લેવીય
૨૬ “‘તમે પોતાના માટે નકામા દેવો ન બનાવો.+ પોતાના માટે કોતરેલી મૂર્તિ+ કે ભક્તિ-સ્તંભ* પણ ઊભા ન કરો. તમે તમારા દેશમાં કોઈ કોતરેલો પથ્થર+ મૂકીને એની આગળ ન નમો,+ કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું. ૨ તમે મારા સાબ્બાથો પાળો અને મારી પવિત્ર જગ્યા માટે આદર બતાવો.* હું યહોવા છું.
૩ “‘જો તમે મારા નિયમો પ્રમાણે ચાલશો અને મારી આજ્ઞાઓ પાળશો,+ ૪ તો હું યોગ્ય સમયે તમારા પર વરસાદ વરસાવીશ;+ જમીન પોતાની ઊપજ આપશે+ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે. ૫ તમારી કાપણી એટલી બધી થશે કે, તમે હજી તો અનાજ ઝૂડતા હશો અને દ્રાક્ષો ભેગી કરવાનો સમય થઈ જશે. હજી તો દ્રાક્ષો ભેગી થઈ નહિ હોય અને એવામાં બી વાવવાનો સમય થઈ જશે. તમે ધરાઈને ખાશો અને તમારા દેશમાં સહીસલામત રહેશો.+ ૬ હું તમારા દેશમાં શાંતિ સ્થાપીશ.+ તમે શાંતિથી સૂઈ જશો અને કોઈ તમને ડરાવશે નહિ.+ હું દેશમાંથી જંગલી જાનવરોને કાઢી મૂકીશ અને તલવાર તમારા દેશ પર ત્રાટકશે નહિ. ૭ તમે તમારા દુશ્મનોની પાછળ પડશો અને તેઓ તમારી તલવારથી માર્યા જશે. ૮ તમારામાંના પાંચ માણસો ૧૦૦ને ભગાડશે અને ૧૦૦ માણસો ૧૦,૦૦૦ને ભગાડશે. તમારા દુશ્મનો તમારી તલવારથી માર્યા જશે.+
૯ “‘હું મારી કૃપા તમારા પર વરસાવીશ. તમને ઘણાં બાળકો થશે અને તમારા વંશજોની સંખ્યા વધતી જશે.+ હું તમારી સાથે કરેલો મારો કરાર પાળીશ.+ ૧૦ હજી તો તમે પાછલા વર્ષની ઊપજ ખાતા હશો અને નવી ઊપજ ભરવા તમારે જૂની ઊપજ કાઢી નાખવી પડશે. ૧૧ હું તમારી વચ્ચે મારો મંડપ સ્થાપીશ+ અને કદી તમારો નકાર નહિ કરું. ૧૨ હું તમારી વચ્ચે ચાલીશ અને તમારો ઈશ્વર થઈશ+ અને તમે મારા લોકો થશો.+ ૧૩ હું યહોવા તમારો ઈશ્વર છું. હું તમને ઇજિપ્ત દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું, જેથી તમે તેઓની ગુલામી નીચે ન રહો. મેં તમારી ગુલામીની ઝૂંસરી* ભાંગી નાખી છે, જેથી તમે માથું ઊંચું કરીને* ચાલી શકો.
૧૪ “‘પણ જો તમે મારું નહિ સાંભળો અને મારી આજ્ઞાઓ નહિ પાળો,+ ૧૫ મારા નિયમોનો નકાર કરશો,+ મારા કાયદા-કાનૂનનો તિરસ્કાર કરીને મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો અને મારો કરાર તોડશો,+ ૧૬ તો હું તમને આ પ્રમાણે સજા કરીશ: હું તમારા પર મુસીબતો લાવીશ. હું તમારા પર ક્ષયરોગ* અને ધગધગતો તાવ લાવીશ. એના લીધે તમારી આંખો ઝાંખી થઈ જશે અને તમારું બળ ક્ષીણ થઈ જશે. તમે બી વાવશો, પણ એની ઊપજ તમારા દુશ્મનો ખાઈ જશે.+ ૧૭ હું મારું મોં તમારી વિરુદ્ધ રાખીશ. તમે તમારા દુશ્મનો સામે હારી જશો.+ જેઓ તમને નફરત કરે છે, તેઓ પોતાના પગ નીચે તમને કચડી નાખશે.+ કોઈ તમારી પાછળ નહિ પડ્યું હોય, તોપણ તમે ડરના માર્યા નાસી જશો.+
૧૮ “‘એ પછી પણ જો તમે મારું નહિ સાંભળો, તો હું તમારાં પાપો માટે તમને સાત ગણી વધારે સજા કરીશ. ૧૯ હું તમારું હઠીલાપણું અને ઘમંડ તોડી નાખીશ. હું તમારાં આકાશોને લોઢા જેવાં*+ અને તમારી પૃથ્વીને તાંબા જેવી બનાવીશ.* ૨૦ તમારી મહેનત નકામી જશે, કેમ કે જમીન પોતાની ઊપજ આપશે નહિ+ અને વૃક્ષો પોતાનાં ફળ આપશે નહિ.
૨૧ “‘પણ જો તમે મારી વિરુદ્ધ ચાલ્યા કરશો અને મારું સાંભળવાનો નકાર કર્યા કરશો, તો હું તમારાં પાપો માટે તમને સાત ગણી વધારે સજા કરીશ. ૨૨ હું તમારી વચ્ચે જંગલી જાનવરો મોકલીશ.+ તેઓ તમારાં બાળકોને+ અને તમારાં પાલતુ પ્રાણીઓને ફાડી ખાશે. તમારામાંથી બહુ થોડા લોકો બાકી રહેશે અને તમારા રસ્તાઓ વેરાન થઈ જશે.+
૨૩ “‘એ પછી પણ જો તમે મારી શિસ્તનો* સ્વીકાર નહિ કરો+ અને મારી વિરુદ્ધ ચાલ્યા કરશો, ૨૪ તો હું પણ તમારી વિરુદ્ધ થઈશ અને તમારાં પાપો માટે તમને સાત ગણી વધારે સજા કરીશ. ૨૫ હું તમારા પર તલવાર લાવીને મારો કરાર તોડવાનો બદલો લઈશ.+ જો તમે શહેરોમાં નાસી જશો, તો હું તમારી વચ્ચે બીમારી મોકલીશ+ અને તમારા દુશ્મનના હાથમાં તમને સોંપી દઈશ.+ ૨૬ હું તમારા ખોરાકના ભંડારનો* નાશ કરીશ+ ત્યારે, દસ સ્ત્રીઓ એક ચૂલામાં રોટલી શેકી શકે એટલું જ બાકી રહેશે. તેઓ વજન કરીને તમને રોટલી આપશે.+ તમે એ ખાશો, છતાં ધરાશો નહિ.+
૨૭ “‘એ પછી પણ જો તમે મારું નહિ સાંભળો અને મારી વિરુદ્ધ ચાલ્યા કરશો, ૨૮ તો હું વધારે ગુસ્સે ભરાઈને તમારી વિરુદ્ધ થઈશ+ અને તમારાં પાપો માટે તમને સાત ગણી વધારે સજા કરીશ. ૨૯ તમારે તમારાં દીકરા-દીકરીઓનું માંસ ખાવું પડશે.+ ૩૦ જે ભક્તિ-સ્થળોને* તમે પવિત્ર ગણો છો, એનો હું નાશ કરી નાખીશ+ અને તમારી ધૂપદાનીઓને કાપી નાખીશ. હું તમારી નિર્જીવ ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પર તમારાં મડદાંના ઢગલે-ઢગલા કરી દઈશ. હું તમારો ધિક્કાર કરીને મારું મોં તમારાથી ફેરવી લઈશ.+ ૩૧ હું તમારાં શહેરોને તલવારને હવાલે કરી દઈશ.+ હું તમારી પવિત્ર જગ્યાઓને ઉજ્જડ કરી નાખીશ અને તમારાં બલિદાનોની સુવાસથી હું ખુશ* નહિ થાઉં.* ૩૨ હું દેશને ઉજ્જડ કરી નાખીશ+ અને તમારા દુશ્મનો એમાં આવીને વસશે ત્યારે, એની હાલત જોઈને નવાઈ પામશે.+ ૩૩ હું તમને બીજી પ્રજાઓમાં વિખેરી નાખીશ+ અને તલવાર કાઢીને તમારી પાછળ પડીશ.+ તમારો દેશ ઉજ્જડ થઈ જશે+ અને તમારાં શહેરો વેરાન થઈ જશે.
૩૪ “‘તમે જેટલો સમય દુશ્મનોના દેશમાં રહેશો અને તમારો દેશ ઉજ્જડ પડ્યો રહેશે, એટલો સમય દેશ પોતાના સાબ્બાથો પાળશે અને પોતાનો બદલો વાળશે. હા, એટલો સમય દેશ પૂરો આરામ કરશે,* કેમ કે એણે જે સાબ્બાથો પાળવાના હતા, એ પાળ્યા નથી.+ ૩૫ જેટલો સમય એ ઉજ્જડ રહેશે, એટલો સમય એ આરામ કરશે, કેમ કે તમે એ દેશમાં રહેતા હતા ત્યારે, તમે સાબ્બાથો પાળ્યા ન હતા અને એને આરામ મળ્યો ન હતો.
૩૬ “‘જેઓ બચી જશે,+ તેઓનાં દિલમાં હું તેઓના દુશ્મનોનો ડર એટલો ભરી દઈશ કે એક પાંદડું હલવાના અવાજથી પણ તેઓ નાસી છૂટશે. જેમ કોઈ તલવારથી નાસતું હોય, એમ તેઓ નાસી જશે અને કોઈ પાછળ નહિ પડ્યું હોય, તોપણ તેઓ ગબડી પડશે.+ ૩૭ કોઈ પાછળ નહિ પડ્યું હોય, તોપણ જાણે તલવાર લઈને કોઈ પાછળ પડ્યું હોય, એમ તેઓ નાસતાં નાસતાં એકબીજા પર પડશે. તમે તમારા દુશ્મનોનો સામનો નહિ કરી શકો.+ ૩૮ તમે બીજી પ્રજાઓ વચ્ચે નાશ પામશો+ અને તમારા દુશ્મનોનો દેશ તમને ભરખી જશે. ૩૯ જેઓ બચી જશે, તેઓને હું તેઓના અપરાધોને લીધે દુશ્મનોના દેશમાં સડવા દઈશ.+ હા, તેઓના પિતાઓના અપરાધોને લીધે તેઓને સડવા દઈશ.+ ૪૦ પછી તેઓ પોતાના અપરાધો અને પોતાના પિતાઓનાં અપરાધો અને બેવફાઈ સ્વીકારશે.+ તેઓ કબૂલ કરશે કે, મારી વિરુદ્ધ ચાલીને તેઓ મને બેવફા થયા છે+ ૪૧ અને એ કારણે હું તેઓની વિરુદ્ધ થયો+ અને તેઓને દુશ્મનોના દેશમાં લઈ ગયો.+
“‘એનું કારણ એ છે કે કદાચ તેઓનાં હઠીલાં હૃદય નમ્ર બને+ અને તેઓ પોતાના અપરાધોની સજા ભોગવે. ૪૨ પછી હું એ કરાર યાદ કરીશ, જે મેં યાકૂબ સાથે,+ ઇસહાક સાથે+ અને ઇબ્રાહિમ સાથે+ કર્યો હતો. હું વચન આપેલા દેશને યાદ કરીશ. ૪૩ જ્યારે ઇઝરાયેલીઓ દેશ છોડીને ચાલ્યા જશે, ત્યારે દેશ પોતાના સાબ્બાથો પાળશે+ અને પોતાનો બદલો વાળશે. હા, દેશ તેઓ વગર ઉજ્જડ પડ્યો રહેશે અને તેઓ પોતાના અપરાધોની સજા ભોગવશે, કેમ કે તેઓએ મારા કાયદા-કાનૂનનો નકાર કર્યો છે અને મારા નિયમો પાળ્યા નથી.+ ૪૪ તેમ છતાં, તેઓ જ્યારે દુશ્મનોના દેશમાં હશે, ત્યારે હું તેઓને ત્યજી દઈશ નહિ+ કે તેઓનો સર્વનાશ કરી દઉં એટલી હદે તેઓને ધિક્કારીશ નહિ. નહિતર, તેઓ સાથે કરેલો મારો કરાર તૂટી જશે.+ હું યહોવા તેઓનો ઈશ્વર છું. ૪૫ હું તેઓની ખાતર મારો એ કરાર યાદ કરીશ, જે મેં તેઓના પૂર્વજો સાથે કર્યો હતો.+ હું બધી પ્રજાઓના દેખતા તેઓના પૂર્વજોને ઇજિપ્ત દેશમાંથી બહાર લઈ આવ્યો હતો,+ જેથી સાબિત કરું કે હું તેઓનો ઈશ્વર છું. હું યહોવા છું.’”
૪૬ યહોવાએ મૂસા દ્વારા એ આજ્ઞાઓ, કાયદા-કાનૂન અને નિયમો સિનાઈ પર્વત પર ઇઝરાયેલીઓને આપ્યાં હતાં.+