દાનિયેલ
૯ માદીઓના વંશજ અહાશ્વેરોશના દીકરા દાર્યાવેશના+ રાજનું પહેલું વર્ષ ચાલતું હતું. તેને ખાલદીઓના રાજ્ય પર રાજા બનાવવામાં આવ્યો હતો.+ ૨ તેના રાજના પહેલા વર્ષે મને પુસ્તકોના* અભ્યાસ પરથી સમજાયું કે યરૂશાલેમ કેટલાં વર્ષો સુધી ઉજ્જડ રહેશે.+ યર્મિયા પ્રબોધકને* મળેલા યહોવાના સંદેશા પ્રમાણે એ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેવાનું હતું.+ ૩ એટલે મેં મદદ માટે સાચા ઈશ્વર યહોવા તરફ મીટ માંડી. મેં પ્રાર્થનામાં તેમને આજીજી કરી. મેં ઉપવાસ કર્યો,+ કંતાન પહેર્યું અને પોતાના પર રાખ નાખી.* ૪ મેં મારા ઈશ્વર યહોવાને પ્રાર્થના કરી અને અમારાં પાપ કબૂલ કરતા કહ્યું:
“હે સાચા ઈશ્વર યહોવા, તમે મહાન અને અદ્ભુત* ઈશ્વર છો. તમે તમારો કરાર* પાળો છો. જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે,+ તેઓને તમે અતૂટ પ્રેમ*+ બતાવો છો. ૫ અમે પાપ કર્યું છે, ખરાબ અને દુષ્ટ કામો કર્યાં છે, બળવો કર્યો છે.+ અમે તમારી આજ્ઞાઓ પાળી નથી, તમારા ન્યાયચુકાદા ધ્યાનમાં લીધા નથી. ૬ તમારા સેવકો, એટલે કે પ્રબોધકોએ તો અમારા રાજાઓ, અધિકારીઓ, બાપદાદાઓ અને દેશના બધા લોકોને તમારા નામે સંદેશો જણાવ્યો હતો, પણ અમે એ પ્રબોધકોની વાત માની નથી.+ ૭ હે યહોવા, તમે તો ન્યાયી છો, પણ અમે શરમમાં મુકાયા છીએ, જેમ આજે જોવા મળે છે. યહૂદાના માણસો, યરૂશાલેમના રહેવાસીઓ અને બધા ઇઝરાયેલીઓ શરમમાં મુકાયા છે, જેઓને તમે નજીકના અને દૂરના દેશોમાં વિખેરી નાખ્યા હતા, કેમ કે તેઓ તમને બેવફા બન્યા હતા.+
૮ “હે યહોવા, અમે, અમારા રાજાઓ, અધિકારીઓ અને બાપદાદાઓ શરમમાં મુકાયા છીએ, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૯ અમારા ઈશ્વર યહોવા, તમે દયાળુ અને માફી આપનાર ઈશ્વર છો.+ પણ અમે તમારી વિરુદ્ધ બળવો કર્યો છે.+ ૧૦ અમારા ઈશ્વર યહોવા, અમે તમારી વાત માની નથી. તમે તમારા સેવકો, એટલે કે પ્રબોધકો દ્વારા આપેલા નિયમો અમે પાળ્યા નથી.+ ૧૧ બધા ઇઝરાયેલીઓએ તમારા નિયમો તોડ્યા છે અને તમારી વાત માનવાને બદલે પોતાનું મોં ફેરવી લીધું છે. એટલે તમે અમારા પર શ્રાપ રેડી દીધો, જે વિશે શપથ ખાઈને કહેવામાં આવ્યું હતું અને સાચા ઈશ્વરના સેવક મૂસાના નિયમશાસ્ત્રમાં* લખવામાં આવ્યું હતું.+ તમે એ શ્રાપ રેડ્યો, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૨ અમારા પર અને અમારા અધિકારીઓ* પર આફત લાવીને તમે પોતાના શબ્દો પૂરા કર્યા છે.+ યરૂશાલેમ પર જે આફત આવી હતી, એવી આફત આખી પૃથ્વી પર આજ સુધી આવી નથી.+ ૧૩ મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે અમારા પર એ આફતો આવી પડી.+ છતાં હે અમારા ઈશ્વર યહોવા, અમે તમારી પાસે દયાની ભીખ માંગી નથી, અમે અપરાધો કરવાનું છોડ્યું નથી+ અને તમારા સત્ય* વિશે ઊંડી સમજણ મેળવી નથી.
૧૪ “હે અમારા ઈશ્વર યહોવા, તમે તો બધાં કામોમાં ન્યાયી છો, એટલે હે યહોવા, તમે યોગ્ય સમય જોઈને અમારા પર આફત લાવ્યા. છતાં અમે તમારી વાત માની નથી.+
૧૫ “હે અમારા ઈશ્વર યહોવા, તમે પોતાના શક્તિશાળી હાથથી તમારા લોકોને ઇજિપ્તમાંથી* બહાર કાઢી લાવ્યા.+ તમે તમારું નામ મોટું મનાવ્યું, જે આજે પણ જગજાહેર છે.+ તોપણ અમે પાપ કર્યું છે અને દુષ્ટ કામો કર્યાં છે. ૧૬ યહોવા, તમે હંમેશાં ન્યાયથી વર્તો છો.+ કૃપા કરીને તમારા શહેર યરૂશાલેમ પરથી, તમારા પવિત્ર પર્વત પરથી તમારો ગુસ્સો અને ક્રોધ દૂર કરો. અમારાં પાપ અને અમારા બાપદાદાઓના અપરાધને લીધે આસપાસના લોકો યરૂશાલેમની અને તમારા લોકોની નિંદા કરે છે.+ ૧૭ હે અમારા ઈશ્વર, તમારા આ સેવકની પ્રાર્થના સાંભળો, તેની વિનંતીને કાન ધરો. યહોવા, તમારા નામના મહિમાને લીધે આ પવિત્ર જગ્યાનું ભલું કરો,*+ જે ઉજ્જડ પડી છે.+ ૧૮ મારા ઈશ્વર, મારી પ્રાર્થનાને કાન ધરો. મહેરબાની કરીને તમારી આંખો ખોલો અને અમારી બરબાદી જુઓ, તમારા નામે ઓળખાતા શહેરના હાલ જુઓ. અમે નેક કામો કર્યાં છે એટલે નહિ, પણ તમે દયાળુ ઈશ્વર છો+ એટલે તમને કાલાવાલા કરીએ છીએ. ૧૯ યહોવા, અમારું સાંભળો. યહોવા, અમને માફ કરો.+ યહોવા, ધ્યાન આપો અને અમને મદદ કરો. ઓ મારા ઈશ્વર, તમારા નામને લીધે મોડું ન કરો, કેમ કે તમારું શહેર અને તમારા લોકો તમારા નામથી ઓળખાય છે.”+
૨૦ હું બોલતો હતો અને પ્રાર્થના કરતો હતો, મારાં અને ઇઝરાયેલી લોકોનાં પાપ કબૂલ કરતો હતો અને મારા ઈશ્વરના પવિત્ર પર્વત+ માટે મારા ઈશ્વર યહોવાને વિનંતી કરતો હતો, ૨૧ હા, હું પ્રાર્થના કરતો હતો એવામાં ગાબ્રિયેલ નામનો માણસ+ મારી આગળ આવ્યો, જેને મેં અગાઉ દર્શનમાં જોયો હતો.+ તે આવ્યો ત્યારે સાંજના ભેટ-અર્પણનો સમય થયો હતો અને હું ખૂબ થાકેલો હતો. ૨૨ તેણે મને સમજાવતા કહ્યું:
“હે દાનિયેલ, તું બધું સમજી શકે માટે હું તને બુદ્ધિ અને સમજશક્તિ આપવા આવ્યો છું. ૨૩ તું કાલાવાલા કરતો હતો ત્યારે ઈશ્વર તરફથી મને એક સંદેશો મળ્યો. હું તને એ સંદેશો જણાવવા આવ્યો છું, કેમ કે તું અતિ પ્રિય છે.*+ તું સંદેશા પર ધ્યાન આપ અને દર્શન સમજવાની કોશિશ કર.
૨૪ “તારા લોકો માટે અને તારા પવિત્ર શહેર+ માટે ૭૦ અઠવાડિયાં* નક્કી કરવામાં આવ્યાં છે, જેથી અપરાધ બંધ કરવામાં આવે, પાપનો અંત લાવવામાં આવે,+ ગુનાઓનું પ્રાયશ્ચિત્ત* કરવામાં આવે,+ કાયમ માટે નેકી* લાવવામાં આવે,+ દર્શન અને ભવિષ્યવાણી* પર મહોર કરવામાં આવે+ અને પરમ પવિત્રનો* અભિષેક* કરવામાં આવે. ૨૫ તું આ જાણી લે અને સમજી લે કે યરૂશાલેમને ફરી બાંધવાનો અને સ્થાપવાનો હુકમ બહાર પડે+ ત્યારથી લઈને મસીહ,*+ એટલે કે આગેવાન+ આવે ત્યાં સુધી ૭ અઠવાડિયાં અને ૬૨ અઠવાડિયાં વીતશે.+ યરૂશાલેમને તેના ચોક અને નહેર* સાથે ફરી બાંધવામાં અને સ્થાપવામાં આવશે, પણ એ બધું આફતના સમયોમાં થશે.
૨૬ “૬૨ અઠવાડિયાં પછી મસીહને* મારી નાખવામાં* આવશે,+ તેની પાસે કંઈ નહિ બચે.+
“પછી એક આગેવાન આવશે, જેની સેનાઓ શહેરનો અને પવિત્ર જગ્યાનો વિનાશ કરશે.+ એનો અંત પૂરથી આવશે, અંત આવશે ત્યાં સુધી યુદ્ધ થશે. એના સર્વનાશનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.+
૨૭ “તે* ઘણા લોકો માટે એક અઠવાડિયા સુધી કરાર અમલમાં રાખશે.* અડધું અઠવાડિયું વીતશે ત્યારે તે બલિદાન અને ભેટ-અર્પણ બંધ કરાવશે.+
“ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર બેસીને વિનાશ કરનાર આવશે.+ જે નક્કી કરવામાં આવ્યું છે, એ બધું ઉજ્જડ થયેલી જગ્યા પર ત્યાં સુધી રેડવામાં આવશે, જ્યાં સુધી એનો પૂરેપૂરો નાશ ન થાય.”