યર્મિયા
૩૨ યહૂદાના રાજા સિદકિયાના શાસનના ૧૦મા વર્ષે, એટલે કે નબૂખાદનેસ્સારના* શાસનના ૧૮મા વર્ષે યહોવાનો સંદેશો યર્મિયાને મળ્યો.+ ૨ એ સમયે બાબેલોનના રાજાની સેનાએ યરૂશાલેમ પર ઘેરો નાખ્યો હતો. યહૂદાના રાજાના મહેલના ચોકીદારના આંગણામાં+ યર્મિયા પ્રબોધકને કેદમાં રાખ્યો હતો.* ૩ યહૂદાના રાજા સિદકિયાએ આવું કહીને તેને કેદમાં રાખ્યો હતો:+ “તું કેમ આવી ભવિષ્યવાણી કરે છે? તું જાહેર કરે છે, ‘યહોવા કહે છે: “હું આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપીશ. તે એને કબજે કરી લેશે.+ ૪ યહૂદાનો રાજા સિદકિયા ખાલદીઓના હાથમાંથી બચી નહિ શકે. તેને ચોક્કસ બાબેલોનના રાજાના હાથમાં સોંપવામાં આવશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે મોઢામોઢ વાત કરશે.”’+ ૫ યહોવા કહે છે, ‘તે સિદકિયાને બાબેલોન લઈ જશે. હું જ્યાં સુધી તેના પર ધ્યાન નહિ આપું, ત્યાં સુધી તે ત્યાં રહેશે. ભલે તમે ખાલદીઓની સામે લડશો, પણ તમે જીતી નહિ શકો.’”+
૬ યર્મિયાએ કહ્યું: “યહોવાએ મને આ સંદેશો આપ્યો, ૭ ‘તારા કાકા શાલ્લૂમનો દીકરો હનામએલ તારી પાસે આવશે અને તને કહેશે: “અનાથોથ શહેરમાં આવેલું મારું ખેતર તું ખરીદી લે.+ એને ખરીદવાનો* પહેલો હક તારો છે.”’”+
૮ યહોવાએ કહ્યું હતું એ પ્રમાણે મારા કાકાનો દીકરો હનામએલ ચોકીદારના આંગણામાં મારી પાસે આવ્યો. તેણે મને કહ્યું: “બિન્યામીન પ્રદેશના અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે. એનો કબજો મેળવવાનો અને એને ખરીદવાનો હક તારો છે. તું એને પોતાના માટે ખરીદી લે.” ત્યારે મને જાણ થઈ કે એ યહોવાની ઇચ્છાથી થયું હતું.
૯ એટલે મેં મારા કાકાના દીકરા હનામએલ પાસેથી અનાથોથનું તેનું ખેતર ખરીદી લીધું. મેં તેને સાત શેકેલ* અને ચાંદીના દસ ટુકડા તોળી આપ્યા.+ ૧૦ પછી મેં એ ખેતરનો દસ્તાવેજ બનાવ્યો+ અને એના પર મહોર* મારી. મેં સાક્ષીઓને બોલાવ્યા+ અને એની કિંમત ત્રાજવામાં તોળી આપી. ૧૧ પછી મેં કાયદા અને નિયમ પ્રમાણે મહોર કરેલો એ દસ્તાવેજ લીધો. એની સાથે મહોર ન કરેલો દસ્તાવેજ પણ લીધો. ૧૨ મેં મહોર કરેલો દસ્તાવેજ મારા કાકાના દીકરા હનામએલની હાજરીમાં, દસ્તાવેજ પર સહી કરનાર સાક્ષીઓની હાજરીમાં અને ચોકીદારના આંગણામાં બેઠેલા યહૂદીઓની હાજરીમાં બારૂખને+ આપ્યો.+ બારૂખ માહસેયાના દીકરા નેરીયાનો દીકરો+ હતો.
૧૩ તેઓની હાજરીમાં મેં બારૂખને સૂચના આપી: ૧૪ “ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘મહોર કરેલો અને મહોર ન કરેલો દસ્તાવેજ તું લે. એ બંને દસ્તાવેજો તું માટીના વાસણમાં મૂક, જેથી એ લાંબો સમય સચવાઈ રહે.’ ૧૫ ઇઝરાયેલના ઈશ્વર, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, ‘આ દેશમાં ઘરો, ખેતરો અને દ્રાક્ષાવાડીઓ ફરી ખરીદવામાં આવશે.’”+
૧૬ મેં નેરીયાના દીકરા બારૂખને મહોર કરેલો દસ્તાવેજ આપ્યો એ પછી મેં યહોવાને પ્રાર્થના કરી: ૧૭ “હે વિશ્વના માલિક યહોવા, જુઓ! તમે તમારી પ્રચંડ શક્તિથી અને તમારા બળવાન હાથથી આકાશો અને પૃથ્વી બનાવ્યાં છે.+ તમારા માટે કશું જ અશક્ય નથી. ૧૮ તમે હજારો પેઢીઓને અતૂટ પ્રેમ* બતાવો છો. પણ પિતાનાં પાપોની સજા તેઓના દીકરાઓ પર લાવો છો.*+ તમે સાચા ઈશ્વર* છો, મહાન અને શક્તિશાળી ઈશ્વર છો, જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે. ૧૯ તમારા ઇરાદા* મહાન છે, તમારાં કામો શક્તિશાળી છે.+ માણસોના બધા માર્ગો પર તમારી નજર છે,+ જેથી તમે દરેકને તેના માર્ગો પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે ફળ આપી શકો.+ ૨૦ ઇજિપ્ત દેશમાં તમે જે નિશાનીઓ અને ચમત્કારો બતાવ્યાં, એ આજે પણ જાણીતાં છે. તમે ઇઝરાયેલમાં અને માણસોમાં પોતાના માટે મોટું નામ બનાવ્યું,+ જે આજે પણ જગજાહેર છે. ૨૧ તમે ભયાનક કામો કરીને, નિશાનીઓ અને ચમત્કારો બતાવીને તેમજ પોતાના શક્તિશાળી અને બળવાન હાથથી તમારા ઇઝરાયેલી લોકોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા.+
૨૨ “સમય જતાં તમે તેઓને દૂધ-મધની રેલમછેલવાળો આ દેશ આપ્યો.+ એ દેશ આપવાના તમે તેઓના બાપદાદાઓ આગળ સમ ખાધા હતા.+ ૨૩ તેઓએ આવીને એ દેશ કબજે કર્યો, પણ તેઓએ તમારું સાંભળ્યું નહિ કે તમારા નિયમ પ્રમાણે ચાલ્યા નહિ. તમે તેઓને જે આજ્ઞાઓ આપી હતી, એમાંની એકેય તેઓએ માની નહિ. એટલે તમે તેઓ પર આ બધી આફતો લઈ આવ્યા.+ ૨૪ જુઓ! આ શહેરને કબજે કરવા માણસોએ ઘેરો નાખ્યો છે.+ તલવાર,+ દુકાળ અને ભયંકર રોગચાળાને*+ લીધે આ શહેર ખાલદીઓના હાથમાં જશે, જેઓ આ શહેર વિરુદ્ધ લડી રહ્યા છે. જુઓ! તમારો એકેએક શબ્દ સાચો પડ્યો છે. ૨૫ પણ હે વિશ્વના માલિક યહોવા, આ શહેર તો ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યું છે. તો પછી તમે કેમ કહો છો, ‘કિંમત ચૂકવીને તારા માટે ખેતર ખરીદ અને સાક્ષીઓને બોલાવ’?”
૨૬ ત્યારે યહોવાનો આ સંદેશો યર્મિયાને મળ્યો: ૨૭ “હું યહોવા છું, હું આખી માણસજાતનો ઈશ્વર છું. શું મારા માટે કંઈ પણ અશક્ય છે? ૨૮ એટલે યહોવા કહે છે, ‘હું આ શહેરને ખાલદીઓના હાથમાં અને બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારના* હાથમાં સોંપું છું. તે એને કબજે કરી લેશે.+ ૨૯ આ શહેર વિરુદ્ધ લડનાર ખાલદીઓ અંદર ઘૂસી આવશે. તેઓ આ શહેરને આગ લગાવશે અને એને ફૂંકી મારશે.+ તેઓ એ ઘરોને પણ બાળી નાખશે, જેની છત પર લોકોએ બઆલને બલિદાનો ચઢાવીને અને બીજા દેવોને દ્રાક્ષદારૂ-અર્પણો ચઢાવીને મને ગુસ્સે કર્યો હતો.’+
૩૦ “યહોવા કહે છે, ‘ઇઝરાયેલ અને યહૂદાના લોકોએ પોતાની યુવાનીથી મારી નજરમાં જે ખરાબ છે એ જ કર્યું છે.+ ઇઝરાયેલના લોકોએ પોતાનાં કામોથી મને ગુસ્સે કર્યો છે. ૩૧ આ શહેર બંધાયું ત્યારથી લઈને આજ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો છે અને મારો ક્રોધ ભડકાવ્યો છે.+ એટલે હું એને મારી નજર આગળથી દૂર કરી દઈશ.+ ૩૨ કેમ કે ઇઝરાયેલ અને યહૂદાના લોકોએ દુષ્ટ કામો કરીને મને ગુસ્સે કર્યો છે. તેઓએ, તેઓના રાજાઓએ,+ અધિકારીઓએ,+ યાજકોએ, પ્રબોધકોએ,+ યહૂદાના માણસોએ અને યરૂશાલેમના રહેવાસીઓએ એવું કર્યું છે. ૩૩ મારી સામે જોવાને બદલે તેઓએ અનેક વાર મારાથી પીઠ ફેરવી છે.+ મેં તેઓને વારંવાર* શીખવવાની કોશિશ કરી, પણ તેઓએ મારું સાંભળ્યું નહિ કે મારી શિસ્ત* સ્વીકારી નહિ.+ ૩૪ મારા નામે ઓળખાતા ઘરમાં તેઓએ ધિક્કારપાત્ર મૂર્તિઓ મૂકી છે. આમ તેઓએ મારા મંદિરને અપવિત્ર કર્યું છે.+ ૩૫ તેઓએ બઆલ માટે હિન્નોમની ખીણમાં*+ ભક્તિ-સ્થળો બાંધ્યાં, જેથી મોલેખ* આગળ પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં બલિ ચઢાવી શકે.+ મેં તેઓને એવું કરવાની આજ્ઞા આપી ન હતી,+ મારા દિલમાં એવો વિચાર પણ આવ્યો ન હતો કે એવાં કામોથી તેઓ યહૂદા પાસે પાપ કરાવે.’
૩૬ “તમે લોકો કહો છો, ‘તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાને લીધે આ શહેરને બાબેલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.’ પણ ઇઝરાયેલના ઈશ્વર યહોવા એ શહેર વિશે કહે છે, ૩૭ ‘મેં ગુસ્સે થઈને, ક્રોધે ભરાઈને અને રોષે ચઢીને તેઓને જે દેશોમાં વિખેરી નાખ્યા હતા, ત્યાંથી હું તેઓને ભેગા કરીશ.+ હું તેઓને આ જગ્યાએ પાછા લાવીશ અને તેઓ સુખ-શાંતિમાં રહેશે.+ ૩૮ તેઓ મારા લોકો બનશે અને હું તેઓનો ઈશ્વર બનીશ.+ ૩૯ હું તેઓને એક દિલ આપીશ+ અને એક રસ્તે ચલાવીશ, જેથી તેઓ હંમેશાં મારો ડર રાખે. જો તેઓ એમ કરશે, તો તેઓનું અને તેઓનાં બાળકોનું ભલું થશે.+ ૪૦ હું તેઓ સાથે એક કરાર કરીશ, જે કાયમ ટકશે.+ એ કરાર પ્રમાણે હું હંમેશાં તેઓનું ભલું કરીશ.+ હું તેઓનાં હૃદયોમાં મારો ડર મૂકીશ, જેથી તેઓ મારાથી દૂર ન જાય.+ ૪૧ તેઓનું ભલું કરવામાં મને ખુશી થશે.+ હું તેઓને મારા પૂરા દિલથી અને પૂરા જીવથી* આ દેશમાં વસાવીશ.’”*+
૪૨ “યહોવા કહે છે, ‘હું આ લોકો પર આફતો લાવ્યો હતો. પણ હવે હું મારા વચન પ્રમાણે તેઓને સારી સારી વસ્તુઓ આપીશ.+ ૪૩ તમે કહો છો, “આ દેશ ઉજ્જડ થઈ ગયો છે. એમાં ન માણસો વસે છે, ન પ્રાણીઓ. એ ખાલદીઓના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.” પણ આ દેશમાં ખેતરો ફરી ખરીદવામાં આવશે.’+
૪૪ “યહોવા કહે છે, ‘કિંમત ચૂકવીને ખેતરો ખરીદવામાં આવશે, વેચાણના દસ્તાવેજોની નોંધ કરવામાં આવશે, એના પર મહોર મારવામાં આવશે અને સાક્ષીઓ બોલાવવામાં આવશે. એ બધું બિન્યામીનના પ્રદેશમાં,+ યરૂશાલેમની આસપાસના પ્રદેશમાં, યહૂદાનાં શહેરોમાં,+ પહાડી વિસ્તારોનાં શહેરોમાં, શેફેલાહનાં* શહેરોમાં+ અને દક્ષિણનાં શહેરોમાં થશે. કેમ કે હું તેઓના ગુલામોને પાછા લાવીશ.’”+