માથ્થી
૧૬ ફરોશીઓ અને સાદુકીઓ ઈસુ પાસે આવ્યા. ઈસુની કસોટી કરવા તેઓએ કહ્યું કે આકાશમાંથી તે કોઈ નિશાની દેખાડે.+ ૨ ઈસુએ તેઓને કહ્યું: “સાંજ પડે છે ત્યારે તમે કહો છો, ‘હવામાન સારું હશે, કેમ કે આકાશ લાલ રંગનું છે.’ ૩ સવારે કહો છો, ‘આજે ઠંડી હશે અને વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ રંગનું પણ વાદળોથી ઘેરાયેલું છે.’ તમે આકાશ તરફ જોઈને હવામાન પારખી શકો છો, પણ સમયની નિશાનીઓ પારખી શકતા નથી. ૪ દુષ્ટ અને વ્યભિચારી* પેઢી નિશાની શોધે છે. પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.”+ પછી તે તેઓને મૂકીને ચાલ્યા ગયા.
૫ હવે શિષ્યો પેલે પાર ગયા ત્યારે, પોતાની સાથે રોટલી લેવાનું ભૂલી ગયા.+ ૬ ઈસુએ તેઓને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહો.”+ ૭ તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “અરે, રોટલી લાવવાનું તો ભૂલી જ ગયા!” ૮ એટલે ઈસુએ કહ્યું: “ઓ ઓછી શ્રદ્ધાવાળાઓ, તમે અંદરોઅંદર એવી વાત કેમ કરો છો કે તમારી પાસે રોટલી નથી? ૯ શું તમે હજી પણ સમજતા નથી? શું તમને યાદ નથી કે ૫,૦૦૦ વચ્ચે પાંચ રોટલી હતી ત્યારે તમે કેટલી ટોપલીઓ ભરી હતી?+ ૧૦ અથવા ૪,૦૦૦ વચ્ચે સાત રોટલી હતી ત્યારે તમે કેટલા ટોપલા ભર્યા હતા?+ ૧૧ તમે કેમ નથી સમજતા કે હું તમારી સાથે રોટલી વિશે વાત નથી કરતો. પણ હું તો તમને ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવચેત રહેવા કહું છું.”+ ૧૨ પછી તેઓને સમજ પડી કે ઈસુ ફરોશીઓ અને સાદુકીઓના શિક્ષણથી સાવચેત રહેવાનું કહેતા હતા, રોટલીના ખમીરથી નહિ.
૧૩ ઈસુ કાઈસારીઆ ફિલિપીના પ્રદેશમાં આવ્યા. તેમણે શિષ્યોને પૂછ્યું: “માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે?”+ ૧૪ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન,+ કોઈ કહે છે એલિયા,+ કોઈ કહે છે યર્મિયા કે કોઈ પ્રબોધક.” ૧૫ તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” ૧૬ સિમોન પિતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો,+ જીવતા ઈશ્વરના દીકરા.”+ ૧૭ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “સિમોન, યૂનાના દીકરા, ધન્ય છે તને! કેમ કે આ વાત કોઈ માણસે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને પ્રગટ કરી છે.+ ૧૮ હું તને કહું છું કે તું પિતર* છે.+ આ ખડક+ પર હું મારું મંડળ* બાંધીશ અને એના પર મરણની* સત્તાનું જોર ચાલશે નહિ. ૧૯ હું તને સ્વર્ગના રાજ્યની ચાવીઓ આપીશ. તું પૃથ્વી પર જે કંઈ બાંધશે એ સ્વર્ગમાં પહેલેથી બંધાયેલું હશે. તું પૃથ્વી પર જે કંઈ છોડશે એ સ્વર્ગમાં પહેલેથી છોડાયેલું હશે.” ૨૦ તેમણે શિષ્યોને કડક શબ્દોમાં જણાવ્યું કે પોતે ખ્રિસ્ત છે એ કોઈને કહેવું નહિ.+
૨૧ એ સમયથી ઈસુ શિષ્યોને સમજાવવા લાગ્યા કે તેમણે યરૂશાલેમ જવું પડશે. તેમણે વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તરફથી ઘણી સતાવણી સહેવી પડશે. તેમને મારી નાખવામાં આવશે અને તે ત્રીજા દિવસે જીવતા કરાશે.+ ૨૨ પિતરે તેમને એક બાજુએ લઈ જઈને ઠપકો આપ્યો અને કહ્યું: “માલિક, પોતાના પર દયા કરો! તમને એવું કંઈ પણ નહિ થાય.”+ ૨૩ ઈસુએ પિતરથી મોં ફેરવી લઈને કહ્યું: “મારી પાછળ જા, શેતાન! તું મારા માર્ગમાં નડતર* છે. તું ઈશ્વરના વિચારો પર નહિ, પણ માણસોના વિચારો પર મન લગાડે છે.”+
૨૪ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે અને પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૨૫ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને મેળવશે.+ ૨૬ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે તો એનાથી શો લાભ?+ અથવા માણસ પોતાના જીવનના બદલામાં શું આપશે?+ ૨૭ માણસનો દીકરો પોતાના પિતા પાસેથી મહિમા મેળવીને પોતાના દૂતો સાથે આવશે. પછી તે દરેકને તેનાં કામો પ્રમાણે બદલો આપશે.+ ૨૮ હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક જ્યાં સુધી માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+