પિતરનો બીજો પત્ર
૧ હું સિમોન પિતર, ઈસુ ખ્રિસ્તનો* દાસ અને પ્રેરિત,* તમને આ પત્ર લખું છું, જેઓએ અમારી જેમ અનમોલ શ્રદ્ધા મેળવી છે.* આપણને બધાને એ શ્રદ્ધા મળી છે, કેમ કે આપણા ઈશ્વર નેક છે અને આપણા તારણહાર ઈસુ ખ્રિસ્ત પણ નેક છે.
૨ ઈશ્વરના ખરા જ્ઞાનને લીધે અને આપણા માલિક ઈસુના ખરા જ્ઞાનને+ લીધે તમને અપાર કૃપા* અને પુષ્કળ શાંતિ મળતી રહે. ૩ કેમ કે ઈશ્વરે પોતાની શક્તિથી આપણને એવી સર્વ વસ્તુઓ ઉદારતાથી આપી છે, જે જીવન જીવવા અને ભક્તિભાવ રાખવા મદદ કરે છે. જેમણે પોતાનાં મહિમા અને ભલાઈથી* આપણને બોલાવ્યા છે,+ તેમના વિશે ખરું જ્ઞાન હોવાને લીધે આપણને એ બધું આપવામાં આવ્યું છે. ૪ મહિમા અને ભલાઈ દ્વારા તેમણે આપણને મૂલ્યવાન અને ભવ્ય વચનો આપ્યાં છે,*+ જેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર બનો.+ તેમણે આ વચનો એટલે આપ્યાં છે, કેમ કે આપણે દુનિયાની ભ્રષ્ટ બાબતોમાંથી નીકળી ગયા છીએ, જે ખોટી ઇચ્છાથી* પેદા થાય છે.
૫ એ જ કારણે, તમે પૂરો પ્રયત્ન કરો+ કે તમારી શ્રદ્ધા સાથે ભલાઈમાં,*+ ભલાઈ સાથે જ્ઞાનમાં,+ ૬ જ્ઞાન સાથે સંયમમાં, સંયમ+ સાથે ધીરજમાં, ધીરજ સાથે ભક્તિભાવમાં,+ ૭ ભક્તિભાવ સાથે ભાઈઓ માટે લાગણીમાં અને એ લાગણી સાથે પ્રેમમાં વધતા જાઓ.+ ૮ કેમ કે જો આ ગુણો તમારામાં હશે અને એનાથી તમે ભરપૂર હશો, તો તમે આપણા માલિક ઈસુ ખ્રિસ્તના ખરા જ્ઞાનને અમલમાં મૂકીને ફળ પેદા કરશો અને ઠંડા પડશો નહિ.+
૯ પણ જેનામાં એ ગુણો નથી તે આંધળો છે, તે પ્રકાશમાં જાણીજોઈને પોતાની આંખો બંધ કરે છે.*+ તે ભૂલી ગયો છે કે ઘણા સમય પહેલાં તેણે કરેલાં પાપમાંથી તેને શુદ્ધ કરવામાં આવ્યો છે.+ ૧૦ તેથી ભાઈઓ, ઈશ્વરે બોલાવેલા+ અને પસંદ કરેલા લોકો તરીકે વફાદાર રહેવા તમે બનતું બધું કરો. જો તમે આ બધું કરતા રહેશો, તો ક્યારેય ઠોકર ખાઈને પડશો નહિ.+ ૧૧ ખરું જોતાં, આ રીતે આપણા માલિક અને તારણહાર ઈસુ ખ્રિસ્તના+ કાયમ ટકનાર રાજ્યમાં પ્રવેશવાનો તમને ભવ્ય આશીર્વાદ મળશે.+
૧૨ એ જ કારણે, આ વાતો તમને યાદ કરાવવા હું હંમેશાં તૈયાર રહીશ. ભલે તમે એ વાતો જાણો છો અને જે સત્ય તમે શીખ્યા એમાં સ્થિર છો, છતાં હું તમને યાદ કરાવતો રહીશ. ૧૩ મને એ યોગ્ય લાગે છે કે જ્યાં સુધી હું આ મંડપમાં* છું,+ ત્યાં સુધી તમને યાદ કરાવીને ઉત્તેજન આપતો રહું,+ ૧૪ કેમ કે હું જાણું છું કે જલદી જ મારો મંડપ પાડી નાખવામાં આવશે, જેમ આપણા માલિક ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ જણાવ્યું હતું.+ ૧૫ હું હંમેશાં બનતું બધું કરતો રહીશ, જેથી મારા ગયા પછી તમે પોતાને આ વાતો યાદ કરાવી* શકો.
૧૬ જ્યારે અમે તમને આપણા માલિક ઈસુ ખ્રિસ્તની શક્તિ અને હાજરી* વિશે જણાવ્યું હતું, ત્યારે ચાલાકીથી ઘડી કાઢેલી ખોટી વાર્તાઓનો અમે સહારો લીધો ન હતો. અમે તો તેમનું ગૌરવ નજરોનજર જોયું હતું.+ ૧૭ ઈશ્વર આપણા પિતા પાસેથી તેમને માન-મહિમા મળ્યા છે. એ ત્યારે થયું હતું, જ્યારે મહાન ઈશ્વરે તેમને આ શબ્દો* કહ્યા હતા: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.”+ ૧૮ હા, જ્યારે અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા, ત્યારે આકાશમાંથી એ શબ્દો અમે સાંભળ્યા હતા.
૧૯ આમ, ભવિષ્યવાણીઓ પર આપણો ભરોસો વધારે મજબૂત થયો. (દિવસ થાય અને સવારનો તારો*+ ઊગે ત્યાં સુધી) તમે એના પર ધ્યાન આપીને સારું કરો છો. જાણે તે સળગતા દીવાની+ જેમ અંધારામાં, એટલે કે તમારાં હૃદયોમાં પ્રકાશ આપે છે. ૨૦ સૌથી પહેલા, તમે એ જાણો કે શાસ્ત્રની એક પણ ભવિષ્યવાણી કોઈ માણસના વિચારોને આધારે નથી. ૨૧ કેમ કે કોઈ પણ ભવિષ્યવાણી ક્યારેય માણસની ઇચ્છા પ્રમાણે+ કરવામાં આવી ન હતી, પણ માણસો પવિત્ર શક્તિથી પ્રેરાઈને* ઈશ્વર તરફથી બોલ્યા હતા.+