રોમનોને પત્ર
૬ હવે આપણે શું કહીશું? શું આપણે પાપ કરતા રહીએ, જેથી અપાર કૃપા વધતી જાય? ૨ જરાય નહિ! જો આપણે પાપથી આઝાદ થઈ ગયા હોઈએ,*+ તો એમાં કઈ રીતે જીવતા રહી શકીએ?+ ૩ શું તમે જાણતા નથી કે આપણે ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા* લીધું હોવાથી+ તેમના મરણમાં પણ બાપ્તિસ્મા લીધું?+ ૪ આપણે તેમના મરણમાં બાપ્તિસ્મા લઈને તેમની સાથે દફન થયા,+ જેથી ઈશ્વરના મહિમાથી જેમ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા, તેમ આપણને પણ નવું જીવન મળે.+ ૫ જો આપણે તેમની જેમ મર્યા છીએ,+ તો આપણને તેમની જેમ જરૂર જીવતા કરવામાં આવશે.+ આમ આપણે તેમની સાથે એક થઈશું. ૬ આપણે જાણીએ છીએ કે આપણો જૂનો સ્વભાવ ખ્રિસ્ત સાથે વધસ્તંભ* પર જડવામાં આવ્યો,+ જેથી પાપી શરીરનો આપણા પર કોઈ કાબૂ ન રહે.+ આપણે હવે પાપના દાસ રહેવું ન જોઈએ.+ ૭ કેમ કે જેનું મરણ થાય છે, તે પોતાના પાપથી આઝાદ થાય છે.*
૮ આપણે ખ્રિસ્ત સાથે મર્યા છીએ અને આપણને ભરોસો છે કે આપણે તેમની સાથે જીવીશું પણ ખરા. ૯ આપણે જાણીએ છીએ કે ખ્રિસ્ત, જેમને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે,+ તે ફરી કદી મરશે નહિ.+ મરણનો હવે તેમના પર કોઈ અધિકાર નથી. ૧૦ પાપનો અંત લાવવા ખ્રિસ્ત મોતને ભેટ્યા. એવું તેમણે એક જ વાર અને હંમેશ માટે કર્યું,+ પણ હમણાં તે જે જીવન જીવે છે, એ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા જીવે છે. ૧૧ એવી જ રીતે, તમે પાપ માટે પોતાને મરેલા ગણો, પણ ઈશ્વર માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા પોતાને જીવતા ગણો.+
૧૨ પાપને તમારાં નાશવંત શરીરો પર રાજ કરવા ન દો,+ નહિતર તમે શરીરની ઇચ્છાના ગુલામ બની જશો. ૧૩ તમારાં શરીરોને* દુષ્ટ કામ કરવા પાપને સોંપી ન દો, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલા લોકો જેવા પોતાને ઈશ્વર આગળ રજૂ કરો. તમારાં શરીરોને* સારાં કામ કરવા ઈશ્વરના હાથમાં સોંપી દો.+ ૧૪ તમે નિયમશાસ્ત્રને આધીન નથી+ પણ અપાર કૃપાને આધીન છો,+ એટલે પાપને તમારા પર રાજ કરવા ન દો.
૧૫ આપણે નિયમશાસ્ત્રને નહિ, પણ અપાર કૃપાને આધીન છીએ, તો શું આપણે પાપ કરવું જોઈએ?+ ના, જરાય નહિ! ૧૬ જો તમે કોઈની આજ્ઞા પાળવા પોતાને દાસ તરીકે રજૂ કરો છો, તો તમે તેના દાસ બનો છો, ખરું ને?+ તેથી જો તમે પાપના દાસ છો+ તો તમે મરશો,+ પણ જો તમે ઈશ્વરની આજ્ઞા પાળીને તેમના દાસ બનો છો તો તમે નેક ગણાશો. ૧૭ તમે એક સમયે પાપના દાસ હતા, પણ ઈશ્વરનો આભાર કે તમને જે શિક્ષણ આપવામાં આવ્યું એ તમે પૂરા દિલથી પાળ્યું. ૧૮ હા, તમને પાપથી આઝાદ કરવામાં આવ્યા હોવાથી+ તમે નેક કામોના દાસ બન્યા છો.+ ૧૯ તમારા પાપી વલણને લીધે હું સરળ શબ્દોમાં તમારી સાથે વાત કરું છું. તમે શરીરની ઇચ્છાઓ સંતોષવા અશુદ્ધ અને દુષ્ટ કામોના ગુલામ બન્યા હતા. પણ હવે એવી ઇચ્છાઓ કેળવો, જેથી તમે નેક અને પવિત્ર કામોના દાસ બનો.+ ૨૦ કેમ કે તમે પાપના દાસ હતા ત્યારે તમે નેક કામોથી દૂર હતા.
૨૧ એ સમયે તમારાં કામોનું પરિણામ શું હતું? એ કામોને લીધે તમને હમણાં શરમ આવે છે અને એ કામોનું પરિણામ મરણ છે.+ ૨૨ પણ હવે તમે પાપથી આઝાદ થયા છો, એટલે ઈશ્વરના દાસ તરીકે પવિત્ર કામ કરો.+ એનું પરિણામ હંમેશ માટેનું જીવન છે.+ ૨૩ કેમ કે પાપ જે મજૂરી ચૂકવે છે, એ મરણ છે.+ પણ આપણા માલિક, ખ્રિસ્ત ઈસુ દ્વારા+ ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.+