પિતરનો પહેલો પત્ર
૩ એવી જ રીતે, પત્નીઓ, તમે તમારા પતિને આધીન રહો,+ જેથી જો કોઈ પતિ ઈશ્વરનો સંદેશો માનનાર ન હોય,+ ૨ તો પત્ની પોતાના શબ્દોથી નહિ, પણ પવિત્ર વર્તન+ અને ઊંડા આદરથી પોતાના પતિને જીતી શકે. ૩ તમારો શણગાર બહારનો ન હોય, જેમ કે, વાળ ગૂંથવા, સોનાનાં ઘરેણાં+ અને મોંઘાં મોંઘાં કપડાં પહેરવાં. ૪ પણ તમારો શણગાર અંદરનો હોય, એટલે કે શાંત અને કોમળ સ્વભાવનો+ હોય. એ એવો શણગાર છે, જેનો નાશ થતો નથી અને જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે. ૫ પહેલાંના સમયની પવિત્ર સ્ત્રીઓ ઈશ્વરમાં આશા રાખતી હતી અને એવી જ રીતે શણગાર કરતી હતી અને પોતાના પતિને આધીન રહેતી હતી, ૬ જેમ સારાહ ઇબ્રાહિમને આધીન રહેતી હતી અને તેમને “સ્વામી” કહેતી હતી.+ જો તમે સારું કરતી રહો અને કશાથી નહિ ડરો, તો તમે સારાહની દીકરીઓ છો.+
૭ એવી જ રીતે, પતિઓ, તમારી પત્ની સાથે સમજદારીથી રહો.* સ્ત્રીઓ નાજુક વાસણ જેવી છે, એટલે તેઓને માન આપો,+ નહિતર તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં આવશે, કેમ કે તમારી સાથે તેઓ પણ અપાર કૃપાથી મળતા જીવનની વારસ છે.+
૮ છેવટે, તમે બધા એકમનના,*+ સુખ-દુઃખના સાથી, ભાઈ જેવો પ્રેમ રાખનારા, માયાળુ+ અને નમ્ર+ બનો. ૯ બૂરાઈનો બદલો બૂરાઈથી ન વાળો+ અથવા અપમાનનો બદલો અપમાનથી ન લો.+ એના બદલે, સામે આશીર્વાદ આપો,+ કેમ કે બીજાઓને આશીર્વાદ આપવા તમને બોલાવવામાં આવ્યા છે, જેથી તમે આશીર્વાદનો વારસો મેળવો.
૧૦ કેમ કે લખેલું છે: “જે કોઈ જીવનને વહાલું ગણે છે અને સારા દિવસો જોવા માંગે છે, તેણે પોતાની જીભને બૂરાઈથી+ અને પોતાના હોઠને છળ-કપટથી દૂર રાખવાં. ૧૧ તેણે ખરાબ કામોથી પાછા ફરવું+ અને ભલું કરવું.+ તેણે હળી-મળીને રહેવું અને શાંતિ રાખવા મહેનત કરવી.+ ૧૨ કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+
૧૩ જો તમે સારાં કામ કરવા ઉત્સાહી બનો, તો કોણ તમને નુકસાન કરશે?+ ૧૪ જો તમારે ખરા માર્ગે ચાલવાને લીધે સહેવું પડે, તો તમે સુખી છો.+ પણ બીજા લોકો જેનાથી ડરે છે એનાથી ડરશો નહિ* અને ચિંતા કરશો નહિ.+ ૧૫ એના બદલે, તમે દિલથી સ્વીકારો કે ખ્રિસ્ત જ તમારા માલિક છે અને તે માનને યોગ્ય છે.* તમે જે આશા રાખો છો એ વિશે કોઈ ખુલાસો માંગે તો, તેને જવાબ આપવા હંમેશાં તૈયાર રહો. પણ નરમાશથી*+ અને પૂરા આદર+ સાથે જવાબ આપો.
૧૬ ઈશ્વરની નજરમાં તમારું અંતઃકરણ શુદ્ધ રાખો.+ ભલે લોકો તમારા વિશે કંઈ પણ ખરાબ બોલે, પણ ખ્રિસ્તના સેવકો તરીકે તમારાં સારાં વાણી-વર્તન જોશે ત્યારે,+ તેઓ શરમમાં મુકાશે.+ ૧૭ જો ઈશ્વરની ઇચ્છા એવી હોય કે તમે સહન કરો, તો દુષ્ટ કામોને લીધે સહન કરવાને બદલે+ સારાં કામોને લીધે સહન કરવું વધારે સારું છે.+ ૧૮ કેમ કે આપણાં પાપ માટે ખ્રિસ્ત મોતને ભેટ્યા, એવું તેમણે એક જ વાર અને હંમેશ માટે કર્યું.+ તે નેક હોવા છતાં મોતને ભેટ્યા,+ જેથી તમને ઈશ્વર પાસે લઈ જઈ શકે.+ તેમને મારી નાખવામાં આવ્યા ત્યારે તેમનું માનવી શરીર હતું,+ પણ તેમને જીવતા કરવામાં આવ્યા ત્યારે તેમને સ્વર્ગમાંનું શરીર આપવામાં આવ્યું.*+ ૧૯ પછી તેમણે જઈને કેદમાં પડેલા દુષ્ટ દૂતોને પ્રચાર કર્યો,+ ૨૦ જેઓએ નૂહના દિવસોમાં ઈશ્વરની આજ્ઞા માની ન હતી. એ સમયે ઈશ્વર ધીરજથી રાહ જોતા હતા+ અને વહાણ* બંધાઈ રહ્યું હતું.+ એ વહાણને લીધે થોડાક, એટલે કે આઠ લોકો* પાણીથી બચી ગયા હતા.+
૨૧ આ ઘટના બાપ્તિસ્માને* દર્શાવે છે. ઈસુ ખ્રિસ્તને જીવતા કરવામાં આવ્યા એના દ્વારા એ બાપ્તિસ્મા તમને હમણાં બચાવી રહ્યું છે. બાપ્તિસ્માનો અર્થ શરીરનો મેલ દૂર કરવો નહિ, પણ શુદ્ધ અંતઃકરણ માટે ઈશ્વરને અરજ કરવી થાય છે.+ ૨૨ ખ્રિસ્ત હમણાં સ્વર્ગમાં ગયા છે અને ઈશ્વરના જમણા હાથે બેઠા છે.+ દૂતો, અધિકારો અને સત્તાઓ તેમને આધીન કરવામાં આવ્યાં છે.+