યોહાન
૧૦ “હું તમને સાચે જ કહું છું કે ઘેટાંના વાડામાં જે કોઈ દરવાજામાંથી અંદર આવવાને બદલે દીવાલ ચઢીને આવે છે, એ ચોર અને લુટારો છે.+ ૨ પણ જે દરવાજામાંથી અંદર આવે છે એ ઘેટાંપાળક છે.+ ૩ દરવાન તેના માટે દરવાજો ખોલે છે.+ ઘેટાં તેનો અવાજ સાંભળે છે+ અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે. તે તેઓને બહાર લઈ જાય છે. ૪ તે પોતાનાં બધાં ઘેટાંને બહાર લાવીને તેઓની આગળ ચાલે છે. ઘેટાં તેની પાછળ પાછળ જાય છે, કારણ કે તેઓ તેનો અવાજ ઓળખે છે. ૫ તેઓ અજાણ્યા પાછળ કદી જશે નહિ. તેઓ તેની પાસેથી દૂર નાસી જશે, કારણ કે તેઓ અજાણ્યાઓનો અવાજ ઓળખતા નથી.” ૬ ઈસુએ આ ઉદાહરણ લોકોને કહ્યું, પણ તેઓને સમજાયું નહિ કે તે શું કહેવા માંગતા હતા.
૭ ઈસુએ ફરીથી કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે હું દરવાજો છું, જેમાંથી ઘેટાં અંદર જાય છે.+ ૮ જેઓ દાવો કરે છે કે પોતે સારા ઘેટાંપાળક છે, તેઓ બધા ચોર અને લુટારા છે. પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નથી. ૯ હું દરવાજો છું અને જે કોઈ મારા દ્વારા ઘેટાંના વાડામાં જાય છે તેનો બચાવ થશે. તે અંદર આવશે ને બહાર જશે અને તેને ઘાસચારો મળશે.+ ૧૦ ચોર ફક્ત ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા માટે જ આવે છે.+ પણ હું એ માટે આવ્યો છું, જેથી ઘેટાંને જીવન મળે, હા લાંબું જીવન મળે. ૧૧ હું ઉત્તમ ઘેટાંપાળક છું.+ ઉત્તમ ઘેટાંપાળક ઘેટાં માટે પોતાનું જીવન આપી દે છે.+ ૧૨ પણ ભાડૂતી માણસ ઘેટાંપાળક નથી અને ઘેટાં તેનાં પોતાનાં નથી. વરુ આવતું જોઈને તે ઘેટાં મૂકીને નાસી જાય છે. વરુ તેઓ પર હુમલો કરે છે અને તેઓને વિખેરી નાખે છે. ૧૩ તે ભાડૂતી માણસ હોવાથી નાસી જાય છે. તેને ઘેટાંની કંઈ પડી નથી. ૧૪ હું ઉત્તમ ઘેટાંપાળક છું. હું મારાં ઘેટાંને અને મારાં ઘેટાં મને ઓળખે છે,+ ૧૫ જેમ મારા પિતા મને અને હું મારા પિતાને ઓળખું છું.+ હું ઘેટાંને માટે મારું જીવન* આપું છું.+
૧૬ “મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી.+ તેઓને પણ મારે લઈ આવવાનાં છે. તેઓ મારો અવાજ સાંભળશે. બધાં ઘેટાં એક ટોળું બનશે અને તેઓનો એક ઘેટાંપાળક હશે.+ ૧૭ પિતા મને પ્રેમ કરે છે,+ કારણ કે હું મારું જીવન આપું છું,+ જેથી હું એ પાછું મેળવી શકું. ૧૮ કોઈ માણસ મારી પાસેથી મારું જીવન લઈ શકતો નથી, પણ હું એ મારી પોતાની મરજીથી આપું છું. મારી પાસે એ આપવાનો અધિકાર છે અને એ પાછું મેળવવાનો પણ અધિકાર છે.+ મારા પિતા પાસેથી મને એ આજ્ઞા મળી છે.”
૧૯ આ વાતથી યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.+ ૨૦ તેઓમાંથી ઘણા કહેતા હતા: “તેનામાં દુષ્ટ દૂત છે અને તે ગાંડો છે. તમે તેનું કેમ સાંભળો છો?” ૨૧ બીજાઓએ કહ્યું: “જો એ માણસમાં દુષ્ટ દૂત હોય તો આવી વાતો ન કરી શકે. શું કોઈ દુષ્ટ દૂત આંધળા લોકોને દેખતા કરી શકે?”
૨૨ એ સમયે યરૂશાલેમમાં મંદિરના ઉદ્ઘાટનનો તહેવાર* હતો. એ શિયાળાનો સમય હતો. ૨૩ ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ચાલતા હતા.+ ૨૪ એ વખતે યહૂદીઓએ તેમને ઘેરી લીધા અને કહેવા લાગ્યા: “તું ક્યાં સુધી અમને અંધારામાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય, તો અમને સાફ સાફ કહી દે.” ૨૫ ઈસુએ તેઓને કહ્યું: “મેં તમને જણાવ્યું પણ તમે મારું માનતા નથી. મારા પિતાના નામે હું જે કામો કરું છું, એ કામો મારા વિશે સાક્ષી પૂરે છે.+ ૨૬ પણ તમે માનતા નથી, કારણ કે તમે મારાં ઘેટાં નથી.+ ૨૭ મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે અને હું તેઓને ઓળખું છું. તેઓ મારી પાછળ પાછળ ચાલે છે.+ ૨૮ હું તેઓને હંમેશ માટેનું જીવન આપું છું.+ તેઓનો કદી નાશ થશે નહિ અને તેઓને મારા હાથમાંથી કોઈ છીનવી લેશે નહિ.+ ૨૯ મારા પિતાએ મને જે ઘેટાં આપ્યાં છે એ બીજી બધી વસ્તુઓ કરતાં વધારે કીમતી છે. મારા પિતાના હાથમાંથી તેઓને કોઈ છીનવી શકશે નહિ.+ ૩૦ હું અને પિતા એક છીએ.”*+
૩૧ ફરી એક વાર યહૂદીઓએ તેમને મારવા પથ્થર ઉપાડ્યા. ૩૨ ઈસુએ તેઓને કહ્યું: “મારા પિતા તરફથી મેં તમારી આગળ ઘણાં સારાં કામો કરી બતાવ્યાં છે. એમાંનાં કયાં કામ માટે તમે મને પથ્થર મારો છો?” ૩૩ યહૂદીઓએ તેમને કહ્યું: “તારા કોઈ સારા કામ માટે નહિ, પણ તેં ઈશ્વરની નિંદા કરી એ માટે પથ્થર મારીએ છીએ.+ તું માણસ હોવા છતાં, પોતાને ઈશ્વર માને છે.” ૩૪ ઈસુએ કહ્યું: “શું તમારા નિયમશાસ્ત્રમાં આમ લખેલું નથી: ‘મેં કહ્યું, “તમે દેવો છો”’?*+ ૩૫ ઈશ્વર તો એવા લોકોને ‘દેવો’+ કહે છે, જેઓને શાસ્ત્રવચન દોષિત ઠરાવે છે અને શાસ્ત્રવચનની એ વાત બદલી શકાતી નથી. ૩૬ તો પછી હું તો એ છું જેને ઈશ્વરે પવિત્ર કર્યો છે અને દુનિયામાં મોકલ્યો છે. જ્યારે મેં કહ્યું, ‘હું ઈશ્વરનો દીકરો છું,’ ત્યારે તમે મને કેમ કહો છો કે ‘તું ઈશ્વરની નિંદા કરે છે’?+ ૩૭ જો હું મારા પિતાનાં કામો ન કરતો હોઉં, તો મારું ન માનતા. ૩૮ ભલે તમે મારું ન માનો, પણ હું જે કામો કરું છું એ કામોને તો માનો.+ એ માટે કે તમે જાણો અને સારી રીતે સમજો કે પિતા મારી સાથે એકતામાં છે અને હું પિતાની સાથે એકતામાં છું.”+ ૩૯ એટલે તેઓએ ફરીથી તેમને પકડવાની કોશિશ કરી, પણ તે તેઓના હાથમાંથી છટકી ગયા.
૪૦ ફરીથી ઈસુ યર્દન પાર એ જગ્યાએ ગયા, જ્યાં યોહાન શરૂઆતમાં બાપ્તિસ્મા આપતો હતો.+ તે ત્યાં રોકાયા. ૪૧ ઘણા લોકો તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “યોહાને એક પણ ચમત્કાર કર્યો ન હતો. પણ યોહાને આ માણસ વિશે જે કંઈ કહ્યું હતું એ બધું સાચું છે.”+ ૪૨ ત્યાં ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી.