રાહિમ જેવી શ્રદ્ધા બતાવે છે, તેઓને પણ એ વચન મળ્યું.+ ૧૭ (શાસ્ત્રમાં લખેલું છે: “મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”)+ ઇબ્રાહિમે એ ઈશ્વર આગળ શ્રદ્ધા બતાવી, જે મરેલાઓને જીવતા કરે છે અને જે વાતો પૂરી થઈ નથી, એ જાણે પૂરી થઈ હોય એ રીતે વાત કરે છે.* ૧૮ ભલે ઇબ્રાહિમને ત્યાં બાળક થાય એવી કોઈ આશા ન હતી, છતાં ઇબ્રાહિમે આશા રાખી અને શ્રદ્ધા બતાવી કે તે ઘણી પ્રજાઓના પિતા બનશે, જેમ તેમને કહેવામાં આવ્યું હતું: “તારા ઘણા વંશજ થશે.”+ ૧૯ ઇબ્રાહિમ પોતાના શરીરને મરેલા જેવું જ ગણતા હતા (કારણ કે તેમની ઉંમર આશરે ૧૦૦ વર્ષ હતી).+ તેમને ખબર હતી કે સારાહને બાળક થાય એ ઉંમર વીતી ગઈ છે.+ એ બધું જાણ્યા છતાં તેમની શ્રદ્ધા નબળી પડી નહિ. ૨૦ ઈશ્વરે આપેલા વચનને લીધે તેમણે ક્યારેય શંકા કરી નહિ અથવા તેમની શ્રદ્ધા ડગી નહિ. પણ તેમની શ્રદ્ધાએ તેમને બળ આપ્યું અને તેમણે ઈશ્વરને મહિમા આપ્યો. ૨૧ તેમને પૂરી ખાતરી હતી કે ઈશ્વર પોતાનું વચન પૂરું કરી શકે છે.+ ૨૨ એટલે શ્રદ્ધાને લીધે “તે નેક ગણાયો.”+
૨૩ “તે નેક ગણાયો,” એ શબ્દો ફક્ત તેમના માટે લખવામાં આવ્યા ન હતા.+ ૨૪ એ આપણા માટે પણ લખવામાં આવ્યા છે. આપણને પણ નેક ગણવામાં આવશે, કેમ કે આપણે એ ઈશ્વરમાં ભરોસો રાખીએ છીએ, જેમણે આપણા માલિક ઈસુને મરણમાંથી ઉઠાડ્યા છે.+ ૨૫ ઈસુને આપણાં પાપ માટે મરણને સોંપી દેવામાં આવ્યા+ અને આપણને નેક ઠરાવવા તેમને ઉઠાડવામાં આવ્યા.+